વિશ્વપરિચય/નક્ષત્ર લોક


નક્ષત્ર લોક

આપણે વિશ્વવ્યાપી અરૂપ વૈદ્યુત્લોક જોઈ આવ્યા. એમના સંમિલન દ્વારા પ્રકાશવાન થયેલો રૂપલોક ગ્રહ નક્ષત્રમાં જોવા મળે છે. પહેલેથી જ હું કહી મૂકું છું કે વિશ્વ-બ્રહ્માંડનું ખરું સ્વરૂપ કેવું છે તે જાણવાનો કોઈ ઉપાય નથી. વિશ્વપદાર્થનો અત્યંત અલ્પ ભાગ જ આપણી નજરે પડે છે. તે ઉપરાંત આપણુ આંખ કાન સ્પશેન્દ્રિય વગેરેની પોતાની વિશેષતા હોય છે, તેથી વિશ્વના પદાર્થો વિશેષ ભાવે વિશેષ રૂપે આપણી આગળ દેખા દે છે. આંખે મોજાં અથડાય છે, અને આપણે પ્રકાશ જોઈએ છીએ. વધુ સૂક્ષ્મ કે વધુ સ્થૂળ મોજાં સંબંધે આપણે આંધળા છીએ. આપણે જોઈએ છીએ તે અત્યંત અલ્પ છે, નથી જોતા તે જ અત્યંત વધારે છે. પૃથ્વીનું કામ ચલાવવાના છીએ એ હિસાબે જ આપણને આંખ-કાન આપેલા છે, આપણે વિજ્ઞાની થવાના છીએ એ કુદરતને ખ્યાલ જ નહોતો. માણસની આંખ દૂરબીન અને ખૂર્દબીનનું કામ જ સામાન્ય પ્રમાણમાં કરતી હોય છે. આપણા બોધની સીમા વધે અથવા બોધની પ્રકૃતિ બીજી જાતની થઈ જાય તો આપણું જગત પણ બીજી જાતનું થઈ જાય. વિજ્ઞાનીઓને માટે જગત બીજી જાતનું થઈ જ ગયું છે. એટલું બધું જુદી જાતનું કે જે ભાષામાં આપણે વ્યવહાર કરીએ છીએ તેનો મોટો ભાગ એ જગતનો પરિચય કરવામાં કામ આવતો નથી. રોજ રોજ એમાં ચિહ્નોવાળી ભાષા રચવી પડે છે કે સામાન્ય માણસ તેનો કાનમાત્ર સમજે નહિ. એક સમયે માણસે એવું નક્કી કર્યું હતું કે વિશ્વમંડળના કેન્દ્રમાં પૃથ્વીનું આસન અવિચળ છે, એ ખાતર તેનો દોષ ન કાઢી શકાય-કારણ તેણે પૃથ્વી જોનારી સાદી આંખે જોયું હતું. આજે તેની આંખ મોટી થઈ ગઈ છે. આજે તેણે વિશ્વ જોઈ શકે એવી આંખ બનાવી લીધી છે. એવું માની લેવું પડ્યું છે કે પૃથ્વીને જ દોડવું પડે છે, સૂર્યની આસપાસ, દરવેશી નાચની પેઠે ફુંદડી ફરતાં ફરતાં રસ્તો લાંબો છે, ૩૬૫ દિવસથી કંઈક વધારે સમય લાગે છે. એના કરતાં મોટા માર્ગવાળા ગ્રહો છે, તેઓ ફરવામાં એટલો બધો વધારે સમય લે છે કે તેટલા દિવસ જીવવા માટે માણસના આવરદાની મર્યાદા વધારવી પડે. રાત્રે આકાશમાં કોઈ કોઈવાર નક્ષત્રપુંજની સાથે સાથે પ્રકાશનું લીંપણ પણ જોવામાં આવે છે. તેને નિહારિકા એવું નામ આપેલું છે. એમાંથી કેટલીક દૂર દૂર વિસ્તરેલાં અતિશય હલકા ગૅસનાં વાદળાં હોય છે, તો કેટલીક વળી નક્ષત્રનો સમૂહ હોય છે. દૂરબીન અને કેમેરાની મદદથી એવું જાણી શકાયું છે કે, આ છેલ્લા પ્રકારની નિહારિકામાં જે ભીડ જામેલી હોય છે તેમાં કરેડ તારાઓ ભેગા થયેલા હોય છે, અને તેમનો વેગ પણ આશ્ચર્ય પમાડે એવો ભારે હોય છે. આજે તારાઓની મેદની નિહારિકામંડળમાં અતિશય તીવ્ર વેગે દોડી રહી છે, તેમાંના તારાઓ એકબીજા સાથે અથડાઈને ચૂરેચૂરા કેમ થઈ જતા નથી? જવાબ આપવા જતાં ભાન ભાવ્યું કે એ નક્ષત્રપુંજને મેદની–ભીડ કહી એ ભૂલ થઈ. એ તારાઓ અડોઅડ, ખભેખભો મિલાવીને ઊભેલા જ નથી. એક બીજાથી અત્યંત દૂર રહીને એ લોકો હરેફરે છે. પરમાણુમાં રહેલાં ઇલેક્ટ્રોનના ગતિમાન વિષે સર જેમ્સ જીન્સે જે ઉપમા આપી છે તેવી જ ઉપમા આ નક્ષત્રમંડળી વિષે પણ તેમણે વાપરી છે.’ લંડનમાં વૉટર્લુ નામે એક ગંજાવર સ્ટેશન છે. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તે હાવરા સ્ટેશન કરતાં તો મોટું જ છે. સર જેમ્સ જીન્સ કહે છે કે તે સ્ટેશનમાંથી બીજું બધું ખાલી કરી નાખી માત્ર છ જ ધૂળના કણ જો છોડી દેવામાં આવે તો આકાશમાં રહેલા નક્ષત્રોના પરસ્પર અંતરને આ ધૂળના કણના અંતર સાથે કેટલેક અંશે સરખાવી શકાય. તેઓ કહે છે કે તારાઓની સંખ્યા અને કદ ગમે તેટલાં હોય તો પણ આકાશની અકલ્પ્ય શૂન્યતાની સાથે તેની સરખામણી જ ન થઈ શકે. વિજ્ઞાનીઓ એવું અનુમાન કરે છે કે, સૃષ્ટિમાં રૂપની વિવિધતાની શરૂઆત થઈ તેની બહુ પહેલાં કેવળ એક ચારેકોર વ્યાપેલી બળબળતી વરાળ-બાષ્પ જ હતી. ગરમ વસ્તુ માત્રનો એ ધર્મ છે કે ધીમે ધીમે તે ગરમી કાઢ્યા કરે છે. ઊકળતું પાણી પહેલાં વરાળ થઈને નીકળી આવે છે. ઠંડી થતાં થતાં તે વરાળ જામીને પાણીના કણ થાય છે. અત્યંત તપાવીએ તો કઠણ પદાર્થ પણ ધીમે ધીમે ગૅસ બની જાય છે; તે જ પ્રમાણે ગરમીની અવસ્થામાં વિશ્વની હલકી ભારે બધી જ વસ્તુઓ ગૅસરૂપે હતી. કરોડો વરસ સુધી ધીમે ધીમે તે ઠંડો થતો રહ્યો. ગરમી ઓછી થતાં થતાં ગૅસમાંથી નાના નાના ટુકડા જેવાં વાદળાં થઈને છૂટાં પડી ગયાં. આ વિપુલ સંખ્યામાં રહેલાં કણોએ તારારૂપે ટોળે મળીને નિહારિકા બનાવી છે. યુરોપની ભાષામાં એમને નેબ્યુલા કહે છે, બહુ વચનમાં નેબ્યુલે. આપણો સૂર્ય એવી એક