વાર્તાકાર હેમાંગિની રાનડે/મારે વાંચવું છે

મારે વાંચવું છે

કેટલા દિવસો થયા, હેમંત ખૂબ જ ઉદાસ રહે છે. કંઈ નથી ગમતું. નથી ટીવી પર મનગમતો પ્રોગ્રામ જોવાની ઇચ્છા અને નથી મમ્મીએ લાવી આપેલી નવી કોમિક્સ વાંચવાનું મન. કિચનમાં જુદી જુદી જાતનાં ચિપ્સનાં કેટલાંયે પેકેટો પડ્યાં છે, પરમ દિવસે પપ્પા વિદેશી ચોકલેટનો મસમોટો ડબ્બો લઈ આવેલા, તે ફ્રિજમાં મૂક્યો છે, પણ હમણાંનું હેમંતને કંઈ નથી જોઈતું, કંઈ નથી ભાવતું. ન ખાવાનું, ન પીવાનું, ન વાંચવાનું! કંઈ કરતાં કંઈ જ નહીં. તે અમથો સોફા પર બેઠો છે. સાંજનું અંધારું ધીમે ધીમે ઓરડામાં પેસતું જાય છે. હંમેશની જેમ નથી હેમંતે લાઈટ કરી કે નથી પોતાની રમત રમ્યો બેચાર વાર લાઈટ કરવી, પછી ઓલવી નાખવી, પહેલાં ધીમે ધીમે, પછી જલદી જલદી. તેને કંઈ ગમતું જ નથી. તે ગૅલેરીમાં જઈને ઊભો રહે? મમ્મી-પપ્પાની રાહ જુએ? ઊંહું! રાહ જોઈનેય શું થશે? હવે રાહ જોવામાં, હેડ લાઈટ પરથી ઓળખવામાં કે મોટર આપણી છે કે નહીં, હેમંતને હવે મજા નથી આવતી. કારણ કે જેમની રાહ જોવાતી હોય, તે જ લોકો ઘેર આવીને… પણ ના, હેમંત એ વાતનો વિચાર નહીં કરે… થોડી વાર પછી પૂરા બિલ્ડીંગ પર રાત ઊતરી, અંધારું વધ્યું. ચોકીદારે દાદરા પરની લાઈટ ચાલુ કરી. પણ બિલ્ડીંગના રહેવાસીઓ હજી પાછા નથી ફર્યા. બધા ફ્લેટો અંધારિયા છે. અંધારિયા અને સૂમસામ! ફક્ત લેંડિંગની લાઈટ, અહીં-તહીં ઝાંખી દેખાય છે. ક્યાંય કોઈ ઘોંઘાટ નહીં, બાળકોની ચીસાચીસ નહીં, પાળેલા કૂતરાઓના ભસવાનો અવાજ નહીં, અને નહીં મમ્મી-પપ્પાઓનો નીચે રમતાં છોકરાંઓને બોલાવવાનો સાદ… ધમકાવતો સ્વર... આ બિલ્ડિંગમાં છોકરાઓ છે જ નહીં! કેટલું વિચિત્ર! ત્યાં, જૂના મકાનમાં કેટલાંય બાળકો નીચે રમતાં, લડતાં-ઝઘડતાં, ઘોંઘાટ કરતાં. અહીંની જેમ ત્યાં ઘોર ચુપકીદી નહોતી. આ જગ્યા અપશુકનિયાળ છે, માટે તો અહીં રહેવા આવ્યા પછી… પણ જવા દો… અહીં પહેલવહેલાં આવ્યાં’તાં, ત્યારે… ત્યારે બધું ઠીક હતું. આ તો પાછલા બે-ત્રણ મહિનાથી… ના ના, હેમંત એ બધી વાત નથી યાદ કરવા માગતો… બૂટ સાથે હેમંતે સોફા પર પગ ચઢાવ્યા અને તકિયાને અઢેલીને બેઠો. ઊંઘ આવી જાય તો સારું. ઊંઘમાં વિચાર નહીં પજવે! કલાકે’ક પછી દરવાજાની પેલે પારથી કોઈના બોલવાનો સ્વર સંભળાયો. નારાજી ભરેલો સ્વર. હેમંતના ઝોકામાં ખલેલ પડી, પણ તે જેમ હતો, તેમ જ પડ્યો રહ્યો, ઊઠ્યો નહીં. ‘અરે! અંધારું કેમ છે?’ મમ્મીનો ચિંતાતુર અવાજ. ‘હેમંત! હેમુ! હેમુ બેટા! ક્યાં છો?’ અરે! છોકરો હજી ઘેર નથી આવ્યો કે શું? ક્યાં ગયો? ‘આવા અશુભ ઘરમાં કોણ આવે. ચાલ્યો ગયો હશે ક્યાંક…’ ‘એમ! હવે આ ઘર અશુભ થઈ ગયું? જ્યારે લીધું’તું, ત્યારે શુભ હતું, કેમ!’ મમ્મીએ લાઈટ ઑન કરી. ‘અરે હેમુ! આ તો અહીં સૂતો છે. હેમુ, સૂઈ ગયો બેટા?’ મમ્મીએ હેમંતના કપાળ પર હાથ મૂક્યો. ‘તાવ તો નથી આવ્યો?’ હેમંતને ઊઠવું પડ્યું. ‘આમ કેમ સૂતો છે?’ હવે ચિંતાની જગ્યા રોષે લીધી. ‘નથી કપડાં બદલ્યાં, નથી બૂટ ઉતાર્યા. આ સ્કૂલબૅગ પણ અહીં જ પડી છે. શું થયું છે તને, હેં?’ સ્વર ચઢી ગયો. હેમંતે જવાબ ન આપ્યો. પપ્પા અંદર ચાલી ગયા. ‘મારે જ મરવું પડે છે. ઘરમાં અને ઑફિસમાંયે. બધા મારી ઉપર રોફ કરે છે.’ અંદરથી પપ્પાનું વ્યંગ્યભર્યું હાસ્ય સંભળાયું. ચિડાઈને મમ્મી બોલી, ‘હસી લો, હસી લો, ખબર પડશે.’ અવાજમાં ગુસ્સા જોડે રુદન પણ સંકળાયેલું હતું. મમ્મીનું રડવું હેમંત સાંખી નથી શકતો. એ રુદન એને આકરું લાગે છે. તે સફાળો ઊભો થયો. ‘થાકી ગયો’તોને મમ્મી, આંખ લાગી ગઈ. દફતર ઉપાડીને તે પોતાના ઓરડા તરફ નીકળી ગયો. ઓરડામાં જઈ, થાક્યો-પાક્યો તે બિછાના પર બેઠો. નથી તેને કપડાં બદલવાં કે નથી મોઢું ધોવું. તેને ભૂખેય નથી લાગી. દીવાનખાનામાંથી કેટલી વાર સુધી અવાજો આવતા રહ્યા. પછી મમ્મીએ બોલાવ્યો, ‘ચાલ હેમંત, જમી લે.’ નાછૂટકે હેમંત બહાર આવ્યો. પપ્પા દીવાનખાનામાં સોફા પર બેસી ટીવી જોતા હતા. તેમના હાથમાં ગ્લાસ હતો. મમ્મી કિચનમાંથી કહી રહી હતી, ‘હવે ચાલને, જમી લે, તો હું છુટ્ટી થાઉં. માથું એટલું દુ:ખે છે કે બસ…’ આ અંતિમ વાક્ય, હેમંત જાણે છે કે પપ્પા માટે કહેવાયું છે. મોઢું બગાડી, પપ્પાએ ‘હુંહ’ કર્યું અને ટી.વી. નો અવાજ મોટો કર્યો. હેમંતને ખબર છે કે હવે મમ્મી ચિડાઈને ટી.