લઘુ સિદ્ધાન્તવહી/વાચનકેન્દ્રી અભિગમનું નવું પરિમાણ

૩૮

વાચનકેન્દ્રી અભિગમનું નવું પરિમાણ

રશિયાઈ મૂળના અમેરિકી નવલકથાકાર લાદિમિર નાબોકૉવ (૧૮૯૯-૧૯૭૭)ની નવલકથા ‘લોલિતા’ મશહૂર છે. અશ્લીલ સાહિત્યથી માંડી શિષ્ટ અને પ્રશિષ્ટ સાહિત્ય સુધીના માર્ગોમાં એને વિધવિધ ગતિઓ મળી છે. કિશોરી લોલિતા અને એના બલાત્કારી વાલી હમ્બર્ટ વચ્ચેના સંબંધની આ કથા છે. કિશોરી અન્ના સાથેના અધૂરા રહેલા સમાગમના મનોબંધનને કારણે વિકસિત વયે અંગ્રેજી અને ફ્રેન્ચના અભ્યાસી તરીકે નીવડ્યા પછી પણ નાયક હમ્બર્ટને કિશોરીઓનું જ આકર્ષણ રહ્યું અને એમાં લોલિતાના સાવકા બાપ બની એણે કિશોરી લોલિતાનું એકસાથે જતન અને શોષણ કર્યું. લોલિતા પણ કાચી વયે પહેલેથી યૌન અનુભવોમાંથી પસાર થઈ ચૂકેલી કિશોરી હતી. આ બંનેની અમેરિકા આખાની રખડપટ્ટીને અંતે લોલિતા હમ્બર્ટની ચૂડમાંથી છૂટી, ભાગીને પોતાનો ઘરસંસાર માંડે છે. કેટલાક અભ્યાસીઓએ લોલિતાને ‘ભ્રષ્ટ’ ગણી છે. કેટલાકે એને ‘દુષ્ટ’ ગણી છે, કેટલાકે આ કથાને મોટો પ્રેમકિસ્સો ગણ્યો છે, તો કેટલાકે આ નવલકથાનો બહિષ્કાર ઇચ્છ્યો છે, કારણ કે નાબોકૉવે બારતેર વર્ષની કિશોરી પરના બળાત્કારને કલાનું રૂપ આપવાનો બેહૂદો આયાસ કર્યો છે એવું તેઓ માને છે. આજ સુધીમાં આ નવલકથાનાં, નાબોકૉવના અભ્યાસીઓ દ્વારા વિવિધ અર્થઘટનો થયાં છે. પરંતુ વીસમી સદીના દશમા દાયકાના મુલ્લાશાસન દરમ્યાન તહેરાનની અલ્લાકોહ તબતબાઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીની અધ્યાપક આઝર નફીસીએ જે અર્થઘટન આપ્યું છે તેનો સંદર્ભ સાહિત્યકૃતિઓનાં વાચન અને વાચનના મનોવિજ્ઞાનને નવી દિશાઓનો સંકેત આપે છે. મુલ્લાશાસન દરમ્યાન કટ્ટર મુસ્લિમપંથીઓએ યુનિવર્સિટી પર આક્રમણો કરી યુનિવર્સિટીને લક્ષ્ય બનાવી, જે પ્રકારનાં નિયંત્રણો લાદ્યાં, એ સાથે જ આઝર નફીસીએ રાજીનામું તો આપી દીધું, પણ એની અધ્યાપનની ઈચ્છા અને વાચનની ઇચ્છા પ્રબળ રહી. છૂપી રીતે અધ્યાપન ચાલુ રાખવાનો એણે નિર્ણય લીધો. પોતાના ઉત્તમ સાત ચુનંદા વિદ્યાર્થીઓને એણે પસંદ કર્યા, અને આ વિદ્યાર્થીઓ લાદિમિર નાબોકૉવ, ફિટ્ઝરાલ્ડ, હેન્રી જેમ્સ કે જેન ઑસ્ટિન વગેરે જે વાંચતા હતા એની નોંધ માટે અંગત ડાયરી રાખવાનું સૂચન કર્યું. આ વર્ગની નોંધ સાથેનું આઝર નફીસીનું પુસ્તક ‘તહેરાનમાં લોલિતાનું વાચન’ (Reading Lolita in Tehran, Random House) બહાર આવ્યું છે. નફીસીનો વર્ગ ચોરીછૂપીથી ચાલતો હતો. મુલ્લાશાસન હેઠળ ઈરાનમાં રહેવું એટલે