નિહારિકામાં આવેલ છે. અમેરિકાના એક પર્વતની ટોચ ઉપર એક મહામોટું દૂરબીન ગોઠવવામાં આવેલું છે. તેમાંથી એક ખૂબ મોટી નિહારિકા જોવામાં આવી છે. તે એનો મીડા નામે નક્ષત્રમંડળની વચમાં આવેલી છે. એ નિહારિકાનો આકાર ગાડીના પૈડાને ઘણો મળતો આવે છે. એ પૈડું ફરે છે. એક આંટો ફરતાં એને લગભગ બે કરોડ વરસ લાગે છે. એમાંથી પૃથ્વી ઉપર આવતાં પ્રકાશને નવ લાખ વરસ લાગે છે. જે તારો આપણી સૌથી પાસે છે, જેને આપણે તારાફળિયાનો પડોશી કહીએ તો ચાલે, તેનું અંતર આંકડાની હાર કરીને સમજાવવાનો પ્રયત્ન નકામો છે. સંખ્યામાં દર્શાવેલું જેટલું અંતર આપણે સમજી શકીએ એમ છીએ તેની મર્યાદા પૃથ્વીના ગાળામાં જ આવી રહેલી છે, જેને આપણે રેલગાડી વડે, મોટર વડે, સ્ટીમર વડે મુસાફરી કરતાં કરતાં માપી લઈએ છીએ. પૃથ્વીને છોડીને (તારાઓની વસ્તીમાં પગ મૂકતાં જ સંખ્યાની ભાષા અર્થહીન બની જાય છે ગણિતશાસ્ત્ર તારાઓના હિસાબ ઉપર થઈને સંખ્યાનાં જે ઈંડાં મૂકતું જાય છે તે જાણે પૃથ્વીના બહુપ્રસૂ કીડાઓનું અનુકરણ ન કરતું હોય એમ લાગે છે. સાધારણ રીતે આપણે માઈલ કે કોશને હિસાબે અંતર માપીએ છીએ; તારાઓમાં જો તેમ કરવા જઈએ તો આંકડાઓને બોજો ઊંચકાય નહિ એવો થઈ જાય. સૂર્ય જ આપણાથી પુષ્કળ દૂર છે, તેના કરતાં લાખ ગણા વધારે દૂર તારાઓ આવેલા છે, સંખ્યા વડે તેમનું અંતર માપવું એ કડી વડે હજારો મહોરો ગણવા બરાબર છે. સંખ્યાના સંકેત બનાવીને માણસે લખવાનો બોજો હળવો કર્યો છે, હજાર લખવા માટે તેને હજાર લીટા દેરવા પડતા નથી. પરંતુ ખગોળનાં માપ એ આંકડાઓમાં પણ સમાઈ ન શક્યાં. એટલે એક નવો સંકેત શોધાયો છે. તેને પ્રકાશની ગતિનું માપ કહે છે. ૩૬૫ દિવસના વરસને હિસાબે તે એક વરસમાં પાંચ લાખ અઠયાસી હજાર કરોડ માઈલ ચાલે છે. સૂર્યની પ્રદક્ષિણાનું જેમ સૌર વર્ષ ત્રણસોને પાંસઠ દિવસનું ગણાય છે તેમ તારાઓની ગતિ, તેમની સીમા સરહદનું માપ, પ્રકાશની ગતિના વરસને હિસાબે ગણાય છે. ‘આપણા નક્ષત્ર-જગતનો વ્યાસ આશરે એક લાખ પ્રકાશવર્ષ જેટલો છે. એની બહાર બીજા અનેક નક્ષત્રજગતે રહેલાં છે. તે બધા પરગામના તારાઓમાંથી એક ફોટોગ્રાફમાં પકડાયો છે, હિસાબ કરતાં તે લગભગ પચાસ લાખ પ્રકાશવર્ષ દર લાગે છે. આપણા પાસેમાં પાસેના તારાનું અંતર પચીસ લાખ કરોડ માઈલ છે. એ ઉપરથી સમજાશે કે વિશ્વ કેવી વિશાળ શૂન્યતામાં તરી રહ્યું છે. આજકાલ એવું સાંભળવામાં આવે છે કે પૃથ્વીમાં જગ્યાની તાણને કારણે જ લડાઈ થાય છે. તારાઓમાં જો સહેજ પણ જગ્યાની તાણ હોત તો સર્વનાશકારી અથડામણને પરિણામે વિશ્વના ચૂરેચૂરા થઈ જાત. આંખે જોવાના જમાનામાંથી દૂરબીનનો જમાને આવ્યો. દૂરબીનનું જોર વધતાં વધતાં આકાશમાં આપણી દૃષ્ટિમર્યાદાનો પરિધિ વધવા લાગ્યો. પહેલાં જ્યાં ખાલી જગ્યા દેખાતી હતી ત્યાં તારાનાં ઝૂમખાં દેખાવા લાગ્યાં. તોયે ઘણું બાકી રહ્યું છે. અને બાકી રહે જ. આપણા નક્ષત્રજગતની બહાર એવાં બધાં જગત રહેલાં છે જેનો પ્રકાશ દૂરબીનની દૃષ્ટિથી પણ પાર છે. એક બત્તીની જ્યોત ૮૫૭૫ માઈલ દૂરથી જેટલું તેજ આપે તેટલા પ્રકાશને દૂરબીનની મદદથી પકડવાના પ્રયત્નમાં માંણસની આંખ નિષ્ફળ નીવડી છે. દૂરબીન પોતાની શક્તિ પ્રમાણે આંખને ખબર આણી આપે છે, આંખની જો શક્તિ ન હોય તે ખબરને અનુભવ સુધી પહોંચાડવાની, તો પછી બીજો કોઈ ઉપાય રહેતો નથી. પરંતુ ફોટોગ્રાફના ફલકની પ્રકાશને પકડવાની શક્તિ આંખ કરતાં પણ ખૂબ વધારે સ્થાયી હોય છે. વિજ્ઞાને તે શક્તિનું ઉદ્બોધન કર્યું; દૂરતમ આકાશમાં જાળ નાખવાના કામમાં ફોટોગ્રાફને લગાડી દીધો. એવી ફોટોગ્રાફી બનાવી જે અંધારામાં મેં ઢાંકીને રહેલા પ્રકાશ ઉપર પણ સમન બજાવી શકે. દૂરબીનની સાથે ફોટોગ્રાફી અને ફોટોગ્રાફીની સાથે વર્ણલિપિયંત્ર જોડી દીધું. હમણાં હમણાં વળી એની શક્તિ એથીયે વિચિત્ર બનાવી દેવામાં આવી છે. સૂર્યમાં જુદા જુદા પદાર્થો ગૅસ થઈને બળ્યા કરે છે. તેઓ બધા ભેગા મળીને જ્યારે એકસામટા દેખા દે છે ત્યારે તેમને ઝીણવટપૂર્વક તીરી તીરીને જોઈ શકાતા નથી. એટલા માટે એક અમેરિકન વિજ્ઞાનીએ સૂર્ય જોવાનું દૂરબીન બનાવ્યું છે જેના વડે બળતા ગૅસના બધી જાતના રંગોમાંથી એક એક રંગનો પ્રકાશ છૂટા પાડીને તેની મદદથી સૂર્યનું તે વિશેષ ગૅસમય રૂપ જોઈ શકાય છે. ઇચ્છા પ્રમાણે કેવળ માત્ર બળતા કેલ્શિયમના રંગમાં અથવા બળતા હાઈજિનના રંગમાં સૂર્ય જોવાનો મળે તો તેના ગૅસમય અગ્નિકાંડની પુષ્કળ ખબર જાણવા મળે જે બીજે કોઇ ઉપાયે મળી ન શકે. સફેદ પ્રકાશનું પૃથક્કરણ કરી શકીએ તો તેના વર્ણસપ્તકને એક