લઘુ સિદ્ધાન્તવહી/પ્રશિષ્ટતાવિમર્શ

૧૨

પ્રશિષ્ટતાવિમર્શ

અમેરિકાના અનુઆધુનિકજીવનમાં વિસ્ફોટ આંદોલનો તંત્રવિજ્ઞાન અને ખાસ તો વીજાણુક્રાંતિ દ્વારા વિશ્વભરમાં શીઘ્રાતિશીઘ્ર ફેલાઈ રહ્યાં છે. ‘શીઘ્ર’ એક માત્ર આજનો મુદ્રાલેખ છે. પ્રવાસથી પ્રત્યાયન સુધીનું બધું જ શીઘ્ર. ભોજન પણ શીઘ્ર (ફાસ્ટ ફુડ). શીઘ્ર જીવનશૈલી. ટીન ઉઘાડો ને ખાઓ, ટીન ઉઘાડો ને પીઓ. ખાઈને ફેંકી દો, પીને ફેંકી દો, વાપરીને ફેંકી દો. આ ફેંકી દો ‘સંસ્કૃતિ’ (થ્રો-અવે કલ્ચર) વચ્ચે, તદ્દન હંગામી અને કામચલાઉ વ્યવસ્થાઓ વચ્ચે કશાક ‘સ્થાયી’નો નિર્દેશ કરવો એકદમ જોખમકારક છે. ‘શીઘ્ર’ની સામે ‘શિષ્ટ’ને, ‘પ્રશિષ્ટ’ને મૂકતાં, એને વિશે વિચારતાં પણ ભય લાગે છે. કારણ આ જ લગી સ્થાયી ગણાયેલું પ્રશિષ્ટ પણ જાહેરાતોની વિપુલતા વચ્ચે દૃશ્યમાધ્યમની શીઘ્રતામાં રૂપાન્તરિત થઈ રહ્યું છે. ટી.વી., કૅબલ્સ અને ચૅનલોએ જૂની મૂડીની રીતસરની લૂંટ આદરી છે. માઇકલ ઍન્જલો, શૅક્સપિયર, વાન ગોગ કે મોત્સાર્ટ - કોઈને પણ કમર્શિયલ બ્રેક એની અડફટે ચડાવી બાજુએ મૂકે છે. અસ્થાયીપણાની આ દોડમાં પગ વાળીને પ્રશિષ્ટના સ્થાયીપણા વિશે વિચારવું બેવકૂફી ગણાશે, પણ તો એ જ એનો સામનો પણ ગણાશે. પ્રશિષ્ટનો ખ્યાલ આમે ય પશ્ચિમથી આયાત થયેલો ખ્યાલ છે. ‘પ્રશિષ્ટ’ એ ‘ક્લેસિક” (classic)ને માટે યોજેલો શબ્દ છે. ગુજરાતીમાં તો ‘સાર્થ જોડણીકોશ’ આ શબ્દને પ્રવેશ પણ નથી આપતો. અંગ્રેજી ‘ક્લેસિક’ માટે પ્રશિષ્ટ શબ્દને સ્વીકાર્યો એનું બંધારણ જોવા જેવું છે. ‘શિષ્ટ’ એ शिष પરથી ઊતર્યો છે. કશું શેષ રહ્યું, બાકીનું, અવશેષ રૂપ - એવા એના અર્થ નિહિત છે. તેથી ‘શેષ રહેવું’, એવો એનો સાર તારવીએ તો ‘પ્રશિષ્ટ’ એટલે ‘ઉત્તમ રહેલી શેષ’ એવા અર્થ ભણી જવાય. આ ‘ઉત્તમ રહેલો શેષ’ તે આપણે જેને ‘કાળજયી કૃતિ’ કહીએ છીએ, એ જ કે? સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘કાળની કસોટી’, ‘કાલાતીત કૃતિ’ કે ‘કાળ’ એનો નિર્ણય કરશે.’ જેવા ઉચ્ચારો વારંવાર કરવામાં આવે છે પણ એ ઉચ્ચારો અત્યંત સિદ્ધ કોટિ પર રહે છે. અલબત્ત, પ્રશિષ્ટ કૃતિ સાથે નવો રસાસ્વાદ આપવાની ક્ષમતાનો, એની અર્થઘટન પામવાની ક્ષમતાનો અને ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ક્ષમતાનો નિર્દેશ થતો રહે છે ખરો. ઉપરાંત, એવી કૃતિનું આનંદ આપવાનું સામર્થ્ય, એની ઊંચી ગુણવત્તા તેમ જ એનાં સૌષ્ઠવ-સંવાદને પણ આગળ ધરવામાં આવે છે. ટૂંકમાં, પ્રશિષ્ટ કૃતિ બદલાતી રુચિશૈલીને અતિક્રમી જાય છે, એવી એક સર્વસામાન્ય સમજણ પ્રવર્તે છે. આ સમગ્ર સંદર્ભોને લક્ષમાં રાખી સંદિગ્ધ કોટી પર રહેલી પ્રશિષ્ટ અંગેની સમજણને આજના વિવેચનસિદ્ધાન્તોના વિકાસના પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષી જોઈએ. પ્રત્યેક