સફરના સાથી/મકરન્દ દવે

મકરન્દ દવે

ગિરનારના જંગલમાં રહેતો ત્યારે ક્યારેક રાજકોટ નિમિત્ત મળતાં ઘાયલને ત્યાં પહોંચી જતો, પણ સાંજ ને રાત મકરન્દ દવે, ગાફિલ અને ઘાયલની ત્રિપુટી સાથે ગઝલઆબોહવામાં પસાર થઈ જતી. એ ગઝલી આબોહવા નોખી. ઘાયલનો તૉર, મિજાજ, ઉન્મેષ ઊછળતા, બળુકા, પણ પેલા બે સૂફીઘરાનાના છતાં બધું એકમેકમાં એવું ભળી જાય, એક થઈ જાય કે ગઝલ એટલે આ બધું ભેગું મળે તો થાય. આ ચોથાનું તો કોઈ એક જ રૂપ, સૂર નહોતા, વિદ્યાર્થીની સાથે જ કોઈ કોઈ વાર શિક્ષક ડોકિયું કરે, માથું ય ઊંચું કરી બેસે એવો છોકરવાદી. લોકો ગિરનાર યાત્રા કરવા જાય. હું જેનાથી છૂટો પડી ગયેલો કે એકલો પડી ગયેલો એ ત્રિપુટીની યાત્રા કરવા જાઉં. ખુદ મકરન્દભાઈએ લખ્યું છે: ‘મનુભાઈની સંગતે સરોદી ભજનો અને ગાફિલી રંગ ચઢ્યો. આમાં વચ્ચે રતિલાલ ‘અનિલ’ ફરકી જતા. અનિલે આ દિવસોનાં સ્મરણ ‘સફરના સાથી’ લેખમાળામાં આલેખ્યાં છે. કેવા તો રંગીન દિવસ હતા! ઊડતી જાજમ કે ફિરસ્તાની પાંખો ત્યારે વાસ્તવિક હતી.” મારા તર્કો બીજાઓ માટે બહુ વિચિત્ર બને છે. સમય શાશ્વત છે—આદિથી અંત હોય તો, ત્યાં સુધી વિસ્તરેલો અને સમયમાં વળી સમય સમયના રંગો છે. એટલે મારી જુદી પડતી ગઝલોને પણ સામયિક નહીં શાશ્વત કહું, એક તંત્રીએ મારા ‘રસ્તો’ સંગ્રહની એક ગઝલ ‘જોઈ લેવાશે’ પર આશ્ચર્યવત્ આખી કૉલમ લખી: ‘આ સાવ જુદી છે.’ એ કેમ જુદી? આમ તો ત્રિપુટીમાં ‘હું છેલ પૂંછડિયો’ આ ચોથો હતો જ, પણ દવેના સદ્દગત સાળા ‘જયહિન્દ’ અખબારના તંત્રી માલિકની ભલામણના એક સમાચાર ન છાપીને રાજીનામું આપી છૂટા પડ્યા અને આજે અડધિયું અખબાર કહેવાય છે તેવું સાપ્તાહિક પ્રગટ કર્યું. સાળાબનેવીની જુગલજોડીએ બરાબરનો રંગ જમાવ્યો તે વર્ણવવા એક પુણ્યસ્મરણ સાંભરે છે. સહજાનંદ સ્વામી સૌરાષ્ટ્રના એક નાનકડા બાપુના રાજઠકરાતમાં રહે. બાપાના ભગતે હેતથી બાપાને ડગલી સીવી આપી. તે જોઈ ગામબાપુએ દરજીને કહ્યું: ‘મનેય ડગલી સીવી આપ’ અને દરજીએ સીવી આપી તે જોઈ બાપુ કહે, ‘છે તો સરસ, પણ સ્વામીબાપાને સીવી આપી એવી તો નહીં.’ ત્યારે દરજીએ કહ્યું: ‘બાપુ, એ ડગલી પર તો હેતના ટેભા લીધા છે.’ એટલે પેલું અઠવાડિક સાળા બનેવીના હેતના ટેભાએ પ્રગટ થયું તેમાં મારાં ઘણાં લખાણો છપાયાં, ગદ્ય સુધ્ધાં, તેમાં એ જ મિજાજમાં ‘જોઈ લેવાશે’ ગઝલ એ જ પત્ર માટે લખેલી! અગાઉ ‘કુમાર’ કાર્યાલયમાં કામ કરી આવેલા મકરન્દ દવે સાહિત્યિક પત્રકાર તો હતા જ, તે અખબારી પત્રકારત્વમાં પડે ત્યારે અખબારી પત્રકારત્વને જ લાભ થાય. એ મેઘાણી અને હરીન્દ્ર દવેનાં ઉદાહરણોએ પુરવાર