લઘુ સિદ્ધાન્તવહી/કવિતાની વાણિજ્યકરણની અને પ્રજાવ્યાપ્તિની દિશા

૪૧

કવિતાની વાણિજ્યકરણની અને પ્રજાવ્યાપ્તિની દિશા

વર્ષો પહેલાં પેટ્રોલ પંપ પર જાહેરાત વંચાતી, ‘ઇટ પુટ્સ ટાઇગર ઇન યૉર ટૅન્ક.’ આપણા કેટલાક કવિઓ પણ મડદાલ જેવી કાગળ પર સૂતેલી કવિતાને છલાંગ મરાવી શકે છે. મજાકમાં કહેવું હોય તો કાગનો વાઘ કરી શકે છે. કોઈકે એક વાર ફરિયાદ કરેલી કે અમુક કવિ અતિશય ચેષ્ટાઓ સાથે કાવ્યને રજૂ કરે છે, ત્યારે મેં સુધારીને કહેલું કે માત્ર ચેષ્ટાઓથી નહીં, સમગ્ર શરીરથી એ કવિતાને રજૂ કરે છે. સંગીતમાં અવાજમાંથી અર્થ ઊભો થતો હોય છે. જ્યારે કવિતામાં અર્થમાંથી અવાજ ઊભો થાય છે. અલબત્ત, આ અવાજ જે મુદ્રિત પાનાંઓ પર ઘણી વાર ટાઢોહિમ પડેલો જણાય છે તે કવિની પ્રસ્તુતિ વખતે એકદમ સફાળો સજીવ થતો હોય છે. અવાજને કેટલો નાટ્યાત્મક કરવો, કેટલો પ્રસ્તુતિપરક કરવો એ કવિએ કવિએ વિવેકનો પ્રશ્ન છે. આપણી મધ્યકાલીન કવિતામાં તો ‘અવાજ’ વગરની કવિતા કલ્પવી જ શક્ય નથી, મધ્યકાલીન કવિતા ગવાતી અને ક્યારેક આખ્યાનમાં બન્યું છે તેમ એમાં પાઠ અને અભિનય પણ ઉમેરાતો. કવિતાનું માધ્યમ ‘અવાજ’ જ છે. સગવડ ખાતર એને આપણે મુદ્રિત સ્વરૂપમાં વાંચીએ છીએ. ધ્વનિમુદ્રણ એ સંગીતની સગવડ છે, એમ કવિતામુદ્રણ એ પણ કવિતાની માત્ર સગવડ છે. અને એટલે વારંવાર કવિતા એના ‘અવાજ’ તરફ જવા પ્રયત્ન કરતી હોય છે. આજે ઇલેક્ટ્રોનિક યુગમાં સંચારઉપકરણોની ભરમાર છે, ત્યારે કવિતા, ભુલાયેલી મૌખિક પરંપરાને, લોકો પાસે પહોંચી જવાની પરંપરાને, પ્રજામાં વ્યાપી જવાની પરંપરાને પાછી મેળવવા આતુર છે અને એવા અણસાર દેખાય છે. ન્યૂયોર્કના મૅનહૅટન કૉકટેલની ખબર ‘ધી એશિયન એજ’ (૫ એપ્રિલ, ૧૯૯૯)માં છપાયેલી છે, જે કૉકટેલમાં કાઉબૉય કવિઓ, હિપહોપ અને હાઈકુઓ જામવાનાં છે. એડ્ગર ઍલન પોની નાદકવિતા ‘ધ રેવન’ કબ્રસ્તાનમાં વંચાવાની છે. માઈક બધા માટે ખુલ્લું રહેશે, જ્યાંથી કીર્તિ મેળવવા માગતા અને કીર્તિ મેળવી ચૂકેલા કવિઓ કાવ્યપાઠ કરશે. એમાં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ગૉલ્વે કિનેલ, જાણીતા રૉબર્ટ બ્લાય અને અમેરિકન રાજકવિ રૉબર્ટ પિન્સ્કી ભાગ લેવાના છે. એપ્રિલ ૯થી એપ્રિલ ૧૧ સુધી પ્રજાનો આ કવિમેળો