શબ્દલોકના યાત્રીઓ – ૧/સુન્દરમ્

સુન્દરમ્

સુન્દરમનો છેલ્લાં વીસેક વરસથી મને ઠીકઠીક નિકટનો પરિચય છે. હું એમને અનેક વાર મળ્યો છું, અનેક પરિસ્થિતિમાં અને મિજાજમાં મેં તેમને જોયા છે, તેમની સાથે પ્રવાસો કર્યા છે, પોંડિચેરીમાં તેમનો દૈનંદિન જીવનક્રમ પ્રત્યક્ષ જોયો છે, વાર્તાલાપો અને પત્રોમાં કેટલું બધું પ્રેરકદ્યોતક તેમના તરફથી સતત મળતું રહ્યું છે; અને છતાં, (કદાચ એ જ કારણે!) આજે તેમના વિશે લખતાં હું એક પ્રકારની મધુર મૂંઝવણ અનુભવી રહ્યો છું. મારા વતન વડનગરમાં એ વખતે ચાર ધોરણની જ શાળા હતી. અભ્યાસ માટે હું પીલવાઈ ગયો. ત્યાંની સ્કૂલમાં એક પછી એક ધોરણો ખૂલતાં ગયાં અને શેઠ જી. સી. હાઈસ્કૂલમાંથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષા મેં પસાર કરી. હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન અમારા ગુજરાતીના શિક્ષકે સાહિત્યની એવી તો લગની લગાડેલી કે અમે થોડાક મિત્રોએ ગામના સાર્વજનિક પુસ્તકાલયની બધી જ ચોપડીઓ વાંચી નાખવાનો સંકલ્પ કરેલો. પાઠ્યપુસ્તકમાં સુન્દરમનાં કાવ્યોનો પરિચય થયેલો પણ તેમનો કાવ્યસંગ્રહ હાથમાં નહિ આવેલો. મૅટ્રિકના વર્ગમાં મેં એન. એમ. ત્રિપાઠીની કંપનીમાંથી ત્રણ પુસ્તકો મંગાવ્યાં : ‘વસુધા’, ‘નિશીથ’ અને ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર’. ‘વસુધા’નાં કાવ્યો અત્યંત રસપૂર્વક વાંચ્યાં. એના કવિ સાથે એક સૂક્ષ્મ આંતર સંબંધ બંધાઈ ગયો. આ કવિના એક સ્વજન બનવાનું સદ્ભાગ્ય મને સાંપડશે એવી તે કલ્પના પણ ક્યાંથી હોય? મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને હું વડોદરા કૉલેજમાં આગળના અભ્યાસ માટે ગયો. (વડોદરા રાજ્યનાં પ્રજાજનો માટે અમદાવાદ કરતાં વડોદરા નજીક હતું!) આ ૧૯૪૬ની સાલ. એવામાં સાંભળ્યું કે સુન્દરમ્ તો યોગસાધના માટે અમદાવાદ છોડીને પોંડિચેરી ગયા! હવે તો તેમને મળવાની રહીસહી આશા પણ જતી રહી! સાહિત્યરસિક મિત્રો અને અધ્યાપકો તેમના આ પોંડિચેરી-નિવાસ અંગે આકરી ટીકા કરતા : સુન્દરમ્ જીવનના મોરચા પરથી પલાયન કરી ગયા, જવાબદારીઓમાંથી છટકી ગયા, હવે તેમના હાથે સાહિત્યની સેવા નહિ થાય, ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી વગેરે વાતો થતી. એમના આ ખોફ પાછળ તેમની સાહિત્ય પ્રત્યેની મુગ્ધ પ્રીતિ હતી. પણ મને એમ લાગેલું કે માણસ સત્ય શોધવા માટે કોઈ પણ વસ્તુને છોડી દે એ તો ઊલટું સત્કારવા યોગ્ય લેખાય. જીવન એ એક મોટી વિભૂતિ છે. અને એની સાર્થકતા શોધવા માટે માણસ નીકળી પડે એથી રૂડું બીજું શું હોઈ શકે? જીવનની સાધના ગમે ત્યાં થઈ શકે છે, પ્રવૃત્તિની વચ્ચે પણ થઈ શકે છે, બલકે પ્રવૃત્તિની વચ્ચે થાય એ જ અધ્યાત્મસાધના એમ દલીલ ખાતર કહેવાય પણ એમાં ખરડાવાનું મોટું જોખમ છે અને પેલાની તુલનામાં ધ્યેયસિદ્ધિની એકાગ્રતા પણ કાંઈક ઓછી સંભવે એ એક ગેરલાભ મોટો છે – આવી આવી દલીલો હું કરતો. કાવ્યસંગ્રહ ‘વસુધા’ તો મારી પાસે હતો જ. એનાં કાવ્યો મેં ફરી વાંચ્યાં. સુન્દરમ્ ગમે ત્યારે આ પગલું ભરી બેસે એવા છે એવી આગાહી તો તેમણે પોતે સંગ્રહના આરંભનાં ભક્તિવિષયક કાવ્યોમાં કરેલી જ છે! બસ, મનમાં બધું બરોબર બેસી ગયું અને મેં તેમને પોંડિચેરી પત્ર લખી તેમના આ પગલાને વધાવ્યું. તેમણે એ વખતે ‘દક્ષિણા’માં મારું નામ આપ્યા વગર નિર્દેશ કર્યો કે પોતે ગુજરાત છોડી યોગસાધના અર્થે પોંડિચેરી વસવા ગયા ત્યારે તેમને અભિનંદન આપતો એક જ પત્ર ગુજરાતમાંથી મળ્યો હતો! પણ પછી તે આ અંગે અમારી વચ્ચે સારો એવો પત્રવ્યવહાર થયો. તેમનો તા. ૨૫-૧૨-૪૮નો એક પત્ર, આ સંદર્ભમાં કેટલીક સૂચક વિગતો આપે છે. તેમણે આ પત્રમાં મને લખ્યું :

“મારું અહીં આવવું એ સમજવું માત્ર જૂની પેઢીના લોકોને જ મુશ્કેલ લાગે છે. તેઓ માત્ર નફો અને ખોટની રીતે જ જોઈ શકે છે. સત્યને નિરપેક્ષપણે જોવાની શક્તિ તેમનામાં નથી. બાકી અહીં આવ્યા પછી ગુજરાતને માટે હું જેટલું કરી શક્યો છું, તેટલું ત્યાં રહીને નહોતો કરી શકતો. ગુજરાતને માટે નિર્બંધ રીતે બધો વખત આપવાની સગવડ મને અહીં ગુજરાત બહાર મળી શકી છે. ત્યાં તો એ ગુજરાતને ચરણે હતો ત્યારે મારા રોટલા મેળવવા મારે ૮–૧૦ કલાક આપવા પડતા. આને ગુજરાત પોતાની શક્તિ ગણશે કે અશક્તિ?...પરંતુ એમાં ગુજરાતનો દોષ નથી. એ આખા જીવનનો દોષ છે. દોષ કહેવા કરતાં કહો કે મર્યાદા છે. એ એટલે કે માનવજાતિ અત્યારે જે જીવે છે — જે રીતે તેને જીવવું પડે છે તે જીવન—એ આખું જીવન એક નીચલી ભૂમિકા પરનું જીવન છે. તત્ત્વજ્ઞાન જેને અપરા પ્રકૃતિનું – lower natureનું જીવન કહે છે તે છે. એ વાત આપણા જીવનવીરો, જીવન ઉપાસકો, જીવન આચાર્યોના ખ્યાલમાં નથી. એ જીવનમાં પોતે બંધાયેલા છે અને બીજા પણ એમાં જ બદ્ધ રહે, એમાંથી ચાલ્યા જનાર જીવનનો ત્યાગ કરે છે, દ્રોહ કરે છે, એમ કહીને જ તેઓ પોતાની સ્થિતિ વિશે સંતોષ મેળવી શકે. એમ ન હોય તો તેમણે જીવનનાં ગોઠવેલાં ચોકઠાં ગબડી જાય, બેચેની અનુભવવી પડે, નવી ગોઠવણ માટે