વનાંચલ/પ્રકરણ ૨


(૨)

થાણામાં પેસતાં ડાબે હાથે ચાર-પાંચ હારબંધ ઓરડીઓ આવેલી છે. એમાંની છેલ્લી બે ઓરડીમાંની એકમાં દાક્તર રહે ને બીજીમાં દવાખાનું ચાલે; બાકીની થાણાના કારકુનો માટે. દાક્તરનું નામ ભવાનીશંકર રાવળ, બેઠી દડીના, ભરાઉ, ગૌર શરીરવાળા. એમનું મૂળ વતન કાઠિયાવાડમાં આવેલું લખતર. જાતે ધાર્મિક વૃત્તિના, સ્વામિનારાયણ સંપ્રદાયના. કપાળમાં U જેવું, સ્ત્રીઓ માથામાં ખોસે છે તેવા ચીપિયા જેવું ચિહ્ન ને એની વચમાં મોટો ગોળ ચાંલ્લો એમના પ્રભાવશાળી મુખને વધારે પ્રભાવશાળી બનાવે. મારા બાપુ પણ ધાર્મિક વૃત્તિના એટલે એમને બંનેને સારું બને; કલાકો સુધી સત્સંગ ચાલે. દાક્તરના ધાર્મિક જીવનની સુવાસ આજુબાજુનાં ગામોમાં પ્રસરેલી. પાટીદાર, રાજપૂત, કુંભાર આદિ કોમોના કેટલાકે સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી બાંધેલી ને ‘વચનામૃત’ વાંચતા થયેલા. મારા બાપુ પણ એવી કંઠી બાંધે એવી દાક્તરને ઇચ્છા ખરી. સાંભળેલું કે દાક્તરે એમના સંપ્રદાયમાં ભળવાનો આગ્રહ પણ કરેલો. મારા બાપુ પહેલેથી જ રામભક્ત, એમના ઈષ્ટદેવ રામ. એમણે દાક્તરને કહેલું : ‘હું બધા દેવને નમસ્કાર કરું છું, પણ મારો ઇષ્ટદેવ રામ છે. હું કોઈ બીજાની કંઠી ન બાંધું, વટલાઉં નહિ.’ પછીથી દાક્તરે એવો આગ્રહ છોડી દીધેલો ને એ બન્નેના સંબંધો છેવટ સુધી મીઠા રહેલા.

કહેવાતું કે ભવાનીશંકરને પહેલા મહાયુદ્ધ વખતે સરકારને તબીબી સેવાઓ આપવાની આવેલી. તેમાંથી છૂટવા તેઓ અહીં દેશી રાજ્યમાં આવેલા. એમને ત્રણ દીકરા : જ્ઞાનશંકર, પ્રેમશંકર ને વિનયશંકર. સૌથી મોટા જ્ઞાનશંકર બહારગામ રહે. સૌથી નાના વિનયશંકર અમારી સાથે ભણે ને વચેટ પ્રેમશંકર પિતાને દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે મદદ કરે. દવાખાનામાં શરૂ શરૂમાં તો દર્દીઓ ઓછા આવે. આદિવાસીઓ તો દવાખાને આવતાં ડરે, દવા ન પીએ. માંદા પડે એટલે દોરા-ધાગા, મંતર, ભૂવાજતિ કરે. જંગલવાળાઓનો મુખ્ય રોગ તે ટાઢિયો તાવ ને ખસ, ખરજવું, દરાજ. ક્યારેક ઝાડ ઉપરથી પડી જવાથી વાગ્યાનો કેસ આવે. ઢોરની સારવાર પણ અહીં જ થાય. દાક્તર બળદનું સડી ગયેલું શિંગડું કાપતા હોય, તેને પાટો બાંધતા હોય એ દૃશ્ય આજેય નજર સામે છે.

