રવીન્દ્રપર્વ/૧૯૭. સાહિત્યનું સ્વરૂપ


૧૯૭. સાહિત્યનું સ્વરૂપ

કવિતા શી વસ્તુ છે એ વિશે બેચાર વાત કહેવાની મને ફરમાશ કરવામાં આવી છે. સાહિત્યના સ્વરૂપ વિશે આ પહેલાં મેં ક્યાંક ક્યાંક ચર્ચા કરી છે. કવિતા એ કશીક આન્તરિક અપેક્ષાની પૂતિર્રૂપે અવતરે છે. એ આન્તરિક અપેક્ષા શી તે વિશે મારા મનને મેં ઘણી વાર પૂછ્યું છે. એનો જે જવાબ મળે છે તેને સહજ રીતે કહેવાનું સહેલું નથી. શાસ્ત્રકારોએ આ સમ્બન્ધમાં જે વ્યાખ્યાઓનો ઢગલો વાળ્યો છે તે જ આવે પ્રસંગે ફરી ફરી આગળ ધસી આવે છે. પોતાને ઉપલબ્ધ થયેલા અભિમતને રસ્તો કરી આપવા માટે એ બધી વ્યાખ્યાઓની જટાજાળને અળગી કરવી જરૂરી થઈ પડે છે. આ વિષયની ચર્ચાના આરમ્ભમાં જ ‘સુન્દર’ શબ્દ વિશે ગોટાળો ઊભો થાય છે. સુન્દરનો બોધ કરાવવો એ જ કાવ્યનો ઉદ્દેશ છે એમ કોઈ ઉપાચાર્યનું નામ દઈને, ટેવ પ્રમાણે વગર વિચાર્યે, બોલી નાખવાનું મન થઈ જાય છે. પ્રમાણો એકઠાં કરતાં મનમાં સંશય જાગે છે. પ્રશ્ન થાય છે કે સુન્દર આપણે કોને કહીએ છીએ? કન્યાને જોવા જતી વેળાએ વરના વડીલ જે આદર્શ નજર સામે રાખીને કન્યાને ઊભી રાખીને, ચલાવીને, વાળ છુટ્ટા રખાવીને, બોલાવીને જુએ છે તે આદર્શ કાવ્યની પસંદગીમાં પણ કામે લગાડીએ તો ડગલે ને પગલે મુશ્કેલી ઊભી થશે. ફોલ્સ્ટાફની સાથે કન્દર્પની તુલના નહીં થઈ શકે, ને છતાં સાહિત્યના ચિત્રભાણ્ડારમાંથી કન્દર્પને બાદ રાખીએ તો નુકસાન થવાનું નથી, પણ ફોલ્સ્ટાફને બાદ કરતાં તો જરૂર ખોટ જશે. સીતાનું ચરિત્ર રામાયણમાં મહિમાન્વિત છે એ સાચું, પણ સ્વયં વીર હનુમાન — જેટલું મોટું એનું પૂછડું તેટલું એમનું ગૌરવ એવું દેખાય છે. મનમાં આવા સંશય થતા હોય ત્યારે કવિની વાણી યાદ આવે છે: Truth is beauty, એટલે કે, સત્ય જ સૌન્દર્ય છે. પણ એ સત્યની અન્તરમાં જ્યારે નિબિડ ઉપલબ્ધિ થાય છે ત્યારે જ એમાંથી સૌન્દર્યનો રસ પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી નહીં, સ્વીકૃતિથી. એને જ આપણે વાસ્તવ કહીએ છીએ. સર્વગુણાધાર યુધિષ્ઠિર કરતાં ઊડઝૂડિયો ભીમ વધુ વાસ્તવિક, શાસ્ત્રના વિધિનિષેધને માન્ય રાખીને સ્વસ્થ થનારા રામ કરતાં લક્ષ્મણ વધુ વાસ્તવિક, એ અન્યાય સહી ન શકતાં અગ્નિશર્મા થઈ ઊઠે ને એનો નર્યો અશાસ્ત્રીય પ્રતિકાર કરવા ઉદ્યત થઈ ઊઠે. મારો જડસુ ને શામળો ચાકર નીલમણિ — એને કહીએ કંઈક ને એ સમજે કંઈક, એને કરવાનું કહીએ કંઈક ને એ કરી બેસે