છેડે લાલ હોય અને બીજે છેડે વેગણિયો હોય—એ બે સીમાને વટાવીને જે પ્રકાશ જતો હોય છે તે આપણી નજરે પડતો નથી. ગાઢ નીલ રંગનાં મોજાંનું માપ એક ઈંચના દોઢ કરોડમા ભાગ જેટલું હોય છે. એટલે કે એ પ્રકાશના રંગમાં જે મોજાં આવે છે તેના એક મોજાંના શિખરથી બીજા મોજાંનું શિખર એટલું દૂર હોય છે. એક ઈંચમાં દોઢ કરોડ મોજાં હોય છે. લાલ રંગના પ્રકાશનાં મોજાં લગભગ એથી બમણાં લાંબાં હોય છે. લોખંડના તપેલા ટુકડાનો બળબળતો લાલ પ્રકાશ જ્યારે ધીમે ધીમે બુઝાતો જાય છે, અને આખરે દેખાતું બંધ થઈ જાય છે, ત્યારે પણ એથી વધારે મોટા માપનાં મોજાંવાળો અદૃશ્ય પ્રકાશ તેમાંથી હોજ ઉછાળતો નીકળતો હોય છે. ‘આપણી દૃષ્ટિને તે જો જગાડી શકતાં હોત તો તે લાલપારના રંગના પ્રકાશમાં આપણે બુઝાઈ ગયેલા લોઢાને જોઈ શક્રત, તો ગરમીના વખતમાં સંધ્યા સમયના અંધકારમાં તડકો ચાલ્યો ગયો હોવા છતાં લાલપારના પ્રકાશમાં ગ્રીષ્મ તપ્ત પૃથ્વી આપણને આભાસિત થઈને દેખા દેત. બિલકુલ અંધકાર જેવી કોઈ વસ્તુ જ નથી. જેને આપણે જોઈ શકતા નથી તેમાં પણ પ્રકાશ હોય છે. નક્ષત્રલોકની બહારના નિબિડ કાળા આકાશમાં પણ સતત નાનાવિધ કિરણો વેરાયા કરે છે. એ બધા અદૃશ્ય દૂતને પણ દશ્યપટ ઉપર લઈને તેમની પાસેથી આ વર્ણલિપિ યુક્ત ફોટોગ્રાફની મદદથી ગુપ્ત અસ્તિત્વની ખબર મેળવી શકીએ છીએ. વેગણિયાપારને પ્રકાશ ખગોળશાસ્ત્રીઓને લાલપારના પ્રકાશની પેઠે બહુ કામ આવતા નથી. તેનું કારણ એ છે કે નાનાં મોજાંવાળા પ્રકાશનો ઘણો ભાગ પૃથ્વીની હવાને વટાવીને આવતાં આવતાં જ ખલાસ થઈ જાય છે, દૂર દૂરની ખબર આપવાના કામનો રહેતો નથી. એ પ્રકાશ પરમાણુલોકની ખબર આપે છે. અમુક પ્રમાણમાં ઉત્તેજના હોય તો પરમાણુ સફેદ પ્રકાશથી સ્પંદિત થઈ ઊઠે છે. તેજ વધતાં વેગણિયા પારને પ્રકાશ દેખા દે છે. આખરે પરમાણુની કેન્દ્રવસ્તુ જ્યારે વિચલિત થવા માંડે છે ત્યારે તે પ્રબળ ઉત્તેજનામાં એથી પણ નાનાં મોજાં બહાર નીકળે છે જેને આપણે ગામારશ્મિ કહીએ છીએ. માણસે તેના યંત્રની શક્તિ એટલી વધારી મૂકી છે કે એકસરે અથવા ગામારસિમ જેવાં રસ્મિને માણસ ઉપયોગ કરી શકે છે. જે વાત કહેવા માગતાં હતાં તે એ છે કે, વર્ણલિપિવાળા દૂરબીન ફોટોગ્રાફ વડે માણસે નક્ષત્રવિશ્વના તો અતિ દૂરના અદૃશ્યલોકને દૃષ્ટિપથમાં આર્યો છે. આપણા પોતાના નક્ષત્રલોકની બહાર દૂર દૂર બીજા અનેક નક્ષત્રલોક છે એવું જાણવામાં આવ્યું છે. એટલું જ નહિ, નક્ષત્રો બધાં ભેગા મળીને આપણા નક્ષત્ર આકાશમાં અને દૂર દૂરના આકાશમાં ફરતાં ફરે છે, તે પણ એ યંત્રની નજરે જોઈ શકાયું છે. દૂર આકાશનો કોઈ જ્યોતિર્મય ગૅસપિંડ—જેને નક્ષત્ર કહેવામાં આવે છે—તે જ્યારે આપણી તરફ ધસતો આવતો હોય છે અથવા આપણા તરફથી પાછળ હઠતો હોય છે. ત્યારે આપણી દૃષ્ટિમાં એક પ્રકારની વિશેષતા થાય છે. એ પદાર્થ સ્થિર રહે તો જેટલાં લાંબાં પ્રકાશનાં કિરણો આપણો અનુભવમાં પહોંચાડી શકત, તેના કરતાં ટૂંકા મોજાંને અનુભવ તે પાસે આવે ત્યારે કરાવે છે, અને દૂર જાય છે ત્યારે તેના કરતાં લાંબાનો. જે બધા પ્રકાશનાં મોજાં લંબાઈમાં ઓછાં હોય છે તેમને રંગ વર્ણ સપ્તકમાં વેગણિયા તરફ ઊઘડે છે, અને જે લંબાઈમાં વધારે હોય છે તે લાલ રંગને કિનારે પહોંચી જાય છે. એ કારણથી નક્ષત્રનું પાસે આવવું અને દૂર જવું વર્ણલિપિ જુદા જુદા રંગના સિગ્નલથી જાહેર કરી દે છે. સીટી વગાડતી વગાડતી રેલગાડી પાસે થઈને જતી હોય ત્યારે કાનને તેનો અવાજ પહેલાં કરતાં ઊંચો લાગે છે. કારણ કે સીટીનો અવાજ હવામાં જે મોજાં ઉત્પન્ન કરે છે તે મોજાં ગાડી પાસે આવતાં ભેગાં થઈ જઈને કાનને ઊંચા અવાજનો અનુભવ કરાવે છે. પ્રકાશમાં ઊંચા રંગનું સપ્તક ગણિયા તરફ હોય છે. કેટલીક ગૅસમય નિહારિકાઓની ઉજ્જ્વળતા તેના પોતાના પ્રકાશને લીધે નથી હોતી. જે તારાઓ તેમાં ખીચોખીચ ભરાયેલા હોય છે તેમનો પ્રકાશ જ તેને ઉજજવળ બનાવતો હોય છે. વળી કોઈ કાઈ ઠેકાણે નિહારિકાના પરમાણુઓ તારાના પ્રકાશને શોષી લઈ જુદી લંબાઈના પ્રકાશમાં તેને રવાના કરી દે છે. નિહારિકાની બીજી એક વિશેષતા જોવામાં આવે છે. તેમાં વચ્ચે વચ્ચે વાદળાંના જેવા કાળા કાળા ડાઘા જોવામાં આવે છે, ખીચોખીચ તારાની ભીડ વચ્ચે કઈ કઈ જગ્યાએ કાળા ગાળા હોય છે. ખગોળશાસ્ત્રી બનર્ડિની તપાસને પરિણામે એવા લગભગ બસો કાળા આકાશપ્રદેશો જોવામાં આવ્યા છે. બનર્ડિ એવું અનુમાન કરે છે કે એ અસ્વચ્છ ગૅસનાં વાદળાં છે, એની પાછળના તારાઓને એ ઢાંકી રાખે છે. કોઈ પાસે છે, કોઈ દૂર છે, કોઈ નાના છે, કોઈ ખૂબ મોટા