રમણીક અગ્રાવતની કવિતા/વળામણાં

૩૨. વળામણાં

શેરી લાંબી કે લાંબું ફળિયું જી રે
પગલાં ખૂંટે કે ખૂંટે પ્રાણ જો
કેમ વળાવી મારી લાડકી જી રે...

ઊંડી શેરીમાં હજી કોણ રમે જી રે
આઘે આઘેથી આવે સાદ જો.
કેમ વળાવી મારી લાડકી જી રે...

ખખડી ડેલી કે કાંઈ પગ પડ્યા જી રે
કોનો આ ભીંજવતો બોલાશ જો.
કેમ વળાવી મારી લાડકી જી રે...

ઘડીક ભણકાર આવે બારણે જી રે
ઘડીક બારી ગણગણતી ગીત જો.
કેમ વળાવી મારી લાડકી જી રે...

મહિના જાશે ને વરસો વીતશે જી રે
સાસરવાટે દીકરી ક્યાં સમાઈ જો.
કેમ વળાવી મારી લાડકી જી રે...