રમણીક અગ્રાવતની કવિતા/પ્રવાહ

૫૩. પ્રવાહ

પાંદડાંઓનું જો ચાલે
તો આખેઆખો પીપળો લઈને ઊડે
સાંજની વ્યાકુળતામાં પાંદડાંઓ બીજું કરે શું?

કદી થવી નથી એવી થઈ છે
આજની આ સાંજ

વગડતા રંગો ઊમટે છે
અને ઓસરે છે અવનવી ઝાંયમાં
અવાજો સ્વપ્નમાં તરવરતાં દુઃખ જેમ
હળવે હળવે ગ્રસે છે

સાંજનો કંપ હચમચાવી ગયો છે
સઘળાં મકાનોને પણ
શક્ય છે જે બારણે જઈ ઊભો રહીશ
એ સાવ અજાણ્યું ઘર નીકળે

સાંધ્ય પ્રવાહમાં
આ સમગ્ર સૃષ્ટિ
કઈ યાત્રાએ નીકળી છે?