બીજું જ કંઈક, ને એને જો ઠપકો દઈએ તો એ સહેજ હસીને ‘ભૂલ થઈ’ એવું બોલી દે — જો બનારસી મોજડી પહેરીને વરવેશે આવે તો એ દૃશ્ય કેવું લાગે એ પ્રશ્ન નકામો છે, પણ એ બીજા નામજાદા લોકો (જેમનું નામ અહીં દેતા મને સંકોચ થાય છે) કરતાં અનેકગણો વાસ્તવિક લાગશે એટલું નક્કી. એટલે કે જો કવિતા લખવી હોય તો એને નાયક કે ઉપનાયક બનાવીએ તો એ કોઈ વાગ્મીપ્રવર ગણનાયકના કરતાં વધુ ઉપાદેય નીવડે કદાચ. વધુ પરિચિત હોવાને કારણે જ કશુંક વાસ્તવિક બને છે એવું નથી, પણ જેને ઝાઝું ઓળખતા નહીં હોઈએ ને છતાં જેને અપરિહાર્ય રૂપે ‘હા’ કહીને સ્વીકારી લેવું પડે તે જ આપણને વધુ વાસ્તવિક લાગે છે. એ કયા ગુણને કારણે તે વિશે ફોડ પાડીને કશુંક કહેવું અઘરું છે. એઓ જૈવ છે, organic છે એવું કદાચ કહી શકાય; એમને આત્મસાત્ કરવામાં રુચિ અથવા ઇચ્છાને વાંધો પડતો હોય એમ બને, પણ એ સિવાય બીજો કશો વાંધો નડતો નથી. ભોજ્ય પદાર્થમાં જેમ કોઈક કડવો હોય છે તો કોઈક ગળ્યો તો કોઈક તીખો હોય છે, ને વ્યવહારમાં એ વિશે તારતમ્ય રહ્યું હોવા છતાં એ બધાંંમાં એક સામ્ય રહ્યું હોય છે, એ બધા જૈવિક છે, દેહતન્તુનું નિર્માણ કરવામાં એઓ ખપમાં આવે છે. શરીરને માટે એ બધા ‘હા’ પક્ષના છે, સ્વીકૃતિના પક્ષના છે, ‘ના’ પક્ષના નથી. સંસારમાં આપણા દરેકની ચાર બાજુએ આ હા-ધર્મીની મંડળી રહી હોય છે. એ જ છે વાસ્તવનું આવેષ્ટન; એ બધાંને પોતાની સાથે ગૂંથી દઈને જ આપણી સત્તા પોતાને વિચિત્રિત કરે છે. વિસ્તીર્ણ બને છે; એ માત્ર મનુષ્યો નથી, કૂતરાંબિલાડાં, ઘોડા, પોપટ, કાકાકૌઆ, વૃક્ષોની ઘટાથી ઘેરાએલી તલાવડી, ગોંસાઈફળિયાની ઉજ્જડ વાડીની ભાંગેલી વંડી પર ઊગી નીકળેલાં ખાટાં ફળનાં ઝાડવાં, ગભાણના આંગણામાંના ઘાસના કુંદવાની વાસ, ફળિયામાં થઈને હાટે જવાનો રસ્તો, લુહારની દુકાને ઉગામેલા ઘણનો ટીપવાનો અવાજ, બહુ પુરાણાં ખંડિયેરની ઈંટો વચ્ચેથી ઊગી નીકળેલો પીપળો, રસ્તાની એક બાજુએ ઝાડની છાયામાં ચોતરા પર બેસીને ગંજીફો રમતા ગ્રામવૃદ્ધો: આ ને બીજું કેટલુંય, એ ઇતિહાસમાં સ્થાન પામતું નથી, નકશા પર એની રેખા અંકાતી નથી. એની સાથે આવી મળે છે પૃથ્વીની ચારે બાજુથી અનેક ભાષાએ સાહિત્યલોકના વાસ્તવનું ટોળું. ભાષાની વાડ ઓળંગી એમનામાંના જે કોઈ સાથે પરિચય થાય તેને રાજી થઈને કહીએ: ‘વાહ, ઘણું સારું થયું;’ એટલે કે પ્રાણ સાથે મિલન થયું, મન સાથે મેળ બેઠો, ઘણું સારું થયું. એમાં