લઘુ સિદ્ધાન્તવહી/નિઝિન્સ્કીની ડાયરી

૮૩

નિઝિન્સ્કીની ડાયરી

માનવવિજ્ઞાને સાધારણતા (Normality)ની વ્યાખ્યા કરી છે, અને સાધારણતાને જીવનનો નિયમ બનાવ્યો છે. એ નિયમને અનુલક્ષીને અન્વેષણ, જાપ્તો અને ચિકિત્સા દ્વારા ‘અસાધારણતા’ને માપે છે. આ માટે જોઈતી મોટી વ્યવસ્થાઓ અને મોટા સિદ્ધાન્તોનાં માળખાં ઊભાં કર્યાં છે. આની સામે ફ્રેન્ચ ચિંતક મિશેલ ફૂકોએ અનુસંરચનાવાદી અને વિરચનવાદી વિચારધારાઓ સાથે અનુઆધુનિક શંકાઓ ઊભી કરી છે અને મનોવિશ્લેષણના સત્યના દાવાઓથી માંડી માનવવિજ્ઞાનની ઘણીબધી શાખાઓની સામે પડકાર ફેંક્યો છે. તર્કબુદ્ધિ (Reasoning) જેને બહાર મૂકે છે એવાં ગાંડપણ, અકસ્માત, રોગ, અપરાધ, યૌનવૃત્તિનાં પાસાંઓને ફૂકોએ જીવનભર ક્રાંતિમૂલક દૃષ્ટિથી ઊથલાવ્યાં છે. એટલું જ નહીં પણ આ બધાં પાસાંઓ સાથે પાનું પાડતાં પાડતાં આપણે આપણું શું કરી બેઠા છીએ એની સખેદ નોંધ લીધી છે. ‘યૌનવૃત્તિનો ઈતિહાસ’ કે ‘ગાંડપણ અને સભ્યતા’ જેવાં એનાં પુસ્તકો આ વાતની સાક્ષી પૂરે છે. ફૂકોની મનોભ્રંશ કે ચિત્તભ્રંશ (dementia) અંગેની વિચારણા જોયા પછી ગુજરાતી સાહિત્યક્ષેત્રે હરિશ્ચંદ્ર ભટ્ટ, રમણિક અરાલવાળા, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યુ જેવા કવિઓની રચનાઓને બહુ જુદી રીતે તપાસવાનો અવસર ઊભો થાય છે. આ કવિઓ અને એમની રચનાઓ સાથે સંકળાયેલો સંદર્ભ પૂરી ગવેષણા સાથે નવેસરથી મુકાવો જોઈએ. ગાંડપણની સીમ સુધી પહોંચેલા બહુ ઓછા કવિઓ કે સર્જકોએ પોતે અહેવાલ આપ્યો છે. અને તેથી યુરોપના હોલ્ડરલિન, શુમાન, નિત્શે, વાન ગોગ કે આર્તો જેવાના સંદર્ભો પણ પૂરેપૂરા આકલિત કરી શકાયા નથી. આવા સંજોગોમાં આ સદીના પ્રસિદ્ધ રશિયન નૃત્યકાર અને નૃત્યદિગ્દર્શક વાત્સલાફ નિઝિન્સ્કી (Vatslav Nijinsky)ની ડાયરી, એના અસલ રૂપમાં પુનર્મુદ્રિત થઈ રહી છે એ સમાચાર રોમાંચક છે. ૧૯૧૯ની જાન્યુઆરી ૧૯થી ૪ માર્ચ પર્યંતની આ ડાયરીમાં નિઝિન્સ્કીએ ગાંડપણનો હુમલો શરૂ થયો અને જે મગજમાં બનવા માંડ્યું તેનો યથાતથ અહેવાલ આપ્યો છે. અને તે પછીથી લખેલો નહીં પણ બનતું હતું તે જ વેળાએ લખાયેલો અહેવાલ છે. ૧૯૩૬માં નિઝિન્સ્કીની પત્ની રોમોલાએ સંપાદિત કરીને અને ચાલીસ ટકા જેટલું ડાયરીમાંથી બાદ કરીને ડાયરીનું પ્રકાશન કર્યું હતું. પણ કિરીલ ફિટ્સ લાયન (Kyril Fitz Lyon)નું ડાયરીનું પ્રકાશન કાપકૂપ વગરનું, એના અસલ કેફિયતરૂપમાં રજૂ થયું છે. ૧૮૮૯માં પોલિશ નૃત્યકારદંપતીને ત્યાં જન્મેલો નિઝિન્સ્કી પહેલાં વિશ્વયુદ્ધની પૂર્વેના સમયનો પશ્ચિમના નૃત્યક્ષેત્રે એક ચમત્કાર ગણાય છે. નિઝિન્સ્કીનો પરિચય રશિયન બેલે નિર્માતા અને કલાવિવેચક સેરગેઈ દ્યાગિલેફ (Sergei diaghilev) સાથે થાય છે. નરી વાસ્તવવાદી રશિયન