છે. નક્ષત્રલોકની પાછળના આકાશમાં જે વસ્તુપુંજ વેરાયલો પડેલો છે તેની નિબિડતાનો હિસાબ કરીએ તો માલૂમ પડે કે તે અત્યંત ઓછી છે, પ્રત્યેક ઘન ઈંચમાં માત્ર અરધો ડઝન પરમાણુ આવેલાં છે. આ નિબિડતા કેટલી ઓછી છે તેનો ખ્યાલ એ ઉપરથી આવી શકશે કે પ્રયોગશાળામાં સૌથી બળવાન પંપ વડે જે શૂન્યતા ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં પણ એક ઘન ઈંચે અનેક કરોડ પરમાણુ બાકી રહી જાય છે. આપણા પોતાના નક્ષત્રલોક એક મોટા ચપટા કૂદડી ફરતા - જગત જેવો છે, અને તેમાં સેંકડો કરોડ નક્ષત્રો આવેલાં છે. તેમની વચમાં વચમાં જે આકાશ છે તેમાં ક્યાંક અતિ સૂક્ષ્મ ગૅસ અત્યંત પાતળો છે, તો ક્યાંક વળી પ્રમાણમાં ઘાડ છે, કયાંક ઉજ્જ્વળ છે તો ક્યાંક અસ્વચ્છ છે. સૂર્ય આ નક્ષત્રલોકના કેન્દ્રથી તેના વ્યાસના લગભગ ત્રીજા ભાગ જેટલે દૂર આવેલા એક નક્ષત્રમેઘમાં આવેલ છે. નક્ષત્રની વધારે ભીડ નિહારિકાના કેન્દ્રની પાસે હોય છે. એન્ટરસ નક્ષત્રનો વ્યાસ ઓગણચાલીસ કરોડ માઇલનો છે, અને સૂર્યને વ્યાસ આઠ લાખ ચોસઠ હજાર માઈલનો છે. સૂર્ય મધ્ય કદના તાર ગણાય છે. જે નક્ષત્રજગતને એક મધ્યમ કદનો તારો આ સૂર્ય છે એવાં તો બીજાં લાખોનાં લાખો નક્ષત્રજગત પહેલાં છે. એ બધાં મળીને બનેલું આ બ્રહ્માંડ, એની સીમા જ્યાં સુધી છે તે આપણે જાણતા નથી. આપણો સૂર્ય પોતાના બધા ગ્રહોને લઈને ફરે છે અને તેની -સાથે જ એ નક્ષત્ર ચક્રવર્તીના બધા તારા પણ ફરે છે, એક કેન્દ્રની આસપાસ અહીં સૂર્યના ભ્રમણની ગતિ સેકંડે લગભગ બસો માઈલની હોય છે. ચાલતાં પૈડામાંથી ઊડેલા કાદવની પેઠે જ તે ભ્રમણના વેગને લીધે નક્ષત્રચક્રમાંથી છટકીને છૂટો પડી જાત; પણ એ ચક્રના કરોડો તારા તેને ખેંચી રાખે છે, સીમાની બહાર જવા દેતા નથી. આ આકર્ષણની ખબર બેશક વાચકોને છે જ તે પણ આ વિશ્વવર્ણનમાંથી તેને બાદ રાખીએ એ ચાલે નહિ. સાચી હોય કે ખોટી હોય પણ એક વાત એવી ચાલે છે કે, વિજ્ઞાની શ્રેષ્ઠ ન્યૂટને એક દિવસે એક એપલને ઝાડ ઉપરથી પડતું જોયું. તરત જ તેમના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે ફળ નીચે શા માટે પડે છે, ઉપર કેમ ઊડી જતું નથી. તેમના મનમાં બીજા પણ કેટલાક પ્રશ્નો ઘેાળાતા હતા. તેઓ વિચાર કરતા હતા કે ચંદ્ર શાના આકર્ષણથી પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વી પણ શા આકર્ષણથી સૂર્યની આસપાસ ફરે છે. ફળ પડવાના બનાવથી તેઓ સમજી ગયા કે આ પૃથ્વીમાં એક પ્રકારની આકર્ષણશક્તિ રહેલી છે. બધી વસ્તુઓને તે પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે. એમ જે હોય તો તે ચંદ્રને શું કરવા છોડે? બેશક, દૂરની કે પાસેની કોઈ એવી વસ્તુ નથી જેને એ શક્તિ ન ખેંચે. આ વિચાર ધીમે ધીમે બધે ફેલાઈ ગયો. સમજાઈ ગયું કે એકલી પૃથ્વી જ નહિ પણ બધી જ વસ્તુ બીજી બધી વસ્તુને ખેંચે છે. જેમાં જેટલી વસ્તુ હોય તેટલું તેનામાં ખેંચવાનું જોર હોય, તે ઉપરાંત અંતરના વત્તાઓછાપણાના પ્રમાણમાં એ આકર્ષણમાં પણ વધઘટ થાય છે. અંતર બમણું થાય તે આકર્ષણ ચાર ગણું ઘટી જાય. અંતર ચાર ગણું થાય તો આકર્ષણ સોળમા ભાગનું થઈ જાય. એમ જ ન હોત તો સૂર્યના આકર્ષણથી પૃથ્વીની બધી પૂંછ લૂંટાઈ જાય, આ ખેંચાખેંચીની પહેલવાનીમાં પાસેની વસ્તુ ઉપર પૃથ્વીની જીત થઈ છે. ન્યૂટનના મૃત્યુ પછી સિત્તેર વર્ષે બીજા એક અંગ્રેજ વિજ્ઞાની લો કેવેન્ડિશે પોતાની પ્રયોગશાળામાં બે સીસાના ગોળા લટકાવીને પ્રત્યક્ષ બતાવી આપ્યું છે કે તેઓ બરાબર નિયમ પ્રમાણે જ એકબીજાને આકર્ષે છે. એ નિયમનો હિસાબ સાચવીને હું પણ આ લખવાના ટેબલ આગળ બેઠો બેઠો બધી વસ્તુઓને ખેંચી રહ્યો છું. પૃથ્વીને, ચંદ્રને, સૂર્યને, વિશ્વમાં જેટલા તારા છે તેમાંના દરેકને, મારા ઓરડાના ખૂણામાં જે કીડી ખોરાકની શોધમાં આવી છે તેને પણ હું ખેંચું છું, તે પણ દૂરથી મને ખેંચી રહી છે, પણ મને ખાસ અડચણ કરી શકતી નથી, એ કહેવાની જરૂર નથી. મારા ખેંચવાથી તેને પણ કંઈ ચિંતા કરવા જેવું નથી. પૃથ્વીએ એ જકડી પકડવાના જોરને કારણે અનેક અગવડ ઊભી કરી છે. ચાલતી વખતે પગ ઉપાડવાની જરૂર પડે છે, પણ પૃથ્વી તેને નીચે ખેંચ્યા કરે છે; એટલે દૂર જતાં હાંફી જઈએ છીએ અને વખત પણ ઘણો લાગે છે. આ ખેંચી રાખવાની વ્યવસ્થા ઝાડપાનને માટે ખૂબ જ સારી નીવડી છે, પરંતુ માણસને માટે તે એ બિલકુલ સારી નથી, એને લીધે જ જન્મથી તે મૃત્યુ સુધી એ ખેંચાણની સામે માણસે લડાઈ કર્યા કરવી પડે છે. માણસ કયારનો ય ઊડતો થઈ ગયો હોત, પણ પૃથ્વી કેમે કરી તેને જમીન