વાસ્તુ/12

બાર

‘અમૃતા…’ જાણે લોટરી લાગી ગઈ હોય એવા ઉમળકાથી સંજયે બૂમ પાડી, ‘અહીં આવ… જો.’ આવો ઉમળકો સાંભળી અમૃતાને થયું, લ્યૂકેમિયાની કોઈ દવા શોધાયાના સમાચાર છે કે શું? એ હરખભેર દોડી આવી ને જુએ છે તો– સંજય કોઈ રોલ ખોલતો જઈને મોટો કાગળ એના ટેબલ પર પાથરે છે. ‘જો… જો… આપણા ઘરનો મૅપ આવી ગયો… આમાં હજી કોઈ સુધારા-વધારા કરવા હશે તો થઈ શકશે. એક વાર મૅપ ફાઇનલ થયા પછી એમાં ફેરફાર નહિ થાય...’ ‘હું તો પહેલાંય કહેતી'તી કે ઘર બનાવવા માટે પૈસા નથી રોકવા અને હજીયે કહું છું કે માંડી વાળો...’ રિસાયેલા અવાજે આમ કહી અમૃતાએ મોં મચકોડ્યું. પણ સંજયની આંખોમાં એણે જોયું તો – સંજયની કીકીઓમાં એના સ્વપ્નના ઘરનું પ્રતિબિંબ ઝલમલતું હતું! અમૃતાના શબ્દો એના કાન સુધી પહોંચ્યા જ ન હોય એમ એ બોલ્યો – ‘જો, રસોડું આવડું ચાલશે કે મોટું જોઈશે?’ અમૃતા નજીક ગઈ. રસોડું કેટલા બાય કેટલાનું છે એ સંજયે જણાવ્યું. પછી રસોડાના લંબચોરસ પર એની પેન્સિલ ફેરવી. ‘રસોડામાં બારી છે?’ બારીની નિશાની પર સંજયે પેન્સિલ ફેરવતાં કહ્યું, ‘આ બે બારી છે રસોડામાં…’ પછી એ બનનારા ઘરનો નકશો અમૃતાને સમજાવવા લાગ્યો. આ ક્ષણે એ કવિ ઉપરાંત ડ્રાફ્ટમૅન પણ હતો, એન્જિનિયર પણ હતો અને આર્કિટેક પણ હતો. પેન્સિલની અણી એક જગાએ મૂકતાં એ બોલ્યો, જો, આ એન્ટરન્સ...’ આડી નાની રેખા પર એણે પેન્સિલ ફેરવી, પૂર્વાભિમુખ દરવાજો છે... સવારના પહોરમાં સૂર્યદેવનાં દર્શન થશે. પરોઢિયે જ ઊગતા સૂર્યનાં કોમળતમ કિરણો આપણા ઘરનાં ચરણ પખાળશે…’ આ વાક્ય એ ખૂબ ઝડપથી બોલી ગયો એનો જરી થાક એના અવાજમાં ને શ્વાસમાં વરતાયો. જરી અટકીને એ બોલ્યો, ‘મુખ્ય દરવાજો જો દક્ષિણમુખ હોય તો બારણાંની ઉપર ગણપતિ બેસાડવા પડે.’ અમૃતાને નવાઈ લાગી, વાસ્તુશાસ્ત્રની આવી બધી જાણકારી સંજયને ક્યાંથી?! કદાચ બા પાસેથી વારસામાં મળી હશે. બા બહુ ભણ્યાં નથી પણ એમનો ‘આઇ.ક્યૂ.’ સંજય કરતાંયે વધારે. અને યાદશક્તિ પણ. ‘જો, આ આપણો ડ્રૉઇંગ રૂમ…’ ડ્રૉઇંગરૂમના નાના બ્લૂ લંબચોરસ પર પેન્સિલ ફેરવતાં સંજય બોલ્યો, ‘અહીં નાનકડી પાટ રાખીશું.’ ‘ના, પાટ નહિ, હવે પાટની ફૅશન નથી, સોફા.’ ‘સારું, અહીં આ બાજુ સોફા રહેશે. આ કૉર્નરમાં ટીવી ને આ દીવાલ પર કચ્છી ભરતગૂંથણવાળો વૉલપીસ.’ ‘ના, અત્યારે વૉલપીસની ફૅશન નથી. આછા સ્કાયબ્લૂ ઑઇલ પેઇન્ટ્રસવાળી ખાલી દીવાલો મને ગમે.’ ‘સ્કાયબ્લૂ બેડરૂમમાં સારો લાગશે. આછો નહિ, ડાર્ક સ્કાયબ્લૂ… બેડરૂમમાં તો ઋજુતાની સાથે તીવ્રતાય જોઈએ.’ ‘તો ડૉઇંગરૂમમાં કયો રંગ?’ ‘ઑફ વ્હાઇટ ઑઇલ પેઇન્ટ્સ અથવા તો દીવાલો પર એકદમ ઝાંખો ક્રીમ અને છત ઑફ વ્હાઇટ ડાર્ક કલરથી રૂમ થોડો અંધારિયો લાગે. બેડરૂમ સિવાય એકેય રૂમમાં ડાર્ક કલર ન ચાલે.’ ‘બહારથી પ્રવેશતાં ડાબી બાજુએ અહીં એટલો ઓટલો મળશે. બા ઓટલે બેસશે અને આંગણામાં વિસ્મય રમતો હશે એનું ધ્યાન રાખશે.’ ‘ઘરની આજુબાજુ અને કમ્પાઉન્ડ વૉલની વચ્ચે આ… આટલી જગ્યા મળશે… કમ્પાઉન્ડ વૉલના ઝાંપા પાસે અહીં ચંપો વાવીશું.’ ‘ચંપો નહિ, કરેણ. નાની નાની ઘંટડીઓ જેવાં એનાં પીળાં ફૂલો મને બહુ જ ગમે.’ ‘ઝાંપા પાસે કરેણ અપશુકનિયાળ કહેવાય.’ ‘એવું કોણે કહ્યું?' ‘એક વાર બા કહેતાં’તાં.’ ‘પણ તું તો આવી અંધશ્રદ્ધામાં માનતો નથી ને… બહાર જતાં જ તને છીંક આવે, બા કહે – ઘડી ઊભો રે, ગૉળની કાંકરી મોંમાં મૂકતો જા, – પણ તું તો – હું આવા કશામાં માનતો નથી – કહી નીકળી જતો ને બા રસોડામાંથી હાથમાં ગૉળની કાંકરી લઈને આવતાં ને ભોંઠા પડતાં ને ગૉળ રૂપાના મોંમાં મૂકતાં કહેતાં : તારો બાપ ભલે આમાં ન માને… પણ આ બધું સાવ ખોટું નથી… હોં.’ ‘હા, અમૃતા…’ ઊંડો શ્વાસ લઈને પછી શ્વાસ બહાર ફેંકતાં સંજયે કહ્યું, ‘રેશનલ સંજય આવું બધું માનતો નથી, પણ આ રોગની જાણ થયા પછી મારું હૃદય કહે છે – આવું માનવામાં નુકસાન તો છે નહિ, તો પછી બાની માન્યતાઓને ને લાગણીઓને શા માટે દુભવવી? બાના જીવને શા માટે સંતોષ ન આપવો? હું નથી ઇચ્છતો કે મારી જિંદગીના આ શેષ સમયમાં મારાં વાણી કે વર્તન દ્વારા કોઈનીયે લાગણીને જરીસરખોયે ઘસરકો પડે... એ પછી બા હોય કે નાનકડો વિસ્મય કે પછી રસ્તે જતો ભિખારી...’ અમૃતા સંજયની આંખોમાં તાકી રહી – મોતની જાણ માણસને કેવો બદલી નાખે છે! ‘અને આંગણામાં મારે અને બાનેય તુલસી તો જોઈશે જ.’ ‘અરે! અહીં ચંપાની બાજુમાંથી શરૂ કરીને તે આ દીવાલ સુધી આખું નાનકડું તુલસીવન ખડું કરી દઈશું. તુલસી હોય તો મચ્છર ન આવે.' ‘ડાબી બાજુ અહીં ઈંટોનું મોટું વર્તુળ કરીને વચ્ચે એકાદ ટ્રૅક્ટર નદીની રેતી નંખાવીશું – રૂપા વિસ્મયને રમવા માટે.’ ‘નદીની રેતીમાં ઘર બનાવવાનું તો હજી મનેય ખૂબ ગમે.’ ‘તે તુંય છોકરાંઓની સાથે ઘર બનાવજે... તારાશંકર બંદોપાધ્યાયે એક નવલકથામાં લખેલું – નાના બાળકના હાથને સુખ ભોગવવાનું મન થાય એટલે એ નદીની રેતીમાં ઘર બનાવે અને એના પગને સુખ માણવાનું મન થાય એટલે ઘર તોડી નાખે…' ‘હા… સાચી વાત છે…’ કશેક ખોવાઈ જતાં અમૃતા બોલી, ‘આપણેય શીખવું જોઈએ… સર્જનમાં જે સુખ માણીએ છીએ એ જ સુખ વિસર્જનમાંય માણતાં. નામ લખવામાં જે આનંદ થાય એવો જ આનંદ થવો જોઈએ નામ ભૂંસવામાંય.’ સંજયે પોતાની સર્જકજાત ઉપર મજાક કરતાં કહ્યું, ‘તો હું કશુંય છપાવ્યા વિના જે કંઈ કવિતા-વાર્તા લખાય એનાં પાનાંમાંથી હોડીઓ બનાવીને તરતી મૂકી દઉં નદીના જળમાં?’ ‘તો પછી ભાવકોના સુખ-સંતોષ-ચેતનાનું શું?’ વળી સંજયનું ધ્યાન ઘરના નકશામાં ગયું – ‘અહીં ઓટલાની નજીક જૂઈ વાવીશું ને એનો માંડવો છેક દરવાજાના છજા ઉપર લઈ જઈશું... જૂઈના ‘તોરણ’થી દરવાજો શોભશે.’ ‘અને આંગણમાં હીંચકો તો મારે જોઈશે જ.’ નકશા પર પેન્સિલની અણી મૂકતાં સંજયે બતાવ્યું, ‘અહીં હીંચકો. છોકરાંઓ ફાસમફાસ હીંચકો ખાઈ શકે એટલી જગ્યા છોડીશું…’ ‘અને રાત્રે છોકરાંઓ ઊંઘી જાય પછી આપણે બેય સૂતાં પહેલાં થોડી વાર બેસીશું હીંચકા પર…’ ‘ને ઝૂલણા છંદમાં હીંચકો ઝૂલતો રહેશે… ને મંદાક્રાન્તામાં આવતી રહેશે સુગંધ રાતરાણીની.’ બોલતાં બોલતાં સંજય વળી ક્યાંક ખોવાઈ ગયો… પછી ઉમેર્યું, ‘હીંચકો ઝૂલશે – દ્વિધાના પ્રતીક સમો ક્યારેક ‘હા’ તરફ, ક્યારેક ‘ના’ તરફ… ક્યારેક ‘સત્ય’ તરફ, ક્યારેક ‘અસત્ય’ તરફ… ક્યારેક ‘કલ્પના’ તરફ, ક્યારેક વાસ્તવ તરફ... સાઇડ એંગલ પરથી જોતાં લોલકની જેમ… ઘડીમાં ઊંચે પછી મધ્યમાં નીચે ને પાછો ઊંચે… સાદી પ્રસંવાદી ગતિમાં. અને મારું અસ્તિત્વ પણ… જાણે હીંચકા જેવું જ – ઘડીમાં જીવન તરફ તો ઘડીમાં મરણ તરફ તો ઘડીમાં વચ્ચે.’ અમૃતાએ વાત બદલવા માટે નકશા તરફ જોતાં પૂછ્યું, ‘સંજુ, રૂપા-વિસ્મયનો રૂમ?’ ‘આ રૂમ રૂપા-વિસ્મયનો અને બાનો. અને મારો લેખન-વાંચનખંડ પણ.’ ‘નવા ઘરમાં તને લખવા-વાંચવા માટે જુદો રૂમ નહિ મળે!' ‘સ્ટાફક્વાર્ટર જેવડું મકાન આપણને ન પોસાય.’ પછી એણે પેન્સિલથી બતાવ્યું – ‘આ સંડાસ અને આ બાથરૂમ.’ ‘બસ? બાથરૂમ આટલું નાનું?’ ‘સ્ટાફક્વાર્ટર જેવડું મોટું બાથરૂમ તો આ જમાનામાં મિડલ કે અપર મિડલ ક્લાસની કોઈ જ સ્કીમમાં ન મળે.’ ‘બાથરૂમ થોડું મોટું ન થઈ શકે?’ ‘હં...’ પેન્સિલનો પાછલો છેડો દાંતો વચ્ચે નાખી સંજય વિચારવા લાગ્યો. ‘બાથરૂમ મોટું થઈ તો શકે, પણ રસોડાના ભોગે.’ ‘ના, ના. રસોડું આનાથી નાનું થાય એ ન ચાલે. આ જે છે એ જ બરાબર છે.’ ‘અને અમૃતા. અમુ… અમી…’ મધરાતે પથારીમાં થતાં સંબોધનો અત્યારે! – અમૃતાને નવાઈ લાગી. આ આપણો બેડરૂમ… જરાક ડાર્ક સ્કાય બ્લૂ દીવાલો કરીશું ને બારી પર નેવી બ્લૂ કે જાંબલી પરદા ને…’ બોલતાં બોલતાં સંજય એકદમ અટકી ગયો. ગંભીર થઈ ગયો. સ્વપ્નોના આકાશમાંથી જાણે ઓચિંતો જ વાસ્તવના પથ્થરો પર પટકાયો… ગંભીર સાદે એ બોલ્યો – ‘– પછી આ રૂમ વિસ્મયનો…’ નકશામાંના બેડરૂમના બ્લૂ લંબચોરસને એકીટશે તાકી રહેલી અમૃતા હજી શેષ લગ્નજીવનની રાત્રિઓના સ્વપ્નજગતમાં જ હતી. સંજય અને અમૃતા પાસપાસે હોવા છતાંય બંને પોતપોતાના જગતમાં સાવ અલગ અલગ અને એકાકી હતાં! સંજય નિ:શ્વાસ સાથે બોલ્યો – ‘ખબર નથી આ બેડરૂમમાં હું કેટલી રાતો ગાળી શકીશ? અને માણી શકીશ એવી રાતો કેટલી હશે?’ પોતે જે વિમાનમાં ઊડતી હતી એ અચાનક તૂટી પડ્યું હોય એવી લાગણી અમૃતાને થઈ. સંજયે હળવે હાથે ઘરના નકશાની એમોનિયા પ્રિન્ટનો વીંટો વાળ્યો ને રબર ભરાવ્યું – જાણે સ્વપ્નજગતને વીંટો વાળીને, જાળવીને બાજુમાં મૂક્યું. ‘સંજુ…’ કહેતાં બા પ્રવેશ્યાં. સંજયને ધ્રાસકો પડ્યો – અંદર પ્રવેશતાં અગાઉ બારણા પાછળ ઊભીને કદાચ બા પોતાની વાત સાંભળી ગયાં હશે તો? ‘હું સાવ ડોબી તો નથી.’ બા બોલ્યાં. નક્કી બા મારી વાત સાંભળી ગયાં હશે – સંજયના ધબકારા વધી ગયા. ‘મકાનના નકશામાં મનેય થોડીઘણી તો ખબર પડે છે, હોં!’ નકશાના વીંટા સામે જોતાં બા બોલ્યાં. સંજય-અમૃતાના જીવમાં જીવ આવ્યો. તરત બનાવટી ઉત્સાહ પકડાઈ ન જાય એનું ધ્યાન રાખીને સંજયે નકશો ખોલ્યો ને બાને સમજાવ્યો. એમનું નાનકડું મંદિર ક્યાં રહેશે એય બતાવ્યું ને દિશાઓ તથા સાઇઝ બાબતે બાએ પૂછેલા સવાલોના જવાબ આપ્યા. બાનેય બધા જ રૂમ સાવ નાના લાગ્યા – ‘વિસ્મયનું ઘોડિયું રાખો ને એક પલંગ મૂકો તો જવા-આવવાનીયે જગ્યા ના રહે' બાએ કહ્યું. ‘તો… ચાલો હું દર્શન કરી આવું.’ કહેતાં બા બહાર ગયાં. પછી અમૃતા કે સંજય બેમાંથી કોઈ જોતું તો નથી ને એની ખાતરી કર્યા પછી સંજયની દવાઓમાંથી એક એક સ્ટ્રિપ લઈ લીધી ને પાલવ તળે સંતાડી ઘરની બહાર નીકળી ગયાં. બા મંદિર જવાના બદલે, બહાર નીકળતાં જ ચાર રસ્તે આવેલા એક ડૉક્ટરને ત્યાં ગયાં. ‘નવો કેસ કાઢવાનો છે?’ ‘ના, સાહેબને ખાલી આ દવાઓ જ બતાવવાની છે.’ ‘સારું, પેશન્ટ બહાર આવે પછી જાઓ.’ પેશન્ટ બહાર આવ્યા પછી બા અંદર ગયાં. ‘શું તકલીફ છે?’ ડૉક્ટરે પૂછ્યું. ‘ભઈલા…’ દવાઓની સ્ટ્રિપ્સ ટેબલ પર મૂકતાં બા બોલ્યાં, ‘આ બધી દવાઓ શેની છે?’ ડૉક્ટરે એ સ્ટ્રિપ્સ જોઈ. એમનો ગંભીર ચહેરો વધારે ગંભીર બન્યો. બા એનો ચહેરો ઉકેલવા મથતાં રહ્યાં. ‘તમારી છે આ દવાઓ?’ ‘ના, મારા દીકરા સંજુની… સાચું કહેજે ભઈલા… ભગવાન તારું સારું કરશે. શેની છે આ દવાઓ? શું થયું છે મારા સંજયને?’. રુક્ષ અવાજે ડૉક્ટર બોલ્યા, ‘હું કશું કહી શકીશ નહિ. દવાઓ જેણે ઉતારી આપી હોય એ જ કહી શકશે.’ બા સમજી ગયા કે આ ડૉક્ટર કશું કહેવા માગતો નથી. ચુપચાપ ઊભાં થઈ બહાર નીકળી ગયાં… દરમ્યાન દવાનો સમય થતાં અમૃતાનું ધ્યાન ગયું – દવાઓ ઓછી છે! એણે સંજયને જણાવ્યું. ‘દવાઓ ક્યાં જાય? ખલાસ થવા આવી હશે કે બીજે ક્યાંક મુકાઈ ગઈ હશે… તારું ધ્યાન નહિ રહ્યું હોય.' ત્યાં જ અમૃતાએ સંજયનો ચહેરો ફેરવી તર્જની વડે ચીંધીને ચુપચાપ કશુંક બતાવ્યું – પાલવ નીચેની દવાઓની સ્ટ્રિપ્સ બા બીજી દવાઓની સાથે મૂકતાં હતાં. સંજય-અમૃતાએ એકમેકની આંખોમાં કશીક ફડકથી જોયું. ઓરડામાંની હવાય શ્વાસમાં લેવીય અઘરી પડે એટલી ભારે બની ગઈ.