ચિત્રકલાને કલ્પનાપૂર્ણ પ્રતીકાત્મકતામાં પરિવર્તિત થવામાં સહાયક દ્યાગિલેફે રશિયન કલાને પ્રોત્સાહિત કરવા પેરિસમાં થિયેટરની સ્થાપના કરેલી. દ્યાગિલેફ દ્વારા નિઝિન્સ્કીની નૃત્ય અંગેની કલ્પનાશક્તિ અને પ્રયોગશીલતાને મોકળું મેદાન મળેલું. નિઝિન્સ્કીના ત્રણેક બેલેનૃત્યથી એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ઊભી થઈ. નિઝિન્સ્કીની રંગમંચ પરની છલાંગ, પલભર હવામાં અધ્ધર રહેતી એની આકૃતિ અને ફરીને મંચ પર ઊતરી આવતી એની શરીરભંગી, કહેવાય છે કે પ્રેક્ષકોને અવાક્ કરી દેતી. પરંતુ દક્ષિણ અમેરિકાના નૃત્યુજૂથના પ્રવાસ દરમ્યાન હંગેરીની અત્યંત પ્રસિદ્ધ અભિનેત્રી એમીલ્યા માર્ક્સની દીકરી રોમોલા સાથે નિઝિન્સ્કી પરણી જતાં, નિઝિન્સ્કી સાથે સજાતીય સંબંધ ધરાવનાર દ્યાગિલેફ નિઝિન્સ્કી સાથેનો સંબંધ તોડી નાખે છે. નિઝિન્સ્કી કહે છે કે ‘એ સાચું છે કે સેરગેઈ મારી સાથે કામ કરવા માગતો નથી. તો તો મેં બધું જ ગુમાવ્યું.’ દ્યાગિલેફના થિયેટર વગર નિઝિન્સ્કીની પ્રતિભાને ભાગ્યે જ કોઈ ક્ષેત્ર મળી શકે. હતાશ નિઝિન્સ્કી પત્ની અને બાળકી સાથે પત્ની રોમોલાની માતાને ત્યાં હંગેરી - બુડાપેસ્ટ પહોંચે છે. ત્યાં પ્રથમ વિશ્વયુદ્ધ જાહેર થતાં નિઝિન્સ્કી યુદ્ધકેદી બને છે, અને એને નજરકેદમાં રખાય છે. આ દરમ્યાન દ્યાગિલેફ ન્યૂયોર્કમાં નૃત્યપ્રયોગો માટે લઈ જવા નિઝિન્સ્કીને છોડાવે છે. પણ બંને મિત્રો વચ્ચે તિરાડ સંધાતી નથી. ન્યૂયોર્કના પ્રયોગો દરમ્યાન તોલ્સ્ટોયની ફિલસૂફી સાથે સંકળાયેલી બે વ્યક્તિના પરિચયમાં આવતાં નિઝિન્સ્કી નૃત્ય છોડી દેવા, ખોરાકમાં માંસ છોડી દેવા, લગ્નજીવનમાં જાતીય વ્યવહાર છોડી દેવા તૈયાર થાય છે. સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા પછી, નિઝિન્સ્કી, પૂર્વે મિત્ર દ્યાગિલેફ સાથે ફ્રાન્સના ઉત્તમ સંગ્રહાલયોની લીધેલી મુલાકાતો અને ચિત્રકલાના પરિચયને કારણે, ચિત્રો પર ચિત્રો કરતો જાય છે, જેમાં લાલ-કાળી આંખોનું વળગણ સ્પષ્ટ છે. ચિત્રોમાં રહેલી આંખો અંગે પૂછતાં નિઝિન્સ્કી કહેતો કે ‘એ સૈનિકોના ચહેરાઓ છે.’ ક્યારેક એ આંખની આકૃતિને ઈશુ ખ્રિસ્ત સાથે સરખાવતો. સ્ત્રીની યોનિના આકારનો પણ એ અણસાર આપે છે. આ પછી છેલ્લા નૃત્યપ્રયોગના દિવસથી નિઝિન્સ્કી પર ગાંડપણનો હુમલો શરૂ થાય છે, તે છેક મનોચિકિત્સક પાસે પહોંચવા સ્ટેશને જાય છે ત્યાં સુધીનો મગજનો સંચાર - લગભગ સાડા છ અઠવાડિયાનો સંચાર - નિઝિન્સ્કી ડાયરીમાં ઉતારે છે. દ્યાગિલેફના સંબંધથી માંડી બાર વર્ષની ઉંમરે નિઝિન્સ્કીના મગજને અસર થયાનું એમાં અનુમાન છે. છેલ્લા નૃત્યપ્રયોગમાં જતી વેળાએ નિઝિન્સ્કી રોમોલાને કહે છે : ‘ઈશ્વર સાથેનો આ મારો પરિણય છે.’ ડાયરીમાં, પોતે ગાંડો થઈ રહ્યો છે, એવું માનનારા લોકો પરત્વેનો નિઝિન્સ્કીનો સંઘર્ષ તો ખેદજનક છે જ, પણ સૌથી વધુ ખેદજનક તો એ છે કે એને પોતાને પણ ખબર પડે છે કે એ ગાંડો થઈ જઈ રહ્યો છે. એ અનુભવે છે કે પોતે કઈ રીતે પટ્ટી પરથી ઊતરી જઈ રહ્યો છે અને પોતાને ફરી પટ્ટી પર મૂકવા એ કઈ રીતે વૃથા પ્રયત્ન કરી રહ્યો છે. કહે છે : ‘હું એક ખાઈ સામે ઊભો છું - જેમાં હું પડી જઈશ. મારો પ્રાણ વ્યથિત છે, હું અસાધ્ય છું.’ એને ખબર છે કે કશુંક અસાધારણ એના મસ્તિષ્કમાં થઈ રહ્યું છે. પણ એને એ ખબર નથી કે એનો અર્થ એ પોતે ઈશ્વર છે કે ઈશ્વરે ત્યજી દીધેલો ગાંડો માણસ છે. ચાર સ્કૂલનોટબૂક ભરીને નિઝિન્સ્કીએ લખ્યા કર્યું છે. એમાં પહેલી ત્રણમાં ડાયરી છે અને ચોથી નોટબુકમાં અત્યંત આકરા શબ્દોમાં એણે સોળેક જેટલા પત્રો લખ્યા છે; જેમાંના માત્ર છ જ પત્રોનો પૂર્વે પ્રકાશિત ડાયરીમાં સમાવેશ કરેલો છે. નિઝિન્સ્કીની ડાયરી પ્રેમ અને અન્ન વચ્ચેના સાહચર્યો, ગૃહજીવન અંગેના ઉચ્ચારો, પોતાનાં શરીર અંગેનાં વળગણો, યૌનવર્ણનો વગેરેથી ઊભરાય છે. વિક્ષિપ્ત ચિત્તાવસ્થા (Schizophrenia)નાં ખાસ્સાં લક્ષણો એમાં જોવાય છે. ચિત્તભ્રાન્તિ (delusion), મિથ્યાદર્શન (Hallucination), અવ્યવસ્થિત વર્તન અને ભાષા ઠેર ઠેર વેરાયેલાં છે. રોમોલોની માતા એમીલ્યા અંગેનો ભય અને હૉસ્પિટલ અંગેનો ઓથાર પણ છે. આમ છતાં આ ડાયરીનાં ઘણાં પાન એક કલાકાર કે સર્જકનું ભાન કરાવે છે. ઉદાહરણ તરીકે - ‘પૃથ્વી એ ઈશ્વરનું મસ્તક છે. ઈશ્વર મસ્તકમાં રહેલો અગ્નિ છે. હું જીવિત છું, જ્યાં સુધી મારા મસ્તકમાં અગ્નિ છે. મારી નાડ ધરતીકંપ છે. હું ધરતીકંપ છું.’ આ પ્રત્યક્ષતા જુઓ : ‘દ્યાગિલેફને આગળ બે ખોટા દાંત છે. મેં જોયું છે કે જ્યારે દ્યાગિલેફ બેચેન હોય છે ત્યારે એ જીભથી દાંતને અડકે છે. હું જોઉં છું કે દાંત હલે છે. દ્યાગિલેફ જ્યારે આગળના બે દાંત હલાવે છે ત્યારે મને એક દુષ્ટ વૃદ્ધા યાદ આવી જાય છે.’ એના જમાનામાં અને આજદિન સુધી નિઝિન્સ્કી એક દંતકથા બની ગયો છે. ૧૯૫૦ની ૮મી એપ્રિલે મૃત્યુ પામ્યા પછી પણ એની વાત હંમેશાં નવો ને નવો આકાર લેતી રહી છે. કેટકેટલાં પુસ્તકો, કેટકેટલાં નાટકો અને બેલે નિઝિન્સ્કી પર રચાયાં કર્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચારેકવાર તો એના જીવનને લગતી એકોક્તિઓ રજૂ થઈ છે. આજે પણ એક ફિલ્મ ઊતરી રહી છે. નિઝિન્સ્કીનો ઘણો યશ એની ડાયરી પર નિર્ભર છે. આમ છતાં એની ડાયરી એક કારમો દસ્તાવેજ બની બેઠી છે. માત્ર એના અપક્ષયનું નહીં પણ આપણા અપક્ષયનું પણ એમાં વિવરણ પડેલું છે. ‘ધ ન્યૂયોર્ક રિવ્યૂ’ (જાન્યુ. ૧૪, ૧૯૯૯)માં ‘સીક્રિટ્સ ઑવ નિઝિન્સ્કી’ શીર્ષક હેઠળ જોન એકોસેલા (Joan Acocella)એ આ વાતને પૂરા વિસ્તારથી મૂકી છે.