લઘુ સિદ્ધાન્તવહી/પરાવાસ્તવવાદ

૪૩

પરાવાસ્તવવાદ

પરાવાસ્તવવાદની વાત આવે ત્યારે હંમેશા આન્દ્રે બ્રેતોં સાથે એક કાલ્પનિક સરરીઅલ શ્લેષ સાથેનો સંવાદ રચવો મને ગમે છે. આન્દ્રે બ્રેતોંને હું આગ્રહ સાથે વિનંતી કરતો હોઉં કે ‘સર, રીઅલ, રીઅલ વી વૉન્ટ રીઅલ’ અને આન્દ્રે બ્રેતોં પણ એમની એટલી જ હઠ સાથે કહેતા હોય કે ‘સર, રીઅલ, રીઅલ, ધીસ ઇઝ ધ રીઅલ!’ પરાવાસ્તવ સુધી આવીએ એટલે વાસ્તવની કટોકટી કહો તો કટોકટી, વાસ્તવનો ભ્રમ કહો તો ભ્રમ, વાસ્તવની બીજી બાજુ કહો તો બીજી બાજુ – શરૂ થઈ જાય છે. પહેલા વિશ્વયુદ્ધને અંતે મનુષ્યને ન-ગણ્ય બનાવી દેતા ચારેબાજુ વેરાયેલા મૂલ્યવિનાશ વચ્ચે ‘ન-કશાપણું એ જ સર્વસ્વ છે’નું ઊપસી આવેલું સૂત્ર જર્મન ટ્રિસ્ટન ઝારાએ સ્થાપેલા દાદાવાદમાં જઈને ઠર્યું અને દાદાવાદમાંથી છેવટે ફ્રેન્ચ આન્દ્રે બ્રેતોંએ છૂટા થઈને પરાવાસ્તવવાદ સ્થાપ્યો. આન્દ્રે બ્રેતોંએ ખરીતો બહાર પાડ્યો કે ‘શુદ્ધ ચૈતસિક સ્વયંસંચાલનો, જેનાથી લેખનમાં, ભાષા કે અન્ય માધ્યમોમાં વિચારની ખરેખર પ્રક્રિયા અભિવ્યક્ત થઈ શકે. તર્કનિયંત્રણના સદંતર અભાવમાં અને સૌન્દર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગૃહીતોની સદંતર બહાર વિચારાનુલેખન’ – અને એમ બ્રેતોંએ પછી સ્વપ્નપદ્ધતિ અને વિચારની નિર્હેતુક ક્રીડા દ્વારા જન્મતા, અત્યારસુધી ઉપેક્ષા પામેલા ઉચ્ચતર વાસ્તવનો પુરસ્કાર કર્યો. ખરી વાત તો એ છે કે એ આધુનિકતાએ સામાજિકતા કાપી નાખેલી અને એ કપાઈ ગયેલી સામાજિકતાની પૂર્તિએ બ્રેતોંએ આંતરિકતાને આગળ ધરી હતી. આધુનિકતાએ સામાજિકતા કાપી નાખ્યા પછી કૃતિના ઘટકોના આંતરિક સંબંધો જ અવશિષ્ટ રહ્યા હતા. બીજી રીતે કહીએ તો આધુનિકતાએ બુદ્ધિ દ્વારા કૃતિની આંતરિકતાને લક્ષ્ય કરેલી એમાં બ્રેતોંએ મનુષ્યચેતનાની આંતરિકતાને ઉમેરી. ખરેખર તો એમ કહી શકાય કે મનુષ્યની આંતરિકતા નીચેની બીજી એક આંતરિકતાને ઉમેરી, ફ્રૉઈડ એને અચેતન કે ‘અર્ધચેતન’ કહેશે. આન્દ્રે બ્રેતોંએ આ પછી ૧૯૨૪, ૧૯૩૦ અને ૧૯૩૪માં ખરીતાઓ બહાર પાડ્યા. પણ એમાં એની સૈદ્ધાંતિક ભૂમિકા બદલાતી રહી. તેમ છતાં સર્જનાત્મક સંવેદનને ધાર આપવાનો જે અભિગમ બ્રેતોંએ અખત્યાર કરેલો એમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આન્દ્રે બ્રેતોં સિગ્મન્ડ ફ્રૉઈડના અચેતન સિદ્ધાંતોથી, ફ્રેન્ચ મનોવિજ્ઞાની પીયર ઝેનેની ઉપલબ્ધિઓથી અને હેરાલના સંશ્લેષણના સિદ્ધાન્તથી પ્રભાવિત હતો. અલબત્ત, એણે પરાવાસ્તવવાદ સંજ્ઞા ગુઓમ એપોલિનેર પાસેથી મેળવી છે. એપોલિનેરે ‘ધ બ્રેસ્ટ્સ ઑવ ટાઈરેસિઅસ’ (૧૯૧૭) નાટક લખેલું, જેનું ઉપશીર્ષક એણે ‘પરાવાસ્તવવાદી નાટક’ (Surrealist drama) રાખેલું. આમ છતાં પરાવાસ્તવવાદનો સંબંધ દાદાવાદ સાથે ઘનિષ્ઠ છે એ આપણે જોયું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દાદાવાદે સત્તા અને પ્રભુત્વની સામે માથું ઊંચકેલું એમાં પ્રથમ વિશ્વયુદ્ધ પરત્વેની પ્રતિક્રિયા છે. દાદાવાદીઓની અત્યંત ભંજકવૃત્તિ હતી. નિષેધ એમનો મુખ્ય ધર્મ હતો. આવા દાદાવાદમાંથી જ પરાવાસ્તવવાદ ઊતરી આવ્યો છે. પણ દાદાવાદની નરી નિષેધાત્મક ભૂમિકામાં પરાવાસ્તવવાદે કેટલેક અંશે વિધેયક વિચારણા દાખલ કરી છે. એક રીતે જોઈએ તો પરાવાસ્તવવાદે જે કલાત્મક અને રાજકીય મુક્તિને આગળ ધરી, બૌદ્ધિકવાદને નકાર્યો, અ-તર્કને ખપમાં લીધો, રહસ્યવાદને પોષ્યો, આદિમનો સ્વીકાર કર્યો - વગેરેમાં ૧૯મી સદીના રોમેન્ટિકવાદનું સાતત્ય પણ જોઈ શકાય છે. એ ખરું કે રોમેન્ટિકવાદના આદર્શવાદને બદલે પરાવાસ્તવવાદે વધારે વાસ્તવિક રીતિ અપનાવી. પણ, એમની વાસ્તવિક રીતિ અચેતન સાથે જોડાયેલી છે. સર્જનાત્મક પ્રવૃત્તિમાં પરાવાસ્તવવાદ અચેતન મનની ભૂમિકાનો સ્વીકાર કરે છે. સાથે સાથે સ્વપ્ન જેવી પદ્ધતિ અને નિયંત્રણ વગરના વ્યાપારને તાકે છે. એમની શ્રદ્ધા શુદ્ધ માનસિક સ્વસંચાલનમાં છે, એમનો પ્રયત્ન પૂર્વચેતનામાં પહોંચવાનો છે, જેના અચેતનક્ષેત્રે ખીચોખીચ ઊભરાતાં અતંત્ર કલ્પનોને વિવેચન કે ચયન વગર ઝાલી શકાય. સ્વસંચાલનમાં પરાવાસ્તવવાદીઓ ચેતનાપ્રવાહમાં આવ્યો તે શબ્દ ઝાલે છે. એકવાર લખે છે એને સુધારતા નથી. એમ કરવામાં સર્જનપ્રક્રિયામાં ખલેલ પહોંચવાનો પૂરો સંભવ છે એવું દૃઢપણે માને છે. આવા મુક્તપ્રવાહ દ્વારા જ અચેતન મન સાથે સંપર્ક રાખી શકાય છે, એવી એમની શ્રદ્ધા છે. વિવેચન કે ચયન વગરના આવા મુક્ત પ્રવાહમાં કલ્પનો તર્કનિષ્ઠ વિચારધોરણોને, પ્રસ્થાપિત સૌંદર્યધોરણોને કે રૂઢિચુસ્ત નીતિધોરણોને તો અતિક્રમી જઈ શકે છે પણ એ જ વખતે આશ્ચર્ય અને અકસ્માતના તત્ત્વને પણ ઉત્કટ કરી શકે છે. ચાર્લ્સ મૅજ કહે છે કે આ પદ્ધતિ દ્વારા તાર્કિક દ્રષ્ટિબિન્દુનો ભોગ આપ્યા વિના