વાસ્તુ/4


ચાર

‘ભાખરીને તો તું અડ્યો જ નહિ?’ અમૃતાએ પૂછ્યું. કશું બોલ્યા વિના સંજયે થાળીમાંની ભાખરી એક ખાલી તાસકમાં મૂકી. ‘તો થોડી ખીચડી લે…' ‘ના, બસ… હવે કંઈ જ નહિ.’ ‘તો તેં ખાધું શું?’ ‘સલાડ, ફણગાવેલા મગ, ખીચડી, તાંદળજાની ભાજી, દૂધ…’ ‘કોળિયો ખીચડી ખાધી એમાં તો લાંબી યાદી કરવા લાગ્યો.’ ‘... ...’ ‘હમણાં હમણાંથી તારો ખોરાક બહુ ઓછો થઈ ગયો છે.' ‘સાંજે થોડું ઓછું ખાવું જોઈએ. એ સ્વાથ્ય માટે –’ ‘મારે ભાષણ નથી સાંભળવું.’ ‘અગાસીમાં ચાલવા આવવું છે?’ ‘ના, મારે તો હજી ઢગલો કામ પડ્યાં છે.’ ‘તો હું જાઉં છું.’ સંજય અગાસીમાં આવ્યો. વાહ! સંધ્યા સરસ ખીલી છે. પણ વચમાં આ પ્રદૂષણની કાળાશને લીધે રંગો છે એટલા તેજસ્વી દેખાતા નથી. પંખીઓનાં ભૂખરાં ટપકાં પાછાં ફરી રહ્યાં છે. ઝાંખો નારંગી સૂરજ ખરેખર હજી જરીકે ડૂબ્યો નથી. પણ એની નીચલી કોર પ્રદૂષણના કાળા પટ્ટા પાછળ ઢંકાઈ ગઈ છે. ‘પપ્પા, પપ્પા, જુઓ, પણે સૂરજ કેવો ઊગે છે?’ બાજુની અગાસીમાં એક ટેણકો એના પપ્પાને આંગળી ચીંધીને સૂરજ બતાવી રહ્યો છે. ‘એ સૂરજ ઊગતો નથી, પણ આથમી રહ્યો છે… ચાલો બેટા, હવે નીચે જઈએ.’ એના પપ્પાનો અવાજ આવ્યો. પછી બંનેની છાયા જતી દેખાઈ. આજુબાજુની બધી અગાસીઓ ખાલી છે. અગાસીઓમાં એન્ટિનાનાં ઝુંડનાં ઝુંડ ફૂટી નીકળ્યાં છે. આ ઍન્ટિના દ્વારા નરી આંખે નહિ દેખાતા કેટકેટલા તરંગો ઝિલાતા હશે? સંજયના મનમાં એક તરંગ ફૂટ્યો – માણસની અંદર પણ હશે કોઈક ઍન્ટિના? ઝીલતું હશે એ પેલે પારથી આવતા સંકેતોને? ભીતર પણ હશે કોઈ સર્કિટ? જે ઉકેલી શકતું હશે સંકેતોનાં રહસ્યોને? સંજયને યાદ આવ્યું, દાદાને આવનારા મરણની અગાઉથી ખબર પડી ગયેલી. એમણે કહેલું – ‘ઘીનો દીવો કરી દો. હવે બે-ત્રણ કલાક પછી હું નહિ હોઉં… બોલાવી શકાય એ બધાંને બોલાવી દો. પહેલાં બધાં જલદી જમી લો. એ પછી બધાં મારી પાસે રહેજો. થોડી થોડી વારે મારા મોંમાં ગંગાજળ રેડજો ને ગીતા-પાઠ ચાલુ રાખજો… હવે તેડું આવી ગયું છે…’ થોડી વાર પછી એમનો અસંગત બકવાસ શરૂ થઈ ગયેલો – ‘હવે મારે વધારે વાર બાણશય્યા પર સૂવું નહિ પડે… દૂ...રથી કોક આ આવી રહ્યું છે મને લેવા, સોનેરી અજવાળાનાં વસ્ત્રો પહેરીને..’ એમની આંખો તો બંધ હતી છતાં કહે – ‘ઘીના દીવાનું આ તેજ ઓચિંતું કેમ આવું પ્રચંડ થઈ ગયું છે?! મારાથી એ તેજ સહન નથી થતું… ‘મારા ગયા પછી કોઈએ રડવાનું નથી. હવે બહુ વાર નથી… હવે છેક આંગણ સુધી આવી ગયું છે… ‘શગ સંકોરો.. મોગરો ખંખેરો.. ગીતા-પાઠનો અવાજ મારા કાન સુધી પહોંચતો નથી. જરા મોટેથી ગીતા-પાઠ કરો… પણે ખૂણામાં ઊભીને મને ટગર ટગર તાકી રહેલા પેલા હરણના બચ્ચાને કોઈ દૂર લઈ જાવ…’ પછી કહે છે કે, થોડી વાર એમનું અસ્પષ્ટ બબડવું ચાલુ રહેલું… પછી માત્ર હોઠ ફફડતા હતા પણ અવાજ બહાર આવતો નહોતો. પછી અવાજ સાવ ગયો. ઓળખવુંય ગયું.. કોઈ ઢંઢોળીને બોલાવે તો ક્ષણેક આંખો ખૂલે પણ કોઈનીય સામે તેઓ નજર માંડતા