વાર્તાકાર હેમાંગિની રાનડે/અણસાર

અણસાર

અરીસાની સામે ઊભી વિનીતા ધ્યાનથી ચાંદલો કરી રહી છે. અચાનક પીઠ પાછળથી એક ચહેરાનો આછો અણસાર અરીસામાં ઊપસે છે. દૂબળો, શામળો, નિસ્તેજ ચહેરો, એક કિશોરીનો. ચહેરો અરીસાની નજીક આવે છે. હવે કિશોરીનું આખું શરીર દેખાય છે. કિશોરી પોતાના શરીર ઉપરથી ફ્રોક ઉતારે છે. તેના શરીર પર હવે ફક્ત પેટીકોટ છે, જેને કારણે તેના હાથ-પગ વધારે પાતળા લાગે છે. વિનીતા ધ્યાનથી જુએ છે. કિશોરીએ અરીસામાં જોઈ જીભ કાઢી મોઢું બગાડ્યું. વિનીતા જરીક આઘી ખસી. આ રમત હવે વધુ રસપ્રદ બની ગઈ. કિશોરીએ કમરમાં વળ દીધો, આંખો મટકાવી, હસી અને મારલિન મનરોની અદાથી હાથ હલાવી નખરા કર્યા. કાચા, કુમળા શરીરનું નિર્દોષ આમંત્રણ… જુગુપ્સા ઉપજાવે એવું. કિશોરી પોતાની આ અદાથી ખુશ છે: તે તાળી પાડે છે. વિનીતા મુગ્ધભાવે જુએ છે. કિશોરીની પ્રતિમા ધીરે-ધીરે લુપ્ત થાય છે. માનસપટલના અરીસામાં પોતાનું કિશોરવય અનુભવી, નિઃશ્વાસ નાખી વિનીતા પાછી સામે આવી, વાળ ઠીક કર્યા. શામળો પણ આકર્ષક ચહેરો ચાંદલાથી દીપી ઊઠ્યો. વિનીતા બહાર આવી. દીવાનખાનામાં સ્ટીવ તેની રાહ જોતો હતો. ‘ઓહો, આજે ભારતીય મૂડ છે ને શું.’ તેણે વિનીતાની કમરમાં હાથ નાખી તેને બાથમાં લીધી. આફ્ટર શેવ અને કૉલોનની મ્હેકનો ભભકારો ઊઠ્યો. વિનીતાએ મોઢું ફેરવી લીધું. સ્ટીવે તરત હાથ ખેંચી લીધા. વિનીતા પડું-પડું થઈ રહી. એક વ્યંગભર્યું સ્મિત સ્ટીવના હોઠો પર ખેલી ગયું. તેણે ઘરનો દરવાજો ઉઘાડ્યો, વિનીતા સંતુલન સંભાળતી બહાર આવી. સ્ટીવે ગાડી શરૂ કરી. વિનીતાને થયું, આજનું આ નોતરું ન સ્વીકાર્યું હોત! પણ સગાં પોતીકાં હતાં. ક્યાં સુધી આ મુલાકાત ટળી શકવાની હતી! તેણે આંગળીમાંની વીંટી ઘુમાવી. વિનીતા જ્યારે વિચારોની જાળમાં ફસાઈ જાય છે, આમ જ વીંટી ફેરવ્યા કરે છે. ક્યારેક આંગળી છોલાઈ જાય છે. પણ ટેવ નથી છૂટતી. તેણે નજર નીચી કરી. વીંટીમાંનું મોતી શું ઝાખું દેખાય છે? ‘નાનીમા, જુઓ તો. આ વીંટી મેં મારા પૉકેટમનીમાંથી ખરીદી.’ ‘અરે વાહ! સરસ છે હોં.’ ‘લો, આ તમારે માટે છે.’ ‘પણ બેટા, હું ક્યાં ઘરેણા પહેરું છું?’ ‘જ્યારે દુકાનમાં મેં આ વીંટી જોઈને, ત્યારે નાનીમા, મને તમે યાદ આવ્યાં.’ ‘એમ? ત્યારે તો આ હું મારી પાસે જ રાખીશ હં.’ મનમોહન અને પત્ની પોતાનાં નવા ઘરના વરંડામાં રાહ જોતાં ઊભાં હતાં. સ્ટીવે પત્ની તરફનો દરવાજો ખોલી પતિકર્તવ્યનું પાલન કર્યું. ‘દીદી!’ મનમોહનના અવાજમાં ઘણા વખત પછી મળ્યાની ઉત્સુકતા હતી, સ્નેહ હતો. વિનીતાને પસતાવો થયો. મામાનો દીકરો, તેનો ભાઈ... અને તે આ મુલાકાત ટાળતી હતી! ‘મુન્નુમિયાં,’ નાનપણનું નામ હોઠે ચડ્યું. ‘કેમ છો તમે બન્ને?’ સ્ટીવે ગાડી પાર્ક કરી. મનમોહનનો હાથ ખૂબ જ આત્મીયતાથી દબાવ્યો. મુન્નુમિયાંની પત્ની, એકદમ ભારતીય નારી, બિલકુલ શુદ્ધ માલ! વિનીતાએ તીક્ષ્ણ નિરીક્ષણ કર્યું. હં, છે તો સારી! બધાં અંદર ગયાં. વિનીતાએ સાંભળ્યું, મનમોહન કહેતો હતો, ...છેવટે નક્કી કર્યું કે અહીં આવવામાં જ સાર છે. ત્યાં અમારી જરૂરત છે ખરી, પણ અમારા ફિલ્ડમાં… વિનીતા ભારતી જોડે કુટુંબ-પરિવારની વાતોમાં લીન હતી. સોનિયા શું કરે છે? મુનિયા ક્યાં છે? કેટલાં છોકરાં છે? ભાભીને હવે કેમ છે? ભારતી અંદર ગઈ ત્યારે વિનીતાએ મનમોહનની વાતોમાં રસ લીધો. ‘વાત એમ છે સ્ટીવ કે ત્યાં પ્રગતિ મુશ્કેલ છે. આગળ વધવાના મોકા અહીં વધારે છે, જો માણસ મહેનતથી ન ડરે તો... હવે તમને શું કહું, તમે અહીંના જ છો... પણ અહીં જેટલા માર્ગો છે…’ ‘હા, અહીં માર્ગ તો ઘણાય છે. તકો પણ ઘણી બધી છે, સાધનો છે પણ ભાઈ અહીં કાદવ પણ એટલો જ છે, એટલે સંભાળીને પગ મૂકજો. એકવાર જો કાદવમાં ફસાઈ ગયા, તો નીકળવું મુશ્કેલ છે.’ વિનીતાને યાદ આવી મમ્મીની વાત! ‘તમે પોતે હજી અહીં પગ નથી જમાવી શક્યા, તો અમને શેણે બોલાવી લીધાં, હેં?’ ‘જામી જશે. પગેય જામી જશે અને ઉપરની સીઢીયે ચઢી જશે પણ વખત તો લાગે ને! અને… એકલા અહીં મન નો’તું ચોટતું. કેમ વિનુ બેટા, સાચી વાત છે ને!’ વિનુએ પપ્પાની છાતીમાં મોઢું સંતાડ્યું. મમ્મી શું કામ પપ્પાને પજવતી હશે! ત્યાં પપ્પા વગર તેને પણ ક્યાં ગમતું હતું! ‘એટલે એમ કે હવે ઘરના હપ્તા ભરવા મારે પણ કામ કરવું પડશે.’ ‘અહીં બધા જ કરે છે ને અને આપણું જીવન આપણે ન સજાવીએ તો...’ ‘નકામી વાતો કરો મા. ત્યાં હું રાણીની જેમ રહેતી. અહીં વૈતરું કરીશ, તો ખાઈશ. હુંહ! પુરુષો પરદેશ જાય છે પૈસા કમાવવા, બૈરી-છોકરાંને આરામ આપવા. તમે એટલુંયે ન કરી શક્યા, એમ જ ને!’ ‘દીદી, લો, માએ તમારે માટે મોકલ્યું છે.’ વિનીતાએ ડબ્બો ખોલ્યો. કાચની રંગબેરંગી બંગડીઓ ચમકી. તેણે ભારતી સામે જોયું. ગુલાબી ચહેરો મનગમતી ભેટ લાવી આપવાના સંતોષથી ખીલી ઊઠ્યો હતો. વિનીતા બંગડીઓ પહેરવા લાગી. બન્ને હાથ કાંડાથી લઈને કોણી સુધી ભરી લીધા. પછી હાથ હલાવીને છણછણ-છણછણ સાંભળી રહી. ‘આ શું દીદી?’ મનમોહને હસીને ટકોર કરી, સાવ ગામડાની ભરવાડણ જાણે! હેં?!’ ‘વિનીને રંગ ખૂબ જ ગમે છે ને.’ હવે સ્ટીવે કહ્યું, પછી ઉમેર્યું, ‘અહીંના બેરંગ જીવનને તમારાં દીદી આવી ચીજોથી રંગીન બનાવવાનો પ્રયત્ન કર્યા કરે છે.’ મનમોહને આ વાક્યને પશ્ચિમી સભ્યતાની રમૂજ સમજીને સ્મિત કર્યું. વિનીતાએ તીખી આંખે સ્ટીવ ભણી જોયું. અને અંદર ભારતી પાસે કિચન તરફ નીકળી ગઈ. ભારતી નવું ઘર, નવી સગવડો અને નવા સંસારને લઈને મગન હતી. વિનીતાને આશ્ચર્ય થયું. મનમોહન અને સ્ટીવ પહેલી મુલાકાતમાં કેટલા હળીમળી ગયા! જાણે વરસોની ઓળખાણ હોય. મનમોહન તો સમજ્યા કે અહીં નવો છે, અહીંના માણસને ખુશ રાખવાનો તેનો પ્રયત્ન સમજી શકાય, પણ સ્ટીવ! પછી તેણે મોઢું મચકોડ્યું, આ દેશનો વિશેષ ગુણ મૈત્રી-ભાવ છે ને! પછી તે મૈત્રી ચાર દિવસની હોય કે ચાર કલાકની હોય! મનમોહને સ્ટીવ પાસેથી અહીંની જાણવા જેવી બધી વિગતો પૂછી લીધી. જતી વખતે ઉપચાર પૂરતું વિનીતાએ કહ્યું, ‘તમેય ઘેર આવો ને! બોલો, ક્યારે આવો છો?’ ‘તમે તમારા કામમાં એટલા બિઝી હશો દીદી, કે…’ ‘ના હો ભારતી, એવું નથી. આવ-જાવ, હળવું-મળવું તો થયા જ કરે ને! નહીં તો માણસ જીવે કેવી રીતે! તો પછી પોતે કેમ જીવતી હતી? એકલી! સદા સર્વદા એકલી! નિશાળેથી પાછી ફરતી, ત્યારે ઘરમાં કોઈ ન હોય. એકલા-એકલા જમવાનું ન ગોઠતું. તેણે એક યુક્તિ શોધી કાઢી. તે અરીસા સામે બેસીને જમતી. અરીસામાં તેના ચેહરા જેટલો જ બીજો નિસ્તેજ અને ફિક્કો ચહેરો સામે દેખાતો. ત્યારે તેને થતું કે તે એકલી નથી. પણ એકલતા ફરી ઘેરી વળતી. કાળજું જાણે ભીંસાઈ જતું. મમ્મી પાસે ફરિયાદ કરતી. જવાબ મળતો, ‘હું નથી? તું એકલી ક્યાં છો?’ ‘પણ તમે મારી જોડે ક્યાં રમી શકો છો?’ ‘રમત-ગમત ઘણી થઈ. વાંચો, લખો, સંગીત સાંભળો, ટીવી જુઓ. ઘરમાં કંઈ ખૂટે છે? મરી-મરીને મેં આ બધું એકઠું કર્યું છે, તે કોના માટે? હેં?’ ‘પણ આ બધી તો વસ્તુઓ છે મમ્મી. એ શું મારી સાથે દોસ્તી કરી શકવાની?’ મમ્મીને દલીલો નો’તી સાંભળવી. ઘણુંયે કામ હતું. દિવસે બેબી સિટિંગ, સાંજે પાર્ટી અરેન્જિંગ. મમ્મી પાસે ડિગ્રી નથી એટલે બીજું કોઈ કામ તે કરી નથી શકતી. મોટા ઘરની દીકરી. અહીં આવીને કેટલાં વૈતરાં કર્યાં. જે ક્યારેય નો’તું કર્યું, તે બધું. પારકાં બાળકો સંભાળ્યાં, એમને માટે નિતનવાં મનોરંજન સર્જ્યાં, તેમનાં મા બાપોને ખુશ રાખ્યાં… અને પછીના સમયમાં પપ્પા જોડે વાક̖યુદ્ધ…. ‘મનમોહન સારો માણસ છે. તારો ભાઈ છે, છતાંય…’ ‘હં! સગો ભાઈ નહીં ને, એટલે હશે કદાચ…’ વિનીતા પણ શીખી ગઈ છે, કડવું બોલતા, એક ઉપર બીજી ઠોકી દેતાં… એક વખત હતો… જ્યારે તે સ્ટીવને ચોંટી પડતી. એનો નિર્વસ્ત્ર દેહ સ્ટીવના મજબૂત પાશમાં જકડાઈ જતો. તેની છાતીની ઉષ્માથી વિનીતાની અંદર કંઈક ઓગળવા માંડતું. ત્યારે સ્ટીવ તેને ભીંસી લેતો અને વિની આંગળીનાં ટેરવાં જેવડી નાની બની જતી. આ બધું ક્યારે ખતમ થઈ ગયું? પહેલી વાર જ્યારે સ્ટીવને જોયો હતો, ઊંચો, કદાવર જુવાન, ચૈતન્યથી ભર્યો-ભર્યો. તે મુગ્ધ થઈ ગઈ હતી… આ… આ જ છે મારો પુરુષ… તે શું ખરેખર પ્રેમ હતો? ના, તે હતું દૈહિક આકર્ષણ. આખા ગ્રુપના સૌથી પૌરુષવાન, બધાના મનગમતા માણસને ઝૂંટવી લેવાનું સુખ હતું. ત્યારે… તે વખતે સ્ટીવ શું તેને ચાહતો હતો ખરો? કદાચ… પણ તે ચાહત ધીમે-ધીમે લુપ્ત થઈ ગઈ. હવે બાકી રહ્યું છે શરીરસુખ માત્ર… એક ટેવ… વિનીતાએ સિગારેટ સળગાવી. ‘તું જે ચાહે છે, તે તને આ સિગારેટના ધુમાડામાં નથી મળવાનું. શીદને કાળજું બાળે છે?’ તે જે શોધતી હતી, તે મળી ગયું? શું શોધતી હતી તે? કોણ જાણે? એક શોધ નિરંતર, જે હંમેશા અધુરી રહેશે… ‘મમ્મી, આપણે એક પુસી પાળીએ? કે પછી એક નાનું ગલુડિયું?’ ‘શું કામ? મારાં વૈતરાં છે તે ઓછાં છે?’ ‘પણ મમ્મી, એનું બધું કામ હું કરીશ.’ ‘એમ? પહેલાં પોતાનું કામ કરતાં તો શીખ.’ કામ! કામ! મમ્મીને કામનો બોજો શું એટલો લાગે છે કે તેને બીજું કંઈ સૂઝતું જ નથી? કામ તો પપ્પાયે કરે છે. રાત-દિવસ. અને એ પણ અણગમતું કામ. જે તેમની યોગ્યતાને પાત્ર નથી. મહેનતાણું પણ પૂરતું નથી મળતું. પણ પપ્પાના સ્વભાવમાં કદીયે કડવાશ નથી આવી. તેમના હાથ અને અવાજની કોમળતા ક્યારેય ઓછી નથી થઈ. પણ હા, પપ્પા દુ:ખી છે, ખૂબ દુ:ખી. ભારતીય સમાજના આદર્શ પુરુષનાં કર્તવ્ય નથી નિભાવી શકતા ને! પૂરતું કમાઈને લાવવું, કુટુંબને પોષવું, ક્યાં કરી શક્યા પપ્પા! અને પોતાની આ ઊણપ તેમને જિંદગીભર સાલતી રહી. એટલે જ શું મમ્મી… વિનીતાએ નિઃશ્વાસ નાખ્યો. ફસાઈ જાય છે માણસ. સમજ્યા પહેલાં ફસાઈ જવાય છે. ખબરેય નથી પડતી અને એક વાર ફસાયા પછી ઊગરવું મુશ્કેલ જ નહીં, અસંભવ છે. મમ્મી ફસાઈ ગઈ, પપ્પા ફસાઈ ગયા, સ્ટીવ પણ પોતાને ક્યાં છોડાવી શકે છે? અને વિની પોતે એ કદાચ પોતાને છોડાવી લે, તોય શું? હવે બીજો પુરુષ શોધી શકવાની છે? ના! વિની જાણે છે, પોતે એક પુરુષની સ્ત્રી છે, અહીંતહીં મોઢું મારવું તેના સ્વભાવમાં નથી. જાણે પાળેલી કૂતરી... વિની... વિનીતા... તેણે સિગારેટ એશ ટ્રેમાં મસળી નાખી. મનમોહન અને ભારતીને અહીં આવ્યાને ત્રણ મહિના થઈ ગયા હતા. ‘કેમ ભારતી, અહીં ગમે છે ને, કે પાછી ભારત જવા મથી રહી છે?’ ‘ના હો દીદી, ખૂબ ગમે છે મને. સવારે આ મને મૉલ પર મૂકી જાય છે, ત્રણ-ચાર કલાક ખૂબ જ મજાના પસાર થઈ જાય છે.’ ‘એટલી તે શી ખરીદી કરે છે? કે પછી વેપાર કરવાનો વિચાર છે?’ ‘ના. ત્યાં એટલી બધી ચીજો હોય છે ને કે જોતાં જોતાં વખત ક્યાં વહી જાય છે, ખબરેય નથી પડતી.’ ‘મૉલ!’ ‘એઈ છોકરી, હાથ ન લગાડ, ચીજો આમતેમ વિખેરી નાખે છે, જગ્યા પર કોણ રાખશે? અમને શું બીજું કોઈ કામ નથી? મૂર્ખ, અસભ્ય…’ વિનુ ઘાંટો પાડીને રડી પડી. જાડો, લાલ મોઢાવાળો આ માણસ… આ અંગ્રેજ એને મારશે... બહાર કાઢી મૂકશે… મમ્મી-પપ્પા દોડી આવ્યાં. પપ્પાના ખોળામાં પણ વિનુનાં હીબકાં ન શમ્યાં. પપ્પાએ ફરિયાદ કરી, બીજાં બાળકો પણ ચીજો ઉપાડ-મૂક કરે છે. મારી દીકરીએ કર્યું, તો શું! કાઉન્ટર પર બેઠેલી બાઈએ માફી માંગી, કર્મચારીને બોલાવી ધમકાવ્યો. પછી ધીમેથી પપ્પાને કહ્યું, ‘તમારે પણ ધ્યાન રાખવું જોઈએ, તમે અમારા દેશમાં રહેવા આવ્યા છો, તો અહીંની રીતભાત શીખવી ન જોઈએ?’ અને મમ્મીના કપાળ પરના ચાંદલાને જોઈ તેણે મોઢું મચકોડ્યું. કારમાં બેઠાં બાદ મમ્મીએ કપાળ પર કંકુનો ચાંદલો લૂછી નાખ્યો. અને પપ્પાનો ચહેરો દયામણો થઈ ગયો. એટલે શું વિનુના પપ્પા સર્વશક્તિમાન નો’તા… ઑફિસમાં ફોન આવ્યો. ‘હેલો, હેલો દીદી? સાંભળો છો ને? તમને વખત હોય તો પરમ દિવસે અમે આવીએ?’ ‘હા, હા, જરૂર આવો, હું રાહ જોઈશ. પણ પછી મૉલનું શું થશે? વિરહ નહીં થાય તને?’ ‘તમેય શું દીદી, મશ્કરી કરો છો!’ હસીને વિનીએ ફોન મૂકી દીધો. ‘કોનો ફોન હતો? સ્ટીવનો?’ કોફીના મગ પર હાથ શેકતી મોયરાએ પૂછ્યું. ‘સ્ટીવનો? આ સમયે? ના રે ના. મારાં ભાભી હતાં. નવાં-નવાં આવ્યાં છે.’ ‘કેમ? હમણાંનો સ્ટીવ શું ઑફિસે નથી જતો? ફોન ઓછા આવે છે એના!’ બિલાડી સાલી, આને શી પંચાત! સ્ટીવ મારો મરદ છે. ફોન કરે, ન કરે. ‘મોટા કામમાં રોકાયેલો છે ને!’ એક ઊજળું સ્મિત તેની તરફ ઉછાળતી વિની ત્યાંથી ખસી ગઈ. વિચિત્ર લોકો છે. આવી વાતોની પંચાત કરવાની આને શી જરૂર છે? દિવસે કામ કરે છે કે નહીં, રાતે સાથે સૂએ છે કે નહીં. તારે ફિકર કરવાની જરૂર નથી મોયરા. તારું માથું કેમ દુખે છે? એટલે જ ને કે તારા મોઢાનો કોળિયો મેં ઝૂંટવી લીધો છે? પણ… પણ… જો મોયરા આવા પ્રશ્નો પૂછવાની હિંમત કરી શકે છે, કારણ શું? એ જ ને કે મારી અને સ્ટીવની વચ્ચેનું વધતું જતું અંતર, એ જોનારાને ઠંડક પહોંચાડે છે. વિનીએ સૂની નજર બહાર ફેરવી. આંગળીઓમાં વીંટી ઘૂમવા લાગી. નાનીમા બાળકોને અડતાં ઓછા, દૂરથી પ્રેમ કરતાં, માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં. પણ વિનુ લાડકી હતી. તે નાનીમાને વળગી પડતી, તેમની જોડે સૂતી, નાનીમાનો ચહેરો હાથમાં લઈ પોતાની વાત તેમને સંભળાવતી. બધાં હસતાં. ‘વિનુએ નાનીમાને કાબૂમાં કરી લીધા છે.’ જાણે વિનુ ખાસ વ્યક્તિ છે, જેની સાથે નાનીમાનો વિશેષ સ્નેહ છે. આ વખતે ત્રણ વરસ પછી વિનુ જ્યારે આવી, નાનીમા બીમાર હતાં. વિનુ તેમની પથારી પાસે બેસી રહેતી. નાનીમાના ઊજળા મોઢા પર મલિનતા છવાઈ ગઈ હતી. તેમના શરીરની ગંધ ઓસડિયાની વાસમાં ખોવાઈ ગઈ હતી. ભારત આવવાનો બધો આનંદ વિનુ માટે સંકોચાઈને એક પ્રશ્નમાં અટવાઈ ગયો હતો. નાનીમા સારાં તો થઈ જશે ને? બાળકો તેને રમવા બોલાવતાં, મામી વહાલ કરતી, મામા સધિયારો આપતા પણ વિનુ રૂંધાઈ રહી હતી… કેટ-કેટલા પ્રશ્નો લઈને આવી હતી કે નાનીમાને આ પૂછીશ, તે પૂછીશ... પણ હવે? હવે વિનુને બીજાં બાળકો જોડે રમવામાં સંકોચ થતો. આ ત્રણ વરસોમાં તે મોટી નો’તી થઈ ગઈ? વયસ્ક. પહેલી વાર જ્યારે ડાઘ દેખાણો, મમ્મીએ માથું ઠોકી લીધું. ‘આપો, માંસ-મચ્છડ ખવરાવો, તર-મલાઈવાળું દૂધ પિવરાવો, થઈ ગયું ને જે થવાનું હતું? હજી બાર પૂરાં નથી થયાં, ત્યાં જ મહિનો ચાલુ…’ એમાં વિનુનો શું વાંક છે? આ દેશમાં બધાં જ આવું ખાય છે, પછી તેને જ આ કેમ થયું હશે? મમ્મીએ શિખામણ આપી, ‘હવે સંભાળીને રહેજે, સમજી? અહીંની છોકરીઓની જેમ છોકરાઓ સાથે હરતી-ફરતી નહીં. નહીં તો પછી આફત આવી સમજજે. હવે તું મા બની શકે છે. પગ જરી વાંકો પડ્યો કે ખોળામાં બાળક ટપકી પડશે.’ નિશાળની સાહેલીઓને બોયફ્રેન્ડ હતા, તેમનાં પુસ્તકો ઉપાડતા, સાથે હરતા-ફરતા, સાંજે આઈસ્ક્રીમ ખાવા જતા, રસ્તા ઉપર રમતા, ક્યારેક નિર્દોષ છેડછાડ પણ થતી. તે ઘરમાં બેસીને વાંચતી. પપ્પાએ પૂછ્યું, ‘કાં બેટા, રમવા કેમ નથી જતી? ઘરમાં ને ઘરમાં ઘરકૂકડીની જેમ ગોંધાઈ રહે છે.’ તે શરમથી બેવડી વળી ગઈ. પપ્પાને ખબર તો છે, મારી સાથે શું થયું છે, અને છતાંય... પપ્પા કંઈ ન બોલ્યા, ને નિઃશ્વાસ નાખીને જતા રહ્યા. ‘સૂતી નથી બેટા?’ નાનીમાનો ક્ષીણ અવાજ આવ્યો. ‘સૂઈ જઈશ નાનીમા, તમે સૂવો.’ ‘મારી તબિયતને લઈને આટલી હેરાન ન થા બેટા, જા જઈને સૂઈ જા. વારુ, અહીં આવ. મારી પાસે સૂઈ રહે.’ અને તે નાનીમાને વળગીને સૂઈ ગઈ. પણ તે પ્રશ્નો! પ્રશ્નોનું એક લાંબુ લિસ્ટ તેણે તૈયાર કર્યું હતું. તે પ્રશ્નોના જવાબો કદી મળ્યા જ નહીં. તે વખતે નહીં કારણકે નાનીમા બીમાર હતાં, અને ત્યાર બાદ કદીયે નહીં કારણ કે નાનીમાને મળાયું જ નહીં. બીજે વરસે, જ્યારે વિનુએ રજામાં ભારત જવાની વાત છેડી, મમ્મીએ કહ્યું, આ વખતે જવા નહીં મળે, પૈસાની તંગી છે. આવતે વરસે જોયું જશે. આવતા વરસની પહેલાં મુંબઈથી એક પાર્સલ આવ્યું, નાનકડી ડબ્બી, સાથે ચિઠ્ઠી. અમ્માની અંતિમ ઇચ્છા હતી, કે આ વીંટી વિનુને આપવી. ફલાણી તારીખે હૃદયરોગથી પીડિત નાનીમા અંતિમ નિદ્રામાં હંમેશ માટે પોઢી ગઈ હતી. ત્યાર પછી મુંબઈ જવાનું ન થયું. આખું મકાન લસણ અને કાંદાની વાસથી ભરાઈ ગયું. આટલાં વરસો અહીં રહ્યાં છતાં ભારતીય રસોઈ કરવી ગમે છે. કપાળ પરનો પરસેવો લૂછી, તેણે એક વાર શાક હલાવ્યું, ઢાંકણ મૂક્યું અને ફાયર અલાર્મનો પંખો શરૂ કરી દીધો. પછી ડાઇનિંગ ટેબલ પર જઈ બેઠી. સિગારેટ સળગાવીને ઊંડો કશ લીધો. કાલે સાંજે ઈન્ડિયન સ્ટોરમાં જઈ બધો સામાન લઈ આવી હતી અને આજે ઘણે દિવસે, ખૂબ મન દઈને રાંધવા બેઠી છે. ‘અચ્છા, તો ભાઈ માટે દેશી રસોઈ થઈ રહી છે!’ સ્ટીવ પાછળના બારણામાંથી અંદર આવ્યો. ‘ફક્ત કલાનું પ્રદર્શન છે, કે પછી તેમને સારું જમાડવું છે?’ અવાજમાં વ્યંગ હતો. સાથે લાવેલો સામાન ટેબલ પર મૂક્યો અને કૉફીનો મગ ભર્યો. ‘મનેય કૉફી આપ.’ વિનુએ ફરમાઈશ કરી. ‘અહીંની વાનગીઓ બનાવી હોત, તો મને લાગે છે ભારતીને વધુ ગમત.’ વિનીએ ખભા ઊલાળ્યા. ‘કે પછી તને આ ખાવાનું મન થયું છે?’ સ્ટીવે વાત આગળ વધારી. ‘કેમ? તનેય ગમે છે ને!’ ‘અરે વાહ! યાદ છે?’ ‘સ્ટીવ, મહેરબાની કરીને કંકાસ ન કર.’ વિનીના અવાજમાં કડવાશ હતી. સ્ટીવે વિનીને કૉફીનો મગ પકડાવ્યો, અને બેફિકરાઈથી બહાર નીકળી ગયો. કામ કરતા વિનીના હાથ થંભી ગયા. આજકાલ આવું કેમ થાય છે? જરા જેટલી સીધી સાદી વાત હોય પણ જ્યારે બન્ને બોલવા લાગે, ત્યારે એકબીજા પર ઘા કર્યા વિના નથી રહી શકતાં. આ જીવનમાં શું હવે કડવાશ સિવાય બીજું કંઈ નથી રહ્યું? આ કડવાશ આવી ક્યાંથી, અને આટલી બધી? જવા દો. આ વખત વિચાર કરવાનો નથી, નહીંતર શાક બળી જશે. તે ઊઠીને ગૅસ પાસે ગઈ. ‘દીદી, ખૂબ જ સ્વાદિષ્ટ છે હોં.’ ભારતીએ નાજુક આંગળીઓ ચાટીને કહ્યું. ‘કેમ ન હોય. શીખવ્યું કોણે છે, જાણે છે? મામીએ, એટલે તારાં સાસુએ...’ ‘પણ તમે તો અહીં…’ ‘હા, હું મુંબઈમાં નો’તી. પણ પત્ર લખતી હતી ને, કેટલાય ડૉલરો આ પાકવિદ્યા શીખવા માટે ખરચ કર્યા છે. ભારતની અને અહીંની પોસ્ટઑફિસોને માલામાલ કરી દીધી છે.’ વિનીએ હસીને કહ્યું. ‘એ ડૉલરો પાથરી દીધા હોત, તો બન્ને દેશ વચ્ચે એક પુલ સહેજે બંધાઈ જાત.’ સ્ટીવે ટીખળ કરી. ‘હવે તમે મને ફઈબા ક્યારે બનાવો છો, એ વાત કરો ને?’ આટલો અંગત પ્રશ્ન સાંભળી સ્ટીવે પત્ની ભણી જોયું. વિની એકધારી ભારતીને જોઈ રહી હતી. ભારતી લજાઈ ગઈ. ‘તમને કેવી રીતે ખબર પડી? હેં દીદી?’ મનમોહન શરમાળ સ્મિત કરી પત્નીને સ્નેહથી નિહાળી રહ્યો. ‘આ વાળ કંઈ તડકામાં કાળા કર્યા છે.’ વિનીએ કહ્યું અને મોટેથી હસી પડી. પણ તેની આંખોમાં શું ચમકી રહ્યું હતું? ઈર્ષ્યા, કૌતુક, કે પછી અપેક્ષા? સ્ટીવ ઊઠ્યો, અને મનમોહન પાસે જઈ, તેનો હાથ દબાવ્યો. ‘અભિનંદન.’ ‘આજે ભારતી ખૂબ સુંદર દેખાતી હતી ને?’ રાતે કપડાં બદલતાં વિનીએ પૂછ્યું. ‘હા, જ્યારે સ્ત્રી મા બનવાની હોય, ત્યારે…’ સ્ટીવે વાક્ય અધૂરું છોડી દીધું. તે રાતે વિનીને કેટલીય વાર સુધી નીંદર ન આવી. નાનપણના તે એકલા ઘરમાં વિનીએ કેટલી વાર કલ્પના કરી છે, કે તે પોતે જ્યારે મોટી થશે, પરણશે, ત્યારે તેને ઘણાં બધાં બાળકો થશે. ઓછાંમાં ઓછાં બાર તો ખરાં જ. પછી તે ક્યારેય એકલી નહીં રહે. હમેશાં બાળકોથી ઘેરાયેલી રહેશે. જ્યારે તે બાળકો મોટાં થશે, ત્યારે તેમનાં બાળકોથી ઘર ભર્યું રહેશે. પણ તેમ ન થયું. શું આજે ભારતીને જોઈ તેને ઈર્ષ્યા થઈ હતી? વિનીએ પોતાના મનમાં ઊંડે નજર કરી. ના, ઈર્ષ્યા નહોતી, હતી ફક્ત એક વણપુરાયેલી અપેક્ષા. અને તેય માત્ર મા બનવાની નહીં. જે સંપૂર્ણ રીતે નિર્દોષ જીવ હોય, તેને પામવાની ઝંખના હતી. તે ઇચ્છા પૂરી ન થઈ શકી તેની ખેવના હતી. અને તે જ ક્યાંક ખૂંચી રહી હતી. તે મા ન બની. બાર બાળકોવાળી તે બેવકૂફી ભરેલી ચાહના કોણ જાણે જીવનના રસ્તામાં ક્યારે અને ક્યાં ખોવાઈ ગઈ. તેનોય અફસોસ નહોતો. દુ:ખ હતું, તે ભાવના ખોવાઈ જવાનું. તે ભાવના ક્યાં છૂટી ગઈ? એ જો વિની જાણી લે, તો કદાચ ઘણી બધી ચિંતાઓમાંથી તે મુક્ત થઈ જાય. પણ હવે પાછળ ફરીને જોવું, શું, ક્યાં છૂટી ગયું, તે જાણવું, એ પણ એક મુસીબત બની ગઈ છે. કેટલું ફરી-ફરીને જોઈ ચૂકી છે વિનીતા! હવે તે થાકી ગઈ છે… ખૂબ થાકી ગઈ છે… ‘છોકરાંઓને ઘેર પહોંચાડીને, કાલે સાંજે હું ક્લિનિકમાં દાખલ થઈ જઈશ મમ્મી.’ ‘હજીયે વિચાર કર. કહું છું આ પગલું ન ભર. આપણે કોઈ રસ્તો શોધી કાઢીશું…’ પપ્પાના અવાજમાં આજીજી હતી. કંટાળેલો સ્વર સંભળાયો, ‘શોધી લીધા ઘણાયે રસ્તા. હવે શોધતાં-શોધતાં મરી જઈશું. જ્યારે બધું નક્કી થઈ ગયું છે, પછી… આવી વાતો કરી મારો જીવ કેમ બાળો છો?’ ‘સાંભળ, વિનુ કેટલી એકલી છે. એને માટે તો…’ ‘આ બધું અમને અહીં બોલાવ્યા પહેલાં વિચારી લેવું’તું ને!’ ‘દર વખતે તું આમ મેણાં કેમ મારે છે?’ રોષની શરૂઆત થઈ. ‘મેણાં એને મરાય, જેને લાગે. સાંભળી લો. આ છોકરું હું નહીં થવા દઉં. નહીં, નહીં, અને નહીં.’ મમ્મી બે દિવસો બાદ પાછી આવી. અને જીવન રાબેતા મુજબ ચાલવા લાગ્યું. વિનુનું ભણતર, અરીસા સાથે તેની દોસ્તી, મમ્મીનું બેબી સિટિંગ, પાર્ટી અરેન્જિંગ. પપ્પાની કમને થતી નોકરી. બિચારા પપ્પા! તે કદીયે ભારત ગયા જ નહીં. મમ્મી એકાદ વાર ગઈ’તી. તેઓ બન્નેને સગાંવહાલાંની સામે જવામાં શરમ આવતી. આટલી હોંશથી પપ્પા અહીં આવ્યા હતા. થોડાંક વરસ કામકાજ ઠીક ચાલ્યું. ત્યારે મમ્મી માટે ખોબલા ભરીને પૈસા મોકલતા. પછી અહીં ઘર લીધું. ત્યાં સુધી ભારતમાં વિનુનો જનમ થઈ ચૂક્યો હતો. જો અહીં