તૈયાર થવું પડે. એટલે પોતાનો નહિ પણ બીજાનો દોષ જોવામાં જ સલામતી છે. જો કે આ બધું સભાન સંવેદન નથી હોતું. લોકોની લાગણી સાચી હોય છે. પણ સ્થિતિ આ છે. એ અપરા પ્રકૃતિના અવિદ્યાના જીવનમાંથી આગળનો માર્ગ શો? એનો જવાબ છે શ્રી અરવિંદ, તેમનો યોગ, ભાગવત ચેતનાની પ્રાપ્તિ, એ ચેતનાના કેન્દ્રની આસપાસ જીવનની રચના. એવી રચનામાં જ વ્યક્તિના વિકાસની સર્વોત્તમ શક્યતાઓ ખીલવાની. એવી શક્યતાઓ ઊભી કરવાની શક્તિ સામાન્ય જીવનમાં – અત્યારની તમામ પ્રકારની જીવનવ્યવસ્થામાં નથી. એ આખું જીવન - અવિદ્યાની પ્રકૃતિનાં અંધ બળોની નાગચૂડમાં આવેલું છે...એ અંધકારમાંથી આગળ જવાનો માર્ગ શ્રી અરવિંદે રચ્યો છે. આ પૃથ્વી ઉપર જ રહીને – પૃથ્વીની અંદર જ, પણ એ અંધકારવનને કાપીને તેઓ આ પ્રકાશ અને મુક્તિથી ભરેલા જીવનની પીઠ રચી રહ્યા છે. મને અહીં આકર્ષનાર અને રોકી રાખનાર પહેલી વસ્તુ તે આ છે. ત્યાંના જીવને જે શક્યતાઓ કદી ઊભી કરી આપી નથી તે શક્યતાઓ અહીં મળી છે. આ ત્યાંના અને અહીંના જીવનનો બજારભાવ. એમાં એ જીવને પોતાને જે રીતે ગૌરવ-અગૌરવ લેવું હોય તે રીતે લે. અને આ લખું છું તે તો અહીં જે વાસ્તવિક મૂર્ત તત્ત્વ છે તેની કિનાર માત્ર છે. જે પરમ તત્ત્વોના વિકાસમાં અહીં ગતિ થાય છે તે તો બધાં દર્શનો અને પ્રવૃત્તિઓનો ગંજ ભેગો કરો તોય તે આ મેરુગિરિ આગળ સવા વાલ જેટલું ઊતરે તેમ છે. પણ હવે બસ. આ તો બધો superlatives — તર-તમનો પ્રદેશ આવે છે.”

આગળ ઉપર એક વાર વાતચીતમાં તેમણે કહેલું કે સત્યાગ્રહની લડતમાં તેમણે સક્રિય ભાગ લીધેલો અને કારાવાસ સેવેલો. એક વાર જેલનિવાસ દરમ્યાન તેમણે આત્મખોજ આરંભી : જીવનમાં સાચો આનંદ, સાચી શાંતિ શી રીતે મળે? જીવનની ચરિતાર્થતા શામાં? શ્રી અરવિંદના સાહિત્યનો અમુક અભ્યાસ તો તેમણે કરેલો. તેમણે આ મંથન શ્રી અરવિંદ આગળ મૂક્યું. તરત જવાબ મળ્યો કે ભગવાનનો મોરચો એ જ આધ્યાત્મિક મોરચો છે અને માણસે પોતાની બધી શક્તિથી ત્યાં ઝૂઝવાનું છે. સ્વસ્તિક સોસાયટીમાં પોતે મકાન બાંધ્યું અને રહેવા આવ્યા તે જ રાત્રે તેમને વિચાર આવ્યો કે થોડી કીર્તિ, થોડી પ્રસિદ્ધિ, મકાન, બાહ્ય દુન્યવી સુખસગવડ — શું આટલામાં જ જીવનની ઇતિશ્રી છે? સુન્દરમમાં યોદ્ધાની શક્તિ અને મિજાજ છે તે સાથે સાથે પ્રપત્તિ –સમર્પણભાવ પણ છે. આ બંનેનો સુમેળ થયેલો છે. ‘કાવ્યમંગલા’માં તે ધ્રુવપદ શોધે છેઃ ‘ધ્રુવપદ ક્યહીં?’ પણ ‘યાત્રા’માં તેમને ધ્રુવપદ લાધે છે: ‘આ ધ્રુવપદ’. ‘ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા’ એમ ગાનાર કવિએ પોતાની જાતનો કેટલો હિસાબ કર્યો હશે એ જોવા જેવું છે. કવિ પોતાને ‘જિંદગીના અવિજેય શત્રુ’ તરીકે ઓળખાવે છે. ‘યાત્રા’નાં ‘જાગ અગની’, ‘અહો ગગનચારિ!’, ‘કત્લની રાત’, ‘ચલ’ જેવાં કાવ્યોમાં એ આંતરકથા કલાત્મક રીતે આલેખાયેલી છે. સુન્દરમ્ ભલે ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમમાં સ્થાયી નિવાસ માટે ગયા હોય, પણ આ આંતરખોજની પ્રક્રિયા તો ઘણી વહેલેરી શરૂ થઈ ગયેલી જોઈ શકાય છે. ૧૯૩૫ના નવેમ્બર અને ડિસેમ્બરમાં તેમણે દક્ષિણનો પ્રવાસ કરેલો. તે એ વખતે સ્વાભાવિક ક્રમમાં પોંડિચેરી પણ ગયેલા. એ પ્રવાસનું અત્યંત હૃદયંગમ વર્ણન તેમણે ‘દક્ષિણાયન’માં આપ્યું છે. ‘પોંડિચેરી’ના ૧૭મા પ્રકરણને અંતે પોતાના સંવેદનને વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે :

“પોંડિચેરીમાં બે દિવસ ગાળી રાતની ગાડીમાં અમે નીકળ્યા. શહેરની શાંત શેરીઓમાં મારી રિક્ષાને ખેંચતો બટકો રિક્ષાવાળો શરીર આગળ ઝુકાવી, ધીમા પદરવથી ધપી રહ્યો હતો. રબરનાં પૈડાંની રિક્ષા એક મીઠા સરસરાટથી ચાલતી હતી. કોઈ મૂંગું સંવેદન અંતર કોરી રહ્યું હતું. જીવનના સૌ રસો કરતાં કોઈ મહારસ અહીં રેલાઈ રહ્યો છે તેનું ભાન મને બેચેન કરી મૂકતું હતું. એ મહારસના અસ્તિત્વની ખાતરી અહીંના સાધકોને જોઈને થઈ. શ્રી અરવિંદનાં પ્રત્યક્ષ દર્શન કદાચ વધારે ગૂઢ અસર પણ ઉપજાવી શકતાં હશે. પણ શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોનો છોડીને જ સમજી શકાય? સંકલ્પ કર્યો : જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું કર્તવ્ય નહિ દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ. હમણાં તો ચાલો આ સ્ટેશને, પેલા સ્ટેશને, અને વળી પેલા....”

એ ‘મહારસ’ની ગંગોત્રીમાં પહોંચતાં પૂરો એક દશકો ગયો. પણ એ સમય ભારે મંથનનો, ખોજનો અને જિજ્ઞાસાનો હતો. એનો કાંઈક અણસાર શ્રી અંબુભાઈ પુરાણીના સુન્દરમ્ ઉપરના પત્રોમાંથી મળે છે. (જુઓ, ‘પત્રસંચય ‘, પૃ. ૨૧૩-૩૧૪ ). પણ મુદ્દો એ છે કે સુન્દરમ્ શ્રી અરવિંદ અને તેમના યોગ પ્રત્યે અભિમુખ બન્યા એ એક પૂર્ણ સજ્ઞાન પ્રક્રિયા છે. તેમણે કોઈ મુગ્ધ ભાવુક ભક્તજનની રીતે આમાં ગતિ કરેલી નથી. શ્રીકૃષ્ણે કહ્યું જ છે ને કે ज्ञानी त्वात्मैव मे मतम् । પણ સુન્દરમને મળવાનો પ્રસંગ હજુ સુધી આવ્યો ન હતો. તેમને પહેલવહેલો હું વડોદરામાં મળ્યો. નિશ્ચયાત્મક સ્પષ્ટ અવાજ, માધુર્ય અને પ્રસન્નતા વેરતી પ્રેમાળ આંખો અને સહજ હૃદયાનુસંધાનની કળાની મારા ચિત પર ઊંડી છાપ પડી. ગુજરાતી ભાષાના એક સત્ત્વશીલ સાહિત્યકારને અને યોગાભિમુખ સાધકને મળવા જતાં હું કેટલો બધો ક્ષોભ અને સંકોચ અનુભવતો હતો! પણ તેમણે તો થોડી ક્ષણોમાં જ મને એક પરમ સ્વસ્થતા, શાંતિ અને આનંદમાં મૂકી દીધો, જાણે બે કલાક પહેલાં જ હું તેમને મળ્યો હોઉં અને અમારી વાતચીત જાણે આગળ ચાલતી હોય એવું મને લાગ્યું. મને હમેશાં લાગ્યું છે કે સુન્દરમ્ પોતાના વ્યક્તિત્વ કે સિદ્ધિઓનો બોજ બીજા પર પડવા દેતા નથી. તેમની સાથેનું મિલન નિર્મળપણે બે વ્યક્તિઓનું મિલન બની રહે છે, અને ક્યાંય પણ, ક્યારેય પણ એના જેવી પવિત્ર વસ્તુ બીજી એકેય નથી. સુન્દરમની પ્રતિભા અનાક્રમક પ્રતિભા છે. એનું કારણ તેમની બાલસહજ નિર્દોષતા અને નિર્મળતા છે. તે વંદન ઝીલનાર કરતાં હાથ મેળવનાર — હસ્તધૂનન—shake handsના માણસ છે. અને આ કરવું મુશ્કેલ છે. અહમની કેટકેટલી ગ્રંથિઓ ભેદાઈ હોય ત્યારે એ શક્ય બને. સામી વ્યક્તિ સાથે આત્મૌપમ્ય સધાયું હોય એનો એ સંકેત છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરનારનો પ્રભાવ પડતો નથી, એ તો અંતરસમૃદ્ધિમાંથી આપોઆપ પ્રતિફલે છે. સુન્દરમ્ નાના-મોટા, સાહિત્યકાર-બિનસાહિત્યકાર, ધનિક-ગરીબ સૌને સમાનભાવે મળે છે અને એ સૌમાં ભગવાનની નિરવધિ લીલાનું દર્શન કરે છે. સૌને એ પોતાના મિત્ર ભાસે છે. સુન્દરમ્, આ રીતે, મૈત્રીના માણસ છે. એટલે કે કવિ છે. કવિ સ્ટીફન સ્પેન્ડરે એમ કહ્યાનું સ્મરણ છે કે કવિનું કાર્ય એક સંતના કાર્ય જેવું છે. પોતાની અતાગ સહાનુભૂતિના આશ્લેષમાં તે સૌને દૃઢ રીતે બાંધી લે છે. જે માનવપ્રેમી નથી તે કદાપિ કવિ હોઈ શકતો નથી. જે સાચી સહાનુભૂતિ અને સૌહાર્દ – સૌખ્ય ન હોય તો કવિ કવિતા કેવી રીતે કરે? કવિનું કાર્ય અને સંતનું કાર્ય તત્ત્વતઃ સમાન ભૂમિકાનું છે. સુન્દરમમાં કવિ અને ઊર્ધ્વસ્થિત અધ્યાત્મયાત્રી એકબીજામાં ભળી ગયા છે. દિવ્યતાના અવતરણની અભીપ્સા અને માનવતાપ્રેમી અભિગમ – આ બંને ચીજો પૃથક્ ન રહેતાં એકત્વનો અંક રચે છે. અને એથી જ શું કવિઓ, શું વાર્તાકારો, નવલકથાકારો, શિક્ષકો કે વેપારીઓ, નોકરિયાતો કે સ્વતંત્ર વ્યવસાયવાળા અનેક વર્ગના અને સ્તરના, વિવિધ બૌદ્ધિક ભૂમિકાના માણસોને તેમણે એક સૂત્રે સાંકળી લીધા છે. સૌના ઉપર તેમનો એકસરખો પ્રેમભાવ અને સૌનો એમના પ્રત્યે મૈત્રીજન્ય આદરભાવ. આપણા જમાનામાં ગાંધીજી અને શ્રી