છોડવા દેવા તૈયાર નથી. આ ચોવીસ કલાકના ખેંચાણમાંથી પોતાને છોડવવા માટે માણસે પુષ્કળ યંત્ર બનાવ્યાં છે – એને લીધે પૃથ્વીને કેટલેક અંશે હાથતાળી દઈ શકાય છે. – પણ પૂરેપૂરી દઈ શકાતી નથી. પરંતુ જ્યારે આપણને ખબર પડે છે કે પૃથ્વી જો એકાએક પોતાનું આકર્ષણ ઢીલું મૂકી દે તો જે ભીષણ વેગે પૃથ્વી ફરે છે, તેને લીધે આપણે તેની પીઠ ઉપરથી કયાંના ક્યાં ઊડીને પડીએ તેનું કંઈ ઠેકાણું નથી, ત્યારે એ આકર્ષણને આપણે નમસ્કાર કરીએ છીએ. ખરું જોતાં પૃથ્વીનું આકર્ષણ બરાબર એવું માપસર થાય છે કે આપણે ચાલી શકીએ છીએ છતાં પૃથ્વીને છોડી શકતા નથી. વિપરીતધર્મી વૈદ્યુત્કણોના યુગલ મિલનથી જે સૃષ્ટિ પેદા થઈ તે જગતમાં સર્વવ્યાપી બે વિરોધી શક્તિની ક્રિયા ચાલ્યા કરે છે, ચાલવું અને ખેંચવું, મુક્તિ અને બંધન, એક તરફ બ્રહ્માંડવ્યાપી મહાન દોડ અને બીજી બાજુ બ્રહ્માંડવ્યાપી મહાન આકર્ષણ બધું જ ચાલે છે અને બધું જ ખેંચે છે. ચાલવાનું એ શું છે અને ક્યાંથી પેદા થાય છે તે પણ આપણે જાણતા નથી. વળી આકર્ષણ એ શું છે અને કયાંથી આવે છે તે પણ આપણે જાણતા નથી. આજના વિજ્ઞાનમાં વસ્તુનું વસ્તુત્વ બહુ સૂક્ષ્મ થઈ ગયું છે, સૌથી પ્રબળ રૂપે તો આ ગતિ અને આકર્ષણ જ દેખા દે છે. ‘ગતિ જે એકલી હોત તો એકદમ સીધે અંતહીન રસ્તે ચાલુ ચાલુ કરવાનું જ રહેત. પણ આકર્ષણ તેને ફેરવી ફેરવીને અંતવાનમાં આણે છે, ચક્રાકાર માર્ગે ફેરવે છે. સૂર્ય અને ગ્રહની વચ્ચે લાખો માઈલનો ખાલી ગાળો છે, તે વિશાળ ગાળાને વટાવીને સદી અશરીરી આકર્ષણ શક્તિ ચાલ્યા જ કરે છે, અને અદૃશ્ય લગામથી બાંધીને ગ્રહોને સરકસના ઘોડાની પેઠે ફેરવે છે. આ તરફ સૂર્ય પણ ફરે છે ફરતા તારાના બનેલા એક મહાન જ્યોતિશ્ચક્રના આકર્ષણથી ર્યા કરે છે. વિશ્વની અણીયસી ગતિશક્તિ તરફ નજર કરીએ તો ત્યાં પણ વિરાટ ગતિ–આકર્ષણના એક જ છંદની લીલા નજરે પડે છે. સૂર્ય અને ગ્રહની વચ્ચે જે અંતર છે, તેની જે તુલના કરીએ તો માલૂમ પડશે કે અતિપરમાણુજગતમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની વચ્ચે જે અંતર છે તે વત્તાઓછા પ્રમાણમાં એના જેટલું જ હોય છે. આકર્ષણનું જોર તે ખાલી જગ્યાને વટાવીને હંમેશાં નિયત માર્ગે ઇલેક્ટ્રોનોને ફેરવ્યા કરે છે. ગતિ અને સંયમના અસીમ સામંજસ્યને લીધે બધું ટકેલું છે. અહીં કહી મૂકવાની જરૂર છે કે, ઇલેક્ટ્રોન પ્રોટોનની ખેંચાખેંચ ગુરુત્વાકર્ષણને લીધે નથી, પણ વૈદ્યુત આકર્ષણને લીધે છે. પરમાણુઓના અંદર અંદરનું આકર્ષણ વૈદ્યુતનું આકર્ષણ છે, બહારનું આકર્ષણ ગુરુત્વાકર્ષણનું છે, જેમ માણસનું ઘરનું આકર્ષણ આત્મીયતાનું હોય છે, બહારનું આકર્ષણ સમાજનું હોય છે. ગુરુત્વાકર્ષણ સંબંધે આ જે મતની ચર્ચા કરવામાં આવી તે ન્યૂટનના સમયથી ચાલતો આવે છે. એના ઉપરથી આપણા મનમાં એ ખ્યાલ આવે છે કે બે વસ્તુની વચ્ચેની ખાલી જગ્યામાં થઈને એક અદસ્ય શક્તિ ખેંચાખેંચ કર્યા કરે છે. પણ એવું ચિત્ર ક૯પવામાં વાંધો આવે છે. ગુરુત્વાકર્ષણની ક્રિયા સહેજ પણ સમય લેતી નથી. આકાશમાં થઇને પ્રકાશને આવતાં વખત લાગે છે, તે વાત પહેલાં કહેવાઈ ગઈ છે. વૈદ્યુતિક શક્તિઓ પણ મોજાં ફેલાવતી આકાશમાં થઈને આવે છે. પરંતુ અનેક પ્રયોગો કર્યા છતાં ગુરુત્વાકર્ષણ એ પ્રમાણે વખત લઈને ચાલે છે એવું કોઈ પ્રમાણ મળતું નથી. તેની અસર તત્ક્ષણ થાય છે. બીજી એક નવાઈની વાત એ છે કે, પ્રકાશ અથવા ગરમીને રસ્તામાં આવતી અડચણ નડે છે, પરંતુ ગુરુત્વાકર્ષણને નડતી નથી. એક વસ્તુને આકાશમાં ટાંગી રાખી પૃથ્વીની અને તેનો વચમાં - ગમે એટલી અડચણો મૂકવામાં આવે તો પણ તેનું વજન ઓછું થવાનું નથી. વ્યવહારમાં બીજી કોઈ પણ શક્તિ સાથે એને મળતાપણું નથી. છેવટે આઈનસ્ટાઇને બતાવી આપ્યું કે એ કોઈ પ્રકારની શક્તિ જ નથી. આપણે એવા એક જગતમાં રહીએ છીએ જેના કદના સ્વભાવ અનુસાર જ દરેકે દરેક વસ્તુ બીજી દરેક વસ્તુ તરફ મૂકવા બંધાયેલી છે. વસ્તુમાત્ર જે આકાશમાં રહે છે તેનામાં વાંકા વાળવાનો ગુણ રહેલો છે, ગુરુત્વાકર્ષણમાં તે જ પ્રગટ થાય છે. એ સર્વવ્યાપી છે. અપરિવર્તનીય છે. એટલું જ નહિ, પ્રકાશને પણ એ વાંકા વિશ્વનો નિયમ માનવો પડે છે. એના અનેક પુરાવા મળ્યા છે. સમજવા માટે આકર્ષણની કલ્પના સહેલી હતી, પરંતુ નવીન ભૂમિતિની મદદથી હિસાબ ગણીને આ વાંકા આકાશનો ઝોક જાણી શકાય છે તે કેટલા જણ સમજી શકવાના છે? ગમે તેમ હો, અંગ્રેજીમાં જેને ગ્રેવિટેશન કહે છે તેને ગુરુત્વાકર્ષણ કહેવાને બદલે ભારાવર્તન એવું નામ આપીએ એટલે ગોટાળો મટી જાય છે.