વી. પાસે જશે, અવાજ ઓછો કરશે, પપ્પા રાડ પાડશે, મમ્મી ચીસ પાડશે અને કેટલી વાર સુધી તેમની કચકચ ચાલુ રહેશે. ન પપ્પા જમશે, ન મમ્મી. હેમંત થાળીમાં પીરસેલું મસળી રહ્યો, તેને ઊબકા આવતા હતા. સવારે ઊઠીને સાંભળ્યું, શાંતિ હતી. સૂર્યપ્રકાશથી ધરતી ઊજળી હતી, ઠંડો પવન વાતો હતો. વાતાવરણ એટલું તો સરસ હતું કે જાણે ક્યાંક કોઈ પણ જાતની ખામી માટે જગ્યા જ નો’તી. હેમંતને થયું, પપ્પા રાબેતા મુજબ બાથરૂમમાં શેવ કરી રહ્યા છે, મમ્મી પાછળથી એમને બાથમાં ભરીને ઊભી છે, અને બન્ને અરીસામાં જોઈને સ્મિત કરે છે. હેમંત પહેલાંની જેમ દોડીને તે બન્નેને વળગી પડશે. તે બિછાનામાંથી ઊછળીને ઊભો થયો. પપ્પાના ઓરડાનો દરવાજો બંધ છે. હમણાંના પપ્પા ગેસ્ટરૂમમાં સૂએ છે. મમ્મી માથું પકડીને ડાઇનિંગ ટેબલ પર ચા પીએ છે. રાતનું જમવાનું, થોડું ઢાંક્યું, થોડું ઉઘાડું, એમનું એમ ટેબલ પર પડ્યું છે. હેમંતના પગમાં મણભરનું વજન ભરાઈ ગયું. પગ ઘસડતો તે પાછો પોતાના ઓરડામાં પેસી ગયો. શું થયું છે આ બન્નેને? પહેલાં તો આવું નો’તું. ત્યારે ઘરમાં ચારેબાજુએ આનંદ જ આનંદ રહેતો. પપ્પા-મમ્મી ત્યારે એકબીજા જોડે અડપલાં કરતાં. હેમંતને વહાલ કરતાં, બચીઓ ભરતાં. રાતે મમ્મી હેમંતને હળવે હાથે થાબડીને સુવરાવતી, રવિવારે સવારના પહોરમાં તે ગુપચુપ પપ્પાના બિછાનામાં જઈને સૂઈ જતો, પપ્પા તેને સરસ મજાની વાર્તાઓ કહેતા. ત્રણે જણ મળીને કેટલું હસતાં, ગેલ કરતાં. હવે ન મમ્મી બરાબર બોલે છે, ન પપ્પા પોતાની પાસે સૂવરાવે છે! એટલું જ નહીં, જ્યારે જુઓ ત્યારે ઘૂરક્યા જ કરતા હોય છે. આ અચાનક શું થયું છે? શું કામ થયું છે? કારણ હેમંત નથી જાણતો. પણ જે થયું છે, તેના વમળમાં આખું ઘર ફસાતું જાય છે, અને અંતે પપ્પા ગેસ્ટરૂમમાં રહે છે અને મમ્મી આખો વખત રડ્યા કરે છે. ‘હેમંત, ચાલ, તૈયાર થઈને નાસ્તો કરી લે.’ આદેશ મળ્યો. હેમંત નાહીને, દફતર લઈને બહાર આવ્યો. મમ્મીએ ટેબલ પર બ્રેડ, માખણ અને દૂધ મૂક્યાં. તે પણ હંમેશની જેમ તૈયાર હતી. પણ આંખો કહી રહી હતી કે તે નથી રાતભર સૂતી કે નથી તેનું રુદન થંભ્યું. પપ્પાનો ઓરડો હજી બંધ છે. ‘ચાલ,’ મમ્મીએ કહ્યું, નાસ્તો કરી લે, તારી બસ આવતી હશે.’ હેમંતે મોઢામાં બ્રેડ ભરી લીધું, અને દફતર ઉપાડીને ઊભો થયો. આ ઘરમાં તેનો જીવ ઘૂંટાય છે. તે જલદીથી બહાર નીકળવા માગે છે. પાછળથી મમ્મી રાડ પાડતી રહી, ‘આ પૈસા લઈ જા. બપોરે કેન્ટીનમાંથી કંઈ લઈને ખાઈ લેજે.’ તેણે વણસૂણ્યું કર્યું. દરવાજો બિલકુલ પપ્પાની જેમ ખૂબ જોરથી બંધ કર્યો, અને નીચે ઊતરી ગયો. બસને હજી વાર છે. રસ્તાના નાના પુલ પર જઈને બેઠો. એને રડવું આવતું’તું. કેટલા દિવસોથી મમ્મી પૈસા આપે છે કે બપોરે કંઈ લઈને ખાઈ લેજે. પહેલાં તેને કેન્ટીનનું ખુબ ભાવતું, પણ હવે રોજ રોજ ખાઈને ઊબકા આવે છે. તેને થયું, આ લોકો જો આવી રીતે જ વરતવાના હોય, તો તે જરૂર ઘર છોડીને ચાલ્યો જશે. ક્યારેય પાછો નહીં આવે. પણ જશે ક્યાં? આ જ વિચારમાં હતો કે બસ આવી ગઈ. સાંજે પોતાની ચાવીથી લેચ ખોલીને થાક્યો-પાક્યો હેમંત ઘરે આવ્યો. ખૂબ ભૂખ લાગી’તી. દફતર ફેંકીને કિચનમાં ગયો. ટેબલ સાફ હતું, એટલે કામવાળી બાઈ રાબેતા મુજબ કામ કરીને ગઈ હશે. ફ્રિજ ખોલ્યું, બંધ કર્યું અને ચિપ્સનું પૅકેટ લઈ, દીવાનખાનામાં આવી સોફા પર પગ ચઢાવી એક-એક ચિપ્સ મોઢામાં મૂકતો ગયો. ચિપ્સ તેને બહુ ભાવે છે. અંધારું થવા આવ્યું. મમ્મી-પપ્પા હજી કેમ નહીં આવ્યાં હોય? રોજ પપ્પા પોતાની ઑફિસેથી છૂટીને મમ્મીને લેવા જાય છે, અને બંને સાથે ઘેર આવે છે. આ લોકો શું કારમાંયે બાજતાં હશે? ના રે ના! કોઈની સામે લડાતું હશે? કારમાં હોઈએ, તો બીજા જોઈ શકે ને! હેમંતને યાદ છે. તેની બર્થડે પાર્ટીમાં સાંજે મહેમાનોના આવ્યા પહેલાં બન્ને ખૂબ જોરથી લડી પડેલાં. પપ્પાએ ઘાંટો પાડીને કહ્યું’તું, ‘તારી જોડે તો બોલવામાંયે સૂગ ચઢે છે.’ અને મમ્મીએ જવાબ આપ્યો’તો, ‘અહીં કોણ મરી રહ્યું છે તમારી સાથે બોલવા!’ અને હેમંત માટે તેનો જન્મદિવસ ઝેર થઈ ગયેલો. પણ જ્યારે મહેમાન આવ્યા, મમ્મીની સાહેલીઓ, પપ્પાના મિત્રો, ત્યારે બન્ને ડાર્લિંગ સિવાય બોલતાં નો’તાં. હાથ પકડીને બન્નેએ મહેમાનોનું સ્વાગત કરેલું. હેમંત ડઘાઈ ગયો. અરે! આટલી દોસ્તી ક્યારે થઈ? પણ એને ખૂબ આનંદ થયો. તે વારાફરતી તેઓને જોતો રહ્યો. જ્યારે નિર્મલા આંટીએ મમ્મીનો હાથ પકડીને કહ્યું, ‘મીના, તું દસ વરસના છોકરાની મા નથી લાગતી, હોં!’ ત્યારે પપ્પાએ મમ્મીની કમરમાં હાથ નાખીને મમ્મીના કપાળ પર બચી ભરી. મમ્મીએ પપ્પાના ખભા પર માથું ટેકવી કેટલા વહાલથી પપ્પા સામું જોયું! એ બન્નેનો આટલો સ્નેહ જોઈ હેમંત નિર્મલા આંટીને કહેવાનુંયે ભૂલી ગયો કે આંટી હું દસ વરસનો નથી, આજે અગિયાર વરસનો થઈ ગયો છું, અને આનંદ વ્યક્ત કરવા તેણે આખા ઘરમાં દોટ મૂકેલી. તે આનંદ પણ જલદી શમી ગયો. જ્યારે મહેમાન ગયા, પપ્પા મમ્મીને વઢી પડ્યા. ‘જરા સરખી રીતે રહેતાં શીખો કે એટલુંયે નથી સમજાતું? ઠેકાણા વગરની, હુંહ!’ ત્યારે મમ્મીએ પપ્પા સામું એવી રીતે જોયું, જાણે હમણાં ખાઈ જશે. અને ત્યારે હેમંતે જાણ્યું કે મોટા લોકો, નથી ફક્ત સહેલાઈથી જુઠું બોલી શકતા, બહારવાળાઓ સામે નાટક પણ કરી શકે છે. તેને કહેવાનું મન થયું કે તમે મને આમ નાટક કરીને ખોટું આશ્વાસન ન આપો, મને ખૂબ ત્રાસ થાય છે. દરવાજો ખૂલ્યો. પપ્પા અંદર આવ્યા. દરવાજો બંધ થયો. હેમંતે જોયું, પપ્પા એકલા છે. ‘મમ્મી ક્યાં છે?’ બીતાં બીતાં તેણે પૂછ્યું. આજકાલ પપ્પાનો મૂડ નથી સમજાતો. કદાચ આ સવાલ પૂછવા માટે તેને ઝાટકી નાખે. ‘આવી જશે થોડી વાર પછી,’ અને પોતાની રૂમમાં ચાલ્યા ગયા. અડધો કલાક વીત્યો પણ મમ્મી ન આવી. હવે હેમંત ગભરાઈ ગયો. પપ્પાનો દરવાજો ખખડાવ્યો. ‘હજુ નથી આવી મમ્મી.’ ‘કહ્યું ને આવી જશે,’ દરવાજો ખોલી પપ્પા બોલ્યા, ‘હું એને લેવા નો’તો ગયો. આવી જશે પોતાની મેળે. તને ભૂખ લાગી હશે, જમી લે.’ ત્યાં મમ્મી આવી પહોંચી. ‘લેવા કેમ ન આવ્યા?’ પપ્પાએ ખભા ઉલાળી, કિચનમાં જઈ, પોતાને માટે ગ્લાસ બનાવ્યો. ‘પહેલાં કહેવું’તું. હું ત્યાં મૂરખની જેમ રાહ જોતી ઊભી રહી.’ પપ્પાએ મોઢું કટાણું કર્યું. ‘ભૂલતા નહીં, કાર લેવા મારાયે પૈસા લાગ્યા છે, હા!’ ‘મને શું ડ્રાઈવર સમજી લીધો છે?’ પપ્પા હસીને બોલ્યા. પણ તે નિખાલસ હાસ્ય નો’તું. પપ્પાના હોઠ એવા મરડાયેલા હતા, જેવા ટી.વી.ની ફિલ્મોમાં ક્રૂર કૂતરાના હોય છે. હેમંત ત્યાંથી ગુપચુપ ખસી ગયો. તે પછી બન્ને સવારે તો જુદાં જતાં જ, હવે સાંજે પણ જુદાં આવવા માંડ્યાં. પપ્પા ખૂબ મોડેથી આવતા. રાતે જમવા ટાણે મા-દીકરો જ રહેતાં. પપ્પાનું ખાવાનું ઢાંકીને રાખી દેવામાં આવતું. જે ઘણું કરીને સવારે જેમનું તેમ પડ્યું મળતું. પણ હવે હેમંત નિરાંતે જમી શકતો. જોકે એ ખાવામાં આનંદ નો’તો. મા-દીકરો ચૂપ રહેતાં. હેમંત કંઈ બોલવા મથતો, તો મમ્મી કહેતી, ‘હેમુ, પ્લીઝ ચૂપ રહે, મારું માથું દુ:ખે છે.’ અથવા ‘કેટલું બોલ બોલ કરે છે તું.’ ધીમે ધીમે હેમંત પણ ચૂપ રહેવા લાગ્યો. સવારે વહેલો નીકળી જતો. પુલ ઉપર બેસવું વધારે આરામદાયક હતું. ફોનની ઘંટડી ક્યારની વાગતી હતી. હેમંત આમ તો ફોન ઉપાડતો નહીં, તેને કોણ ફોન કરવાનું હતું! આ નવી સ્કૂલમાં હજી કોઈની સાથે એટલી મિત્રતા નથી થઈ કે ફોન પર વાત થાય. પણ જ્યારે મમ્મીનો દરવાજો ન ઊઘડ્યો, નછૂટકે તેણે ફોન ઉપાડ્યો. ‘હેલો!’ ‘હેલો, હું અસીમ છું હેમંત. હેમંત જ છેને?’ ઉત્સાહના માર્યા હેમંતના હાથમાંથી રિસીવર છટકી પડતું રહી ગયું. અસીમ! તેનો જિગરજાન દોસ્ત! જૂની સ્કૂલમાંથી. ખૂબ રાજી થઈ બોલ્યો, ‘હા, હું હેમંત. બોલ, કેમ છે તું યાર?’ બન્ને મિત્રો કેટલી વાર સુધી બોલતા રહ્યા. જૂના દોસ્તો વિશે. ટી.વી. ના પ્રોગ્રામો વિશે, ફિલ્મોની વાતો, જેમની બન્ને એક જમાનામાં ખૂબ હાંસી ઉડાવતા તે ટીચરોને લઈને, વાહ! કેટકેટલી વાતો! હેમંતે આજે ઘણા દિવસો પછી મોઢું ખોલ્યું છે. વાતો છે કે પૂરી જ નથી થતી. છેવટે અસીમનો નંબર લઈને તેણે ફોન મૂક્યો, મમ્મી બહાર આવી. ‘કોણ હતું?’ ‘અસીમ, મારો દોસ્તાર. યાદ છેને મમ્મી? પેલી જૂની સ્કૂલમાં. બે-ચાર વખત આપણે ત્યાંય આવ્યો’તો. યાદ નથી મમ્મી?’ એની બહેનનાં લગ્નમાં પણ હું ગયો’તો. ખૂબ વાતો કરી અમે. યાદ છેને તમને…’ પણ મમ્મીનું જરાય ધ્યાન નથી. સોફા પર બેસીને તે અમથી પગ હલાવે છે. હેમંતની વાત મમ્મીએ સાંભળી જ નથી. હેમંતે મમ્મી ભણી જોયું. જ્યારે કોઈ તમારી વાત નથી સાંભળતું, ત્યારે ફક્ત તમને જ ખોટું નથી લાગતું મમ્મી, મનેય લાગે છે. કોઈને પણ લાગી શકે છે... યાદ છેને મમ્મી? મમ્મીને યાદ હોય કે ન હોય. હેમંતને સારી રીતે યાદ છે. તે પહેલો પ્રસંગ હતો, જ્યારે તેની સામે મમ્મી-પપ્પાની તકરાર થઈ હતી. રાતનો સમય હતો, ત્રણે જમી રહ્યાં હતાં, અહીં, આ જ નવા ઘરમાં… પપ્પા ગુપચુપ જમતા હતા, મમ્મી કંઈ બોલતી હતી. પપ્પાનું ધ્યાન નો’તું. ‘તમે સાંભળતા નથી.’ છણકો કરી મમ્મીએ કહ્યું. હવે પપ્પાએ તેની સામું જોયું. ‘ના, ના, તું બોલ. હું સાંભળું છુંને! બોલ, શું કે’તી’તી?’ મમ્મી પાછી શરૂ થઈ ગઈ. પપ્પાનું ધ્યાન ફરી વહેંચાઈ ગયું. હવે મમ્મી ચિડાઈ ગઈ. ‘પથરાની સામે કોઈ શું બોલે!’ ‘શું? શું કે’તી’તી?’, પપ્પાએ પૂછ્યું. ‘કહું છું કે ક્યારની બોલ બોલ કરું છું, પણ તમારા કાન સુધી વાત પહોંચતી જ નથી.’ ‘તું તે જ વાતો, તે જ લોકોની પચ્ચીસ વાર કરે, તો હું ક્યાં સુધી સાંભળતો રહું?’ હેમંતના હાથમાંનો કોળિયો અધ્ધર રહી ગયો. મમ્મીની આંખમાં પાણી ભરાઈ આવ્યું. ‘હું શું તે જ વાતો કરું છું?’ હવે પપ્પાએ માથું ધુણાવ્યું, ‘ના રે ના, મારા બોલવાનો અર્થ એ નો’તો.’ ‘મને એમ કે મારી બધી વાતોમાં તમે સામિલ થાઓ. તમે જાણો કે મારો દિવસ કેમ પસાર થયો. એટલે જ તો ઑફિસની વાતો તમને સંભળાવતી રહું છું. હવે નહીં કહું. તમને એટલો કંટાળો આવતો હોય તો…’ પપ્પા ઊઠીને મમ્મી પાસે જઈ તેનું માથું છાતીસરસું દાબીને બોલ્યા, ‘ના ડાર્લિંગ, તું કહે… એ તો એમ કે મારું માથું જરી દુ:ખતું’તુંને, એટલે…’ હેમંતને સુધ્ધાં સમજાઈ ગયું કે માથું દુ:ખવાની વાત બહાનું હતી. પપ્પા કોઈ બીજો જ વિચાર કરતા હતા. ત્યાર બાદ મમ્મીએ આ વાત કેટલી વાર દોહરાવી કે ‘તમને ઈંટરેસ્ટ હોય, તો કહું. વળી પાછું તમારું માથું દુ:ખવા માંડશે.’ ત્યારે પપ્પા જરી હસીને ચૂપ રહી જતા. હેમંતને થતું કે આમ બોલીને મમ્મી પપ્પાને નાહક ઉશ્કરે છે. ધીમે ધીમે પપ્પાનું તે બળજબરીનું સ્મિત ક્યાંક ઊડી ગયું, અને તેમના કપાળ પર વળ પડવા શરૂ થઈ ગયા. હેમંત ઓરડામાં પાછો આવ્યો. તેને બહુ ઓછું આવ્યું. અહીં તેનો કોઈ દોસ્તાર કે મિત્ર નથી, ન સ્કૂલમાં કે નહીં ઘરની આજુબાજુ. એ જ્યારે મમ્મીને અસીમની વાતો કરતો હતો, ત્યારે મમ્મીએ સાંભળી કેમ ન લીધું? હેમંતને રડવું આવ્યું. અસીમની બહેનનાં લગ્નમાં બન્ને મિત્રોએ કેટલી મજા કરી’તી! કેટલો તો આઈસક્રીમ ખાધો, કેટલી બાટલીઓ કોકની પી નાખી. કેટલું હસ્યા, કેટલું ખાધું. ત્યારે તે જરી નાનો હતોને! આઠ વરસનો. આજે જો એવો અવસર પાછો આવે, તો હેમંત આટલું તોફાન નહીં કરે. હવે તે ગંભીર મોઢું રાખીને એક બાજુએ બેસી રહેશે. જે ખાવા-પીવાનું અપાય, તે જ ખાશે-પીશે. ન મશ્કરી કરશે કે નહીં નકામું હસ્યા કરશે. હવે તે મોટો થઈ ગયો છેને! અગિયાર વરસનો! એને થયું કે તે જઈને એક વાર અસીમને મળે, કેટલો સમય વીતી ગયો, એને મળ્યે! તેની સાથે વાતો કર્યે! હેમંત મમ્મીને કહેશે કે મારે અસીમને મળવું છે, મને લઈ જા. અને નહીં તો… તું અસીમને અહીં જ બોલાવી લે? અસીમના પપ્પા પાસે મોટર નથી, તો શું! મુંબઈમાં રેલવે છે, બસ છે, રિક્ષા છે. હા, હેમંત અસીમને ફોન કરશે કે યાર! અહીં આવને! આપણે આખો દિવસ સાથે વિતાવશું. પણ અસીમ અહીં આવશે તો શું તેને ખબર નહીં પડી જાય કે હેમંતનાં મમ્મી-પપ્પા આખો વખત લડ લડ કરે છે, એકબીજા જોડે સરખું બોલતાંયે નથી? હેમંતનું ખીલેલું મુખ કરમાઈ ગયું. આ મોટા લોકો સમજતા કેમ નહીં હોય કે તેમના આવા ઝઘડાઓથી બાળકો ઉપર ખરાબ અસર થાય છે? હેમંતના મનમાં રાત-દિવસ બીક રહ્યા કરે છે કે હમણાં કંઈક થશે, અને બન્ને પાછા ઝઘડવા મંડશે. અને જો લડશે નહીં, તો ચૂપ રહેશે, જે સહન કરવું વધારે આકરું છે. જો હેમંત એવું કંઈ કરે, જેથી ઘરમાંનો કંકાસ દૂર થાય, મમ્મી-પપ્પા સાથે હળી મળીને રહે અને ઘરમાં પ્રેમના વાયરા વાય! હતાશ હેમંત વિચાર કરે છે, શું કરી શકાય? હેમંત બીમાર પડી જાય? હા. પોતે ખૂબ તાવમાં પડ્યો છે, ઊંહકારા ભરે છે, ચિંતાતુર મમ્મી-પપ્પા પાસે બેઠાં છે, ત્યારે તો બન્ને એકબીજા જોડે બોલેને! એકબીજાને ધીરજ આપે. વાહ! પણ તાવ આવે કેમ કરીને! અથવા હેમંત ઘાયલ થઈને હૉસ્પિટલમાં પડ્યો હોય, તેને એક્સિડન્ટ થયો હોય, ડૉક્ટર ગંભીર મોઢું કરીને કહે, ‘જીવવાની આશા નથી,’ ત્યારે મમ્મી પપ્પાને વળગીને રોઈ પડે, અને પપ્પા મમ્મીને બચી ભરી લે... પણ... એક્સિડન્ટ રસ્તામાં નથી પડ્યો કે હેમંત ચાહે અને એક્સિડન્ટ થઈ જાય… હા, રસ્તામાં જ તો... હેમંત કોઈ કારથી અથડાઈ જાય, તેને ઈજા થાય, પણ પછી તે સારો પણ થઈ જાય… હા, સારો થવો જ જોઈએ. તેને મરવું નથી. મમ્મી-પપ્પાનો પ્રેમ જોવા હેમંત જીવતો રહેવો જોઈએને! બરાબર, આવતી કાલથી તે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલશે, જાણીજોઈને આવતી-જતી ગાડીઓની સામે જશે. કો’ક ડ્રાઈવર જરૂર તેને ધક્કો મારી દેશે. વાહ! ઉત્તમ ઉપાય મળી ગયો. હેમંત જાણે છે કે તેની બીમારીમાં તેનાં મા-બાપ અળગાં રહી જ ન શકેને! પણ... તેને વધારે લાગે તો? હાથ-પગ તૂટી જાય તો? અને સમજો કે તે મરી જ જાય! ના, ના, તે મરી જવા નથી માગતો, અને લૂલા-લંગડા થઈને જીવવું? ના. તો, તો હવે શું થાય? હેમંતનો જીવ ગભરાવા માંડ્યો. તે રડવા માગે છે, ચીસો પાડીને રડવા મથે છે. શું કરે હેમંત, કોની પાસે જાય? બે દિવસ પછી મમ્મી ઑફિસેથી આવી, હેમંત તકિયામાં મોઢું સંતાડીને પડ્યો હતો. ‘ઊઠ, હેમંત આમ કેમ પડ્યો છે. કપડાં બદલ, હમણાંનું તને થયું છે શું?’ અને અંદર ચાલી ગઈ. આ જ હું તને પૂછવા માગું છું મમ્મી, હમણાંનું તમને બન્નેને થયું છે શું! મમ્મી પાછી આવી, ‘હેમંત ઊઠ, જા કપડાં બદલ, અને સીધો બેસ.’ હેમંત ઊઠ્યો, દફતરમાંથી એક પરબીડિયું કાઢ્યું, મમ્મીને આપ્યું અને અંદર ગયો. પાછો આવ્યો ત્યારે મમ્મી કાગળ લઈને ગુપચુપ બેઠી હતી. ‘તું જાણે છે, આ પત્રમાં તારી ટીચરે શું લખ્યું છે?’ હેમંત ચૂપ રહ્યો. ‘લખ્યું છે કે તું હમણાં નથી ઘરકામ કરીને લાવતો અને નથી ક્લાસમાં તારું ધ્યાન ભણવામાં. તું કોઈની જોડે બોલતો નથી અને તને કોઈ ભાઈબંધ પણ નથી.’ ‘હં.’ હેમંત બારી બહાર જોવા લાગ્યો. ઘોર અંધારામાં, દૂર રસ્તા પર આવતીજતી ગાડીઓનો પ્રકાશ પાસે આવતો, દૂર જતો, ઘડીકમાં ઉજાસ ફેલાતો, ઘડીકમાં ઓલવાતો. એક, બે, ત્રણ, હેમંત ગણતો રહ્યો. ‘એટલે તું આ બધું જાણે છે. તો પછી કંઈક કરતો કેમ નથી?’ હેમંત જેમ ઊભો હતો, ઊભો રહ્યો. થોડી વાર મમ્મી તેને ધમકાવતી રહી, પછી એકદમ ચૂપ થઈ ગઈ. હેમંતે પાછળ ફરીને જોયું, મમ્મી એકધારી તેની સામું જોતી હતી. તેનું મોઢું જોઈ હેમંતને લાગ્યું મમ્મી હમણાં રડી પડશે. તે પાસે ગયો, મમ્મીએ તેને પાસે લઈ છાતીસરસો ચાંપી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. આ પહેલો વખત હતો, જ્યારે મમ્મીના રડવાની હેમંત પર કોઈ અસર ન થઈ. તે ન હાલ્યો, ન બોલ્યો. થોડી વાર પછી મમ્મી ચૂપ થઈ ગઈ. ‘ચાલ હું પીરસું છું, તું જમી લે.’ અને તે પત્ર ત્યાં જ ટેબલ ઉપર રાખીને બોલી, ‘ભલે જોઈ લે તારા પપ્પાયે.’ પપ્પાએ તે પત્ર જોયો કે નહીં, હેમંત નથી જાણતો. બીજે દિવસે સ્કૂલ જતાં જોયું, પત્ર ત્યાં નહોતો. તે પછીના રવિવારે મમ્મીએ સવારે કહ્યું, ‘તારે અસીમને મળવું’તું ને! તેને ફોન કર, તેને ફુરસદ હોય, તો હું તને લઈ જાઉં.’ અસીમને મળવાની ઇચ્છા તો હતી, પણ મમ્મી સાથે નહીં. તે ચૂપ રહ્યો. કદાચ મમ્મી સમજી ગઈ, બોલી, ‘મારે નિર્મલા આંટીને ત્યાં જવું છે. તને અસીમને ત્યાં મૂકીને હું ત્યાં જઈ આવીશ. સાંજે તને લેતી આવીશ.’ હેમંત ઝટપટ તૈયાર થઈ ગયો. મમ્મીએ બાઈને કહ્યું, ‘ફક્ત સાહેબ માટે રાંધજે, અમે બહાર જઈએ છીએ.’ પપ્પા હજુ ગેસ્ટરૂમની બહાર નો’તા નીકળ્યા. ટેક્સીમાં હેમંતનો હાથ પકડીને મમ્મીએ કહ્યું, ‘શું થયું છે તને હેમુ બેટા? ભણવામાં મન નથી લાગતું? નિશાળ નથી ગમતી? વાત શું છે?’ તે બારી બહાર જોતો હતો, જોતો રહ્યો. મમ્મીએ વધારે નરમાશથી કહ્યું. ‘તારી મમ્મીને નહીં કહે બેટા? અમારી ઇચ્છા છે કે અમારો દીકરો આ નિશાળમાં પણ એટલા જ સારા માર્ક લાવે, જેટલા જૂની નિશાળમાં લાવતો. તારી મરજી હોય તો આપણે પ્રાઇવેટ ટ્યૂશન રાખી લઈએ.’ હેમંતે મમ્મી સામું ન જોયું. તે બોલતી રહી. હેમંતે પોતાનો હાથ મમ્મીના હાથમાંથી છોડાવી લીધો. મમ્મી ચૂપ થઈ ગઈ. ‘તું અને પપ્પા દોસ્તી કેમ નથી કરી લેતાં?’ હવે હેમંતે મમ્મી ભણી જોઈને કહ્યું. મમ્મીને જાણે કોઈએ તમાચો માર્યો હોય, તેનું મોઢું રાતુંચોળ થઈ ગયું. હવે તે બરાબર જોવા લાગી. થોડી વાર પછી હેમંતે સાંભળ્યું, મમ્મી રડે છે. તેણે મોટાઓની જેમ હમદર્દીથી મમ્મીનો પગ થાબડ્યો, હંમેશની જેમ તે મમ્મીને વળગી ન પડ્યો. અસીમ નીચે ઊભો હતો. મમ્મીની ટેક્સી ગઈ. બન્ને મિત્રો મળ્યા, પણ આછો પડદો બન્નેની વચ્ચે રહ્યો. હેમંતને સૂઝ્યું નહીં કે વાત કેવી રીતે શરૂ કરવી. એકબીજાની સામે જોઈ બન્ને ચૂપ રહ્યા, પછી એકસાથે હસી પડ્યા અને તે આકરી ઘડી ટળી ગઈ. બન્ને ગૅલેરીમાં જઈ બેઠા. પછી તો એવો રંગ જામ્યો કે વાત બન્ને એકસાથે શરૂ કરતા અને હસી પડતા. હેમંતને લાગ્યું, આટલા દિવસો સુધી જે અંધારું ઘેરાયેલું હતું, તે વિખેરાઈ ગયું છે અને નિર્મળ પ્રકાશ ફેલાઈ ગયો છે. કેટલું સાફ અને સારું લાગે છે. જમવા બોલાવ્યા. અસીમનાં બા પીરસતાં હતાં. રસોડામાંથી અસીમની બહેન ગરમ રોટલી લઈને આવી. તેને જોઈને હેમંત ડઘાઈ ગયો. બહેનનો ચહેરો આવો કેમ લાગે છે? મમ્મી જેવો? ફિક્કો? ગાલ લટકી પડ્યો છે, આંખો સોજેલી છે… ‘કેમ છે હેમંત?’ બહેને મરેલા અવાજે પૂછ્યું. હેમંતે સ્મિત કર્યું. આ જ બહેનનાં લગ્નમાં કેટલી મજા કરી’તી. ત્યારે બહેન કેટલી સુંદર હતી. ‘બહેનની તબિયત ઠીક નથી?’ જમ્યા પછી જ્યારે બન્ને ગૅલેરીમાં જઈ બેઠા, ત્યારે હેમંતે પૂછ્યું. અસીમ ગંભીર થઈ ગયો. ‘ના, તબિયત તો ઠીક છે. પણ… પણ હવે તે સાસરે નહીં જાય, અહીં જ રહેશે.’ ‘કેમ?’ હેમંતે ટી.વી. પર ઘણીયે સિરિયલ જોઈ છે, પૂછ્યું, ‘સાસુ ત્રાસ આપે છે?’ ‘સાસુ? ના, સાસુ નથી. એટલે કે એમની જોડે નથી રહેતી. પણ અમારા બનેવી… એમને કદાચ બહેન નથી ગમતી.’ ‘નથી ગમતી? તો લગ્ન શું કામ કર્યા?’ ‘અરે, લગ્ન વખતે તો બન્ને ખુશખુશાલ હતાં. કેટલું હસતાં-બોલતાં. મારી બા કહેતી કે બન્નેની નજર ઉતારવી જોઈએ.’ ‘પછી? પછી શું થયું?’ હેમંતનો અવાજ બેસી ગયો. ‘કોણ જાણે. પણ લગ્ન પછી થોડા દિવસોમાં જ બન્ને ઝઘડવા લાગ્યાં.’ હેમંતનું કાળજું એક પગથિયું ચૂકી ગયું. ‘આ વર-વહુ લડતાં શું કામ હશે? શી:’ ‘અને લડાઈ પણ કેવી! બાપ રે! કેટલી મારી એણે બહેનને.’ ‘મારી? કેમ?’ ‘કોણ જાણે? ઘરમાં બધા કહે છે કે બન્ને એક ઓરડામાં સૂતાંયે નથી. લગ્ન પછી પતિ-પત્ની સાથે સૂએને!’ ખૂબ અર્થભરી નજરે તેણે હેમંત તરફ જોયું. હેમંતનું કાળજું ફરીવાર એક પગથિયું ઊતરી ગયું. તે મૂઢની જેમ મિત્રને જોતો રહ્યો. ‘હવે બધા કહે છે કે તેઓ છૂટાછેડા લેશે.’ દબાયેલા અવાજમાં અસીમ બોલ્યો. ‘કહે છે.’ અહીં તેનો અવાજ વધુ ધીમો થઈ ગયો, ‘કહે છે કે… કે અમારા બનેવીની કોઈ ગર્લફ્રેન્ડ છે, તેમને તેની જોડે લગ્ન કરવાં’તાં. પણ ઘરવાળાઓએ… હવે કરી લે લગ્ન તેની જોડે. ઠીક છે. રોજ રોજના ઝઘડાથી એ જ સારું છે. અમે પણ બહેનનાં બીજા લગ્ન કરાવી દઈશું.’ ઘરના વડીલો પાસેથી સાંભળેલા શબ્દો તેણે દોહરાવી દીધા. હેમંતનું કાળજું હવે તેના પેટમાં ઊતરી આવ્યું. તેનો જીવ મોળાવા લાગ્યો. ઊલટી થઈ જશે? મમ્મી ક્યારે આવશે? તેને ઘરે જવું છે. પણ, ઘરમાં જે અંધારું હમણાંનું રહે છે, તે હેમંત ઉપર ચઢી આવશે. ના, ના, હેમંત તે અંધારાથી બહુ બીએ છે. હવે શું કરશે હેમંત? ક્યાં જશે? તેણે અસહાય, અહીં-તહીં જોયું. શું કરે? ક્યાં જાય? હેમંતને ખૂબ રડવું આવ્યું. મમ્મી આવી, ત્યાં સુધી તે અનહદ થાકી ગયો હતો. તેનું મન ક્યાંય નો’તું ચોંટતું. ટૅક્સીમાં પણ તે ગુપચુપ ખૂણામાં બેસી રહ્યો. ‘ખૂબ વાતો કરી દોસ્તાર જોડે?’ મમ્મીએ પૂછ્યું. ‘હં.’ ‘થાકી ગયો?’ ‘હં.’ પછી ન મમ્મી કંઈ બોલી, ન હેમંત બોલ્યો. ઘેર જઈ મમ્મીએ પૂછ્યું, ‘શું જમીશ?’ ‘ભૂખ નથી.’ તે ઓરડામાં ગયો, કપડાં બદલ્યાં વગર બિછાના પર સૂતો. તેને ધ્રુજારી છૂટતી હતી. શું થશે હવે? જો મમ્મી-પપ્પાના છૂટાછેડા થઈ જાય તો હેમંત શું કરશે? મમ્મી પાસે રહેશે? તે બન્ને શું એકલાં રહેશે? અને જો… જો મમ્મી બીજા લગ્ન કરી લે તો? તો હેમંતને મોકલી આપશે દાદા-દાદી પાસે રાજકોટ? ત્યાં તે શું કરશે? તેની નિશાળનું શું? હેમંતનું માથું ભમવા માંડ્યું. તે જઈને પપ્પાને પૂછે? પૂછે કે આ તમે શું માંડ્યું છે, તમે મમ્મીને છૂટાછેડા શું કામ આપવા માગો છો? તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? કોણ છે? જેની જોડે તમે બીજા લગ્ન કરવા માગો છો? પપ્પા વધારે બોલતા નથી. હેમંત જોડે પણ ઓછું જ બોલે છે અને હમણાંના ચૂપ જ રહે છે. તે દિવસે જ્યારે તે રિપોર્ટ કાર્ડ લઈને ગયો હતો સહી કરાવવા, ત્યારે હોઠ ચાવીને તેમણે કહ્યું હતું, ‘કરાવી લે તારી મમ્મી પાસે. આજકાલ આ ઘરની સરમુખત્યાર બની બેઠી છેને, કમાઈને લાવે છેને!’ અને કેટલા દિવસોથી હેમંતે પપ્પાને જોયા સુધ્ધાં નથી. સવારે તે નિશાળે જાય છે, ત્યારે પપ્પા બહાર નથી નીકળતા, અને સાંજે મોડા આવે છે. જ્યારે હેમંત સૂઈ ગયો હોય છે. કોણ જાણે રાતે ક્યારે જમે છે કે પછી બહારથી જ જમીને આવે છે. પણ હેમંત જાણે છે કે પપ્પા તેને બહુ વહાલ કરે છે. તેને માટે કેટ-કેટલી ચીજો લાવે છે. હેમંત માટે કમ્પૂટર લાવવાનું પણ તેમણે કબૂલ કર્યું છે. બહાર જતા હોય ત્યારે હેમંતના માથા પર વહાલથી હાથ ફેરવે છે. આ જ પપ્પા જો ઘરમાં ન હોય… ના ના, હેમંત આ વાતનો વિચાર સરખોયે નથી કરી શકતો. હેમંતની હિમ્મત છે કે તે પપ્પાને પૂછે કે તમે મમ્મીને છૂટાછેડા આપવાના છો? તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? ના! પપ્પાની સામે થવાની હિમંત હેમંતમાં નથી. તો પછી હેમંત શું કરે? કોને પૂછે? તેને ખૂબ ગભરામણ થવા લાગી. તેના પેટમાં શૂળ ઊપડી. કોણ જાણે ક્યારે તેને ઊંઘ આવી ગઈ. હેમંતને સ્વપ્નું આવ્યું. તે નિશાળમાં છે, પરીક્ષા ચાલુ છે. તે પ્રશ્ન વાંચે છે, તેને કંઈ જ સમજાતું નથી કે પ્રશ્ન શું છે, આ શું લખ્યું છે. તે આજુબાજુ જુએ છે, બધા મન દઈને ઉત્તર લખે છે. તે બીજો પ્રશ્ન વાંચે છે. તેને કંઈ જ સમજાતું નથી. તે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. આ કઈ ભાષામાં પ્રશ્ન પુછાયો છે? તે વાંચીને સમજી કેમ નથી શકતો? તે ટીચર સામું જુએ છે. ટીચર તેને એકધારી જોઈ રહી છે. હેમંતના મોઢામાંથી શબ્દેય નથી ફૂટતો, ત્યાં ઘંટ વાગે છે. બધાનાં પેપર લેવાઈ રહ્યાં છે. તેનું પેપર પણ ઝૂંટવી લેવાય છે. તેનું પેપર કોરું છે. તેના પર કંઈ જ નથી લખાયું. હેમંત ફેઇલ થઈ જશે, નક્કી ફેઇલ થઈ જશે. તેનું મન ઊંડું, અંદર ઉતરતું જાય છે… તે ચીસ પાડીને રડી પડે છે... જ્યારે આંખ ખૂલી, તેનું આંખું શરીર પરસેવાથી ભીનું હતું. સુક્કી આંખોથી તેણે અહીં-તહીં જોયું. ઊઠીને કપડાં બદલ્યાં અને હાથ જોડી પ્રાર્થના કરી, હે ઈશ્વર, જેમ પહેલાં હતું તેમ કરી આપો. મારી આટલી વાત માની લો પ્રભુ! હેમંત બીજું શું કરી શકવાનો હતો! હવે હેમંતનું મન અભ્યાસમાંથી સાવ ઊઠી ગયું. સ્કૂલ નહીં, અભ્યાસ નહીં, કંઈ જ નહીં, તે કમને ક્લાસમાં જતો, ગુપચુપ બેસી રહેતો. પ્રશ્ન પુછાતો, જવાબ નદારદ. પહેલાં પણ કોઈ જોડે ન બોલતો, પણ ત્યારે દોસ્તી કરવાની ઇચ્છા જરૂર હતી. આ નવી સ્કૂલમાં મનગમતો મિત્ર નો’તો મળતો, હવે એ શોધ પણ તેણે પડતી મેલી. મિત્રતા કરવાથીયે શું મળી જવાનું