સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/એ માટે વિવેચનપ્રયોગોની આવશ્યકતા


એ માટે વિવેચનપ્રયોગોની આવશ્યકતા


એ વાત સાચી છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા સ્થાપિત કરવા માટે ઘણા વિવેચનપ્રયોગોની આવશ્યકતા છે. ભાયાણીએ આવા કેટલાક વિવેચન-પ્રયોગો કર્યા છે, આ લેખકે પણ થોડાક કર્યા છે, હમણાં અજિત ઠાકોરના કેટલાક વિવેચનપ્રયોગ જોવા મળ્યા છે. અને ભરત મહેતાએ પણ આ દૃષ્ટિએ વિવેચન કર્યાનું જાણવા મળ્યું છે. જૂના સમયમાં રામપ્રસાદ બક્ષી અને ડોલરરાય માંકડે પણ આવા કોઈક પ્રયોગ કર્યા છે. વિવેચનમાં પ્રસંગોપાત્ત અને ખપપૂરતો સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો વિનિયોગ કર્યાના દાખલા શોધીએ તો ઘણા મળવા સંભવ છે. પણ આ બધું સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સઘળી ક્ષમતાને પ્રગટ કરનારું અને એની પ્રસ્તુતતા પૂરેપૂરી સિદ્ધ કરનારું છે એમ ભાગ્યે જ કહી શકાય, એ માટે તો વ્યાપક પ્રયોગો થવા જોઈએ – વિવિધ પ્રકારની ને શૈલીની સાહિત્યકૃતિઓ સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં ઓજારોથી કામ પાડવું જોઈએ, ધ્વનિ અને રસ જેવા વ્યાપક વિભાવોને જ નહીં, એની ઘણી નક્કર વિશ્લેષણપદ્ધતિઓને કામે લગાડવી જોઈએ. આ કામ સહેલું તો નથી જ. એ એક બાજુથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પ્રગાઢ અભ્યાસ માગે – એમાં એટલુંબધું ભરેલું છે કે પ્રગાઢ અભ્યાસ વિના એ બહાર આવવું મુશ્કેલ છે, એ એટલું ચોક્કસ શાસ્ત્ર છે કે પ્રગાઢ અભ્યાસ વિના એનો પ્રમાણભૂત ઉપયોગ થવો શક્ય નથી. બીજી બાજુથી એ સૂક્ષ્મ રસજ્ઞતા ને તીક્ષ્ણ વિવેચકબુદ્ધિ માગે. નહીં તો આધુનિક સાહિત્યકૃતિના મર્મો ઉઘાડવાનું શક્ય બને નહીં. વિવેચનપ્રયોગ કાં તો દુરાકૃષ્ટ આરોપણોવાળો, ક્લિષ્ટતાભર્યો ને પાંડિત્યપ્રદર્શન સમો બની જાય અથવા માત્ર નવી સંજ્ઞાચિઠ્ઠીઓ ચોંટાડનારો, સપાટિયો અને નિ:સાર બની જાય. કૃતિ અને કાવ્યશાસ્ત્રનો સફળ અનુબંધ રચાય જ નહીં. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની કાર્યક્ષમતાને નાણવાના હેતુથી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ મૈસુરમાં એક પરિસંવાદ યોજેલો, જેમાં અભ્યાસીઓ કોઈ પણ ભાષાની સાહિત્યકૃતિ લઈને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની એના પર અજમાયશ કરે એવી અપેક્ષા હતી. એમાં વંચાયેલા નિબંધોનું પુસ્તક પ્રગટ થયું છે પણ એના સંપાદકને પરિણામથી પૂરતો સંતોષ નથી એ દેખાઈ આવે છે. અડધાથી ઓછા લેખકોએ સીધું કૃતિ સાથે કામ પાડ્યું, સૈદ્ધાંતિક ચર્ચા કરવાનું જ બીજાઓને ફાવ્યું! સંપાદકને એવી આશા રાખવાની થઈ છે કે પડકાર નજીકના ભવિષ્યમાં નહીં તોયે વર્ષો પછી સારી રીતે ઝિલાશે. (ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, સંપા. સી.ડી. નરસિંહૈયા)