શબ્દલોકના યાત્રીઓ – ૨/રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી

૧૯પ૯-૧૯૬૦ના ગાળામાં અમદાવાદના સી. એન. વિદ્યાવિહારના કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી શ્રી ઉમાશંકરભાઈ સાથે ચાલતો ચાલતો સરદાર પટેલ નગર આવતો હતો ત્યારે રસ્તામાં તેમણે રઘુવીરનો પરિચય કરાવ્યો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણે છે, હૉસ્ટેલમાં રહે છે અને સાહિત્યની ભારે દિલચસ્પી છે. એ વાતને લગભગ અઢાર-ઓગણીસ વર્ષ થયાં. અનેક પરિસ્થિતિમાં મેં તેમને જોયા છે. પણ રઘુવીરને હું ઓળખું છું એવો દાવો હું ન કરું (એ પોતે પણ કદાચ ન કરે). પણ મને વ્યક્તિ અને લેખક તરીકે એમનામાં રસ છે. તે અમારા ઉત્તર ગુજરાતના છે. કોઈ વાર એ માટે ગૌરવની લાગણી પણ થાય છે. છેલ્લાં વર્ષોમાં એ વધારે ઠરેલ અને વ્યવહારકુશળ બન્યા છે. પરિષદના જ્ઞાનસત્રમાં લાભશંકર ઠાકર સાથે ઝઘડેલા. અત્યારે લાભશંકરના એ વિશિષ્ટ પ્રશંસક છે. સહકાર અને બંધુતાની ભાવના એમનામાં મેં જોઈ છે. બીજાને મદદ કરવા હંમેશાં તત્પર. સ્વ. રાવજી પટેલની તેમણે ઘણી શુશ્રૂષા કરેલી. તાજેતરમાં ચિનુ મોદીને પણ એવી જ મદદ કરવાની તેમની તાલાવેલી. લેખકો કોઈ તકલીફમાં હોય તો રધુવીર સ્વયંસ્ફુરણાથી પોતાનો હાથ લંબાવે. રઘુવીર ચૌધરીને ગયું વર્ષ લાભદાયી નીવડ્યું. એકસાથે ઘણી સિદ્ધિઓ સાંપડી. ઉપરવાસ કથાત્રયી માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો, ગુજરાત પાસે સાહિત્યનું શ્રેષ્ઠ માન આપવાના તરીકારૂપ રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો અને યુનિવર્સિટીના ભાષા ભવનમાં તે હિંદીના વ્યાખ્યાતા નિમાયા. પણ આ બધું તે પોતે તો જાણતા જ હશે! તેમણે પોતાની જન્મકુંડલી કાળજીપૂર્વક જોઈ હશે (રઘુવીર જ્યોતિષ વિદ્યામાં ઘણી સૂઝ અને રસ ધરાવે છે, એ બહુ ઓછા જાણતા હશે.) પણ આમ કહેવામાં તેમને સ્વકીય પુરુષાર્થનું એવું મૂલ્ય આંકવાનો મારો ઈરાદો નથી. તેમણે સ્વપુરુષાર્થથી પોતાનું ઘડતર કર્યું છે. તેમનો જન્મ પ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ ઉત્તર ગુજરાતમાં માણસા પાસે બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ તેમણે માણસામાં લીધું. ભોળાભાઈ પટેલ તેમના શિક્ષક હતા. ૧૯૬૦માં તેમણે મુખ્ય વિષય હિંદી અને સંસ્કૃત સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૬૨માં ઊંચા બીજા વર્ગ સાથે એમ.એ. થયા. પીએચ.ડી. માટે તાજેતરમાં ‘હિંદી અને ગુજરાતીના ક્રિયાવાચક ધાતુઓનું તુલનાત્મક અધ્યયન’ એ વિશે હિંદીમાં મહાનિબંધ લખી યુનિ.ને સુપરત કર્યો છે. આ સંશોધનકાર્યમાં ડૉ. ભાયાણીએ મદદ કરેલી. બી.