ભવાનીશંકર આમ તો સૌમ્ય ને સાત્ત્વિક પ્રકૃતિના, પણ કોઈ વાર ઊકળી જાય ત્યારે કોઈના નહિ. શરૂ શરૂમાં આદિવાસી રોગીઓને દાક્તર પડીકીઓ આપે ને બીજે દિવસે રોગીને પૂછે : ‘કેમ છે? હવે સારું છે ને?’ રોગી કહે : ‘બાપા, તમારા પરતાપે હારુ લાગે છે. દવા તો હારી, પણ આ કાગળિયાં ચાવવાનાં ની ગમે.’ દાક્તરનો મિજાજ જાય : ‘માળા મૂરખ, તને પડીકાં આપ્યાં તેમાંની દવા ખાવાની કે કાગળ ચાવી જવાનો! સાવ જંગલી જેવો; જા, દવા નહિ મળે.’ બાપડો આદિવાસી પ્રથમ તો મૂઢ જેવો દાક્તરની સામે જોઈ રહે, પછી ધીમેથી બોલે : ‘હમજ્યો બાપા, દવા આલો ભાઈશાબ!’ એક વાર એક જણને પગે ઠોકર વાગી ને અંગૂઠો ચિરાઈ ગયો : જેવો તેવો પાટો બાંધીને દવાખાનામાં આવ્યો. દાક્તર પૂછે : ‘કેમ શું થયું છે?’ પેલો કહે : ‘સાહેબ, ઠેહ વાગી તે લોહી ખૂબ નીકળે છે.’ દાક્તર તરત તડૂકી ઊઠ્યા : ‘અલ્યા પ્રેમલા(પ્રેમશંકર), આની આંખમાં દવાનાં ટીપાં નાંખ, એને દેખાતું નથી લાગતું!’

આ ભવાનીશંકર દાક્તરે અમારા કુટુંબ ઉપર એક મોટો ઉપકાર કરેલો – મને ‘નવે અવતારે’ લાવવાનો. ત્રણેક વર્ષની વયે મેં દાદાની અફીણની ડાબલી રમવા લીધી ને એમાંનું ઘણું અફીણ ખાઈ ગયો. કહે છે કે ત્રણ દિવસ હું અચેત રહ્યો. એટએટલામાં કોઈ બીજું દવાખાનું નહિ, શહેર આઘે ને ઝડપથી લઈ જવાય એવાં સાધન નહિ. માબાપ ને દાદાની ચિંતાનો પાર નહિ. ભવાનીશંકરને બોલાવ્યા. એમણે હિંમત આપીને ત્રણ દિવસની સતત સારવાર કરીને મને ભાનમાં આણ્યો. મોટા થયા પછી એ ઘટનાનો હેવાલ મોટેરાંને મોઢેથી અનેક વાર સાંભળવા મળ્યો છે. મારી બાનો સ્વભાવ આકળો. એણે દાદાને સંભળાવેલું : ‘અફીણની ડાબલી ગમે ત્યાં રઝળતી મેલો છો તે મારે તો છોકરો ખોવાનો થયો!’ ને દાદાની દશા? બિચારા ગુનેગારની જેમ સાંભળી રહે. પસ્તાવો કરે ને ભગવાનને કહે : ‘ભલા ભગવાન, મારી લાજ રાખજે, છોકરો જશે તો મારે કપાળે જનમભરની કાળી ટીલી ચોંટશે.’ નાનપણથી જ હું દાદાને ઘણો વહાલો ને દાદા પણ મને એવા જ વહાલા.

