રાજેન્દ્ર પટેલની કવિતા/સોજા

૨૭. સોફા

ત્રણ ત્રણ પેઢીથી
તેણે સાચવ્યો’તો વટ.

બાપુજી જ્યાં બેસતા એ ભાગ
અજ્ઞાત પ્રાર્થનામાં
રત લાગતો’તો.

એક વાર બાએ ભરત ભરેલું કુશન મૂકેલું
ત્યારે થનગની ઊઠ્યો’તો.

હું જ્યાં બેસતો
ત્યાંથી, બારી બહારનાં વૃક્ષોને
એ આકાશની જેમ જોતો.

દીકરીની ઊછળકૂદથી ઉત્સાહિત થઈ
ક્યારેક તે મલકતો,
અને ઘણી વાર હચમચી જતો
પ્રેમથી.

ઘરના બધા સભ્યોથી
લદાયેલો હોય ત્યારે,
છુકછુક ગાડી હોય તેમ પોતાને માનતો.
બધાની વાતોમાં સતત એ પ્રવાસ કરતો.

ટીવીની જાહેરાતો અને અંદરબહારના શોરબકોરથી
કંટાળી ઘણી વાર
નીચે બેઠેલી બિલાડી જોડે ગેલ કરતો.
જ્યારે રૂમમાંથી તેને
બાપુજીનો ચોકો કરવા
બહાર કાઢેલો,
તે હીબકે ચડેલો.
હીંચકાએ તેને આશ્વાસન આપેલું.

નવી વહુએ આવીને
તરત ફરમાન કાઢેલું
‘આ જૂના સોફાને બહાર કાઢો
નવો લાવો’
અને તે બાપુજીને ફોટો ફ્રેમમાં જોતાં જોતાં
પોતાનું વિસર્જન કરવા મથવા લાગ્યો.

તે ઊધઈથી ખવાઈ ગયો ત્યારે
ભંગારમાં વેચી દેવામાં આવ્યો.

પણ હજુયે,
દાદાનો વટ સાચવતો
જાણે એ, તસુયે
ઘરમાંથી ખસ્યો નથી.