કર્યું છે. હું પ્રવાહમાં પડીને પથરો જ રહ્યો. શાલિગ્રામ ન થયો. અણઘડને જ અતૂટ પ્રવાહનું આયુષ્ય અને ભવિષ્ય નથી હોતું? ગિરનાર છોડ્યું તે સાથે ઘણું બધું છુટ્યું. મારે તો ઘર નહોતું. ફરંદા રાવટી, તંબૂ જ હતાં ને રહ્યાં. વલસાડમાં મુશાયરો. બીજા સુરત પાછા ફર્યા, પણ એક ભાઈ મળ્યા, તે કહે, ‘તમને નંદિગ્રામ પહોંચાડીશ’ અને એમની સાથે હું પહોંચ્યો ત્યારે બે સુદામા ભેટી પડ્યા. ત્રણેક દિવસ ઘરોબો, સ્મરણો તાજાં કર્યાં, એક કાવ્યરસિક મંડળી સામે મને ગઝલ બોલાવી. ગિરનારમાં રહેલો એટલે નંદિગ્રામમાં વસવા મારી ને એમની ઇચ્છા, પણ જુદું ઘર બાંધવાની કોઈનીય આર્થિક જોગવાઈ નહીં. બીજી એકવાર ઊડતી મુલાકાત લીધી ત્યારેય થોડાક શેર મારા મોઢે બડબડાવેલા. ‘કંકાવટી’ નેય મકરન્દભાઈ તેમની રચના આપતા અને એકવાર ઘાયલ ને મારી ગઝલ સાથે છપાઈ તે સાથે જ એમનો સ્નેહાળ પુણ્યપ્રકોપ પત્રરૂપે આવી પડ્યો. મેં ભૂલ સમજીને પણ ભૂલનું દુઃસાહસ કરેલું. આરબચોકી જેવી નજરની ચોકીને રાતપાળી-દિવસપાળી નથી હોતી—તેમાં સાતત્ય હોય છે. શ્રી મકરન્દ દવેની અધ્યાત્મપ્રીતિ તો જાણી છે, પણ એનું એક વાહન બને એવી શક્યતા જોતી એમની ગઝલપ્રીતે એવી જ છે. એમણે ‘ગઝલ’ માસિક પણ સંપાદિત કર્યું. એની વાત નીકળી તો મેં કહ્યું, ‘કંકાવટી’માં માગો એટલાં પાનાં મળે. એ કહે, ‘ના સંપૂર્ણ ‘ગઝલ’ માસિક હોવું જોઈએ.’ ‘ઉત્તરા’નો એક આખ્ખો અંક ‘છીપનો ચહેરો ગઝલ’રૂપે પ્રગટ કર્યો તે પુસ્તક સ્વરૂપે પૂર્ણ પ્રગટ થયો છે. આમ એમણે માત્ર ગુજરાતી ગઝલો જ નથી લખી એને વિશેષે ખૂબ ખૂબ વિચાર્યુંય છે તે કેટલીક પ્રસ્તાવના ને લેખોમાં લખ્યું છે. એક તાજા ગઝલવિવેચકે હમણાં લખ્યું: ‘મકરન્દ દવે, રતિલાલ ‘અનિલ’, રાજેન્દ્ર શુક્લ સંપન્ન ગઝલકાર.’ કઈ રીતે સંપન્ન એનો ફોડ પાડયો નથી. મને તો બાદ કરું છું, કારણ કે હું તો સમય સમયના જુદા જુદા રંગનાં કાપલાંનો હજી તો અધૂરો એટલે સિવાઈ રહેલા ચંદરવાનો ભાગ છું. પણ મકરન્દ દવે જેવા શરૂથી એક ચોક્કસ ક્ષિતિજ-બિન્દુ પર નજર રાખી પગલાં પાડનાર રહ્યા છે. ગઝલમાં શેરે શેરે જુદા જુદા ભાવ, વિચાર હોય છે, પણ દવેના ‘હવાબારી’ સંગ્રહની પહેલીથી તે છેલ્લી ગઝલ સુધી પહોંચો તો એક સ્વરૂપ અને સાતત્ય અનુભવાશે. ગઝલમાં સાતત્ય હોય છે. એક ‘ગઝલનુમા નઝમ’નું એટલે કે સ્વરૂપ ગઝલનું અને સાતત્ય સળંગ વિચારની કવિતાનું. કોઈ એવા રદીફ-તુકાન્ત નક્કી કરો કે બધા વિચાર નિબંધની જેમ એકબીજાને અનુસરતા આવે, પણ ‘રસ્તો’ ગઝલ સૂચવે છે કે રસ્તા હજાર હોય તો એનાં સ્પંદનો હજાર હોય અને આકાશમાં તો હોય તો એકમાત્ર રસ્તો છે.

