શબ્દલોકના યાત્રીઓ – ૧/ભોગીલાલ સાંડેસરા

ભોગીલાલ સાંડેસરા

હમણાં વડોદરામાં ડૉ. ભોગીલાલ સાંડેસરાને મળવાનું થયું ત્યારે સ્વ. છોટુભાઈ નાયકે અધૂરું મૂકેલું ફારસી ઉર્દૂ-કોશનું કામ ગુજરાત યુનિવર્સિટી પૂરું કરાવે એવી ઈચ્છા તેમણે પ્રગટ કરી. જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય અને ગુજરાતના ઐતિહાસિક સંશોધનમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. અનેક ગ્રંથો લખ્યા છે, મહત્ત્વના ગ્રંથો સંપાદિત કર્યા છે અને આજે પણ તેમનું સંશોધન કાર્ય નિષ્ઠાપૂર્વક આગળ ધપી રહ્યું છે. સામયિકો અને દિવાળી અંકોમાં કોઈ ને કોઈ મુદ્દા વિશે તેમના અધ્યયનલેખો મળતા રહે છે. ડૉ. ભોગીલાલ સાંડેસરાનું નામ તો હું મૅટ્રિકમાં હતા ત્યારે સાંભળેલું, એકાદ વાર તેમને સાંભળેલા પણ ખરા. ઠેઠથી મારું ગણિત કાચું. અમારા શિક્ષક શ્રી ભોગીલાલભાઈનો દાખલો કહેતા કે તે મૅટ્રિકમાં ગણિતમાં બે વાર નાપાસ થયેલા, ત્રીજી વાર પરીક્ષકે એક દાખલો ખોટો પૂછેલો; ખૂબ ઊહાપોહ થયો, એ વર્ષે બધા વિદ્યાર્થીઓને છ માર્ક વધારી આપવાનું નક્કી થયું અને ભોગીભાઈ પાસ થઈ ગયા! તેમના આ ઉદાહરણથી મને ઘણી પ્રેરણા મળેલી. પછી તો અનેક વાર મળવાનું બન્યું. એમની વિદ્યાસાધનાથી પ્રભાવિત થતો રહ્યો. ડૉ. ભોગીલાલ સાંડેસરા આમ તો ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણના. પાટણની પાસે સંડેર નામનું નાનું ગામ છે, એના ઉપરથી એમની અટક સાંડેસરા થયેલી છે. એમનો જન્મ ૫ એપ્રિલ ૧૯૧૭ના રોજ થયેલો. પિતાનું નામ જયચંદભાઈ અને માતાનું નામ મહાલક્ષ્મીબહેન. તે આઠ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. તેમનાં ફોઈ કાશીબહેને એમને ઉછેર્યા. તે પાટણ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે યોગાનુયોગ મુનિ જિનવિજયજી અને એમના દ્વારા મુનિ પુણ્યવિજયજીનો મેળાપ થય. સાહિત્યસંશોધનમાં પાટણ હાઈસ્કૂલના શિક્ષક રામલાલ ચૂનીલાલ મોદી અને આચાર્ય કલ્યાણરાય નથ્થુરામ જોષીની પ્રેરણા તેમને મળેલી જ હતી; અને એમાં આ બે સારસ્સ્વત જૈન મુનિઓનો સંપર્ક થયો. ભોગીલાલમાં સંશોધકનું પ્રતિભાબીજ તો હતું જ, એમાં આ પરિચયે પોષણ આપ્યું અને એ શક્તિ પાંગરી ઊઠી. પાટણના પ્રાચીન ગ્રંથભંડારો તેમણે જોવા માંડ્યા. એમનો સૌ પ્રથમ લેખ ‘પડી માત્રાનો સમય’ ‘બુદ્ધિપ્રકાશ’ના જૂન ૧૯૩૧ના અંકમાં પ્રગટ થયેલો. એમાં જૂની લિપિ વિશેના મુદ્દાની ચર્ચા તેમણે કરી છે. હજુ તેમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ન હતી. તે મૅટ્રિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે એટલે ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ તેમણે સંપાદિત કરેલ ‘રૂપસુંદરકથા’ પ્રગટ કર્યું. આજે મૅટ્રિકના વિદ્યાર્થીની ક્ષમતાની સાથે આ ઘટનાને સરખાવી જોવાથી ભોગીલાલની નિસર્ગદત્ત સંશોધક પ્રતિભાનો ખ્યાલ આવશે. તેમણે મૅટ્રિકમાં સંપાદિત કરેલું આ પુસ્તક તેમને પોતાને એમ.