સર્વસત્તાવાદી વ્યવસ્થાના બલિ બનવા જેવું હતું. આ મુલ્લાશાસન વ્યક્તિગત જીવનમાં સંપૂર્ણ દખલગીરી કરી એમની જોહૂકમી અને મનમાની ચલાવતા હતા. પ્રજા સમગ્ર પર સેન્સરની આંખ હતી. એટલે નફીસી જે વર્ગનું સંચાલન કરતી હતી એ વર્ગને સેન્સરની આંખથી બચાવવાનો હતો. ક્રાંતિના કહેવાતા બે યુવા રક્ષકો દ્વારા નફીસીના ઘરની તલાશી પણ લેવામાં આવી હતી. આમ છતાં આ વર્ગ જ નફીસી અને એના વિદ્યાર્થીઓને, તેઓ શ્વાસ લેતા, જીવતા મનુષ્યો છે એની ખાતરી આપતો હતો. નફીસી નોંધે છે કે રાજ્ય ભલે ને ગમે એટલું દમનકારી હતું, અમે ગમે એટલાં ભયભીત અને બેબાકળાં હતાં, તેમ છતાં લોલિતાની જેમ અમે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, અમે અમારા સ્વાતંત્ર્યના નાના નાના ટાપુઓ રચી લીધા હતા. વર્ગમાં ‘લોલિતા’ના વાચનને નવો અર્થ મળ્યો. લોલિતા એવા શિકારોમાંની એક શિકાર હતી, જેની પાસે કોઈ બચાવ નહોતો અને જેને જીવનની પોતાની વાત કહેવાની તકથી પણ વંચિત રાખવામાં આવી હતી. આ રીતે લોલિતા બે પ્રકારે શિકાર થયેલી. એની પાસેથી એનું જીવન જ નહીં, એના જીવનની વાત પણ છીનવી લેવામાં આવી હતી. નફીસીના વર્ગને લાગ્યું કે આપણે બીજા પ્રકારનો શિકાર થતાં આપણી જાતને અટકાવી છે. વર્ગને લાગ્યું કે ‘લોલિતા’એ વર્ગ બહારની વાસ્તવકિતાનો પ્રતિકાર કરવાને અવકાશ આપ્યો છે, એટલું જ નહીં, પણ જે લોકો એમના જીવનનું નિયંત્રણ કરે છે એમની સામેનો પ્રતિશોધ આપ્યો છે. વર્ગનો એ સમય એમને માટે કીમતી બની ગયો, કારણ તેઓ મુક્તપણે પોતાના આનંદશોક, પોતાની અંગત યાતનાઓ ચર્ચી શક્યાં હતાં. એમને મન ‘પલાયન-વાચન’ (escape reading)ની આ નવી વ્યાખ્યા હતી. નફીસીની પુસ્તકનું શીર્ષક આ રીતે સૂચક બન્યું છે. શીર્ષક દર્શાવે છે કે આપણે સાહિત્યકૃતિઓ કેવી રીતે વાંચીએ છીએ એ જેટલું સાહિત્યકૃતિઓના પોતાના પર નિર્ભર છે એટલું જ આપણે વાચક તરીકે કોણ છીએ અને ક્યાં છીએ એની પર પણ નિર્ભર છે. દરેક વાચક સાહિત્યકૃતિ પાસે એનો પોતાનો અનુભવ લઈને આવે છે અને જે પરિસ્થિતિઓ વચ્ચે એ સાહિત્યકૃતિને વાંચે છે એ પરિસ્થિતિઓ પણ વાચક અને સાહિત્યકૃતિ-એમ બંનેનું રૂપાન્તર કરી શકે છે. વાચનકેન્દ્રી અભિગમોથી સાહિત્યના જે સિદ્ધાન્તો ઊભા થયા છે, એમાં વાચકની પોતાની અપેક્ષાઓની ક્ષિતિજોની જે વાત આવે છે, એ વાતને આ ઉદાહરણ નવું પરિમાણ પૂરું પાડે છે. સાથે સાથે એવું શ્રદ્ધાબળ પૂરું પાડે છે કે શક્ય અને પ્રમાણિત અર્થઘટનો ધર્યા કરવાની સમર્થ સાહિત્યકૃતિઓ અમર્યાદ ક્ષમતા ધરાવે છે.