ભવાનીશંકરને ત્યાં ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક આવે. એના ઉપર વેલની ભાતમાં ‘પ્રજાબંધુ’ લખાયેલું વાંચ્યાનું બરાબર યાદ છે. તંત્રી તરીકે બલન્તરાય પ્રમોદરાય ઠાકોરનું નામ હોય. આછા ગુલાબી રંગના કાગળો ને શરૂઆતમાં અંગ્રેજીમાં લખાણ, કદાચ તંત્રીલેખ, તંત્રીનોંધ. દાદા એને ‘બુધવારિયું’ કહે. અમારે પતંગ બનાવવા કાગળ જોઈએ; દવાખાને એકલા જવાની તો હિંમત જ નહિ, દાક્તરની ધાક ભારે. દાદાને કહીએ એટલે એ એમને દાક્તરને ત્યાં લઈ જાય. એક પ્રસંગ યાદ છે. ‘પ્રજાબંધુ’ના ગુલાબી કાગળો આપતાં દાક્તરે કહ્યું : ‘ઝાઝાં દઉં?’ કોણ જાણે કેમ મને ‘ઝાઝાં’ એટલે ‘ઓછા’ એવું જ સમજાયું! મારું મોં પડી ગયું. પણ દાક્તરે તો ખાસ્સાં આઠ-દસ પાનાં, આખો અંક જ આપી દીધો. કઢાઈનો કે બાવળનો ગુંદર પાસેના જંગલમાંથી લાવવાનો. અમારી રમતના સાથી દાદા ભંગીવાડેથી કામડું લઈ આવે અને એની ચીપો કમાનઢઢ્ઢા માટે કરી આપે. એમ અમારી પતંગ બને જે ભારે કાગળને લીધે ભાગ્યે જ ઊડે. અમે સીવવાના જાડા દોરાનો ટુકડો બાંધી પાસેના પસાયતામાં(મેદાનમાં) પાછું જોયા વગર દોડીએ. ઘણુંખરું તો પતંગ ઊડવાને બદલે ઊંધે માથે ધૂળમાં ઘસડાતી ચાલે ને અમે પાછળ નજર કરીને જોઈએ તો તે કૂંવાડિયામાં ભરાઈને ફાટી ગઈ હોય. ઉતરાણ વખતે કોઈ કોઈ વાર વડોદરામાં ભણતા ગણપતરામ પાઠકના ભાણા સોમાભાઈ કે મુંબઈ ભણતા જેઠારામ પાઠકના પુત્ર નંદકુમાર રંગબેરંગી પતંગોના કાગળો લાવે, મોટી પતંગ બનાવે ને દોરાનું લાડવા કરતાં બમણા કદનું ‘પિલ્લું’ લઈને પસાયતામાં ચગાવવા નીકળે ત્યારે અમે અહોભાવથી ને ‘અમને આવું નહિ’ એવા કંઈક રંજથી જોઈ રહીએ. ક્યારેક ‘પિલ્લું’ પકડવા આપે તો કડક, હાથ કાપી નાખે એવી દોરી જોઈને વિસ્મય પામીએ.

અમારા વાડાની પાછળ જ નિશાળનું પાકું મકાન. જમવાનો વખત થાય એટલે વાડામાંથી બૂમ પડે ને અમે જમવાની રજા લઈ ઘેર આવીએ. શાળામાં હું થોડો મોડો, સાતેકની ઉંમરે બેઠો. મારો નાનો ભાઈ રમણ જ્યાં સુધી નિશાળે જવા જેવડો ન થાય ત્યાં સુધી મને નિશાળે જવું કેમ ગમે? એ પાંચ વર્ષનો થયો એટલે અમને સાથે નિશાળે મૂક્યા. બાપુ ને દાદા તે દિવસે શાળામાં આવેલા એવું યાદ છે. અમે લાંબો કોટ ને માથે ભરત ભરેલી લાલ ગોળ ટોપી પહેરેલી; નિશાળમાં સાકર વહેંચાયેલી.