રાજા-બાદશાહ છે, દીનદુખિયાં પણ છે, સુપુરુષ છે, સુન્દરી છે, તો કાણાલંગડા ને કદરૂપાકૂબડા પણ છે. એમની સાથે રહ્યા છે અજબના દુનિયાના ઉતાર જેવા જેમની ઉપર વિધાતાનો હાથ કદી ફર્યો નથી, પ્રાણતત્ત્વની સાથે, શરીરતત્ત્વની સાથે જેમના અસ્તિત્વનો મેળ ખાતો નથી, પ્રચલિત રીતિપદ્ધતિની સાથેય જેમનો કશો મેળ ખાતો નથી. અને રહ્યા છે બીજાય જેઓ ઐતિહાસિકતાનો ડોળ કરીને બેઠકમાં સ્થાન લે છે, કોઈકે મોગલાઈ પાઘડી પહેરી છે તો કોઈકે જોધપુરી પાયજામો પહેર્યો છે, પણ ઇતિહાસની વાત જેની બાર આના ખોટી છે. પ્રમાણપત્ર માગીશું તો એઓ નિર્લજ્જ બનીને કહી દેવાના: ‘પ્રમાણ બમાણની અમને કશી પડી નથી. તમને અમે ગમીએ છીએ કે નહીં તે જ જોઈ લો ને!’ આ ઉપરાંત રહી છે ભાવાવેગની વાસ્તવતા — સુખદુ:ખ મિલનવિચ્છેદ લજ્જાભય વીરત્વકાપુરુષતા. આ બધાં મળીને સાહિત્યનું વાયુમણ્ડળ તૈયાર કરે છે, એમાં જ તાપ ને વૃષ્ટિ, તેજ-છાયાની ભાત, ધુમ્મસની વિડમ્બના, મરીચિકાની ચિત્રકળા. બહારથી એ માનવીને પોતાનો કરી લે, અંદરથી એ માનવીને પોતાની સાથે એકરૂપ કરી દેનારી સૃષ્ટિ. આ વાસ્તવમંડળી — વિશ્વલોકમાં એ જ એનો અન્તરંગ માનવલોક, એમાં રહ્યાં છે સુન્દરઅસુન્દર, શુભઅશુભ, સંગતઅસંગત, સૂરીલું ને બસુરું. જ્યારે એ બધાં પોતાના અસ્તિત્વનો એવો તો પુરાવો પોતામાં જ લઈને હાજર થાય કે એમનો સ્વીકાર કર્યે જ છૂટકો, ને ત્યારે આપણે રાજી થઈ ઊઠીએ. વિજ્ઞાન અને ઇતિહાસ એમને ભલે ને અસત્ય કહેતાં, માનવી પોતાના મનની અપરોક્ષ અનુભૂતિથી એને નિશ્ચિત સત્ય ગણીને સ્વીકારે છે. એ સત્યનો બોધ આનન્દ આપે છે, એ આનન્દ જ એનું અન્તિમ મૂલ્ય. તો પછી એમ શી રીતે કહેવાય કે સુન્દરને બોધગમ્ય કરાવવું એ જ કાવ્યનો ઉદ્દેશ છે? વિષયની વાસ્તવતા — ઉપલબ્ધિ ઉપરાંત કાવ્યની એક બીજી બાજુ પણ રહેલી છે: એ છે એની શિલ્પકળા. જે યુક્તિગમ્ય છે તેનું પ્રમાણ રજૂ કરવું પડે, જે આનન્દગમ્ય છે તેને પ્રકટ કરવાનું રહે. જે પ્રમાણયોગ્ય તેને પુરવાર કરવાનું સહેલું , પણ જે આનન્દમય તેને પ્રકટ કરવાનું એટલું સહેલું નહિ. ‘આનન્દ થયો છે.’ એટલું કહેવું હોય તો સૂરની અપેક્ષા રહે, ભાવભંગીની અપેક્ષા રહે. એને સુન્દર રૂપે સજાવવી પડે, મા જેમ દીકરાને શણગારે, પ્રિય જેમ પ્રિયાને સજાવે, રહેવાનું ઘર જેમ ઉદ્યાનથી શોભાવીએ, વાસરકક્ષ જેમ ફૂલની માળાથી શણગારીએ તેમ કથાનું શિલ્પ એના છન્દમાં, ધ્વનિના સંગીતમાં, વાણીના વિન્યાસમાં અને સામગ્રીના તિરસ્કારપુરસ્કારમાં. આ આનન્દનું વાહન અક્િંચિત્કર હોય તે નહીં ચાલે; જેનો ઉત્કટતાથી અનુભવ કરીએ તેની અવહેલના નહીં થઈ શકે, એને ભારે કૌશલથી પ્રકટ કરવું ઘટે. ઘણી વાર આ શિલ્પકલા શિલ્પિતને ઉલ્લંઘીને પોતાના સ્વાતન્ત્ર્યને જ મુખ્ય બનાવી દે છે, કારણ કે એમાં જ સર્જનની પ્રેરણા રહી હોય છે. લીલાયિત અલંકૃત ભાષામાં અર્થને ઉલ્લંઘીને એક વિશિષ્ટ રૂપ પ્રકટ થતું હોય છે — એ એના ધ્વનિપ્રધાન ગીતધર્મને કારણે. વિશુદ્ધ સંગીતનું સ્વરાજ એના પોતાના ક્ષેત્રમાં, ભાષા સાથે ભાગ પડાવવાની એને કશી જરૂર હોતી નથી. પણ છન્દમાં અને ધ્વનિઝંકારની તિર્યક્ ભંગીમાં જે સંગીતરસ પ્રકટ થાય છે તેની અર્થપરત્વે કશી જવાબદારી નથી એમ નહીં કહી શકાય. પણ છન્દનો નશો, ધ્વનિપ્રસાધનનો નશો ઘણા કવિઓની રચનામાં વ્યસનની ઉગ્રતા ધારણ કરી બેસે છે, ભાષામાં ગદ્ગદ્ આવિલતા પ્રવેશે છે, સ્ત્રૈણ સ્વામીના જેવાં એમનાં કાવ્યમાં કાપુરુષતાનું દૌર્બલ્ય અશ્રદ્ધેય બની રહે છે. અન્તિમ વાત તે આ: Truth is beauty. કાવ્યનું આ સત્ય તે રૂપનું સત્ય, તથ્યનું નહીં. કાવ્યમાં રૂપ જો સત્ય રૂપે અત્યન્ત પ્રતીતિયોગ્ય નહીં બની રહે તો તથ્યની અદાલતમાં એ અનિન્દનીય ગણાવા છતાં કાવ્યના દરબારમાં એ નિન્દિત જ થવાનું. મનને ભોળવવાની મહેફિલમાં એનો અલંકારપુંજ ભલે ને ગુંજરિત થઈ ઊઠે, એટલે કે એ ભલે ને મુખર ભાષાએ સુન્દરની ગુલામી કરે, એથી તો ઊલટું એની અવાસ્તવતા જ વધારે ઉઘાડી પડે. એટલાથી જ જેઓ વાહવા કરી ઊઠે (ભલે ને આ કહેતાં હું તોછડો લાગું) તેમના મનની બાલ્યાવસ્થા હજી પૂરી થઈ નથી એમ જ કહેવું પડે. અન્તમાં એક વાત કહેવી જરૂરી સમજું છું. આજકાલ ઘણાને મન વાસ્તવ એટલે ‘જે-તે’ એવું વલણ જોવામાં આવે છે. પણ મૂળ વાત એ છે કે મનુષ્ય જેને સંપ્રજ્ઞાતપણે કે અસમ્પ્રજ્ઞાતપણે પસંદ કરતો હોય છે તે જ છે એનું વાસ્તવ. વિજ્ઞાનમાં ‘જે-તે’નું એકસરખું નિવિર્શેષ મૂલ્ય હોય છે. એ વિશ્વવ્યાપી ‘જે-તે’માંથી પસંદ થઈને જે આપણા સ્વાક્ષરથી અંકિત થઈને આપણને ચારે બાજુથી ઘેરી વળીને ઊભું રહે તે આપણું વાસ્તવ. બાકીની બધી અસંખ્ય વસ્તુઓ અનેક પ્રકારનાં મૂલ્ય ધરાવીને હાટમાં વિખેરાઈ જાય, પણ વાસ્તવના મૂલ્યથી વજિર્ત એ બધી આપણે મન તો માત્ર છાયા. ફળિયામાં દારૂનું પીઠું છે. એને, છન્દમાં કે અછન્દમાં, કાવ્યરચનામાં દાખલ કરવાથી કેટલાક મુશાયરામાં સસ્તી વાહવા