વિહંગમ શી રીતે જાણી શકે આ મારી મુશ્કેલી?
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો.

આમ રદીફ વિષય બને, સાતત્ય આવે, પણ ‘ગઝલ’ ન આવે એ અંતરાયને આંતરી જવાનું હોય છે, પણ મકરન્દ જેવા ગમે તે ગઝલ લખે. એમાં વૈવિધ્યમાં એકતા હોય છે, પણ એકતા એ નીરસતાનો પર્યાય નહીં. ‘ગાફિલ’ અદ્દલ ઓલિયાની જેમ ઉદ્દગારી ઊઠે છે, પણ દવેમાં ‘શાંત દૂરતા’નો અનુભવ થાય, પણ બંનેની બોલી જેવી બની જતી કોઠે પડેલી ભાષા લોહીના ગુણ જેવી. તે ગઝલની ભાષા બોલચાલની હોવી જોઈએ એવા એક આગ્રહને અનાયાસ અનુસરે છે. કોઈ ઓલિયાની દરગાહે ઉર્સના ઉત્સવે ગયા છો? ત્યાં ધર્મ, કોમ, ન્યાત, પેટાન્યાત, વગા અદૃશ્ય થઈ જાય છે. બાહ્ય અલગતા છતાં. ગાફિલ ને મકરન્દમાં એવી ઓલિયાના ઉત્સવ જેવી મિજાજી એકતા અનુભવાશે. મકરન્દ ચીપિયો ખખડાવે છે ત્યારે એ ચીપિયો ફકીરનો છે કે નાથપંથી અવધૂતનો? એની રસિક મૂંઝવણ થાય અને એ જ તો આંતરરસ હોય છે. એ બોલે છે તે ‘બોલકું’ કેમ નથી થતું? એવી વિચારણામાં ગઝલ રચનારને અનાયાસ શિક્ષણ મળે એમ મને લાગ્યા કરે છે:

કદીક થાય છે આ વાત હું કરું, ન કરું,
ભરત વીંખાઈ પડ્યું છે ફરી ભરું, ન ભરું.