મૅનહૅટનની આસપાસ ગાજશે. એમાં સૉનેટો રજૂ થશે, હિપહૉપ રજૂ થશે, ૧૮મી સદીનો સ્કૉટિશ કવિ રૉબર્ટ બર્ન્સ રજૂ થશે અને ઇન્ટરનેટ પર પ્રસારિત રચનાઓ પણ રજૂ થશે. આ મેળો લોકસંસ્કૃતિની જાળવણી કરતા અને કવિગૃહ ચલાવતા કોઈ જૂથ દ્વારા આયોજિત થશે. એનો નિયામક સ્ટીવ ઝાઇટલિન તો માને છે કે કવિતા છેવટે તો લોકભૂખી કલા છે, કારણ, કોઈ પણ વ્યક્તિ કવિતા કરી શકે છે. આ મેળામાં સાહિત્યિક કવિઓ તો ખરા જ, પણ લોકપરંપરાના અને તળસમાજમાંથી આવેલા કવિઓનો પણ સમાસ થશે.. અહીં અમેરિકન કવિ બ્રાઝિલના કવિ સાથે મુકાશે અને અમેરિકન કવિ લૉર્કાની કવિતાઓ રજૂ કરશે. તો કોઈક વળી પાબ્લો નેરુદાની રચના હાથ ધરશે. રૉબર્ટ બ્લાય જણાવે છે કે જર્મનીમાં કાવ્યપઠનો યોજાતાં નથી, પણ અમેરિકામાં કવિતાને યુનિવર્સિટીની ચાર દીવાલોની બહાર લાવવાની એક તંદુરસ્ત પ્રણાલી છે. બ્લાયનો મૌખિક પરંપરાનો આગ્રહ જોઈ શકાય છે અને તેથી બ્લાય પશ્ચિમ આફ્રિકાની મૌખિક પરંપરામાંથી આવતા કવિ કેવુલે કામારા જોડે ચર્ચા કરવાના છે. એમનું માનવું છે કે મૌખિક પરંપરામાંથી આવતા કવિઓની સામાજિક ભૂમિકા પશ્ચિમના સમાજ કરતાં જુદી છે. આ કવિઓ સાંસ્કૃતિક એલચીઓ છે. ત્યાંના વિધિવિધાનના સ્વામીઓ છે. એમનો શબ્દ ધન નહીં, પણ માણસોને એકઠા કરે છે. આ કવિઓ સંગીત સાથે કવિતા રજૂ કરશે. અહીં પાદપૂર્તિઓ પણ યોજાશે અને આ મેળામાં અકસ્માત્ કવિતાઓનો પણ સિલસિલો ચાલશે. મૅનહૅટન કૉકટેલ એ ચાલી રહેલા અને આવી રહેલા યુગની વિશિષ્ટ તાસીર છે. મૌખિક કવિતા જ્યારે મુદ્રિત કવિતા બની એ સાથે જ પ્રજાનો ઘણો વર્ગ એનાથી પરિણામસ્વરૂપે કપાઈ ગયો હતો. આજે મુદ્રિતકવિતા ઇલેક્ટ્રોનિક સંચાર-ઉપકરણોની સહાયથી જ્યારે ફરી મૌખિક અને લોકભોગ્ય બનવા તરફ જઈ રહી છે ત્યારે પ્રજાનો ઘણો બધો વર્ગ જે કપાઈ ગયેલો એ એમાં સામેલ થવાનો. આથી કવિતાની પ્રકૃતિ પણ બદલાવાની. ભવિષ્યની કવિતાની પ્રવૃત્તિમાં આવી રહેલા ફેરફાર માટે ભાવકે તૈયાર રહેવું પડશે. કવિતાની દિશા વાણિજ્યકરણની છે, તો સાથે સાથે પ્રજાવ્યાપ્તિની પણ છે. એ બજારુ માલ બનશે તો સાથે લોકપ્રિય પણ બનશે. મુદ્રણયુગની ઘણી છોછને વીજાણુયુગમાં પાછળ મૂકીને આગળ ચાલવું પડશે. આ ચેતવણી કહો તો ચેતવણી છે અને સમાધાન કહો તો સમાધાન છે.