આપણું આ નક્ષત્રજગત વિરાટ શૂન્ય આકાશમાં બેટ જેવું છે. અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે દૂર દૂર બીજા અનેક નક્ષત્ર-દ્વીપો આવેલા છે. એ બેટમાં જે આપણી સૌથી નજીક આવેલ છે. તે એંડોમીડા નક્ષત્રની પાસે દેખાય છે. તે એક ઝાંખા તારા જેવો લાગે છે. ત્યાંથી આપણી નજરે આવતો પ્રકાશ નવ લાખ વર્ષ પહેલાં નીકળેલો હોય છે. કુંડાળા જેવી નિહારિકાઓ બીજી એથીયે દૂર આવેલી છે. તેમાંની જે દૂરમાં દૂર છે તેને વિષે હિસાબ કરતાં એવું નક્કી થયું છે કે ત્રણ હજાર લાખ પ્રકાશ વર્ષ દૂર છે. કરોડો નક્ષત્રો જેમાં ભેગાં થયેલાં છે એવાં આ બધાં નક્ષત્રજગતોની સંખ્યા એકસો કરોડથી ઓછી નહિ હોય. એક નવાઈની વાત એ છે કે પાસેના બેત્રણ નક્ષત્રજગત સિવાય બાકીનાં નક્ષત્ર-જગત આપણા જગતથી દૂર ને દૂર જતાં જાય છે. જે જેટલાં વધારે દૂર તેટલો તેની ગતિને વેગ પણ વધારે. એ બધાં નક્ષત્ર-જગતો મળીને જે જગત બનેલું છે, તે કેટલાક વિદ્વાને માને છે કે ધીમે ધીમે ફૂલતું જાય છે. ‘જેમ જેમ ફૂલે છે તેમ તેમ નક્ષત્રપુજેનું એકબીજા વચ્ચેનું અંતર વધતું જાય છે.’ જે વેગથી એ બધાં દૂર ખસતાં જાય છે તે વેગે બીજાં એકત્રીસ કરોડ વરસ પછી તેનું એક બીજા વચ્ચેનું અંતર આજના કરતાં બમણું થઈ જશે. એટલે કે આ પૃથ્વીની ભૂમિ બંધાઈ તેટલા સમયમાં નક્ષત્રજગત પહેલા કરતાં બમણું ફૂલી ગયું છે. એટલું જ નહિ પણ કેટલાક વિજ્ઞાનીઓનો એ મત છે કે વસ્તુપુજના બનેલા વિશ્વની સાથે સાથે ગોલક રૂપી આકાશ પણ મોટું થતું જાય છે, એમને મતે આકાશના કોઈ એક બિંદુએથી સીધી લીટી દોરીએ તો તે લીટી અસીમમાં ચાલી જવાને બદલે ફરીને પાછી પહેલાના બિંદુમાં આવી પહોંચે છે. એ મત પ્રમાણે તો એમ થયું કે આકાશના ગાળામાં નક્ષત્રજગતો આવેલાં છે. પૃથ્વીના ગોળામાં નક્ષત્રજગતે આવેલાં છે, જેમ પૃથ્વીના ગોળાની આસપાસ જીવજંતુઓ અને ઝાડપાન આવેલાં છે. એટલે વિશ્વજગતનો ફુલાવો એ આકાશમંડળના ફુલાવાના જેટલો જ હોય છે. પણ આ મત હજુ સ્થિર થયો નથી એ વાત યાદ રાખવી. આકાશ અસીમ છે. કાળ પણ નિરવધિ છે, એ મત પણ મરી નથી ગયો. આકાશ પણ બુદ્દે બુદ્દે જ છે ને. એ સંબંધે આપણાં શાસ્ત્રોનો મત એ છે કે સૃષ્ટિ પ્રલયને પંથે પડી રહી છે. તે પ્રલયમાંથી ફરી નવી સૂષ્ટિ પ્રગટ થાય છે. ધ અને જાગરણના ક્રમની પેઠે, અનાદિકાળથી સૃષ્ટિ અને પ્રલય ક્રમ દિવસ અને રાત્રિની પેઠે વારે વારે ફરી ફરીને આવે છે. તેને આદિ પણ નથી. અંત પણ નથી; એ કલ્પના જ મનમાં આવવી સહેલી છે. પર્સિ યુસ રાશિમાં એલગેલ નામે એક ઉજ્જ્વળ તારો છે તેનું તેજ ૬૦ કલાક સ્થિર રહે છે. ત્યાર પછી પાંચ કલાકે તેનું તેજ એક તૃતીયાંશ ઓછું થઈ જાય છે. વળી ઉજજવળ થવા માંડે છે. પાંચ કલાક પછી પૂરેપૂરી ઉજજવળતા પામે છે, અને તે ભરપૂર ઐશ્વર્ય સાઠ કલાક રહે છે. આવી ઉજજવળતાનું કારણ એની જોડેનો તારો છે. તે પ્રદક્ષિણા ફરે છે એટલે વારે વારે ગ્રહણ લાગે છે અને છૂટે છે. બીજા એક વર્ગના તારા એવા હોય છે કે તેમનું તેજ બહારના કોઈ કારણે નહિ, પરંતુ અંદરની જ કોઈ ભરતી ઓટને કારણે વધે છે અને ઘટે છે. થોડા દિવસ માટે આખો તારો મોટો થઈ જાય છે અને પાછો સંકુચિત થઇને નાનો થઈ જાય છે. તેનો પ્રકાશ નાડીના ધબકારા જેવો લાગે છે. સિફિયુસ નક્ષત્ર મંડળમાં આવા તારા પહેલ વહેલા જોવામાં આવ્યા હતા તેથી તેમને સિફા ઈસ કહેવામાં આવે છે. એમની શોધ થયા પછીથી નક્ષત્રજગતનું અંતર શોધી કાઢવામાં એક મોટી સગવડ થઈ ગઈ છે. બીજા પણ એક જાતના તારાઓની વાત કહેવાની છે. તેમને નવીન તારાનું નામ મળેલું છે. તેમનું તેજ એકાએક એકદમ વધી, જાય છે, હજારગણું કે લાખોગણું. ત્યાર પછી ધીમે ધીમે તે અત્યંત ઝાંખું પડી જાય છે. એક સમયે આ એકદમ ઝગમગી ઊઠનાર તારાઓનો આવિર્ભાવ નવો જ આવિર્ભાવ મનાતો હતો એટલે એ તારાઓને નવીન તારા એવું નામ આપવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં લાર્સેટ અથવા ગોધિકા નામે નક્ષત્રમંડળની પાસે એક આવો નવીન તારો એકાએક ઝગમગીને સળગી ઊઠ્યો. તેણે ઉપરાઉપર ચાર પ્રકાશની કાંચળીએ ઉતારી નાખી. એવું માલૂમ પડ્યું કે એ ઉતારેલી કાંચળી એક સેકંડે, ૨૨૦૦ માઈલને વેગે દોડતી હતી. એ તારા લગભગ ૨૬૦૦ પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે તારાનો ગૅસ સળગી ઊઠવાનો ઉત્પાત આજે આપણી નજરે પડ્યો તે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં સાડી છો. વરસ ઉપર બન્યો હતો. તેણે ઉતારી નાખેલી એ બધી ગૅસની કાંચળીનું શું થયું એ વિષે ક૯૫નાઓ ચાલ્યા કરે છે. એ કાંચળી એનું બંધન તોડીને મહાશૂન્યમાં વિરાગી બનીને ચાલી ગઈ હશે કે કે તેના