મેળવવાની આશા રહે ખરી. એ મુશાયરાના શ્રોતાઓનું કહેવું છે કે ઘણા વખત સુધી ઇન્દ્રલોકમાં સુધાપાન કરીને જ કવિતા મત્ત બની ગઈ હતી, છન્દે બન્ધે કલાલની દુકાનનો એમાં અંશ સુધ્ધાં દેખાતો નહોતો, પણ કલાલની દુકાને એની આવજા તો ઠીકઠીક રહેતી. આ સમ્બન્ધમાં નિષ્પક્ષપણે હું ચુકાદો આપી શકવાની યોગ્યતા ધરાવું છું, કારણ કે મારે માટે કલાલની દુકાનનો દારૂનો અડ્ડો જેટલો દૂર છે તેટલી જ દૂર ઇન્દ્રલોકની સુધાપાનસભા છે, પ્રત્યક્ષ પરિચયની દૃષ્ટિએ, મારું કહેવું એ છે કે કલમના જાદુથી, કલ્પનાના પારસમણિના સ્પર્શથી, દારૂનું પીઠું અને સુધાપાનસભા: બંને વાસ્તવ બની શકે. પણ એમ બની શક્યું હોય તો જ. પણ દિવસ એવા આવ્યા છે કે ખણ્ડિત છન્દમાં દારૂના પીઠામાંના છાકટાઓના દાયરાને ઉતારવાથી જ આધુનિકની છાપ મળી જાય છે ને ઘરાકો બોલી ઊઠે છે: ‘હા, કવિ તો ખરો!’ વળી કહે છે: ‘આને જ તો કહેવાય રિયાલિઝમ.’ હું કહું છું ના, એને રિયાલિઝમ નહીં કહેવાય. રિયાલિઝમનું નામ દઈને આ પ્રકારની સસ્તી કવિતાઈ આજકાલ ઠીક પ્રમાણમાં પ્રચારમાં આવી છે. પણ આર્ટ એટલી સસ્તી વસ્તુ નથી. ધોબીને આપવાનાં મેલાં કપડાંની યાદીને વિષય બનાવીને કવિતા જરૂર લખી શકાય, વાસ્તવની ભાષામાં એમાં કોથળો ભરીને આદિરસ કરુણરસ અને બીભત્સરસને લાવી શકાય. જે પતિપત્ની વચ્ચે દિવસમાં બે વાર કંકાસ થતો હોય, વાસણ ખખડતાં હોય તેમનાં જ વસ્ત્ર એક જ ઘાટ પર ધોકા ખાઈખાઈને નિર્મળ થતાં હોય ને અન્તે એક જ ગધેડાની પીઠ પર સવાર થઈને પાછાં વળતાં હોય આ વિષય નવ્ય ચતુષ્પદીમાં જરૂર દીપી ઊઠે. પણ વિષયની પસંદગીમાં જ એનું રિયાલિઝમ રહ્યું નથી હોતું; રિયાલિઝમ તો પ્રકટે છે રચનાના જાદુથી. એમાં જ પસંદગીનું કામ ઠીક થયું હોવું જોઈએ, જો એમ ન બને તો એવા જાદુ વિના રચાયેલી કૃતિના જેવી અકિંચિત્કર આવર્જના બીજી શી હોઈ શકે? આ વિશે ઝાઝી જીભાજોડી કર્યા વિના હું તો સમ્પાદક મહાશયને એટલો જ અનુરોધ કરીશ કે રિયાલિસ્ટિક કવિતા કવિતા તો ખરી પણ તે એ રિયાલિસ્ટિક છે માટે નહીં, કવિતા છે માટે. આગળ કહ્યો તે વિષય પસંદ નહીં હોય તો એક બીજો વિષય આપું. ઘણા વખતથી ઘણાના પગથી ચાલતા ધાન ખાંડવાના યન્ત્રની આત્મકથા. આગળના વખતમાં અશોક વૃક્ષ અને સુન્દરીના પદાઘાતવાળી જે વાત છે તેનાથીય આ વિષયને વધુ ગૌરવપૂર્ણ બનાવી શકાય, ખાસ કરીને જો પદાઘાત અસુન્દરીનો રાખ્યો હોય તો. ને જો સુકાઈ ગયેલી ખજૂરી પર કશુંક લખવું હોય તો એ વૃક્ષે પોતાની રસ આપવાની વયે કેટલાં ભિન્ન ભિન્ન જીવનમાં કેવા ભિન્ન ભિન્ન પ્રકારના નશાનો સંચાર કર્યો હતો તે તમે વર્ણવી શકો — એમાં હાસ્ય, ક્રન્દન અને ભીષણતાનો પણ સમાવેશ થઈ શકે. જે શ્રેણીના લોકો આ નશો કરે તેમાં રાજાબાદશાહ નહીં, એટલું જ નહીં એમ.