કૃતિને એનો મૂળભૂત અર્થ (Foundational meaning) હોય છે. આ મૂળભૂત અર્થમાં લેખકનો અંગત સંદર્ભ, લેખકનો હેતુ સંદર્ભ, લેખકની સૌન્દર્યરુચિનો સંદર્ભ, સામાજિક સાંસ્કૃતિક રાજકીય પ્રવાહનો સંદર્ભ, યુગવિશેષના સાહિત્યિક સંકેતોનો સંદર્ભ - આ બધા સંદર્ભો પણ પડેલા છે. કૃતિના આ મૂળભૂત અર્થ સાથે કૃતિના બીજા બે અર્થ સંકળાયેલા છે. એક કૃતિનો સંસર્જનાત્મક અર્થ (generative meaning) અને બીજો કૃતિનો સર્જનાત્મક અર્થ (creative meaning). શબ્દવિન્યાસ, વાક્યવિન્યાસ અને ભાષાબંધ (discourse) માટે ભાષા, ભાષાનું વ્યાકરણ, વ્યાકરણના નિયમો જે શરતો મૂકે એને આધારે ઊભો થતો પ્રાથમિક અર્થ એ કૃતિનો સંસર્જનાત્મક અર્થ છે, જ્યારે એના સર્જનાત્મક અર્થ માટે કોઈ ચોક્કસ નિયમો પ્રવર્તતા નથી. અલંકરણ (Tropes)ની અનેક રીતિઓ અસંખ્ય શક્યતાથી અહીં સક્રિય બનેલી હોય છે. આમ, કૃતિના મૂળભૂત અર્થની સાથે કૃતિનો સંસર્જનાત્મક અને સર્જનાત્મક અર્થ સંકળાય છે. પ્રત્યેક કૃતિ પોતામાં આ ત્રિવિધિ સ્તર લઈને ચાલે છે. વળી, પ્રત્યેક કૃતિ ઇતિહાસમાંથી પસાર થતી રહે છે. અને ઈતિહાસ એ બદલાતો સમય, બદલાતી રુચિ, બદલાતી શૈલી એટલે કે બદલાતા સાહિત્ય તંત્રો (Literary Systems)નો અનુક્રમ છે. તબક્કે તબક્કે બદલાતું સાહિત્યતંત્ર વાચનના પરિમાણને બદલી નાખે છે. પ્રત્યેક કૃતિના અર્થનો ત્રિવિધ સ્તર બદલાતાં સાહિત્યતંત્રની સાથે કેટલો અર્થવાન સંવાદ રચે છે, કેટલો જીવંત સંબંધ સ્થાપિત કરવામાં સહાયક નીવડે છે, એના પર પ્રશિષ્ટ કૃતિની કસોટી ખરી ઊતરે છે. બદલાતાં સાહિત્યતંત્રની સામે ત્રિવિધિ અર્થ સ્તરેથી અર્થની નવી સંભાવનાઓ સમર્પિત કરવાની કૃતિની ક્ષમતા એ એની પ્રશિષ્ટતા છે. એટલે કે પ્રશિષ્ટ કૃતિ સાહિત્યના ઈતિહાસમાં ક્રમે ક્રમે બદલાતાં સાહિત્યતંત્રને પચાવી જઈ શકે છે. એ જ કારણે, પ્રશિષ્ટ કૃતિની એ જ ક્ષમતાને આધારે, અર્થનું સંવર્ધન થતું રહે છે. એનો અર્થ પૂરી રીતે ક્યારેય નીચોવી લઈ શકાતો નથી. વાચક દ્વારા એ સંપન્નતર થતી આવે છે. પ્રશિષ્ટ કૃતિ હંમેશાં વિકસનશીલ ઘટના છે. સાહિત્યક્ષેત્રે આવા પ્રશિષ્ટ ગ્રંથો કે ગૌરવગ્રંથો નિકષ બનીને ઊભા રહે છે. મોટાભાગના સ્વયંસ્ફૂર્ત આનંદોની સામે અભ્યાસ અને પ્રશિક્ષણ દ્વારા સાહિત્યના આનંદને ઉત્કટ બનાવવામાં ગૌરવગ્રંથો સહાય કરે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસામાં ‘પ્રશિષ્ટ’નો ખ્યાલ સીધો મળતો નથી. પણ ‘કાવ્યહેતુ’માં જ્યાં વ્યુત્પત્તિ અને અભ્યાસનો સંદર્ભ છે, મહાકવિઓનાં નિબંધનોના વિમર્શનો અને લોકકાવ્યશાસ્ત્રમાં નિપુણતાનો સંદર્ભ છે, ત્યાં ‘પ્રશિષ્ટ’ની વિભાવના આડકતરી રીતે પડેલી જોઈ શકાય છે. એટલું જ નહીં, ક્ષણે ક્ષણે નવતાને પામતી રમણીયતાનો જ્યાં ઉલ્લેખ છે ત્યાં પણ પ્રશિષ્ટતાની વિભાવના મોજુદ છે.