‘ભરત વીંખાઈ પડ્યું’ એ શબ્દોમાં કેવો સંકેત છે? સંબંધની તિરાડ, વિક્ષેપ, વિરહ આવા તો કેટકેટલા શબ્દો કોઈકને સૂઝે. કોઈ સંબંધવિચ્છેદ, જુદાઈ એવા તો કંઈ કંઈ શબ્દો વિચારે. ઉપાલંભ આપવા ઉતાવળો થઈ જાય, પણ ‘કહું ન કહું’માં માત્ર સંયમ છે? સંયમી બનેલી વિહ્વળતા મૂંઝવણરૂપે પ્રગટ થાય છે એ મર્મ પામવા જેવો છે. ગઝલના શેરમાં દાવા અને દલીલની કુસ્તીને બદલે એમની એક ગઝલની બીજી પંક્તિમાં આવતાં ઉદાહરણો ‘વીંટી લીધી વરાળ’, ‘ઝૂંકી છે એક ડાળ’, ‘ન પાણી કે ન પાળ’, ‘કંટીલો કોટવાલ’, ‘શું ભાર, શું ઉલાળ’, ‘બંદાની દેખભાળ’, ‘કહેવું તે શું કપાળ?’ આ નરી બોલચાલની ભાષા બાજુએ રાખો, પણ ગઝલના શેરમાં ઉપલી પંક્તિમાં દાવો — રજૂઆત, બીજી પંક્તિમાં દાવાને સાર્થ કરતી દલીલના આ શબ્દો છે. શેરમાં દાવા-દલીલનું એક ઉદાહરણ :

રહ્યો વાસ્તવની સાથે કલ્પનાનો એવો સથવારો,
ધરા પરથી કોઈ પંખીનો ચાલ્યો જાય પડછાયો.

પણ આવું ક્યારેક જ બને છે. પ્રયત્નબદ્ધ દાવા-દલીલમાં હરીફને ચત્તો કરી દેવાની આક્રમક યુક્તિ-કુસ્તી હોય છે. દવેની ગઝલો સૂક્ષ્મ તપાસ માગે છે. તમે માળા પરોવવા બેસો છો અને ઘણા રંગબેરંગી મણકા પડ્યા છે, પણ માળા ને તસ્બી સ્વરૂપે નહીં, પણ ભાવરૂપે ત્યારે તે કોઈ મર્મી હૃદયનો રસપૂર્ણ વિવેક માગે છે.

કાઝી, ઉઘાડ ચોપડો, દેખ જરા તું, ઈશ્ક પર
કોઈ તારી કલમ નથી, કોઈ તારો હુકમ નથી.

આવી જા મયકદા મહીં ફિરકાઓ સૌ ફગાવીને,
જામથી જ્યાદાતર અહીં કોઈ વડો ધરમ નથી.

હોઠે અડાડ્યો જામ ત્યાં બહેકી ગયા જે બેખબર,
દેતા પયામ પીર થઈ, પ્યાલી જેને હજમ નથી.

આ ભાષા સૂફીશાયરની છે, એમાં વેગ છે, પડકાર છે, અને બની બેઠેલા ઉપલક હોવાનું નિદાન છે, પણ ગઝલમાં એક કાળે હતા એવા હોંકારાપડકારા નથી, પ્રતીતિનો મિજાજ છે. ક્યારેક, ક્યાંક લાગે છે કે ઓલિયો ફકીર બોલે છે, ક્યાંક ઘૂઘરા ખખડાવતો અહાલેક બોલતો નાથપંથી ગોરખનાથ બોલે છે. આ બોધ શબ્દોમાંથી આવતા ધ્વનિનો છે, શબ્દબોધ સાથે આવતો ધ્વનિબોધ એમ લાગે કે ભાષાને ‘વાણી’ થતાં આવડે છે.

સરોદો સાંભળું છું એક ઝીણો સૂર છું જાતે,
રમાડે છે મને આ કોણ સૃષ્ટિની સિતારી પર?

કવિ પ્રશ્ન કરે છે એમાં જ ‘કોણ’ શબ્દમાં જ તેનો સંકેત છે. ચાંદને આ કવિ જુદાં જ રૂપે જુએ છે, બતાવે છે:

ચાંદના થયા ટુકડા લાખ લાખ મોજાં પર,
દર્દમંદ દરિયાની આહ ઊછળી કેવી!

આ ગઝલકાર જુદો છે:

એકાદ ઘડી કાનમાં તે ગુફ્તગો કરી,
આવે છો હવે મોત, ગુમાવ્યો જનમ નથી.

ગઝલની ભાષામાં આમ કહી શકાય છે એક ક્ષણનાં દર્શનને. ‘હવાબારી’નો કવિ કહે છે:

દિલની વસ્તી હવે ન દુનિયાની,
નીંદ આવે છે, બંધ બારી કર.