એ.માં ભણવાનું આવેલું! મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તે બે વર્ષ ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’માં જોડાયેલા. પત્રકારત્વનું ખેડાણ કર્યું, સ્વ. ચૂનીલાલ વર્ધમાન શાહ જેવા પીઢ પત્રકારના પરિચયમાં આવ્યા. ગુજરાત કૉલેજમાં આગળના અભ્યાસ માટે દાખલ થયા. પ્રા. અનંતરાય રાવળની હૂંફ મળી. ૧૯૪૧માં ગુજરાતી મુખ્ય વિષય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૪૩માં આ જ વિષયો સાથે તેમણે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. તરત જ તે ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અધ્યાપક તરીકે નિમાયા. ૧૯૪૩થી ૧૯૫૧ સુધી તેમણે ગુજરાત વિદ્યાસભામાં કામ કર્યું. અહીં તે રસિકલાલ છો. પરીખ જેવા આરૂઢ વિદ્વાનનું સાન્નિધ્ય પામ્યા. આ સમયમાં તેમણે ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ એ વિષય પર અંગ્રેજીમાં મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. આ સંશોધનનિબંધ ગુજરાતીમાં પ્રગટ થયો છે. સિંધી જૈન ગ્રંથમાળાએ મૂળ અંગ્રેજીમાં તે પ્રગટ કર્યો છે. એ હિંદી અને તેલુગુમાં પણ ઊતર્યો છે, ૧૯૪૮માં ભોગીલાલે ‘પંચતંત્ર’નો શાસ્ત્રીય અનુવાદ વિવિધ પાઠાંતરોની ચર્ચા સાથે પ્રગટ કર્યો. એ એક મોટું કામ થયું. રા. વિ. પાઠકે એને આવકારતાં કહેલું કે “હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં, આટલી શાસ્ત્રીય અને વિશાલ દૃષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.” આ ગ્રંથની તાજેતરમાં બીજી આવૃત્તિ થઈ છે. ૧૯૪૯માં વડોદરામાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભોગીલાલ સાંડેસરા ગુજરાતીના પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ નિમાયા. ૧૯૫૧થી ૧૯૭૫ સુધીની એક પચીસી તેમણે વડોદરા યુનિ.માં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી, એ સાથે જ ૧૯૫૮થી ૧૯૭૫ સુધી પ્રાચ્ય વિદ્યામંદિરના નિયામકપદે રહ્યા. પ્રાચ્ય વિદ્યામંદિરના જર્નલનું અને ‘ત્રૈમાસિક સ્વાધ્યાય’નું તેમણે સંપાદન કર્યું, પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા જેવી ગ્રંથશ્રેણીઓનું સંપાદન કર્યું અને અનેક વિરલ પ્રાચીન ગુજરાતી ગ્રંથો સુલભ બનાવ્યા એ તેમની નોંધપાત્ર સેવા છે. ભોગીલાલભાઈની વિદ્યાકીય સંપ્રાપ્તિઓની યાદી લાંબી થવા સંભવ છે. મુખ્ય મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરું તો ૧૯૫૩માં ગુજરાત સાહિત્ય સભાએ તેમના સંશોધન-સંપાદન કાર્યની કદર રૂપે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૬૨માં મહામાત્ય વસ્તુપાલન સાહિત્યમંડળ વિશે લખેલા ગ્રંથ માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો. ૧૯૫૨માં તેમણે મુંબઈ યુનિ.માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં હતાં. ‘શબ્દ અને અર્થ’ એ શીર્ષક તળે એ પ્રકાશિત થયાં છે. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ઓગણીસમા અધિવેશનમાં તે ઈતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે વરાયા હતા. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલા અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મના વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૧૯૬૧માં સણોસરામાં મળેલા ગુજરાતીને અધ્યાપક સંઘના તે પ્રમુખ હતા. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી તે ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ હતા. ૧૯૬૬માં વલ્લભ વિદ્યાનગરમાં મળેલા ગુજરાત સંશોધક પરિષદના અધિવેશનમાં ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા. ૧૯૭૭માં ભો. જે. વિદ્યાભવનના ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં ‘પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ’ વિશે તેમણે વ્યાખ્યાનો આપ્યાં હતાં. રૉકફેલર ફાઉન્ડેશન તરફથી તેમણે ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોની મુસાફરી કરી હતી. તેમની એ વિદ્યાયાત્રાનું વર્ણન ‘પ્રદક્ષિણા’ પુસ્તકમાં મળે છે. દેશની અનેક સાહિત્યિક, શૈક્ષણિક સંસ્થાઓને તેમના જ્ઞાન અને અનુભવનો લાભ મળેલો છે. ગુજરાતની યુનિ.ઓમાં વાઈસ ચાન્સેલરનાં નામોની પૅનલમાં તેમનું નામ એક કરતાં વધારે વખત સૂચવાયું હતું. તેમના ગ્રંથોને ગુજરાત સરકારનાં અને અન્ય પારિતોષિકો મળ્યાં હોય એમાં શું આશ્ચર્ય? ૧૯૭૫માં નિવૃત્ત થયા. તેમની દીર્ઘકાલીન સેવાઓને લક્ષમાં લઈ તેમના પ્રશંસકોએ તેમનું બહુમાન કર્યું હતું. તેમના નામથી વડોદરા યુનિ.માં એક વ્યાખ્યાનમાળા સ્થપાઈ છે. તેમણે ચાળીસેક જેટલાં પુસ્તકો લખ્યાં છે એમાં ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’, ‘શબ્દ અને અર્થ’, ‘વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’, ‘સંશોધનની કેડી’, ‘ઈતિહાસની કેડી’, ‘પંચતંત્ર’, ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો’, પ્રાચીન ફાગુસંગ્રહ’, ‘અન્વેષણ’ વગેરે ખાસ ઉલ્લેખપાત્ર છે. લગભગ પોણા ત્રણસો જેટલા લેખો તેમણે લખ્યા છે. કેટલાક તેમનાં પુસ્તકોમાં આવી ગયા છે તો કેટલાક અગ્રન્થસ્થ પણ છે. કેટલાક લેખો અન્ય ભગિની ભાષાઓમાં અનુવાદિત પણ થયા છે. અંગ્રેજીમાં પણ તેમનાં ઘણાં લખાણો પ્રગટ થયાં છે. ડૉ. ભોગીલાલ સાંડેસરાનું વિદ્યાકાર્ય ગુણવત્તામાં અને ઇયત્તામાં અવશ્ય માતબર કહી શકાય તેવું છે. આજીવન વિદ્યોપાસક, જૂની ગુજરાતી અને પ્રાચીન સાહિત્યના મર્મજ્ઞ અને ઈતિહાસ પુરાતત્ત્વના રસિક વિદ્વાન ડૉ. ભોગીલાલ સાંડેસરાની વિદ્યાસાધનાનાં અનેક સુફળ આપણને મળ્યાં છે અને અત્યારે નિવૃત્તિકાળમાં પણ એ સતત સક્રિય છે એ વસ્તુ કેટલી બધી આનંદપ્રદ છે!

૦૩-૮-૮૦