સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ટૂંકી વાર્તા

૫. ટૂંકી વાર્તા

આ વિષય ઉપર પુષ્કળ લખાયેલું છે. આપણા આધુનિક સાહિત્યના ઘણાખરા પ્રચલિત પ્રકારો, પશ્ચિમના અને વિશેષે કરીને અંગ્રેજી સાહિત્યના નમૂના ઉપરથી અને તે સાહિત્યની પ્રેરણાથી થયેલા છે, અને આધુનિક સાહિત્યની ટૂંકી વાર્તાનું પણ એમ જ છે. પશ્ચિમમાં તેના સ્વરૂપની પુષ્કળ ચર્ચા થઈ છે અને હજી થાય છે. ત્યાં પણ ટૂંકી વાર્તા વાર્તાસાહિત્યના અન્ય પ્રકારોની અપેક્ષાએ મોડી અસ્તિત્વમાં આવેલી છે. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું છે કે ટૂંકી વાર્તાના વિવેચનમાં તેની નવલકથા સાથે સરખામણી થઈને તેનાં વ્યાવર્તક લક્ષણો નિર્ણીત થાય છે. આપણું વિવેચન પણ એ જ દિશાએ જાય છે. આ માર્ગ ખોટો નથી. તે ઐતિહાસિક હોવાનો તેમાં વિશેષ લાભ છે. પણ એ દૃષ્ટિએ એક વાર જોઈ લીધા પછી કોઈ બીજું દૃષ્ટિબિંદુ લઈ શકાય તો તે લાભકારક નીવડે. એક વસ્તુને જુદા જુદા દૃષ્ટિબિંદુથી જોવાથી તેનું સ્વરૂપ વધારે સારું સમજાય. ટૂંકી વાર્તાની એક બાજુ જેમ નવલકથા છે તેમ તેની બીજી બાજુ ટુચકો છે. વાર્તા શબ્દનો સામાન્ય અર્થ સંસ્કૃતમાં ‘સમાચાર’ થાય છે. ‘સમાચાર’ એટલે બનેલી હકીકત કોઈને કહેવી. આ દૃષ્ટિએ વાર્તાનું મુખ્ય અવલંબનબીજ કોઈ વૃત્તાંત કે બનાવ સમજાય છે. વૃત્તાંત કે બનાવને અવલંબીને કહેવાતાં વાર્તાસ્વરૂપોને તેના કદને ક્રમે ગોઠવીએ તો સૌથી નાનું સ્વરૂપ ટુચકો થાય, મધ્યમાં ટૂંકી વાર્તા કે નવલિકા (જો એ શબ્દ સ્વીકારીએ તો) આવે ને અંતે નવલકથા આવે. નવલકથાથી આગળ જઈ કોઈને પુરાણ કહેવું હોય તો કહે, સરસ્વતીચંદ્રને પુરાણ કહેલું પણ છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. આમાંથી નવલકથાના પરિચય ઉપરથી ટૂંકી વાર્તાઓનો પરિચય ઘણાએ આપેલો છે. હું અહીં ટુચકો શું છે તે કહી તે ઉપરથી ટૂંકી વાર્તાનું સ્વરૂપ નક્કી કરવા પ્રયત્ન કરીશ. કદની દૃષ્ટિએ ટૂંકી વાર્તા નવલકથા કરતાં ટુચકાની વધારે નજીક છે. આપણા સાહિત્યમાં ટૂંકી વાર્તા લખાય છે તેટલા ટુચકા લખાતા નથી. ટુચકાનું એક પ્રાચીન સ્વરૂપ તો અત્યારે પૂર્વ-પશ્ચિમ બંનેમાં લગભગ લુપ્ત થઈ ગયું છે. તે સ્વરૂપ તે અંગ્રેજીમાં જેને ફેબલ્સ (Fables) અને પૅરેબલ્સ (parables) કહે છે. આ બંને પ્રકારો અતિપ્રાચીન કાલમાં હિંદમાં હતા, કદાચ અહીંથી જ તે પશ્ચિમમાં ગયા હશે, છતાં તેને માટે આપણામાં ખાસ નામો નથી. પ્રથમનો દાખલો હિતોપદેશ અને પંચતંત્રની વાતો અને પશ્ચિમમાં ઈસપની વાતો છે, અને બીજાનો દાખલો બુદ્ધ અને ક્રાઇસ્ટના ઉપદેશમાં આવતાં દૃષ્ટાંતો છે. અત્યારે આ સ્વરૂપોનું સ્વતંત્ર રૂપ ચાલુ નથી, જોકે અત્યાર પહેલાંના જમાનામાં પ્રાણીઓની વાર્તાઓ ઘણી કહેવાતી. આ વાર્તા ઘણીખરી લોકસાહિત્યની પેઠે અલિખિત હોય છે, અને તેની પરંપરા તેનો કોઈ કર્તા હોવાનું આપણને જણાવતી નથી. આવી કેટલીક વાતો તો મનુષ્યસ્વભાવ ઉપર કોઈ વાર બહુ કુશળતાથી પ્રકાશ પાડે છે. એક જ નાનો ટુચકો નાનપણમાં સાંભળેલો કહું છું : એક દેડકો અને દેડકી સરોવરકિનારે રહે. ત્યાં હાથી પાણી પીવા આવ્યા, દેડકીને થયું કે મારાં નાનાં નાનાં બચ્ચાં આના પગ નીચે ચગદાઈ જશે. તેણે પેલા હાથીઓને કહ્યું :


છાપરાપગના હાથિયા રે
મારાં રતન ચગદાશે.