મારું શાળાજીવન ખાસ પ્રસંગો વગરનું છે. હું સ્વભાવે શરમાળ, ઝાડે ચડવામાં ને રમતગમતમાં કુશળ, પણ માણસ જોઈ મોં સંતાડું. આ શરમાળપણું આજે પણ રહ્યું છે ને ઘણી ગેરસમજનું કારણ બન્યું છે. એથી કોઈ મને અક્કડ, અભિમાની કહે છે; કોઈ અતડો, એકલમૂડો કહે છે. મારા ભાઈનો સ્વભાવ તોફાની ખરો. મંગળ માસ્તર નામના એક શિક્ષકને બારીમાંથી પથરો મારી એ નાઠેલો ને માસ્તરે પાછળ છોકરાઓ દોડાવેલા, ટિંગાટોળી કરી ઊંચકી લાવી હાજર કરવા. નિશાળમાં જમીન પર બેસવાનું. કોઈ કોઈ પોતાના ઘેરથી કોથળાના કકડા પાથરવા લાવે. આજુબાજુનાં ગામડાંમાંથી છોકરાઓ ભણવા આવે તે રોટલા બાંધી લાવે ને બપોરની રજામાં નદીએ જઈને ખાય. નિશાળમાં પાણીની સગવડ નહિ એટલે કેટલાક અમારે ત્યાં પાણી પીવા આવે. શિયાળામાં શનિવારે વહેલી સવારે ગરીબ છોકરાં એક જ વસ્ત્રભેર દૂરદૂરથી હાથમાં સ્લૅટ લટકાવતાં આવે ને નિશાળની પાછળ તેમ પસાયતામાં ઊગેલા કૂંવાડિયા સળગાવી તાપણું કરે. માસ્તરો પણ તાપણે આવે ને આંક લખવાનો ‘યજ્ઞ’ ચાલે.

હેડમાસ્તર એક બુઢ્ઢા ને દમલા સજ્જન હતા. એમનું નામ તો નરોત્તમ, પણ બધાં એમને ‘દમલા માસ્તર’ કહે. નિશાળમાં ટપાલખાતું પણ ખરું. દમલા માસ્તર ટપાલનું પતાવી સામે જ એમને રહેવા માટે બાંધેલા મકાનમાં જતા રહે. ટપાલ કરતી વખતે પણ બે હાથનો ટેકો લઈ ઊભા પગે બેસે ને જોરથી હાંફે, ખાંસી ખાય. એમને બીજી વારની પત્ની નામે ચંચળ, ઉંમરમાં એમનાથી ઘણી નાની. તેઓ કહેતા : ‘હું જ્યારે ચોવીસ વર્ષનો હતો ત્યારે આ બાબુની બા છ મહિનાની હતી.’ એમનો એકનો એક દીકરો બાબુ દેવગઢબારિયે ભણે. આ બાઈ બહુ બોલકણી ને થોડી લડકણી પણ, એટલે એમના ઘરમાં થતી કચકચ અમને નિશાળિયાંને સંભળાય. માસ્તર કોક વાર વળી આવી જાય ને કોઈને સોટી તો કોઈને આંકણીનો પ્રસાદ ચખાડી હાંફતા હાંફતા ચાલ્યા જાય. શિક્ષા એ જ શિક્ષણ! શાળામાં વિદ્યાર્થીઓને કઠોર શિક્ષાઓ થતી. ટેબલ ઉપર હાથ મુકાવી આંકણીથી મારે, બે હાથ ઊંચા કરાવી બોચી ઉપર પાટિયું રખાવી ફેરવે, અંગૂઠા પકડાવી પીઠ ઉપર કાંકરી મૂકે ને જો હાલવાથી કાંકરી પડે તો ઉપરથી આંકણી પડે. પછાત વર્ગનાં મોટા ભાગનાં છોકરાંમાં અમે બ્રાહ્મણના દીકરા એટલે અમને આવી શિક્ષા ભાગ્યે જ થતી. એક વખત શિક્ષાનો પ્રસંગ મારે આવેલો ખરો. દમલા માસ્તર ઘરમાં એટલે અમે બેત્રણ વિદ્યાર્થીઓ તોફાનમસ્તીએ ચડ્યા. એટલામાં અચાનક એમનું આવવું તે અમે પકડાઈ ગયા. એક જણને તો એમણે ધોલ લગાવી દીધી. પછી મને હાથ લાંબો કરવાનું કહ્યું પણ મેં ન કર્યો. એમણે આંખ કાઢી, મેં આંખો ઢાળી દીધી. આખરે તેઓ દમને લીધે તેમ ક્રોધમાં ઉધરસ ખાતા ને ઘૂરકતા પાછા ઘરમાં જતા રહ્યા.