છે! આજે દોસ્તી કરશે, કાલે ઓળખશે પણ નહીં. હેમંતનું મન કશામાંયે નથી ચોંટતું. તે સ્કૂલે જાય છે, કારણ કે ન જાય, તો ક્યાં જાય! આખો દિવસ પેલા પુલ પર બેસી શકાય છે? થોડા દિવસો પછી ટીચરે પણ તેની નોટિસ લેવાનું મૂકી દીધું. ન તે હેમંતને કોઈ પ્રશ્ન પૂછતી, ન તેની સામું જોતી. બસ, એક દિવસે કહ્યું, તારી રીતભાત આવી જ રહીને, તો સ્કૂલમાંથી કાઢી મૂકશે, યાદ રાખજે. હેમંતે મોઢું ફેરવી લીધું… કાઢી મૂકેને, અહીં કોને પડી છે… એક રાતે હેમંત ચોંકીને ઊઠી ગયો. મમ્મી-પપ્પાના અવાજો... ઘડીભર તેનું હૃદય ઊછળી આવ્યું. તો, દોસ્તી થઈ ગઈ? કાન દઈ સાંભળ્યું, દોસ્તી નહીં, લડાઈ જામી છે. પપ્પા ઓછું, મમ્મી વધારે બોલે છે. બોલતી જાય છે અને રડતી જાય છે. કાન સરવા કર્યા, વચમાં મમ્મીનો અવાજ દબાઈ જાય છે. ‘શુ સમજી લીધી છે મને... વેશ્યા?’ ‘પત્ની છે તું મારી, સમજી?’ પપ્પાએ મમ્મીનો હાથ ઝાલી લીધો છે. ‘મૂકો, મૂકો મને. નહીંતર ઘાંટા પાડીશ… દિવસોના દિવસો મારી જોડે બોલતાંયે નથી, અને રાતે, આમ… આમ મારી પાસે… શરમ નથી આવતી?’ હેમંત ઊઠીને બારણા પાસે આવ્યો. તેનું કાળજું ફફડી રહ્યું હતું. અસીમના બનેવીની જેમ પપ્પા મમ્મીને મારશે? હળવેથી દરવાજો ખોલ્યો. જે જોયું, તે કેટલું લજ્જાજનક, કેટલું ગંદું હતું… પપ્પાના પગ લથડિયાં ખાય છે, એક હાથ મમ્મીના ગાઉન પર છે અને મમ્મી ફાટેલા ગાઉનને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે, મમ્મીની છાતી ફાટેલા ગાઉનમાંથી… હેમંતના માથામાં સ્ફોટ થયો, તેણે રાડ નાખી… મમ્મી-પપ્પાનું ધ્યાન તેની તરફ ગયું, હવે હેમંત ચીસો પાડીને રડવા લાગ્યો. ગાઉન સંભાળતી મમ્મી દોડી આવી. ‘શું થયું હેમુ? કેમ રડે છે બેટા? ખરાબ સપનું જોયું? તેણે હેમંતને બાથમાં ભીડી લીધો. હેમંત છૂટવા ફાંફાં મારે છે, તેનું રુદન વધી જાય છે. ‘ચાલી જા’, હેમંત કહે છે, ‘મને એકલો રહેવા દે.’ મમ્મીના પાશમાંથી છૂટી હેમંત ઊભો થઈ જાય છે. મમ્મી બેબાકળી તેની સામું જોતી, ઊંડા શ્વાસો લે છે. કોણ જાણે કેટલો સમય વીતી જાય છે. ધીરે ધીરે હેમંત શાંત થાય છે. મમ્મી ભણી જોયા વગર કહે છે, ‘તું સૂઈ જા,’ અને પડખું ફરીને સૂએ છે. મમ્મી તેના કપાળ પર હાથ મૂકે છે, હેમંત હાથ ઝાટકી નાખે છે. મમ્મી નિઃશ્વાસ નાખીને પોતાના ઓરડામાં ચાલી જાય છે. કેટલી વાર સુધી આ આખું દૃશ્ય હેમંતના માથામાં ફરતું રહ્યું. તેને ઊલટી થઈ ગઈ. ઊઠીને તેણે કપડાં બદલ્યાં, પાછો પથારી પર આવીને સૂતો. આટલી જોસથી ચીસો નો’તી પાડવી જોઈતી. પણ હેમંત શું કરે? તે બીભત્સ દૃશ્ય તેની આંખો સામેથી ખસતું નો’તું. બીજે દિવસે ન હેમંત સ્કૂલ ગયો, ન મમ્મી ઑફિસ ગઈ. બન્ને પોતપોતાના ઓરડામાં ગુપચુપ પડ્યાં રહ્યાં. બપોરે બાઈ થાળી લઈને આવી. ‘જમી લો, બાઈ બહાર ગયાં છે, સાંજ સુધી આવી જશે. હું જાઉં છું.’ હેમંતે થાળી જોઈ, તેનો જીવ ડહોળવા લાગ્યો. થાળી ઉપાડી કિચનમાં જઈ, તેણે થાળી ફ્રિજમાં મૂકી દીધી અને તે એક રાતમાં હેમંતનું બાળપણ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું. હેમંત અચાનક મોટો થઈ ગયો. તે રાતે પપ્પા ઘેર ન આવ્યા. મમ્મી એ બાબતમાં કંઈ બોલી નહીં અને હેમંતે પણ કોઈ સવાલ ન કર્યો. ત્યારથી પપ્પા જુદા રહેવા લાગ્યા. ક્યાં, કોની પાસે, ક્યાં સુધી… હેમંતે ન પૂછ્યું. કદાચ પોતાની ગર્લફ્રેન્ડ પાસે રહેવા ગયા હોય! જાઓ, તમને ફાવે ત્યાં જઈને રહો. હેમંતને નથી જાણવું. હવે તેને મમ્મી-પપ્પા સાથે કોઈ સંબંધ નથી. સાથે રહે, જુદાં રહે, બીજા લગ્ન કરી લે, હેમંતની બલા જાણે! તોયે મનમાં એક આશા છે, એક આછી આશા કે પપ્પા તેને મળવા આવશે, એકલા જરૂર આવશે. તે રાતનો ખુલાસો કરવા. ચોક્કસ આવશે. હેમંત તેમનો દીકરો છે. પપ્પાને દીકરાને મળવાનું મન નહીં થતું હોય? સવારે સ્કૂલે પહોંચીને, સાંજે ઘરે આવ્યા પહેલાં, નીચે… હેમંત ચોર આંખોથી બધી બાજુએ જુએ છે... કદાચ ક્યાંય પપ્પા નજરે ચડી જાય! જો પપ્પા દેખાય, તો શું કરશે હેમંત? તેમની જોડે બોલશે? તેમને વળગી પડશે? કે પછી મોઢું ફુલાવીને નીકળી જશે? જેથી તેમનેય તે દુ:ખ સાલે, જે હેમંત આટલા વખતથી વેઠે છે. પપ્પા તેને વહાલ કરતા, કરતા હતા ને? તો પછી તે વહાલનું શું થયું? કે તે વહાલ નો’તું? માત્ર દેખાડો હતો? દિવસો વીતતા અને હેમંતની અંદર કશુંક સંકોચાઈને સુકાતું જતું. મમ્મી હમણાંની કેવી કઠોર, કેટલી ફિક્કી દેખાય છે, તેનો અવાજ પણ જાણે જીવ વગરનો, કરડો થતો જાય છે. હવે હેમંત પાસે ખૂબ સમય છે. તેને કશું ગમતું નથી, ક્યાંય મન નથી ચોંટતું, ખાલી લાગે છે. હવે તો રડવુંયે, નથી આવતું. એક વાર તેણે નિશાળની ચોપડી ઉપાડી, ખોલી. અરે! આટલો બધો પોર્શન થઈ ગયો છે! ધ્યાનથી જોયું. ક્યારે તે બધું વાંચશે, ભણશે? નહીં થાય તેનાથી, આ પણ નહીં થાય! તે વિચારોમાં પડ્યો. એ બે-ચાર મિનિટોમાં તે પોતાની જાતને ભૂલી ગયો, મમ્મી-પપ્પાને ભૂલી ગયો, તે રાતનું પેલું દૃશ્ય વીસરાઈ ગયું. તે એકાગ્ર ચિત્તે વાંચવા લાગ્યો… તેનું મન વાંચવામાં, ભણવામાં લાગ્યું. વાહ! વાંચતી વખતે બીજું બધું ભુલાઈ જાય છે. સારી, ખરાબ વાતો... બધું જ… અને જાણે એક નુસખો મળી ગયો. ભણવું, વાંચવું. તેણે હવે અભ્યાસમાં મન પરોવ્યું. બસ! હવે હેમંત છે અને તેનાં પુસ્તકો છે, કોર્સની ચોપડીઓ, બીજાં પુસ્તકો, વાર્તાની કડીઓ તેને બાંધી રાખે છે. અસીમનો ફોન આવ્યો. ‘ક્યાં છે યાર? ફોનેય નથી કરતો, બોલ ક્યારે મળશું?’ હેમંતે અસીમને ટાળી દીધો. તે કોઈને મળવા નથી માગતો. કોણ જાણે અસીમ પણ મોઢું ફેરવી લે. ભરોસો છે કોઈનો? હવે હેમંત કોઈને એવો મોકો નહીં આપે. તેને મિત્ર નથી જોઈતા. તેને કોઈ નથી જોઈતું. તેની પાસે પુસ્તકો છે. તે વાંચે છે, કારણકે તેમાં જ તે પોતાનું દુ:ખ ભૂલી શકે છે. એક સાંજે જ્યારે તે ઘેર પહોંચ્યો, મમ્મીને ઘરમાં જોઈ તેને આશ્ચર્ય થયું. મમ્મી સોફા પર બેઠી છે, તકિયામાં મોઢું ઘાલીને હીંબકાં ભરે છે અને પાસે બેઠા મામા તેની પીઠ પર હાથ ફેરવે છે. મામા? અહીં આ ઘરમાં? એ તો કદાચ જ આવે છે, તેય કમને. નાનાની ઇચ્છા વિરુદ્ધ મમ્મીએ લગ્ન કર્યા, એટલે પિયરનો સંબંધ લગભગ નહીં જેવો જ છે. અને એ વાત મમ્મી ખૂબ ઘમંડથી જ્યારે-ત્યારે કહ્યા કરે છે કે અમારો પ્રેમવિવાહ છેને! અમે દુનિયાથી લડીને લગ્ન કર્યા છે. હેમંત અંદર જવા વળ્યો. મામાએ રોકી લીધો. ગંભીર અવાજમાં બોલ્યા, ‘હેમંત, અહીં આવ, અહીં મમ્મી પાસે બેસ.’ ‘કપડાં બદલીને આવું છું.’ નાનો અમથો જવાબ આપી હેમંત નીકળી ગયો. તે ત્યાં બેસીને આ રડતાં, સમજાવતાં, મનાવતાં ભાઈ-બહેનનું નાટક નથી જોવા માગતો. બીજે દિવસે મામા સાથે પપ્પાના પાર્ટનર પણ જોવા મળ્યા. તો શું પપ્પાએ છૂટાછેડાનો ફેંસલો કરી લીધો છે? હેમંતના કાળજામાં કશું ફસાઈ ગયું. પણ હવે હેમંત આ બધા લફરામાં ફસાવા નથી માગતો. થવા દો, જે થાય તે. તેના હાથમાં એક નવી ચોપડી આવી છે. હેમંતને તેમાં વધારે રસ છે. તે કાલ્પનિક પાત્રો તેને કંઈક વધુ આપી શકે છે, કારણ કે તે જીવતાં નથી. તે હેમંતને ત્રાસ નથી આપી શકવાનાં. તેની ઊંઘ નથી ઉડાડી દેવાનાં. જ્યારે હેમંત તેમની વાર્તાથી કંટાળી જાય છે, ત્યારે તે બીજું કશું વાંચી શકે છે. તે તેઓથી બંધાયેલો નથી. પણ વાત છૂટાછેડાની નહોતી. મિલનની હતી. મમ્મી-પપ્પાને એકબીજા જોડે ફરીથી દોસ્તી કરવી હતી. પણ કોઈનું વાંકુ ન દેખાય, તે રીતે! એટલે જ તો બન્ને પક્ષો તરફથી વાટાઘાટો શરૂ હતી. મમ્મીના વકીલ મામા અને પપ્પાના, તેમના પાર્ટનર. હેમંતને હસવું આવ્યું. કેવા છે આ મોટા લોકો! આટલું મોટું રામાયણ થઈ ગયું, ફરી સાથે થવાનાં સ્વપ્નો જુએ છે! જે વીતી છે, તે વાતો આ લોકો ભૂલી શકશે? એમ ભુલાતું હશે? તે પોતે નથી ભૂલી શકતો. તેને શરમ આવી. તેનાં મા-બાપ આટલાં છીછરાં છે? છી. અને એક દિવસ પપ્પા ઘરે આવ્યા. મમ્મીએ શણગાર સજ્યા, ઘર સજાવ્યું, વાત વાતમાં હસી, શરમાઈ, પપ્પાને મનગમતું ભોજન પોતાને હાથે રાંધ્યું. હેમંત પોતાના ઓરડામાં જઈને બેઠો. તેને ખૂબ હીણું લાગતું હતું. ઘણા દિવસો પછી તેની આંખોમાં તે રાતનું દૃશ્ય તરવરી ઊઠ્યું. તેનાં રૂવાડાં ખડાં થઈ ગયાં. મોઢું કડવું ઝેર થઈ ગયું. પપ્પાને ખોળતી તેની ત્યારની નજર… તે હોંશ ક્યારની ખોવાઈ ગઈ હતી. પપ્પા તેને વહાલ નથી કરતા, ક્યારેય નો’તું કર્યું. આ મોટા લોકો ફક્ત પોતાનો વિચાર કરે છે. હેમંત પણ હવે તેમનો વિચાર નહીં કરે. મમ્મી-પપ્પામાં ઝઘડો શી વાતને લઈને હતો, પપ્પા આટલા દિવસો ક્યાં હતા, તેમની કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં, હેમંતને તે બધા સાથે કોઈ નિસ્બત નથી. મમ્મીએ હેમંતને બોલાવ્યો. હેમંત બહાર આવ્યો. પપ્પાએ તેના માથા પર હાથ મૂક્યો. હેમંતે માથું હટાવી લીધું. આ ચીકણી વાતોમાં હવે તે નથી આવવાનો. આજે વહાલ કરશે, કાલે ઝઘડવા માંડશે, પરમ દિવસે ભૂલી જશે. તેને હવે આ લોકો પર જરાય વિશ્વાસ નથી રહ્યો. તેનું કિશોર હૃદય જાણે છે કે તેની સાથે અન્યાય થયો છે, વિશ્વાસઘાત થયો છે અને તે કંઈ જ નથી કરી શકતો. ચૂપ રહેવા સિવાય, તેમનાથી પોતાને બચાવી લેવા સિવાય… તે ઊભો થયો. પપ્પાએ તેનો હાથ ઝાલ્યો, ‘બેસને બેટા. મારી પાસે. કેટલા વખત પછી તને જોયો છે.’ પપ્પાએ ત્યાં મૂકેલા પૂઠાના ખોખા સામે ઈશારો કર્યો. ‘જો બેટા, તારું કમ્પૂટર.’ હેમંતે સળગતી નજરે તેમની સામે જોયું. એમ! તો હવે મને લાંચ અપાય છે! ‘મારે વાંચવું છે’, તોછડાઈથી કહી, ખોખાને ઠેસ મારીને હેમંત ઓરડામાં જતો રહ્યો.

(‘નવનીત સમર્પણ’ જૂન-૨૦૦૮)