હાથીઓ કહે : જા રાંડ દેડકી રે,
તને કોણ દેખે છે!

દેડકીને આ અપમાન લાગ્યું. તેણે દેડકાને ફરિયાદ કરી :

વાડમાં બેઠા ઠાકરા રે
લોક તો દેડકી કહે છે!
દેડકાએ આશ્વાસન આપ્યું :
જાઓ ગોરાંદે પાતળાં રે
ઝાંખર ઝખ મારે છે!

આટલા નાના ટુચકામાં કર્તા ઘણું કહે છે. સ્ત્રીનું મોટામાં મોટું અપમાન તેને અદર્શનીય તુચ્છ કહેવી એ છે. સ્ત્રી અપમાન વખતે ધણીને નહિ તો બીજા કોને ફરિયાદ કરે? અને દુનિયાના ધોરણે અંકાતી તુચ્છતા ઢાંકવાનું સાધન પરસ્પર પ્રશંસા કરી આત્મસંતોષ મેળવવા સિવાય બીજું શું છે? તેમાં પણ આવી પ્રશંસાનિષ્પન્ન આત્મપ્રતારણા પતિ-પત્નીમાં સૌથી વધારે સંભવિત છે. દેડકી દેડકાને ‘ઠાકરા’ કહે છે, ને દેડકો તેને ’ગોરાંદે પાતળાં’ કહે છે! પછી દુનિયાના બધાં માણસો, ગમે તેવાં મોટાં હોય તોપણ ‘ઝાંખરાં’ ઝખ મારે છે!’ આવી વાર્તાઓ કે ટુચકાઓ હવે લખાતા નથી. કદાચ માનવભાવોને અન્ય પ્રાણીમાં આરોપી વાર્તા કહેવાની જરૂર નહિ રહી હોય. કદાચ એમ પણ હોય કે એમ અન્ય પ્રાણીઓમાં પ્રવેશ કરી વાર્તા સર્જવાની શક્તિ અનુપયોગથી ચાલી ગઈ. અને છતાં એ જાતના ટુચકા કદી જ નહિ બને એમ કોઈ કહી શકે નહિ. ચિત્રોમાં કાર્ટૂન (cartoon) થાય છે તેમાં જરા જુદી રીતે પણ આ જ શક્તિ પાછી દેખાવા માંડી છે. બુદ્ધ અને ક્રાઇસ્ટ પોતાના ઉપદેશમાં દૃષ્ટાન્તો પૅરેબલ્સ આપતા તેવી રીતે હાલ દૃષ્ટાંતો અપાતાં નથી. જોકે ભાષણોમાં અને વ્યાખ્યાનોમાં દૃષ્ટાંતો આપવાનો રિવાજ કાંઈ ચાલ્યો ગયો નથી. પણ બીજા અનેક પ્રકારનાં ટુચકા રહ્યા છે. આપણે પ્રથમ આ ટુચકાનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ. ટુચકો એ ઉપર કહ્યું તેમ વૃત્તાંતબીજક સાહિત્યનું ટૂંકામાં ટૂંકું રૂપ છે. તેના પ્રયોજન ઉપરથી તેનું સ્વરૂપ આપણે કંઈક જાણી શકીશું. સૌથી પહેલું પ્રયોજન પ્રસંગને અનુરૂપ દૃષ્ટાંત આપવાનું હોય છે. એક-બે દાખલા મને તરત યાદ આવે છે તેવા નીચે મૂકું છું. કવિ શ્રી ન્હાનાલાલ સાથે વાતચીત ચાલતી હતી. મહાત્માજીએ કંઈક સ્વામી દયાનંદ સરસ્વતીનાં મંતવ્યો વિશે ટીકા કરી હતી અને તેથી આર્યસમાજીઓ ઉશ્કેરાઈ ગયા હતા એને ઉદ્દેશીને કહ્યું : (ટુચકાનાં પાત્રોનાં નામો ભૂલી ગયો છું.) અમુક યુરોપિયનનો છોકરો ફરવા નીકળેલો. તેણે ઊંચે મધપૂડો જોયો ને પથરો માર્યો. બધી માખીઓ આવીને વળગી પડી ને રાડેરાડ નાખવા માંડ્યો. આ તમારા મહાત્માજીએ સ્વામી દયાનંદ સરસ્વતીની વિરુદ્ધ લખ્યું છે તે મધપૂડા ઉપર પથરો માર્યો છે. અહીં, ટુચકો, વક્તવ્યના નિદર્શનરૂપ બને છે, અને કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહી શકાય કે નિદર્શના અલંકારમાં પણ તે ઘણી વાર આવી જાય છે. એવો જ એક બીજો દાખલો જરા વધારે ગંભીર સાહિત્યમાંથી આપું. ‘આપણો ધર્મ’માં શ્રી આનંદશંકરભાઈ ધર્માડંબરના દૃષ્ટાંત તરીકે લખે છે : જૂના વખતમાં અમારી જ્ઞાતિના એક અમલદાર વિશે કહેવાય છે કે (આશા છે કે એ વાત કલ્પિત હશે) તેઓ નિત્ય દેવનું પૂજન કરતા. અને પૂજન કરતી વખતે બોલતા નહિ. માત્ર સંજ્ઞાથી જ વાત કરતા હતા. તેવામાં કારકુને આવીને પૂછ્યું કે અમુક ગુનેગારને શી શિક્ષા કરવી? પેલા અમલદારે લાલજીને પોતાની જનોઈથી વીંટીને ટાંગ્યા, અને આચમની વતી ફટકા મારી બતાવ્યા! અહીં એક બાબત કહેવી પ્રસ્તુત છે. હું ઉપર કહી ગયો કે ટુચકો એ લગભગ લોકસાહિત્યનો પ્રકાર છે. તેનું કર્તૃત્વ કોઈ એક જ માણસનું ન પણ હોય. એક બનાવ બન્યો હોય અને પછી તે મુખપરંપરાએ ચાલતાં તેના રહસ્યને અવલંબીને તેમાં અનેક ફેરફારો થાય. તે સાચો પણ હોય, ખોટો એટલે કલ્પિત પણ હોય, અથવા તેમાં બંને અંશો ભળેલા હોય. વાર્તા સાહિત્ય તરીકે, થોડી પણ કલ્પિત હોવી જોઈએ. ટુચકો સાચો હોય તોપણ ચાલે. આ ટુચકાનું એક પ્રયોજન થયું – વક્તવ્યને અનુકૂળ દૃષ્ટાંત આપવાનું. ટુચકાનું બીજું પ્રયોજન કેવળ મનોરંજન છે. આવા ટુચકા ઘણે ભાગે હાસ્યના જ હોય છે. એ હાસ્ય બે રીતે નિષ્પન્ન કરેલું હોય છે. કોઈની મૂર્ખતા બતાવીને અથવા કોઈનું ચાતુર્ય કે હોશિયારી બતાવીને. હોશિયારી બતાવવામાં કોઈ વાર સામા પક્ષની બેવકૂફી પણ બતાવાય છે, પણ તેમ કર્યા વિના કેવળ હોશિયારી બતાવીને પણ હાસ્ય નિષ્પન્ન થાય છે. હાસ્યમાં સદ્‌ગત રમણભાઈ બતાવે છે તેમ, કોઈક નમૂના (type)ની મશ્કરી હોય છે. આપણા જૂના ટુચકામાં ઘણી વાર નાતોનો નમૂનો લઈને મશ્કરી કરેલી હોય છે. ભવાઈમાં બ્રાહ્મણ, ગાંયજો, વાણિયો, કણબી વગેરે નાતના નમૂના લઈ મશ્કરી કરી હોય છે. આ પ્રકાર હવે સંભવિત નથી કારણ કે આપણે હવે નાતજાતમાં એટલું માનતા નથી, અને નાતની વ્યક્તિઓ પહેલાં જેટલી એક જ રૂઢિબદ્ધ હવે રહી નથી. છતાં આ પ્રકાર છેક નાબૂદ થયો નથી. કણબી કે કોઈ એવા માણસ મુંબઈ ગયા ને ત્યાંની અપરિચિત વસ્તુઓ અને રીતભાતો ન સમજ્યા એવી મશ્કરીઓ હજી પણ યોજવામાં આવે છે, પણ તે હવે સુરુચિને