આવ્યા બાદ વિનુ જનમવાની હોત, તો શું મમ્મી તેને જનમવા ન દેત? તે બાળકની જેમ? એવું થયું હોત, તો કેટલું સારું થાત! તો વિની ન હોત, આ બેમતલબ જિંદગી ન હોત, આ ઝંખના, આ શોધ ન હોત, અને એટલો ત્રાસેય ન થાત! પણ આ ત્રાસનો અંત લાવી શકાય છે. વિની એક પળ માટે હિંમત કરે, એક પગલું ભરે, અને કહાણી પૂરી થઈ જાય… પણ ધારો કે પગલું નાનું પડી જાય… તો... તો શું થાય…? વિની હસી પડી, તેણે મોટરની સ્પીડ વધારી. તો શું થાય? તો હોનારત થાય. વિનીએ નસીબ જોડે સોદો કરવાનું ધાર્યું. હોનારત થાય, આપઘાત થાય, પણ મોટો નહીં. બસ, આ વિચારોનાં જાળાંમાંથી થોડાક દિવસો માટે મુક્તિ મળી જાય. રાત-દિવસની જંજાળમાંથી આઝાદી મળે. વિની બસ, સૂઈ રહે, ચિંતા-મુક્ત થઈને, નિરાંતે શૂન્યતામાં… અચાનક તેણે બ્રેક દબાવી. ‘બેવકૂફ! ગાડી ચલાવે છે, કે વિમાન?’ પછી વિનીતા હસી પડી... હોનારત જોઈતી’તી ને! અને જ્યારે વખત આવ્યો, ત્યારે…? વિનીતા... કાયર અને ડરપોક… આ બે શબ્દોમાં વિનીની જિંદગીની વાર્તા લખી શકાય છે. દો લફઝોં મેં પોશીદા, કુલ મેરી કહાની હૈ… કંટાળેલી વિનીતા એરપોર્ટ પર આંટા મારે છે. વિનીની અધીરતા ઓળખી મનમોહન બોલ્યો, ‘દીદી ઉતાવળાં થાઓ મા. આવશે વિમાન અબઘડી. તમે મામીને મળવા ખૂબ આતુર છો ને!’ વિનીતા કંઈ ન બોલી અને સિગારેટ પીવા બીજી બાજુએ નીકળી ગઈ. મામીને જોવા, તેમને મળવા હું બહુ આતુર છું? ના મનમોહન, આવી મુલાકાતોથી હું બહુ ડરું છું, ભાઈ મારા, હું એક જ વખતે બે થરો પર નથી જીવી શકતી. એવી સ્થિતિમાં હું બે ભાગોમાં વહેંચાઈ જાઉં છું, તમે લોકો આવ્યાં’તાં, ત્યારેય મને કેટલો ત્રાસ થયો હતો. અહીં, હમણાં હું વિની છું, વિની. અચાનક હું વિનુ કેવી રીતે બની જઈ શકું? આંખના પલકારામાં? મારે માટે તે કેટલું અઘરું છે, તું નથી જાણતો. માથું પકડીને વિની ત્યાં જ બેસી ગઈ. ઊઠી, આંટા મારવા લાગી. પછી હસી પડી. હું આમ આંટા મારું છું, જાણે મનમોહન લેબર રૂમની સામે નાના બાળકનાં રડવાની વાટ જોતો આંટા મારતો હોય. પ્રસૂતિને હજુ બે મહિના છે. મામી આવે છે તેને માટે જ’સ્તો. અનાઉન્સમેન્ટ થઈ. વિનીતાએ ઝડપથી સિગારેટ ઓલવી, દોડીને વિઝિટર ગૅલેરીમાં ગઈ. કેવાં દેખાતાં હશે મામી? એવાં ને એવાં જ કે વધારે ઘરડાં? મનમોહને વિનીતાની કોણી પકડી. ‘જુઓ દીદી, તે રહી બા! ત્યાં સફેદ સાડલામાં. જોયાં?’ વિનીના મનના આકાશમાં એક વીજળી ચમકી. ‘આહ! નાનીમા.’ મામીએ તેને હૃદયસરસી ચાંપી તે જ… તે જ… નાહીને સાફ, સ્વચ્છ દેખાતી નાનીમા… ઊજળાં કપડાંમાં… તેમના દેહની જાણીતી ગંધ… તેની ચારે કોર ફેલાઈ ગઈ. મામીએ છાતીમાં સંતાડેલા ચહેરાને ઉપર ઉઠાવીને હથેળીમાં ભરી લીધું. ‘ઝંખી ગઈ બેટા આ આંખો તને જોવા.’ મામીએ તેનું કપાળ ચૂમ્યું. ‘કેટલી મોટી થઈ ગઈ છો, બેટા વિનુ!’ બધાં બેઠાં હતાં, મામી-સાસુએ જમાઈને જોયો, વખાણ્યો, હાસ્યની છોળો ઊડી રહી હતી. ‘મામી, તમે આબેહૂબ નાનીમા જેવા દેખાવો છો.’ વિની મામી પાસે બેઠી, તેમને એકટક નિહાળતી હતી. ‘અરે બેટા, એવા મારાં નસીબ ક્યાં! એ તો…’ ‘ના મામી, સાચે જ. બિલકુલ જાણે નાનીમા. એવાં જ, જેવાં મેં તેમને…’ વિની નીચું જોઈ ગઈ. આંગળીમાં પહેરેલી વીંટી નિહાળી. ત્યાં ઘા પડી ગયો હતો. ધીમેથી બોલી, ‘જ્યારે… જ્યારે હું પહેલી વાર એકલી આવી હતી ને મુંબઈ, ત્યારે નાનીમા જેવાં દેખાતાં હતાં ને, એકદમ તમે એવાં જ…’ ‘તને બીક ન લાગી? આવડી અમથી છોકરી આટલે છેટેથી એકલી આવી ગઈ, હેં?’ મામાએ એરપોર્ટ પર એને ઊંચકીને પૂછ્યું. મામીની બહોળી છાતીમાં વિનુ ક્યાંક ખોવાઈ ગઈ. ‘હું હવે આટલી અમથી નથી હોં મામા, આઈ એમ નાઈન યર્સ ઓલ્ડ.’ ‘નવ વરસની, એટલે ઘરડી દાદીમા જાણે. કેમ? ચાલો ત્યારે દાદીમા, તમારો આ પોત્રો તમને લેવા આવ્યો છે.’ મામા-ભાણજી હસી પડ્યાં. મામા કેટલું હસતા-હસાવતા… વેંત જેટલું શરીર, અંગૂઠા જેવડો ચહેરો, અને બોખું મોઢું… મામીના ખોળામાં પોત્રાને જોઈ વિની વિચાર કરે છે. ઘરડો… અરે! આ તો ઘરડો જ જન્મ્યો છે ને શું! હવે આખી આવરદા આ આમ ને આમ ઘરડો જ રહેવાનો… મારી જેમ… મામીએ પૌત્રને હાથમાં લઈ ઝુલાવ્યો. બોખું મોઢું હાસ્યથી ભરાઈ ગયું. આશ્ચર્યથી વિની જોઈ રહી. આહા! કેટલો રૂપાળો છે! તેણે હળવેથી બાળકની હડપચી પંપાળી, અને હઠ કરી, ‘મારા ખોળામાં મૂકો ને મામી!’ ‘લે પણ યાદ રાખજે, તારા ખોળામાં સુ-સુ કરશે ને, તો બેનબા, નવ મહિના પછી…’ મામીએ વહાલથી મશ્કરી કરીને સ્ટીવ ભણી જોયું. બધાં હસી પડ્યાં. વિનીએ પણ સ્ટીવ તરફ નજર કરી. સ્ટીવના હાથ બાળકને સંભાળવા સાવચેતીથી ફેલાયેલા હતા. તે ઊભો થઈ ગયો હતો, તને એમ કે મને બાળકને ઉપાડતાં નથી આવડતું? વિનીએ ઘમંડથી કહ્યું. અને ત્યાં જ ફરશી પર પલાંઠી મારીને બેસી, ધરાઈને બાળકને જોવા લાગી. બાળક ઊંઘમાં મલકી રહ્યું હતું. વિનીને મામા યાદ આવ્યા. ‘હેં મામી, મામા આમ જ હસતા ખરા ને! દીકરાએ મામાનું હાસ્ય લીધું છે.’ ‘તે લે જ ને! જે કુટુંબમાં જન્મ્યો છે, તે કુટુંબના માણસોનો અણસાર તો આવે ને બેન! જો. રંગ તારાં નાનીમાનો લઈ આવ્યો છે. હવે શોધ જોઉં, તારું શું છે આમાં?’ ‘મારું?’ વિનીનો અવાજ આશ્ચર્યથી દબાઈ ગયો. ‘હાસ્તો. શોધ તો ખરી.’ મામીએ હઠ પકડી. વિનુ એકધારી બાળકને જોઈ રહી. ખરેખર! હુંયે છું આ બાળકમાં? શું છે આમાં જે મારા જેવું છે? રંગ, રૂપ, સ્વભાવ, ગુણ, બુદ્ધિ? શું હોઈ શકે? ‘આવ ભાઈ સ્ટીવ! જરી મદદ કર તારી બૈયરને. જો, શું છે આ બાળકમાં, જે વિનુનું છે?’ મામીએ સ્ટીવને એની પાસે ધકેલ્યો. સ્ટીવ જમીન પર ઊભડક બેસીને બાળકને જોતો રહ્યો… ‘મને લાગે છે, આની આંગળીઓ વિની જેવી છે. પાતળી, લાંબી, સુઘડ…’ વિનીને આશ્ચર્ય થયું. મારી આંગળીઓનાં વખાણ સ્ટીવ લગ્ન પહેલાં કરતો લગ્ન પછી કહેતો… શરમથી વિનીના કાન ગરમ થઈ ગયા. બધાં હસી પડ્યાં. આની આંગળીઓ મારા જેવી છે! કંઈક તો છે મારું આ બાળકમાં… મારો અંશ… મારા કુટુંબનું બાળક છે ને, માટે જ તો... એટલે… હું એકલી નથી… આ બધાંમાં હુંયે છું… વિનીની આંખમાં કશુંક ભરાઈ આવ્યું… બાળકનું મોઢું ચમકી ઊઠ્યું… જાણે ઝાકળથી સદ્યસ્નાત ગુલાબનું ફૂલ… વિનુને રોમાંચ થઈ આવ્યો. તેણે એક પછી એક બધાં સામે જોયું. મામી, ભારતી, મનમોહન, બાળક અને સ્ટીવ… આ ઘડીએ બધાં જાણે એક તારમાં બંધાયેલા છે… આ નાનકડા જીવે બધાને બાંધી રાખ્યાં છે, એક અદૃશ્ય દોર વડે… વિનીએ જાણ્યું, સ્ટીવ તેનો હાથ પકડી તેની આંગળીઓ જોઈ રહ્યો છે, આંગળીઓ પંપાળી રહ્યો છે. વિનીની માંસલ હથેળીમાં સણસણાટ થયો. સ્ટીવે ધીમેથી વીંટી કાઢી, વિનીના હાથમાં મૂકી. પછી મામી સામે જોઈ પૂછ્યું, ‘હવે મામી, અમારે ત્યાં ક્યારે આવો છો? અમારોય તમારા પર કંઈ હક છે હોં!’ મામીએ સ્મિત કરી વિની સામું જોયું, વિની બાળક પર ઝૂકી તેને નિહાળી રહી હતી. તેના હાથની મુઠ્ઠીમાં વીંટી હતી. વિનીએ એક વાર વીંટીને હસરતથી જોઈ, પછી ડાબલીમાં મૂકી કબાટના ખાનામાં સંભાળીને રાખી દીધી. અને પોતે અરીસા સામે જઈ ઊભી. ત્યાં હવે ફક્ત વિનીતાનું પ્રતિબિંબ ચમકી રહ્યું હતું. શામળું, આકર્ષક, તાણરહિત…