અરવિંદે કેટલા બધા પત્રો લખ્યા છે એનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ બને, નાના પાયા પર સુન્દરમ્ પણ અનેક વ્યક્તિઓને રોજેરોજ અસંખ્ય પત્રો લખે છે અને એ સૌને પ્રેરણા, પ્રકાશ, બળ અને આશ્વાસન આપે છે. એ રીતે તે જાણે કે જંગમ વિદ્યાપીઠનું કાર્ય બજાવે છે. ગુજરાત અને ગુજરાત બહારની અનેક વ્યક્તિઓને જીવનમાં તે કેવો જીવંત રસ લે છે એના આંકડા તો કદાચ તે પોતે જ આપી શકે. સુન્દરમ્ જાહેર સમારંભો અને મિલનોમાં પ્રસન્નતા વેરતા ઘૂમતા હોય એ દૃશ્ય સાચે જ પ્રેક્ષણીય છે. એમના સાન્નિધ્યમાં સહજ રીતે ઉત્સવનું વાતાવરણ રચાઈ જાય છે. હૃદયની ઉષ્માનો અનુભવ તો તેમના પરિચયમાં આવનાર તરત પામે. કવિ સી. ડે લુઈસએ ‘The Poet’s Task’માં અત્યારના જગતની બે છાવણીઓ – ખ્રિસ્તી સંપ્રદાય અને સામ્યવાદનો ઉલ્લેખ કરી કહ્યું છે કે એમાં ન માનનારે શું કરવું? પોતે જ જ્વાબ આપે છે કે, ‘To incline our hearts towards what is lovable and admirable in mankind.’ કવિ ડબલ્યુ. એચ. ઑડન એક કાવ્યમાં કહે છે કે : ચાલો આપણે એકબીજાને ચાહીએ અથવા નાશ પામીએ, સુન્દરમે તે ગાયું જ છે કેઃ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

સુન્દરમ્ જેમનું નામ (હવે એ ઉપનામ રહ્યું નથી!) તેમને કશું અસુન્દર કેમ ખપે? આ સૌહાર્દભાવ-મૈત્રીભાવ હવે મનુષ્યસૃષ્ટિ પૂરતો મર્યાદિત રહ્યો નથી, એમાં તો હવે સમગ્ર પ્રકૃતિ સમાવિષ્ટ થઈ જાય છે. સુન્દરમ્ એટલે મૈત્રીનું કાવ્ય. મારો વિવેચનસંગ્રહ ‘પરિમાણ’ તેમને અર્પણ કરવાનો મને વિચાર આવ્યો. પણ એમાં લખવું શું? સહજભાવે પંક્તિ હૃદયમાંથી પ્રસ્રવી : ‘અંતરે વિલસે કાવ્ય જેના સૌહાર્દ સ્નેહનું’ સૌહાર્દ-સ્નેહ એ જ તેમના સંબંધની સૂચક સંપ્રાપ્તિ છે. અને એ એવડું મોટું બળ છે જે હંમેશાં પ્રેરતું રહે છે, સ્નેહ આપવાની તેમની કલા પણ અનોખી છે, આપણા પોતાના ઘરમાં તે જાણે કે યજમાન હોય એ રીતે સ્વાભાવિક સ્નેહભાવથી વર્તે! તેમની સાથે પ્રવાસ કરનારાઓની નાનીમોટી જરૂરિયાતોની તે સંભાળ રાખે, અલકમલકની વાતો ચાલતી હોય પણ એને તે અધ્યાત્મના કેન્દ્રમાં તરત મૂકી આપે. પોતે શ્રી અરવિંદ અને શ્રી માતાજીમાં પૂરેપૂરા સમર્પિત હોવા છતાં દરેક પોતાની રુચિ અને વિચારસરણી પ્રમાણે ગતિ કરે એ જ તેમને ગમે. વિચારસ્વાતંત્ર્ય કે લોકશાહી રીતિનીતિના કશા અભિનિવેશ વગર સુન્દરમનું કામ ચાલતું હોય છે, અને સારી રીતે ચાલતું હોય છે. પણ એનો અર્થ એવો નથી કે તેમને પોતાના વિચારોનો આગ્રહ નથી કે સામી વ્યકિતને કહેવા યોગ્ય કહેવાનું તે ટાળે છે. એવા કાચી ભૂમિકા પરના સંબંધોની તેમને કશી કિંમતે નથી. એક વાર તેમણે મને લખેલું કે, ‘ચાહીને ઓળખાણ કરેલાં હોય છે તે પણ નરદમ ભુલાઈ જાય છે. એટલે પરિચયો પણ યથાકાળે આપમેળે થાય, વધે કે ઘટે, જેમ થાય તેમ થવા દેવું ઇષ્ટ છે.’ ‘યાત્રા’ વિશેનો મારો લેખ ‘સંસ્કૃતિ’ના ઑગસ્ટ ૧૯૫૩ના અંકમાં પ્રગટ થયો. એ લેખ વિશે તેમણે મને લખેલું:

“૧. કાવ્યમાં શ્રી અરવિંદનું તત્ત્વજ્ઞાન ‘જોવા મળે છે’ એવાં સ્થાનો, ૨. નૂતન વિચારસરણીના રંગને લીધે અરુચિકર બનેલાં શૃંગારકાવ્યો. આમાં દૃષ્ટિબિંદુ ઉદાહરણ સાથે રજૂ કરી શકાય તો વિશેષ લાભ થાય. કેમકે એ નવા વિષયો છે. તત્ત્વજ્ઞાન કવિતામાં આવીને કેમ કાવ્ય નથી બનતું તે મહત્ત્વનો વિષય છે. પોતાની કાવ્યદૃષ્ટિને સજગ રાખીને કવિ બને તેટલું કામ કરે છે. ‘યાત્રા’માં હું જેને નિષ્ફળ કે અકાવ્ય કૃતિ ગણું તેને મેં સ્થાન નથી આપ્યું. એટલે હજી કેવી ભૂલો-મારી કે પછી બીજાની – થાય છે તે જાણવું સૌને લાભકારક નીવડે. ઊર્ધ્વસ્થિત-કવિ શું disqualify થઈ જાય છે આ ‘મહારસ’ [શૃંગારરસ] માટે? કે એ રસ પોતે disqualify થાય છે? આનાં પણ દૃષ્ટાંતો ચર્ચવા જેવાં.”

બીજા એક પત્રમાં પણ તેમણે આ મુદ્દા અંગે લખેલું કે, ‘યોગીના કવિચિત્તમાંથી અનુભવ લેવાની શક્તિ શું જતી રહી છે? બલ્કે યોગીનું ચિત્ત જ પ્રત્યેક તત્ત્વનો સાચો અનુભવ લઈ શકે છે.’ અને મને શ્રી અરવિંદે ‘Love and Death’, ‘સાવિત્રી’ આદિમાં નિરૂપેલાં પ્રણયનાં ચિત્રો જોવા માટે સૂચન કરેલું. મારા જેવા નવાસવા લખનારની એક સમાલોચના પ્રત્યે તેમનું વલણ કેવું છે તે આમાંથી જોવા મળે છે. પ્રસ્તુત અવલોકનના આ મુદ્દાઓ વિશે તેમણે મારી ઝડતી લઈ નાખી પણ અમે બંનેએ એકબીજાને મચક ન આપી અને છતાં તેમના પ્રેમભાવમાં મેં સહેજ પણ ઓછપ ન જોઈ. તેમની બૌદ્ધિક પ્રામાણિક્તા, વિચારની મક્કમતા અને સ્વભાવગત વિનમ્રતાનો અનેક પ્રસંગોએ મને અનુભવ થયેલો છે. સુન્દરમનું ચિત્ત હમેશાં બૃહતમાં રમમાણ રહે છે. તેમની સમક્ષ ક્ષુદ્ર, સામાન્ય કક્ષાની વાતચીત કરવાની કોઈ ભાગ્યે જ હામ ભીડે. તેમને આગ્રહો છે પણ પૂર્વગ્રહો નથી. એક વાર એક સાહિત્યકાર મિત્ર ને હું તેમની સાથે ફરવા જતા હતા. વાતવાતમાં તેમણે કંઈક વાત છેડવાનો પ્રયત્ન કર્યો. સુન્દરમે અત્યંત સ્વસ્થતાથી છતાં મક્કમપણે કહ્યું : ‘હવે તમે જો સહેજ પણ આગળ ચલાવશો તો હું એ વસ્તુને જ ડામી દઈશ.’ અને બીજી જ પળે તે ખડખડાટ હસી પડ્યા! ઉગ્રતા પણ ક્યારેક તેમનામાં દેખાય, પણ એનું લક્ષ્ય કશુંક વિરૂપ, અણઘડ કે જડ તત્ત્વ હોય છે. સમગ્ર સંદર્ભમાંથી વ્યક્તિને ચાળી નાખીને સિદ્ધાંતને તે પકડી લે છે અને સિદ્ધાંતને શ્રી અરવિંદના જીવનદર્શનના પ્રકાશમાં ગોઠવી આપે છે. વ્યવસ્થિતતા અને ચોકસાઈ સુન્દરમમાં જોવા મળે છે તેવી અને તેટલા પ્રમાણમાં ઓછા લેખકોમાં જોવા મળતી હશે. તેમના ઘરની એકેએક ચીજ યથાસ્થિત જોશો, સમય અને શક્તિનો ઓછામાં ઓછો વ્યય થાય એ રીતે દૃષ્ટિપૂર્વક તે દરેક વસ્તુ ગોઠવે છે. નાની અમથી કાગળની કાપલીનો બગાડ પણ તેમના હાથે ન થાય, દરેક વસ્તુનો ઉપયોગ તેમણે બરોબર વિચારી લીધો હોય. તેમના મકાનમાં જ નાનકડું ‘દક્ષિણા’ કાર્યાલય કેટલું સુવ્યવસ્થિત ગોઠવાયેલું છે! એ કાર્યાલયમાં કે પ્રેસમાં કામ કરતા તેમને જોવા એ પણ એક લહાવો છે. ‘દક્ષિણા’ના મુદ્રણ પાછળ તેમની જાગ્રત દૃષ્ટિ રહેલી છે. એમનાં પ્રૂફોમાં ભૂલ શોધનારને નરદમ નિષ્ફળતા જ સાંપડે, છાપવા માટેની હસ્તપ્રતો તે એવી કાળજીપૂર્વક તૈયાર કરે ને કંપોઝીટરને માટે એવી વિગતવાર સૂચનાઓ–ટાઈપ કેવા લેવા, કયો પૅરેગ્રાફ ક્યાં કઈ રીતે ગોઠવવો – આપે કે એને બિલકુલ તકલીફ ન પડે. હસ્તપ્રતમાં છેકછાક હોય તો પણ ઑડનું ચૉડ વેતરાઈ ન જાય એ રીતે તેમણે એ કરી હોય. શુદ્ધિ માટેનો આગ્રહ પણ એવો જ. પ્રવાસનાં ભારે રોકાણો વચ્ચે પણ તે નિત્યક્રમ બરોબર જાળવે. વ્યાયામ પણ નિયમિત કરે. આશ્રમના પ્લેગ્રાઉન્ડ ઉપર ચડ્ડી પહેરીને કસરત કરતા તેમને અને અંબુભાઈને જોયેલા એ દૃશ્ય ભુલાય એવું નથી! સુન્દરમના વ્યક્તિત્વને એક શબ્દમાં વર્ણવવું હોય તો હું એને સૌષ્ઠવપૂર્ણ કહું. સુન્દરમ્ એટલે માધુર્ય અને સુદૃઢતાનો સુયોગ. તેમનું માનસ સ્વતંત્ર, ચિંતનશીલ અને નિખાલસ છે. હમણાં ઑક્ટોબરમાં મળ્યા ત્યારે આ લેખ માટે જરૂર પડ્યે તેમના પત્રોમાંથી ઉતારાઓ આપવા અંગે મેં તેમની રજા માગી. સહેજ પણ અચકાયા વગર તેમણે કહ્યું: ‘તમને ઠીક લાગે તેમ તમે એ યોજી શકો છો, મારે કશું છુપાવવાનું નથી.’ કેવી પારદર્શકતા! વિજયરાય વૈદ્યે કાન્ત માટે ‘કવિ અને સત્યશોધક’ શબ્દો યોજેલા. મને લાગે છે કે એ કાન્ત ઉપરાંત સુન્દરમને પણ બરોબર લાગુ પડે છે. તેમનામાં સત્યની શોધ અને કળાની ગંભીર ઉપાસના એ બંને ચીજો આગળ પડતી છે. સુન્દરમ્ આપણા સારસ્વતોની હારમાળામાં સ્વકીય સૌમ્ય પ્રકાશથી સોહે છે. તેમની સારસ્વત પ્રતિભા સાત્ત્વિક છે, ‘સાત્ત્વિક’ તે યૌગિક અને રૂઢ બંને અર્થમાં.

૧૪-૫-૭૮