શબ્દલોકના યાત્રીઓ – ૨/મકરંદ દવે

મકરંદ દવે

કવિ તરીકે મકરંદભાઈ સુપ્રસિદ્ધ છે. પણ મને વર્ષો પહેલાં સાધક મકરંદભાઈને મળવાનું મન થયું. પત્ર લખ્યો. ઉત્તર ઘણો ઉષ્માસભર હતો, પણ પછી કાંઈ યોગ ન ખાધો. બેત્રણ વર્ષ પહેલાં મુંબઈ ગયેલો ત્યારે મળ્યો. ગુલાબદાસ બ્રોકર પણ યોગાનુયોગ મારી સાથે હતા. આનંદ સોસાયટીના એમના નિવાસસ્થાને મળ્યો અને સ્વજનને મળ્યાનો સઘન આનંદ અનુભવ્યો. મકરંદ દવેએ મુખ્યત્વે કવિતાક્ષેત્રે કાર્ય કર્યું છે. ‘તરણાં’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’ આદિ કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. એમની કવિતા અગમના અણસાર લઈ આવતી કવિતા છે. છેલ્લી પચીસીમાં ધર્મ અને અધ્યાત્મને અનુલક્ષતી ઘણી કવિતા આપણે ત્યાં લખાઈ છે. બીજા પ્રકારોની જેમ આ પ્રકારની કવિતામાં પણ કૃતક કાવ્યાભાસી ઉદ્ગારોની કમીના રહી નથી. આવી કવિતાથી કાંઈક અકળાઈને વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ વડોદરા લેખક મિલનમાં ઉગ્રતાપૂર્વક પોતાની નાપસંદગી વ્યક્ત કરેલી. પણ એ પછી આ જાતની સાચી-ખોટી કવિતા મબલક લખાતી રહી. કવિતા એ સમયમાં પથરાયેલી કલા છે, ઈન્દ્રિયગ્રાહ્ય કલા છે. અતિન્દ્રિય અનુભવને ઈન્દ્રિયગ્રાહ્ય રૂપે રજૂ કરવો એ કપરું કામ છે. એટલે વિશ્વની કવિતામાં પણ Metaphysical poetry — આધ્યાત્મિક કવિતા તો ઓછી જ છે. ગુજરાતીમાં મધ્યકાળનાં નરસિંહ, મીરાં, અખો કે દયારામમાં અનુભવનો રણકાર હૃદય સોંસરો ઊતરી જાય છે. સાંપ્રત સમયમાં સુન્દરમ્ અને મકરંદ દવેનાં કાવ્યો પણ એવાં જ હૃદયસ્પર્શી નીવડે છે. સાચી અનુભૂતિજન્ય કવિતા તેમણે આપી છે. આ ઉપરાંત મકરંદભાઈએ સૌરાષ્ટ્રની ધરતીના તળપદા સૌંદર્યને એવી જ બળકટ વીર્યશાલી ઓજસ્વી ભાષામાં મૂર્ત કર્યું છે. તેમણે ભજનોનું એક સંપાદન ‘સતકેરી વાણી’ નામે કર્યું છે. મને લાગે છે કે એમની કવિતા સત કેરી વાણી જ છે. ‘સત’ એટલે આધ્યાત્મિક સત્ય અને કાવ્યસત્ય (Poetic Truth). પણ એ વાણી સત્ત્વશીલ પણ છે. મકરંદ દવેની વાણીના પરિચયમાં મુકાવું એ એક લહાવો છે. શ્રી મકરંદભાઈના પિતાનું નામ વજેશંકર. એમનો જન્મ ગોંડલમાં તારીખ ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું. પછી રાજકોટ આર્ટ્સ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે દાખલ થયા, પણ ઇન્ટર આર્ટ્સમાં હતા ત્યારે બેતાળીસની લડત શરૂ થઈ. એમાં ઝંપલાવ્યું. પછી કૉલેજ છૂટી ગઈ તે છૂટી ગઈ. ‘કુમાર’ માસિકના તંત્રી વિભાગમાં જોડાયા. ‘ઊર્મિ નવરચના’માં શ્રી ઝવેરચંદ મેઘાણી સંપાદક હતા ત્યારે તેમની સાથે કામ કર્યું. એ પછી ‘જય હિંદ’ દૈનિક શરૂ થતાં એમાં જોડાયા. આ રીતે સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે કામ કર્યું. આ અરસામાં તેમને આધ્યાત્મિક અનુભ થવા