આકર્ષણમાં બંધાઈને ઠંડી પડીને તેની પાછળ પાછળ ચાલી રહી હશે? આમ તારા સળગી ઊઠવાના બનાવનો વિચાર કરીને કોઈ કોઈ વિદ્વાનો કહે છે કે કદાચ એ જ રીતે નક્ષત્રના ફાટવાને લીધે છૂટા પડેલા ગૅસપુંજમાંથી જ ગ્રહની ઉત્પત્તિ થઈ હશે; કદાચ સૂર્યે એક વખતે એ રીતે નવીન તારાની રીત અનુસાર પિતામાંથી બહાર ફેંકેલા છૂટા પડેલા ભાગમાંથી જ ગ્રહસંતાનોને જન્મ આપ્યો હશે. એ મત જો સાચો હોય તો સંભવ છે કે દરેક પ્રાચીન નક્ષત્રને એક વાર આવી વિસ્કરણની દશા આવે છે. અને ગ્રહવંશનું સર્જન થાય છે. કદાચ આકાશમાં નિઃસંતાન નક્ષત્ર બહુ ઓછાં હશે. બીજો મત એવો છે કે, બહારનો એક ચાલતો તારો બીજા એક તારાના આકર્ષણના પ્રદેશમાં આવી પડતાં આ પ્રલયકાંડ જન્માવે છે. એ મત પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિની ચર્ચા પાછળથી કરવામાં આવશે. આપણા નક્ષત્રજગતમાં જે બધાં નક્ષત્ર આવે છે તે જુદી જુદી જાતનાં છે. કોઈ વળી સૂર્ય કરતાં દશ હજાર ગણો વધારે પ્રકાશ આપે છે. તે કોઈ વળી સોમા ભાગનો આપે છે. કોઈનો પદાર્થપુંજ અત્યંત ઘન હોય છે, તો કોઈને અત્યંત પાતળા. કોઈની ઉપલા પડની ગરમી વીસ ત્રીસ હજાર સેંટીગ્રેડ જેટલી હોય છે. તે કોઈની વળી ત્રણ હજાર સેન્ટીગ્રેડથી વધારે નથી હોતી, કોઈ વળી વારે વારે પ્રસારિત અને સંકુચિત થઈને પ્રકાશ અને ગરમીની ભરતીઓટ આણે છે. કોઈ વળી એકલો જ ચાલતા હોય છે. કોઈ વળી જોડી જોડી બંધાઈને ચાલતા હોય છે. એવાની સંખ્યા તારાઓમાં એક તૃતીયાંશ જેટલી છે. જોડિયા તારા ભારા વર્તનની જાળમાં સપડાઈ ને પ્રદક્ષિણા કર્યા કરે છે. જોડિમાં જેનું જોર ઓછું હોય તેને માથે પ્રદક્ષિણા ફરવાની જવાબદારી આવી પડે. જેમ કે સૂર્ય અને પૃથ્વી. અબલા પૃથ્વી કહ્યું આકર્ષણ કરતી નથી, એમ નથી. પરંતુ તે સૂર્યને ઝાઝી અડચણ કરી શકતી નથી. પ્રદક્ષિણાનું અનુષ્ઠાન એકલી પૃથ્વી જ કર્યા કરે છે. જ્યાં બે તારા લગભગ સરખા જોરના હોય છે ત્યાં બંનેની વચ્ચેવચ એક બિંદુ સ્થિર હોય છે. તેની આસપાસ બંને પ્રદક્ષિણા ફર્યા કરે છે. આ જોડિયા તારા શી રીતે થયા એ વિષે જુદા જુદા મત સાંભળવા મળે છે. કેટલાક કહે છે, કે એના મૂળમાં લૂંટારુવૃત્તિ રહેલી છે. એટલે ‘જિસ્કી લાઠી ઉસ્કી ભેંસ’ એ નિયમ પ્રમાણે એક તારો બીજા તારાને કેદ પકડીને તેને પોતાનો જોડીદાર બનાવી રાખે છે. બીજા મત પ્રમાણે જોડીનો જન્મ મૂળ તારાના પોતાનાં અંગમાંથી જ થયો હોય છે. સ્પષ્ટ કરું છું. તારો જેમ જેમ ઠંડો, પડતો જાય છે તેમ તેમ ઘન થતો જાય છે. એમ કરતાં કરતાં જેમ જેમ ઘન થતો જાય છે તેમ તેમ તેનો વેગ વધતો જાય છે. તે તીવ્ર ગતિના ધક્કાને લીધે બહાર જવાનો વેગ–કેન્દ્રોપગામી વેગ–પ્રબળ બનતા જાય છે. ગાડીનું પૈડું જ્યારે ખૂબ જોરથી ફરે છે ત્યારે તેમાં આ બહિર્મુખી વેગ જોરમાં આવે છે, અને તેથી જ તેના ઉપર કાદવ ઊડી જાય છે, અને જે તેના સાંધા કાચા હોય તો તેના ભાગો ભાંગીને છૂટા પડી જાય છે. તારાના ફરવાને વેગ વધતાં વધતાં આ બહિર્મુખી વેગ વધી જવાને લીધે આખરે એક દહાડો તે ભાંગીને બે ટુકડા થઈ જાય છે. ત્યારથી એ બે ભાગ બે તારા બનીને યુગલયાત્રા શરૂ કરી દે છે. કોઈ કોઈ જોડીને પ્રદક્ષિણાને એક આંટો પૂરો કરતાં અનેક હજાર વષો લાગે છે. કોઈ વાર એવું જોવામાં આવે છે કે ફરતાં ફરતાં એક તારો બીજા તારાને આપણી નજર આગળથી ઢાંકી દે છે, તેના તેજમાં અડચણ નાખે છે. પરંતુ જે આડે આવનારો તારો પ્રમાણમાં ઝાંખો ન હોય તો તેજમાં કંઈ ખાસ નુકસાન થતું નથી. તારા વચ્ચે તેજને પુષ્કળ ભેદ હોય છે. એવું પણ હોય છે કે કોઈ કોઈ તારો પોતાનું બધું તેજ ખોઈ બેઠા હોય. વિશાળ કદ અને પ્રચંડ તાપ લઈને જે બધા તારાઓએ પોતાનું બાળપણું શરૂ કર્યું હતું તેઓ આવરદાના ત્રણ ભાગ જતાં ઠંડા પડી ગયા હોય છે. અને ખર્ચ કરવા જેવી તેમની પૂંજી ફૂંકી પરવાર્યા હોય છે. છેલ્લી અવસ્થામાં એ બધા દેવાળિયા તારાઓ અંધકારમાં અખ્યાતિમાં રહે છે. બેટલ જ્યુસ નામે એક મહાકાય તારો છે. તેનો લાલ પ્રકાશ, જોઈને આપણે સમજી શકીએ છીએ કે એની ઉંમર પુષ્કળ થઈ છે. પરંતુ તોયે તે ઝગમગ્યા કરે છે. આમ છતાં તે ઘણો દૂર છે. પૃથ્વી ઉપર તેના પ્રકાશને આવતાં ૧૯૦ વરસ લાગે છે. મૂળ વાત. એ છે કે, એનું કદ અતિશય મોટું છે. એ પોતાના દેહમાં કરોડો સૂર્યને સમાવી દઈ શકે એમ છે. પેલી તરફ વૃશ્ચિક રાશિમાં એંટારસ નામે તારો છે, તેનું કદ એટલોજ્યુસથી લગભગ બમણું છે. વળી એવા તારા પણ છે જે ગૅસમય હોય છે છતાં જેમના પદાર્થ વસ્તુનું વજન લોઢા કરતાં અનેકગણું ભારે હોય છે. મહાકાય તારાઓની કાયા મોટી હોય છે, તેનું કારણ એ નથી હોતું કે, તેમનામાં વસ્તુનું