માર ખાવામાં સોમલો દરજી એક્કો. ગમે તેવી શિક્ષા એ માત્ર મૂંગે મોઢે જ નહિ પણ હસતે મોઢે સહન કરતો. ‘સહન કરતો’ કહેવું પણ કદાચ બરાબર નથી, એને કશી અસર જ થતી નહોતી. તોફાની ભારે ને ભણવામાં ભોટ એટલે બન્ને કારણે એને શિક્ષા થતી; એનો આખો દિવસ શિક્ષા ભોગવવામાં જ જતો. પણ સોમલો હસમુખો ને કામગરો ભારે તેથી ધીરે ધીરે એ માસ્તરની વહુનો પ્રીતિપાત્ર બન્યો. પછી તો એ માસ્તરના ઘરમાં, એમની તહેનાતમાં જ આખો દિવસ રહે ઘરનાં નાનાં-મોટાં બધાં કામ એ આનંદથી કરતો. આમ શિક્ષા અને શિક્ષણમાંથી એ છૂટ્યો; બે-ચાર ચોપડી ભણી એ ઊઠી ગયો ને એના બાપ ગોકળ દરજીના સંચે બેસી ગયો.

શાળામાં અમને શું ભણાવતા એ ખાસ યાદ નથી, પણ ક્યારેક ‘શાળાપત્ર’ની ફાઈલો વંચાવતા; હાથે લખેલાં લખાણો વાંચવાની ટેવ પડે તે માટે કોઈ કોઈ દિવસ સરકારી કેળવણી ખાતાના પરિપત્રો વંચાવતા. ક્યારેક વરસાદ ખૂબ પડતો હોય, દૂરથી નદી-નાળાં ઓળંગી આવતા વિદ્યાર્થીઓને રજા આપી દીધી હોય ત્યારે અમને બાકી રહેલાઓને ‘શાળાપત્ર’માંથી ગીતોનું સમૂહગાન કરાવાતું. બારિયા રાજ્યનો નકશો ખોલી અમો ગોખતા : બારિયા રાજ્યના સાત મહાલ – હવેલી, રાજગઢ, સાગટાળા, કાકડખીલા, ઉમરિયા, દૂધિયા ને રંધીકપુર; રાજ્યની મુખ્ય નદીઓ : પાનમ, ગોમા, કરડ, હડબ ને મેશરી. ક્યારેક ‘રક્ષ દેવ તું મહારાજા’ ગવાય તો ક્યારેક રણજિતસિંહ મહારાજ(રાજ્યના તે વખતના રાજા)ની પ્રશસ્તિ ગવાય. શાળામાં એક દૂરબીન પણ હતું, જે બતાવવાનો કાર્યક્રમ કોઈ વાર રાખવામાં આવતો.

પાટનગર દેવગઢબારિયાથી પરીક્ષા લેવા ‘ડિપોટી સાહેબ’ આવે. બે બળદના સિગરામમાં સવારી કરતા. છબીલશંકર મ. ત્રિવેદી અમારા ઉપર ભારે પ્રભાવ પાડતા. દાદા તો કહેતા : ‘જોયું ને? ભણશો તો આમ સિગરામમાં ફરશો ને અમલદારી કરશો. બાકી આમ દંડાફંડા કરવામાં કશોય દહાડો નહિ વળે.’ આ ‘ડિપોટી સાહેબ’ અમને પ્રશ્નો પૂછે, માસ્તરને પલાખાં પૂછવાનું ને દાખલા લખાવવાનું કહે, બે દિવસ પરીક્ષા લે, માસ્તરને ત્યાં મિષ્ટાન્ન ઝાપટે ને ત્રીજે દિવસે સિગરામમાં બેસી, બીજે ગામ હાલતા થાય.