‘જીવનદૃષ્ટિ’ તો યોગ્ય શબ્દ લાગતો નથી, જીવનાનુભૂતિ કહીએ તો કેમ? શ્વાસની બારી બંધ કરવા જેવી અહીં વાત છે. ‘હવાબારી’ સંગ્રહમાં પ્રથમથી તે છેવટ સુધી એક ધ્વનિસાતત્ય છે. જુદાં જુદાં શબ્દો, ઉલ્લેખો આવે, ઉદ્દગારો આવે, વેગ સાથે જાણે કોઈ સ્થૂળથી ઉપરનો પવનસૂર આવ્યા કરે છે. અને આ ગઝલ તો જાદુ બયાની નહીં તો ગઝલબાની બયાની નથી?

જોઈ છે મેં જિંદગાની જોઈ છે,
રક્તની રગરગ રવાની જોઈ છે.

જોઈ છે એ કેશની કાળી ઘટા,
ને રતુંબલ પગની પાની જોઈ છે.

ક્યાં અને ક્યારે, ખબર પડતી નથી,
ક્યાંક આ ઝાંખી કશાની જોઈ છે.

મૌનની જોઈ મથામણ ને છતાં,
નૈનની નાજુક બયાની જોઈ છે.

સાવ ભોળી થઈ ભર્યા વિશ્વાસને,
પ્યાર કરતી બેઈમાની જોઈ છે.

જિંદગી ઝેરી ગણી ના, કેમ કે,
ચંદ તસવીરો સુહાની જોઈ છે.

અહીં ગઝલની નાજુક બયાનીને પણ અનુભવી શકાય છે—એમની ‘જિંદગી’ નામની આગલી ગઝલ કરતાં આ ગઝલ આગળ વધે છે. વેગ તો એ જ છે, પણ તે સૂક્ષ્મ ને નાજુક બને છે. તે છતાં એક શેરમાં આ ગઝલના સગડ મળે છે :

કંકુઝરતી કોઈ પાની જિંદગી,
કે રહસ્યોની રવાની જિંદગી.

ગઝલની વ્યાખ્યા કરતી કે ઓળખ આપતી ગઝલ કેટલાક શાયરોએ આપી છે. વિષ્ણુના સહસ્ત્ર નામની ઓળખ એક જુદા ગ્રંથમાં આપનાર મકરન્દ દવે ગઝલની એક ઓળખ આપે છે. મારે માટે જે જીવંત છે. અવિરામ છે તે કોઈ વ્યાખ્યાની, શબ્દોની બાઉન્ડરીમાં વસતું નથી. એમ કરવા જતાં મને ‘નૈતિ’, ‘નૈતિ’ કહેતા ઋષિનો ચહેરો દેખાય છે. ના, ના તે માત્ર તેં કહ્યું તે જ નથી. પૂર્ણ વર્ણન કે પૂર્ણ પરિચય નથી. આપણે કેટલીક અનુભૂતિને અનુભૂતિ રહેવા દઈએ, નામ આપી એને પાતળી ન પાડીએ તો કેમ? અને અહીં કોણ અવિકારી સનાતનગુણી સુવર્ણના ભવિષ્ય રચાનારા અલંકારોનાં સ્વરૂપો જોઈ શકે છે? એમનો જ શેર સાંભરે છે :

મને તો શબ્દ તણી આ રમત નથી ગમતી,
છતાં રમાડી રહ્યું કોણ આમ અક્ષરમાં?