નહોતા. જાણે કશાક અણદીઠને તાકી રહેલા ને એક-બે ક્ષણમાં તો આંખો જાણે અંજાઈ જતી હોય એમ મીંચાઈ જતી. કહે છે કે, છેલ્લે, લાકડીના ટુકડા જેવા બે હાથ ખૂબ જોર કરીને એમણે ઊંચકેલા – જાણે કશાક અદૃશ્યને ભેટવા ન લંબાવ્યા હોય! ને તરત એ હાથ પથારીમાં પછડાયા. છેલ્લી ક્ષણે બંધ આંખો સહેજ ખૂલી ને પછી ખુલ્લી જ રહી ગયેલી. દાદાજીની એ બધી વાત, અત્યારે, અગાસીમાં આમ આંટા મારતાં મારતાં કેમ યાદ આવે છે?! મરણે શું સંકોરી છે મારી ચેતનાની વાટ?! કે પછી દવાઓની હશે અસર? મગજ ખૂબ જ સ-જાગ, સ-ભાન થઈ ગયું છે. અંધારામાં બોગદું પાડીને સડસડાટ દોડતી એંજિનની હેડલાઇટ જેવું તેજ ચાલે છે મગજ. મગજના કોષેકોષ જાણે પ્રજ્વળી ઊઠ્યા છે ઝળહળ ઝળહળ.. પણ ઝિલાતું નથી એનું અજવાળું ક્યાંય કહેતાં ક્યાંય – ન સ્થળમાં, ન જળમાં કે ન તો એકેય પળમાં… દૂ…૨ ક્ષિતિજોની પેલે પાર સુધી નજર નાખું છું. પણ મને તો, દાદાજીની જેમ, ક્યાંયથીયે કશું આવતું હોય એવું દેખાતું નથી કે આભાસ પણ થતો નથી. પણે એક પંખી જોરજોરથી ક્રન્દન કરી રહ્યું છે અને છેક બપોર સુધી જ્યાં પેલું વૃક્ષ હતું એ ખાલી જગ્યાએ આકળવિકળ થઈને ચકરાવા લઈ રહ્યું છે. સમી સાંજે પાછું ફરેલું એ પંખી માળો શોધે તો ક્યાં શોધે? જ્યાં ઝાડ જેવું ઝાડ આખું ત્યાં નથી! ‘સંજય.’ પાછળથી અમૃતાનો અવાજ આવ્યો, ‘ક્યાં સુધી હજી આંટા મારવા છે? થોડોક થાક લાગે તો ઊંઘ સારી આવે; પણ જો અતિશય થાક લાગે તો ઊંઘ જરીકેય ન આવે.’ ‘અમૃતા, પણે પેલું ઝાડ હતું એ ક્યાં ગયું?’ ‘આજે બપોરે જ કપાઈ ગયું. એની પાછળનો બંગલોય પાડી નંખાશે. ત્યાં શૉપિંગ સેન્ટર થવાનું છે.’ ‘પણે ચકરાવા લેતું પેલું પંખી દેખાય છે?’ ‘હં.’ ‘એનો માળો હતો એ ઝાડ પર…’ આ સાંભળી અમૃતાને, જાણે વિસ્મયના કદ જેટલી હવાને પકડીને છાતીસરસી ચાંપવા જેવી લાગણી થઈ આવી. ‘એ પંખીનું આખાયે આકાશને ભરી દેતું ક્રન્દન કોઈનાયે કાને નથી પડતું… જગત આખુંયે ડૂબ્યું હશે ટીવી જોવામાં, ચૅનલો બદલ્યા કરવામાં.’ ‘હું ઉપર આવી ત્યારે ટીવીમાં પંખીઓ વિશેનો જ કોઈ કાર્યક્રમ ચાલતો હતો.’ ‘ચાલ, અમૃતા…' – કહી સંજયે અમૃતાનો હાથ જોરથી પકડી રાખ્યો; જાણે એ હાથ આ અગાઉ ક્યારેય હાથમાં આવ્યો જ ન હોય એમ! જાણે એ હાથ ક્ષણવારમાં જ પીગળી જઈને પછી બાષ્પ બની જઈને ઊડી જવાનો હોય એમ; એ હાથ જોરથી પકડી રાખવાથી જાણે મરણ પોતાનો હાથ ઝાલીને, ખેંચીને દૂર લઈ જવામાં અસમર્થ થઈ જવાનું હોય એમ! આછા અંધારાના કારણે અમૃતા સંજયના ચહેરાના, આંખોના ભાવ જોઈ શકી નહિ. પણ એ ભાવ સંજયના અવાજમાં દેખાયા – ‘ચાલ નીચે… એ પંખીનું કન્દન મારાથી નથી સ્હેવાતું.’ અમૃતાના હૃદયમાંથીય જાણે અસંખ્ય પાંખોના ફફડાટ સાથે કોઈ પંખીના મૂંગા ક્રન્દનના વીંધી નાખતા સૂર જાગી ઊઠ્યા ને ભીતરના કોક અડીખમ ગઢના કાંગરા ખરવા લાગ્યા હોય એવી લાગણી થઈ આવી. થયું – કોક કાપી નાખે એ અગાઉ જો આખેઆખા વૃક્ષને મારી છાતીમાં છુપાવી શકાતું હોય તો?