ઉનાળાની રજાઓ ઊઘડે ત્યારે વિદ્યાર્થીઓ માટે શાળામાં નવી ચોપડીઓ આવી ગઈ હોય – ‘મુંબઈ ઇલાકાના સરકારી કેળવણી ખાતાની’, મુખપૃષ્ઠ પર પાંચમા જ્યૉર્જના ચિત્રવાળી. એનાં પાનાં ફેરવતાં કેવો આનંદ આવે! કોઈ કંજૂસને ચલણી નોટો ગણતાં પણ એટલો આનંદ નહિ આવતો હોય અને એને સૂંઘવાની મજા તો કંઈ ઓર જ. ઘરમાં બધાંને સૂંઘાડીને એમને પણ એ આનંદના ભાગીદાર બનાવીએ. પૈસાની બે કે ત્રણ કાળી અર્ધા ભાગ ઉપર લાલ કે લીલા તારાંકિત કાગળવાળી પેન જોતાં હાથ ઝાલ્યો ન રહે, લીટા કરવા બેસી જાય. શાળામાં કાળા પાટિયા પર(આ પાટિયું લાકડાની એક ઘોડી પર ગોઠવેલું હોય) ખડીના સફેદ ગઠ્ઠાથી લખવાનું કોઈ વાર સાહેબ સોંપે ત્યારે કુતૂહલ ને ગર્વથી મોં ખીલી ઊઠે. ધન્યતાની એ કથા ઘેર જઈને મોટેરાંને સંભળાવીને ને એમની શાબાશી મેળવીએ ત્યારે જ જંપ વળે.

પેલી ચોપડીનાં સફેદ પાન આજે પણ સ્મૃતિમાં ઊઘડે છે. એમાંનાં કાવ્યોની કોઈ કોઈ પંક્તિઓ શૈશવની આખી સૃષ્ટિને સાથે ખેંચી લાવે છે. ‘વિશાળ વડ પર વેલ છજેલ, જાણે તંબૂ છે તાણેલ’ ગોખતા ત્યારે કલ્પનામાં જે વડ ઊગી નીકળતો તે તો મારા ગામના પાદરનો વડ ને વેલ તે લીલ બાઝેલી નિશાળની ભીંતે ચડેલો ધિલોડીનો પેલો વેલો જ તો! ‘રંગીન ચિત્ર-વિચિત્ર માછલાં ગમ્મત કરતાં’ એમ માસ્તરસાહેબ આગળ બોલતા હોઈએ, પણ મન તો ક્યારનું કરડ નદીમાં માછલીઓ ભેગું માછલી થઈને રમતું હોય! ‘ઝૂકી ઝાડનાં ઝુંડની ઝાઝી’ ઝાડીની ઝડઝમકમાં, નિશાળ મૂકીએ તો પૂર્વમાં સાત ડગલાં ભરતાં જ જેનું સખ્ય પ્રાપ્ત તે જંગલમાં વૃક્ષોની ઝૂલતી ડાળીઓ એકબીજા સાથે ઝપટાતી સંભળાય. ત્યારે ચોપડીના આવા વર્ણન ને પ્રત્યક્ષ દુનિયા વચ્ચે ઝાઝું અંતર નહોતું; જે થોડું હોય તેને મુગ્ધ કલ્પના કાપી આપતી. પરિચિત પ્રકૃતિના અલ્પપરિચિત અક્ષર દ્વારા થતા પુનઃપરિચયથી ચિત્તમાં એક લય સર્જાતો. વસ્તુજગત અને કલ્પનાસૃષ્ટિ વચ્ચે ત્યારે અભેદ્ય સરહદો નહોતી, આવ-જા કરવાની પૂરી છૂટ હતી. ક્યારેક સ્વપ્નમાં એ સરહદો વિચિત્ર રીતે એકબીજામાં ભળી જતી; પણ ત્યારે એમની વચ્ચે ઝઘડો ન થતાં પરસ્પરને મળ્યાનો આનંદ થતો. તકલી, સૂતર કે ઝંડાની કવિતા ત્યારે નહોતી ભણાવાતી, પાયાની કેળવણીનો ખ્યાલ પ્રચલિત નહોતો. એ ચોપડીઓમાંથી કલ્પનાની કેળવણી મળતી ને કુમળાં કલ્પનાપ્રિય બાળકો ઉપર આજે ડહાપણની દુનિયાનો જે બોજ લાદવામાં આવે છે તેનાથી મુક્ત રહેવાતું. પણ આજે તો આપણે ઇજનેરો, ડૉક્ટરો, પ્રધાનો ને નેતાઓ પેદા કરવા છે ને! કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો ક્યાં પેદા કરવા છે!