મકરન્દે એમણે પોતાની ગઝલ વિશે કહ્યું છે એ સારું છે. ઘાયલ-મકરન્દની દોસ્તીનો એક પ્રસંગ મકરન્દના જ શબ્દોમાં: ‘રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજની ટપાલ—ઓફિસને પગથિયે હું ને ઘાયલ બેઠા હતા. શાયરીનો દોર ચાલતો હતો. ત્યાં દૂરથી અવાજ આવ્યો. કોઈ જોરથી બોલતું હતું ને સડક પર લાઠી પછાડતું હતું. અમે નજર કરી, ઘાયલ કહે: ‘પોલીસ છે. ગભરાતો લાગે છે’ પછી બૂમ પાડી: ‘એય દોસ્ત હાલ્યો આવ. નિર્દોષ પ્રાણીઓ બેઠાં છે.’ પોલીસ આવ્યો. પૉસ્ટઓફિસનું તાળું ખેંચી જોયું. ઘાયલ કહે, ‘એલા, અમે ઘરનું તાળુંય ભાળ્યું નથી. ત્યાં આ બહારનું તાળું ખેંચી અમારી આબરૂ કાં લે છે?” પોલીસ કહે, ‘રાતના બે વાગી ગયા. હવે તો ઊઠો! અમને તો એમ કે મધરાત થઈ નથી. ઘાયલે અધૂરી ગઝલના બેત્રણ શેર પૂરા કર્યા અને અમે ઊઠ્યા. ત્યાં પોલીસ કહે, ‘ભાઈ, બેચાર ગઝલું સંભળાવોને.’ આ માળોય ગઝલનો પ્યાસી નીકળ્યો. - અને ઘાયલે શું મસ્તીથી, પૂરા દિલથી એને ગઝલો સંભળાવી છે! હજારો લોકોને ડોલાવતો શાયર એક અદના પોલીસ માટે, મોડી રાતે ગઝલ રેલાવતો હતો! મને મારી ઊગતી જુવાની વખતે રાણપુર સ્ટેશનના રસ્તે જતા મેઘાણી યાદ આવ્યા. એક છોકરાના ઘરનો ઝુરાપો દૂર કરવા ત્યારે મેઘ વરસ્યો હતો.’

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.


નયન-પલકાર ક્યાં ગોતું, હૃદય—ધબકાર ક્યાં ગોતું?
હજારો રૂપમાં તારો અસલ અણસાર ક્યાં ગોતું?

મને તો મારગે છેલ્લા મુકામો છેતરી ચાલ્યા,
હવે આગળ વધી તારો ભર્યો દરબાર ક્યાં ગોતું?

હવામાં જોઉં છું મારી હયાતી પણ મળી જાતી,
સપન આભાસને આરે તને સાકાર ક્યાં ગોતું?

બધું છે ને નથી તું એક હાજર એ બને ક્યાંથી?
છતાં સ્નેહે તને સંબોધવા ઉદ્દગાર ક્યાં ગોતું?

ઉઘાડા આભ નીચે એકલું બેસી જવું બહેતર,
દિશાઓને ભરોસે ડૂબતી વણજાર ક્યાં ગોતું?

બિછાવે ધૂળ ખાલી ખંડમાં જાજમ જમાનાની,
દિવસ જૂના જગાડીને ગયા ગુજાર ક્યાં ગોતું?

હવે ગેબી ઈશારા નોતરે સાંજલ સિતારાના,
સરાઈ છે, જવું પડશે. સફરનો સાર ક્યાં ગોતુ?


ચમત્કારોની દુનિયામાં ભરું છું હર કદમ સાકી,
નિહાળું છું છલકતા જામમાં જન્મોજન્મ સાકી.

હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહું,
છતાં તારા ભણી લઈ જાય છે મારાં કરમ સાકી!

નિરાળી હર અદા, હર ચાલ, હર કાનાફૂસી તારી,
તને પહેચાનું પણ રહી જાય છે પાછો ભરમ સાકી!

કહી દઉં સાફ દુનિયાને બધી વાતો, બધા ભેદો,
કરે છે આંખથી તું ત્યાં મના કેવી મભમ સાકી!

નથી જેણે હજુ તારાં નયનની ચોટ પણ ઝીલી,
મને સમજાવવા બેઠા અહીં તારા નિયમ સાકી!

સિતમ તારો ગણે જે બે ઘડી બેસી નથી શકતા,
સબરને તો નથી કાં ક્યાંય દેખાતો સિતમ સાકી!

ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેં જામ તોડ્યો કે નથી તોડી રસમ સાકી!

હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
મને સમજાય છે, સમજાય છે તારો મરમ સાકી!

ભરી મહેફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ સાકી