વાર્તાવિશેષ/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

‘વાર્તાવિશેષ’ વિશે

રઘુવીર ચૌધરીના સમગ્ર વિવેચનકાર્યમાંથી પસાર થતાં સતત એક ઉત્તમ આસ્વાદક-વિવેચકની, એક સહ્રદય ભાવકની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. ‘વાર્તાવિશેષ’ની પહેલી આવૃત્તિ 1976માં પ્રગટ થઈ હતી. ત્યાર પછી પણ તેઓ સતત લખતા રહ્યા છે. સાંપ્રત સાથે તેમનું અનુસંધાન હંમેશા રહ્યું છે. પરિણામે નીવડેલા વાર્તાકારોની સાથે સાથે નવોદિત વાર્તાકારોની વાર્તાઓને પણ તેમના ઉષ્માથી ભરેલા નિરીક્ષણ-પરીક્ષણનો લાભ મળ્યો છે. વિભિન્ન સમયે લખાયેલાં એક જ સ્વરૂપ પરનાં લખાણો એકસાથે આ સંવર્ધિત આવૃત્તિમાં મળે છે. તેમાંથી સ્વરૂપ વિશેના વિકસતા કે બદલાતા દ્રષ્ટિબિંદુનો વિગતે પરિચય મળે છે. આ ગ્રંથમાં ટૂંકીવાર્તાની ગતિવિધિનું માર્મિક અવલોકન-આકલન છે. ટૂંકીવાર્તાના સ્વરૂપ વિશે વિચારણા કરતા લેખો છે. ટૂંકીવાર્તા વિશેના આસ્વાદલક્ષી લેખોમાં વાર્તાનો પરિચય કરાવતાં કરાવતાં જ તેમની નજર લેખક અને તેના સમય પર ફરતી રહે છે. આથી લગભગ બધે જ એક ઐતિહાસિક આલેખ મળી રહે છે. સાથે ગુજરાતી તેમ જ અન્ય ભાષાઓની વાર્તાઓની ચર્ચામાં તુલનાત્મક અભિગમ પણ ધ્યાન ખેંચે છે. આ ગ્રંથમાં વાર્તાના પ્રત્યક્ષ પરિચયમાં મુકાવા જેવો સઘન આસ્વાદ-અનુભવ મળે છે. એક વાર વાર્તા વાંચી હોય છતાં બીજીવાર વાંચવાની ઈચ્છા થાય એ બળ આ વિવેચનમાં રહેલું છે. ગુજરાતી સાહિત્યના અધ્યાપકો તેમ જ વાર્તાના અભ્યાસી વિવેચકો તેમ જ વાર્તાકારોને પણ આ ગ્રંથ અત્યંત ઉપયોગી થશે.

— પારુલ કંદર્પ દેસાઈ