રાજેન્દ્ર પટેલની કવિતા/ટેબલ અને હું
૧૦. ટેબલ અને હું
સામે છે એક ટેબલ
તેને છે ચાર પાયા.
છે, હા છે, તેને પણ પડછાયો
રંગે, રૂપે અદ્ભુત છે તે ટેબલ.
ઘણી વાર તે,
નાનું બાળક
વિસ્મયથી આકાશ જુએ તેમ
મને જોતું હોય તેમ લાગે છે.
તેના ચાર પાયા
જાણે બે હાથ, બે પગ
તેની પાસે જવાથી
સુગંધ પણ અનુભવાય.
હથેળી ચોખ્ખી હોય ત્યારે
તેના તરફ લંબાયેલા હાથમાં
અવનવી સંવેદના જાગે
ટેબલ જાગતું ભાસે.
તે વ્હાલથી જાણે બાથમાં લઈને
ઊભું છે કંઈ સમયથી
સમગ્ર પરિવેશ.
પહેલી વાર તેની પર ફ્લાવરવાઝ મૂકેલું
ત્યારે તે સોળે કળાએ ખીલેલું.
હા, આ ટેબલ છે મારી જેમ,
બસ, હું સાંભળી શકતો નથી
મારા અંધારિયા બધિર કર્ણથી તેની વાત.
હું હરુંફરું છું
પણ ઊભો છું ત્યાં જ, જ્યાં હતો
તે ઊભું છે ત્યાં જ
પણ જાણે તેનામાં વિહરે અનંત આકાશ.
હા, આ હું છું
મારે બે પગ, બે હાથ છે
અને પડછાયો છે
આ ટેબલની જેમ.