લાગ્યા. જીવનની દશા અને દિશા બંને ફરી ગયાં. તેમનાં માતુશ્રીની લાંબી બીમારીમાં સેવા કરતાં કરતાં તેમને ઘણા અનુભવો થયા. માંહ્યલાનું દર્શન થયું. મોટી ઉંમરે તેમણે આપણાં લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે લગ્ન કર્યું. હાલ તે એમની સાથે મુંબઈ રહે છે. થોડાં વર્ષો પહેલાં જૂનાગઢના શ્રી રતિભાઈ જોષી ઉમાશંકરભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.નો અભ્યાસ કરતા ત્યારે અવારનવાર મકરંદભાઈ વિશે “સાંઈ મકરંદ” એવો ઉલ્લેખ કરતા. મારા મિત્ર પ્રજારામ રાવળ પણ મકરંદભાઈનાં વખાણ કરતાં થાકે નહિ. એમના અધ્યાત્મ અનુભવ અને ભક્તજીવન વિશે ઘણું સાંભળ્યું છે. પ્રત્યક્ષ-પરોક્ષ પરિચયે પણ એ બતાવ્યું કે મકરંદભાઈ એક વિરલ સાધક છે. વર્ષો પહેલાં ઉમાશંકરભાઈ ગોંડલમાં એમને મળીને આવેલા ત્યારે મેં વાત કાઢી તો કહે ‘He lives in reality.’ કાવ્ય ઉપરાંત તેમણે ‘શેણી વિજાણંદ’ નામે ગીત-નાટિકા અને ‘બે ભાઈ’ અને ‘તાઈકો’ નામે બાળનાટિકાઓ લખી છે. ‘પીડ પરાઈ’માં પ્રસંગચિત્રો આલેખ્યાં છે. મુંબઈમાં મળ્યો ત્યારે તેમણે હલધર બલરામના ચરિતને આલેખતી ‘માટીનો મહેકતો સાદ’ નામે નવલકથા લખ્યાનું કહેલું. એ ક્યારે પ્રકાશિત થશે? ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ એ તેમની પુસ્તિકા થોડાં વર્ષો પહેલાં વાંચેલી. ઘણી ગમેલી. એમાં આપેલાં ગિરનારયોગી હરનાથનાં સંસ્મરણો પ્રેરક છે. યોગી શ્રી હરનાથની આજુબાજુની આખી હવા તે લઈ આવ્યા છે. મકરંદભાઈનાં આ વિષયનાં બે પુસ્તકો હમણાં જ પ્રગટ થયાં છે. એક ‘યોગપથ’ અને બીજું ‘અંતર્વેદી’. ‘યોગપથ’માં યોગકથાની આંતરભૂમિ દર્શાવી પંચ સાધનાનું રોચક વિવરણ આપ્યું છે. આ પંચસાધના તે પૃથ્વીની સાધના કર્મ, જળની સાધના પ્રેમ, અગ્નિની સાધના જ્ઞાન, વાયુની સાધના યોગ, અને આકાશની સાધના નૈષ્કર્મ્ય આ પાંચે સાધનાઓ એકબીજીની પ્રેરક-પૂરક છે તે દર્શાવ્યું છે. યોગમાર્ગ વિશેનાં પુસ્તકમાં આ પુસ્તક એની રસાળ નિરૂપણરીતિ અને સ્વકીય અનુભૂતિ–રણકારને કારણે રોચક બન્યું છે. ‘અંતર્વેદી’માં મનુષ્યમાં અહોરાત્ર ચાલી રહેલા અગ્નિહોમને આધ્યાત્મિક સાધનાના યજ્ઞમાં પલટવાની પ્રક્રિયાનું વિવરણ થયું છે. મનુષ્યનું હૃદય આવા યજ્ઞ માટેની અંતર્વેદી છે. તેનું સમગ્ર જીવન આવા યજ્ઞનું સદા ચાલતું સત્ર છે. મનુષ્યને મળેલી બધી સામગ્રી આવા યજ્ઞનું હુતદ્રવ્ય છે, સમિધ છે. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં યજ્ઞમીમાંસા આપી, મકરંદભાઈ સમગ્ર જીવનના આંતરયજ્ઞની વાત લઈ આવે છે. આ નાનકડું પુસ્તક એ માટે પૂરતું પ્રેરક નીવડશે. મકરંદ દવે જેવા કવિ અને યોગમાર્ગના પ્રવાસીનું જીવન અને કવન ગુજરાતી સાહિત્યનું એક અનેરું આભરણ છે. મકરંદભાઈ, એ ઊર્ધ્વલોકનાં રહસ્યો વધુ ને વધુ શબ્દબદ્ધ કરો.

૨૧-૧-૭૯