પ્રમાણ વધારે હોય છે. પણ તેઓ અતિશય ફૂલી ગયેલા હોય છે એટલું જ. વળી એવા અનેક નાના તારા પણ છે. તેમના નાના હોવાનું કારણ એ છે કે, તેમની ગૅસનો પૂંજીનું અત્યંત ઠાંસીને પોટલું બાંધ્યું હોય છે. સૂર્યનું ઘનત્વ મધ્યમ છે, એટલે કે પાણી કરતાં કંઈક વધારે; પેલા તારાનું સરેરાશ ઘનત્વ આપણી હવા જેટલું છે. પણ ત્યાં હવાફેર કરવાનો જો વિચાર કર્યો તો યાદ રાખજો કે ફેર અતિશય વધારે જઈ જશે. વળી કાળ પુરુષ નક્ષત્રમંડળમાં આવેલો લાલ રંગનો દાનવ તારો બેટેલક્યુસ અને વૃશ્ચિકના એંટારસ એના કરતાં પણ ચડી જાય એવા છે. એમનું ઘનત્વ એટલું ઓછું છે કે પૃથ્વીના કોઈ પણ પદાર્થની સાથે દૂરથી પણ તેની તુલના ન થઈ શકે. વિજ્ઞાનની પ્રયોગશાળામાં ખૂબ કસીને પંપ કરેલા વાસણમાં જેટલો ગૅસ રહી જાય છે તેના કરતાં પણ ઓછો. વળી સામે પાટલે બેઠા છે સફેદ રંગના નાના તારાઓ. તેમના ઘનત્વ આગળ લોઢું, પ્લેટિનમ, કશાનો જ પત્તો ખાય એમ નથી. આમ છતાં એ તારા નક્કર નથી, એ પણ ગૅસદેહી સૂર્યના સગોત્ર છે. તેમના અંતઃપુરમાં બળવાનો જે પ્રચંડ તાપ હોય છે તેને લીધે ઇલેક્ટ્રોન પ્રોટોનના બંધનમાંથી છૂટાં થઈ જાય છે, તેઓ તાબેદારીની જવાબદારીમાંથી મુક્તિ પામે છે, બંને એકબીજાનું માન સાચવીને ચાલત તો જે જગ્યા રોકત તે ઓછી થઈ જાય છે, અને આખો વખત ઉચ્છૃંખલ ભાંગેલા પરમાણુઓ વચ્ચે માથા ઠોકીઠોકી ચાલ્યા કરે છે. પરમાણુના કદના આ નાનાપણાના પ્રમાણમાં ત્વરાનું કદ પણ નાનું થઈ જાય છે. આ તરફ એ ભાંગફોડના બેકાયદા શાંતિભંગને કારણે ગરમી વધી પડે છે. સ્વાભાવિક પ્રમાણને વટાવી જાય છે, અને ઘનગૅસ પ્લેટિનમ કરતાં પણ ત્રણ હજાર ગણો ભારે થઈ જાય છે. એટલા માટે નાના કદના તારાઓ માપમાં નાના હોય છે, તાપમાં કમ નથી હોતા, વજનમાં તેઓ મોટા તારાને હટાવી દે છે. સીરિયસ નક્ષત્રનો એક અસ્પષ્ટ જોડીદાર તારો છે. સાધારણ ગ્રહના જેવડું નાનું તેનું કેદ છે, એમ છતાં સૂર્યના જેટલું તેના વસ્તુપુંજનું પ્રમાણ છે. સૂર્યનું ઘનત્વ પાણીથી દોઢા કરતાં કંઈક ઓછું છે. સીરિયસના જોડીદારનું ઘનત્વ સરેરાશ પાણી કરતાં પચાસ હજારગણું વધારે છે. દીવાસળીની એક પેટીમાં તેનો ગૅસ ભરવામાં આવે તો તેનું વજન સો મણ કરતાં પણ વધારે થાય. વળી પર્સિયર્સ નક્ષત્રના નાના જોડીદારને એટલે જ પદાર્થ લઈ એ તો તેનું વજન વીસેક હજારમણથી પણ વધી જાય. વળી કહે છે કે કોઈ કોઈ વિજ્ઞાની આ મત માનતા નથી. પૃથ્વી જ્યારે નવી નવી ઘડાતી હતી ત્યારે જળ અને સ્થળ વચ્ચે ઉપરાઉપરી સામના ચાલ્યા કરતા હતા, આજે જ્યાં ખાડો હોય ત્યાં કાલે પહાડ થઈ જતો, થોડો સમય થતાં પ્રાકૃતિક વિજ્ઞાનમાં પણ એ જ દશા થઈ છે. કેટલાય મતો થપાય છે અને ઉથાપાય છે તેનો કંઈ પાર નથી. આપણા નક્ષત્રજગતના કેટલાક તારા પૂર્વ તરફ તો કેટલાક વળી પશ્ચિમ તરફ જુદે જુદે રસ્તે થઈને ચાલ્યા કરે છે. સૂર્ય સેકંડના લગભગ બસો માઈલને વેગે દોડે છે. એક દાનવ તારો છે તેનો વેગ સેકંડના સાતસો માઈલ છે. પરંતુ નવાઈની વાત છે કે એમાંથી કોઈ એ નક્ષત્રજગતનું શાસન વટાવીને બહાર ઊછળી જતો નથી. એક વાંકા આકર્ષણની મહાજાળમાં કરોડો તારાઓને બાંધી લઈને આ જગત ભમરડાની પેઠે ફરી રહ્યું છે. આપણા નક્ષત્રજગતની બહાર દૂર દૂર આવેલા જગતમાં પણ આ જ ફેર ફુદડી. આ તરફ પરમાણુ જગતના અણુતમ આકાશમાં પણ પ્રોટોન ઇલેક્ટ્રોનની ફુદડી ચાલુ જ છે. કાળના પ્રવાહમાં વિવિધ જ્યોતિર્લોકના વિવિધ આવકો ચાલ્યા કરે છે. એટલા માટે જ આપણી ભાષામાં આ વિશ્વને જગત કહે છે. એટલે કે એ ચાલ્યા કરે છે-ચાલવામાંથી જ એની ઉત્પત્તિ છે અને ચાલવાનો જ એનો સ્વભાવ છે. નક્ષત્રજગતના દેશકાળનું માપ, ગતિવેગ, અંતર, અને તેના અગ્નિ–આવર્તાની કલ્પનાતીત પ્રચંડતા જોઇને આપણે ગમે તેટલું આશ્ચર્ય પામીએ તો પણ એટલું તો કબૂલ કરવું જ પડશે કે વિશ્વમાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે માણસ આ બધું જાણે છે, અને પોતાના તાત્કાલિક જીવનની જરૂરિયાતોને બાજુએ મૂકી એ બધું જાણવા માગે છે. ક્ષુદ્રાદપિ ક્ષુદ્ર ક્ષણભંગુર તેનો દેહ છે, વિશ્વ ઇતિહાસના કણ જેટલા સમયમાં તે રહેતો હોય છે, વિરાટ વિશ્વમાં અણુમાત્ર સ્થાનમાં તેનો વાસ છે, આમ છતાં અસીમને લગોલગ રહેલા વિશ્વબ્રહ્માંડના દુષ્પરિમેય બૃહત્ અને દુરાધિગમ્ય સૂક્ષ્મનો હિસાબ તે રાખે છે—એના કરતાં આશ્ચર્યજનક મહિમા વિશ્વમાં બીજો કશો નથી, અથવા વિપુલ સૃષ્ટિમાં નિરવધિ કાળમાં કોને ખબર છે બીજો કોઈ માણસ બીજા કોઈ ચિત્તને કબજે કરીને બીજી કોઈ રીતે પ્રગટ થાય છે કે નહિ. પરંતુ આ વાત માણસે સિદ્ધ કરી છે કે, ભૂમા બહારના કદમાં નથી, પરિમાણમાં નથી, આંતરિક પૂર્ણતામાં છે.