એ. થઈને જ ઝેવિયર્સમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. ૧૯૬૨થી ૧૯૬પ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું. લેખક-અધ્યાપકોએ પોતાનાં લખાણોની હસ્તપ્રત બતાવ્યા બાદ જ પ્રગટ કરવી એવા વિદ્યાપીઠના કાયદાના વિરોધમાં તે રાજીનામું આપી છૂટા થયા. પ્રશ્ન તેમની કીર્તિદા નવલકથા ‘અમૃતા’ની હસ્તપ્રત બતાવવાનો હતો. ૧૯૬પમાં છ મહિના ભો. જે. વિદ્યાલયમાં પારિભાષિક કોશનું કાર્ય કર્યું અને ૧૯૬૬થી ૧૯૭૦ સુધી બાલાભાઈ દામોદરદાસ આર્ટ્સ કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૭૦ થી ૧૯૭૭ સુધી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં હિંદી અને જનરલ એજ્યુકેશનના પ્રોફેસર તરીકે રહ્યા. હાલ ભાષાભવનમાં છે. છેલ્લી બે સંસ્થાઓના આચાર્યોનો –પ્રિ. એસ. આર. ભટ્ટ અને પ્રિ. યશવંત શુકલ – તેમના પર સારો પ્રભાવ પડ્યો છે. એમાંય યશવંતભાઈ સાથે પરિષદ અને અન્ય પ્રવૃત્તિ નિમિત્તે વિશેષ સંપર્ક રહે એ સ્વાભાવિક છે. યશવંતભાઈની રૅશનલાઈઝ કરવાની કળા રઘુવીરે બરોબર હસ્તગત કરી લીધી છે. રઘુવીરે તેમની નવલકથાઓમાં નગીનદાસ પારેખ, સી. એન. પટેલ, દિગીશ મહેતા, ચન્દ્રકાન્ત ટોપીવાલા, સુમન શાહ વગેરેની પ્રસ્તાવનાઓ લીધી છે. પણ યશવંતભાઈની હજુ સુધી કેમ લીધી નથી એ પ્રશ્ન મને થાય છે! ઉમાશંકરની પણ બાકી જ છે. પણું ઉમાશંકરે એમની એક પણ નવલકથા સાદ્યંત વાંચી હશે કે કેમ એ વિશે મારા મનમાં પ્રામાણિક શંકા છે. રઘુવીર ચૌધરી ‘સર્જક’ છે, વિવેચક છે. પણ સૌ પ્રથમ નવલકથાકાર છે. વિવેચક તો તે જયંતી દલાલ, ચૂનીલાલ મડિયા વગેરેની પરંપરાના છે. તેમણે નવલકથા ઉપરાંત કવિતા, ટૂંકી વાર્તા, નાટક વગેરે પ્રકારો પણ ખેડ્યા છે. વિવિધ સર્જનાત્મક પ્રકારોમાં તેમને લગભગ એકસરખી સફળતા સાંપડી છે. તાજેતરમાં નિરંજન ભગતે તેમને ‘સર્વતોમુખી સર્જક’ તરીકે બિરદાવ્યા એમાં રાધેશ્યામ શર્માએ શા માટે વાંધો લેવો જોઈએ? રઘુવીર સર્વતોમુખી સર્જક છે જ. તેમના સર્જકત્વ વિશે સભાન હોય તોપણ એનો વાંધો નથી. પચીસેક વર્ષ પહેલાં વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં પોતાને ‘કવિ’ તરીકે ભારપૂર્વક ઓળખાવ્યા ત્યારે ઉમાશંકરે એક સંસ્કૃત શ્લોક ટાંકીને કવિઓ તો કાલિદાસાદિ એમ કહી ‘કવિ’ તરીકેના ભાવનામય ઉચ્ચગ્રાહને વ્યક્ત કરેલો. પણ અત્યારના લેખકો એવું ન પણ કરે. સારી કૃતિઓ આપે એટલે બસ. ‘તમસા’ કાવ્યસંગ્રહમાં રઘુવીરની કેટલીક સારી રચનાઓ સંગ્રહાયેલી છે. તેમણે ડઝન જેટલી નવલકથાઓ લખી છે. એમની પ્રથમ નવલકથા ‘પૂર્વરાગ’ પ્રગટ થઈ ત્યારે એના અવલોકનમાં સુરેશ જોષીએ પહેલું જ વાક્ય આ પ્રમાણે લખેલું : ‘પૂર્વરાગ’ વાંચતાં સૌથી પહેલો પ્રશ્ન આ થાય છે : નવલકથાને શુદ્ધ સાહિત્યનું સ્વરૂપ લેખી શકાય? અને આ કૃતિમાં ભેગી થઈ ગયેલી પચરંગી સામગ્રી એને કલાકૃતિ બનતાં કેમ રોકે છે તેની વાત તેમણે કરેલી. ‘પૂર્વરાગ’માં થોડું ગમે એવું છે. પ્રારંભિક કચાશો છતાં એ એક આસ્વાદ્ય નવલકથા બનેલી છે. તેમની ‘અમૃતા’ અને ‘વેણુવત્સલા’ પ્રથમ કક્ષાની કૃતિઓ છે એ નિર્વિવાદ વસ્તુ છે. એમની ‘લાગણી’ પણ અનુભૂતિની સચ્ચાઈથી આકર્ષક નીવડી છે. એમની નવલકથાઓ વિશે પ્રસંગોપાત્ત મારે લખવાનું બન્યું છે. હમણાં તેમણે’ ‘શ્રાવણ રાતે’ પ્રગટ કરી. કોઈ મિત્રે પોતાના જીવનની ઘટના વાતવાતમાં કહી તો રઘુવીરે ‘શ્રાવણ રાતે’ લખી નાખી! હાલ તેઓ ‘રુદ્ર મહાલય’ નવલકથા લખી રહ્યા છે. ‘સમર્પણ’માં તે ધારાવાહી રૂપે પ્રગટ થાય છે. નાટકની પણ રઘુવીરને આગવી સૂઝ છે. ‘ડિમ લાઈટ’માં ઉત્તર ગુજરાતની લોકબોલીનો સફળ વિનિયોગ થયો છે. રઘુવીરે કેટલાંક સારાં એકાંકીઓ આપ્યાં છે. વિવેચનકાર તરીકે રઘુવીરે રાધેશ્યામ શર્માના સહયોગમાં ‘ગુજરાતી નવલકથા’નો આલેખ તૈયાર કર્યો છે. મોટા ભાગનું લખાણ રઘુવીરનું છે. એ પ્રગટ થયું તેવામાં એના અવલોકન માટે મેં નોંધો તૈયાર કરેલી, પણ પછી એ કાગળો ખોવાઈ ગયા અને રઘુવીર બચી ગયા! ‘અદ્યતન કવિતા’ અને ‘વાર્તાવિશેષ’માં તેમનો અભ્યાસ દેખાઈ આવે છે. રઘુવીર પ્રમાણમાં ઘણું લખે છે. તે કલમજીવી પણ રહી શકે. પણ સર્જકતાનો સ્તર એકસરખો જાળવવો મુશ્કેલ તો બને. તે ગુજરાતના ખાંડેકર બની શકે એવી ક્ષમતા ધરાવે છે. પણ એમના પ્રશંસકો તો તે સર્જક્તાના વિશિષ્ટ આવિષ્કરણરૂપ ધરખમ કૃતિઓ આપે એમ ઈચ્છે છે. તેમણે એવી કૃતિઓ આપી પણ છે, એટલે કે, અપેક્ષા ઊભી કરી છે. માટે તો આમ કહેવાનો આપણને અધિકાર છે. રઘુવીર વ્યક્તિ તરીકે સુજનતાવાળા છે, મળતાવડા છે. કોઈ પણ સમારંભ હોય, મિલન કે મેળાવડો હોય કે પછી ભાષણ હોય, રઘુવીર તમને એમાં મળે જ. થોડા થોડા સમયને આંતરે ‘મુરબ્બીઓ’ને પણ વંદન કરી આવે. કોઈ દૈનિકની ઑફિસમાં પણ તે ભેટી જાય. તે આમ જુઓ તો બહાર જ દેખાય. મને ઘણી વાર પ્રશ્ન થયો છે કે આટલું બધું તે કયા સમયે લખતા હશે? પીતાંબર પટેલ પછી રઘુવીરે ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન સંભાળ્યું. તેમના મંત્રી થયા પછી પરિષદમાં એક સાહિત્યિક આબોહવા સઘનરૂપે અનુભવાય છે. પરિસંવાદો, ચર્ચાઓ, સાહિત્યિક વાર્તાલાપો અને મિલનો દ્વારા પરિષદને વધુ જીવંત અને સક્રિય બનાવી છે. પરિષદનું હવે પોતાનું ભવન હાથવેંતમાં દેખાય છે. ત્યારે રઘુવીરે ઊભી કરેલી આ પરિપાટી ઉપકારક નીવડશે. રઘુવીર ચૌધરી : ગુજરાતી સાહિત્યની આવતી કાલ. અત્યારે એમની હેડીના લેખકોમાં popular હોય અને એ સાથે ઉચ્ચ કલાત્મક ધોરણો જાળવીને લખતા હોય એવા લેખકો કેટલા? મને ગણતરી કરતાં મુશ્કેલી પડે છે! તે વધુ અંતર્મુખ બની (રઘુવીર વિશેષ અંતર્મુખ હોય એવી મારી કલ્પના છે) ઉચ્ચ કલાકૃતિઓ આપે એમ ઇચ્છીએ.

૨૭-૮-૭૮