એ.ની પરીક્ષા આપનાર, હાથે કાંડાઘડિયાળ પહેરનાર, આંખે ચશ્મા પહેરનાર ને આંગળીથી વાળને સમાર્યા કરનાર અન્યમનસ્ક તરુણ પણ એમાં નહિ. આ કહેતાં કહેતાં વળી એક બીજો વિષય યાદ આવ્યો: જેને તળિયે માત્ર રગડો રહ્યો છે તેવી માથામાં નાખવાના તેલની ઢાંકણ અને લેબલ વગરની શીશી પોતે ખોઈ બેઠેલા જગતની શોધમાં નીકળી છે, સાથે સાથી તરીકે છે ભાંગેલા દાંતાવાળી કાંસકી અને ઘસાઈ જવા આવેલા સાબુની પતરી — આ કાવ્યને ‘આધુનિક પરીકથા’ એવું નામ આપી શકાય. ‘ક્યાંય એ ખોવાયેલાં જગતનો પત્તો ખાધો નહીં’ એ નિ:શ્વાસભરી વાત એના ત્રુટક છન્દમાં કહી શકાય. આવો સુયોગ પ્રાપ્ત થતાં એ જમાનાના દેવાળિયા ભૂતકાળમાંથી બચેલી આ ત્રણ અવશિષ્ટ સામગ્રીથી વિશ્વવિધિ અને વિધાતાની સારી પેઠે ઠેકડી ઉડાવી શકાય; એને કહી શકાય: ‘રમણીય મરીચિકાનો છદ્મવેશ પહેરીને શેઠાઈનો અભિનય કરનાર મહાકાળના નાટ્યમંચનો એ રંગલો — આજે નેપથ્યમાં ડોકિયું કરીને જોતાં એને ઓળખીય શકાતો નથી. આવા ઠાલા જગતમાં જો સત્ય કોઈને કહી શકાતું હોય તો તેનાં પ્રતીકરૂપ બજારદરની બહાર રહી ગયેલા આપણા જેવા જ કેટલાકને — તળિયે રગડાવાળી તેલની શીશી, ભાંગેલા દાંતવાળી કાંસકી ને ઘસાઈ જવા આવેલી સાબુની પતરી આપણે બધાં રિયલ છીએ; આપણે વાળી કાઢેલા કચરાની ટોપલીમાંથી આધુનિકતાની સામગ્રી એકઠી કરીએ. આપણી વાત પૂરી થતાંની સાથે દૂધીનું ડીચકું ઊડી જાય છે.’ કાળની ગભાણનું બારણું ખુલ્લું જ રહે છે, એમાંની ગાય દૂધ આપતી નથી, પણ ખાય છે ખાસ્સું. તેથી જ આજે મનુષ્યનાં આશાવિશ્વાસ ને પ્રેમશ્રદ્ધાના ક્ષુલ્લક ખાદ્યનાં દામ કવિત્વની બજારમાં વધી ગયાં છે. ગાય પણ હાડકાં નીકળી આવ્યાં હોય તેવી, ભાંગેલાં શંગિડાંવાળી, કાગડાથી ટોચાયેલી પીઠવાળી, ગાડી હાંકનારે ફરી ફરી આમળ્યું હોવાથી જેની પૂછડીના સાંધા ઢીલા પડી ગયા હોય એવી હોવી જોઈએ. લેખકની બેદરકારીને કારણે જો એ પુષ્ટ ને સુન્દર બની ગઈ હોય તો ‘મિડ વિક્ટોરિયન’ હોવાની ગાળ ખાવી પડે ને સાહિત્યક્ષેત્રમાંથી આપણને હાંકી કાઢીને સીધા વિવેચકના કસાઈખાનામાં કતલ કરવા જ રવાના કરી દેવામાં આવે. (સંચય)