અ-તાર્કિક સાથેની કામગીરી શક્ય બને છે. આ રીતે પરાવાસ્તવવાદ અચેતનસામગ્રી અને ચેતનસામગ્રીને સંયોજિત કરે છે. શબ્દોના અને અર્થોનાં નવા સંઘટનોમાં રસ લે છે. સ્વપ્નવત્ પ્રતીકો, તરંગી કલ્પનો અને અસંગત સહોપસ્થિતિઓ સાથે કામ પાડે છે. જે કાંઈ વૈજ્ઞાનિક અને ભૌતિક છે, એની સામે એનો વિરોધ છે. પરાવાસ્તવવાદની પ્રતીતિ છે કે કેવળ બુદ્ધિ સંપૂર્ણ સમજનું માધ્યમ ન બની શકે. બુદ્ધિથી ઈતર ચેતનાક્ષેત્રો પણ અગત્યનાં છે. વધુ ઉચ્ચતર જીવન કે વાસ્તવ સાથે અચેતન દ્વારા સંબંધ સ્થાપી શકાય છે. આ એવો સંબંધ છે. જ્યાં વાસ્તવની પાર જીવન અને મૃત્યુ, વાસ્તવ અને કલ્પિત, પ્રત્યાયનશીલ અને અપ્રત્યાયનશીલ એક થઈ જાય છે. આંતરિક અર્થને મુક્ત કરવા સ્વીકૃત નિયમો અને પદ્ધતિઓથી જુદે માર્ગે ફંટાતો પરાવાસ્તવવાદ ક્યારેક ક્રૂર અને હિંસક સૌન્દર્યને સેવવામાં પણ પાછો પડ્યો નથી. પરાવાસ્તવવાદમાં ઝયાં આર્પ, મૅક્સ અર્નસ્ટ, માર્શલ દુશાં જેવા દાદાવાદીઓ પણ જોડાયા. મુખ્ય પ્રણેતા આન્દ્રે બ્રેતોં સાથે મહત્ત્વના ફ્રેન્ચ લેખકો જોડાયા એમાં લૂઈ આર્ગો, પૉલ ઇલ્યુઆર, બેન્જામન પેરે, ફિલિપ સુપો, રૉબર દેનો હૅન મિશો, ઝાક પ્રેવેર વગેરેનો સમાવેશ થાય છે. નાટકકાર આર્નોદ આન્તોનીને પણ એમાં ગણાવી શકાય. વળી ૧૯૩૬માં લંડનમાં પરાવાસ્તવવાદનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું, એની અસર બ્રિટનમાં પણ વર્તાય છે. ડિલન ટોમસ ખાસ પ્રભાવિત છે. અમેરિકામાં ઇ.ઈ. કમિંગ્ઝ, વિલિયમ કાર્લોસ વિલ્યમ પણ અસરથી મુક્ત ન રહ્યા. સાલ્વાદોર દાલી, હોન મીરો, આન્દ્રે મેસોં, પૉલ ક્લી, મેર શાગલ જેવા ચિત્રકારો, ઝ્યાં આર્પ અને આલ્બર્તો જિમાકોમેત્તિ જેવા શિલ્પીઓ તેમ જ ઝ્યાં કોકતો, માન રે, લૂઈ બ્યૂનેલ અને હાન્સ રિક્ટ જેવા ચલચિત્રકારોનો ફાળો પણ પરાવાસ્તવવાદને દૃઢાવવામાં નાનોસૂનો નથી. પરાવાસ્તવવાદનું જોર બીજા વિશ્વયુદ્ધના અગાઉના દાયકા સુધી રહ્યું, પછી યુદ્ધપૂર્વેનો પ્રભાવ હતો તે ન રહ્યો. પણ એની વ્યાપક અસર ચાલુ રહી. આ અસર હેઠળ જ એબ્સર્ડ થિયૅટર, બીટ આંદોલન, એકશન પૅઇન્ટિંગ, પૉપ આર્ટ વગેરે વિકસ્યાં છે. આપણે ત્યાં ગુજરાતી આધુનિકતાવાદી સાહિત્યમાં એનો પ્રભાવ ઓછો નથી. સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા કવિની રચનાઓ આ વાદનો વિશેષ ઉલ્લેખ કરીને ચાલે છે.