અનુકૂળ નથી લાગતી. નાત સિવાય અમુક ટેવવાળાઓની મશ્કરીઓના ટુચકા છે, જેમ કે અફીણીની મશ્કરી. નીચેનો ટુચકો સદ્‌ગત મણિશંકર રત્નજી પાસેથી સાંભળેલો : એક અફીણીને તેની બૈરીએ પૈસો ને એક નાની વાડકી આપી તેલ લેવા મોકલ્યો. ઘાંચી પળી ભરી તેલ લઈ આવ્યો ને વાડકી ભરતાં પળીમાં થોડું વધ્યું. અફીણી કહે ‘એ પણ રેડી દે.’ ઘાંચી કહે ‘પણ ક્યાં રેડું?’ વાડકીને નીચે પડધી હતી એટલે થોડો ખાડો હતો. અફીણીએ વાડકી ઊંધી કરીને એ ખાડો બતાવીને કહ્યું : ‘અહીં રેડ.’ ઘાંચીએ એ ખાડો પૂરી આપ્યો. અફીણી વાડકી એમ ને એમ ઊંધી ઝાલીને ઘરે ગયો. બૈરી કહે : ‘આટલું જ ?’ બંધાણી કહે : ‘ના જો! બીજી બાજુ પણ છે.’ એમ કહીને તેણે વાડકી ફેરવી બતાવી! તરત જોઈ શકાશે કે આ વાર્તા વાંચવા કરતાં અભિનય સાથે કહી બતાવવાની છે. એ રીતે પણ એ લોકસાહિત્યનો ભાગ છે, એ વધારે સ્પષ્ટ થશે. લોકસાહિત્ય મુખ્યત્વે વાંચવા કરતાં અભિનય સાથે કહેવાનું હોય છે. અડવાના અને અકબર-બીરબલના ટુચકા બધા આ પ્રકારના છે. ઠગોના નાના ટુચકો બધા આ જાતના છે. લંબાણભયે વધારે દાખલા નથી આપતો, પણ આપણી ભાષામાં હાસ્યના આવા ઘણા સુંદર દાખલા છે. પશ્ચિમમાં આવા હાસ્યના નવા ટુચકા લખાયા જ કરે છે. એ જાતનું આખું સાહિત્ય ત્યાં ખેડાય છે. દરેક વર્તમાનપત્ર આવા હાસ્યના ટુચકા આપે એવો રિવાજ થઈ ગયો છે. આપણે ત્યાં પણ કેટલાંક ગુજરાતી વર્તમાનપત્રો આવા ટુચકા નવા બનાવીને આપે છે, પણ અંગ્રેજી જેવા ચતુરાઈવાળા તે ભાગ્યે જ હોય છે. આપણામાં હાસ્યનું સાહિત્ય ઓછું છે તેમ હાસ્યના ટુચકા પણ ઓછા છે. ટુચકાનો ત્રીજો પ્રકાર કેવળ વૃત્તાંતની – બનાવની ચમત્કારિકતાનો હોય છે. આવા ટુચકા સાચા તરીકે જ કહેવાય છે, જોકે તેમાં કલ્પિત અંશ પેસી ગયાનો ઘણો જ સંભવ છે. મારા એક મિત્રને ઘણા ટુચકા યાદ છે. તેમાંનો એક કહું છું : એક ભાઈ (કહો કે કેશવલાલ)ને વેપાર અર્થે દિલ્હી જવું હતું. ટ્રેનમાં બેઠા અને એ જ ટ્રેનમાં કોઈ બીજા ભાઈ આવ્યા. નોકરોએ પહેલેથી સામાન ગોઠવવામાં કંઈ ભૂલ કરી કે કંઈ ગેરસમજૂત થઈ કે ગમે તે થયું, પણ બંને વચ્ચે જગાની તકરાર થઈ, ને ગરમાગરમી થઈ. મૂકવા આવનારાઓ પોલીસને બોલાવવા તૈયાર થયા ત્યાં કોઈને વળી સૂઝ્યું ને પેલા નવા આવનારને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? તો કહે, ‘દિલ્હી’. નામ શું? તો કહે (વાર્તા ખાતર આપણે કહીએ) ‘નર્મદાશંકર’. ‘ફલાણા સરનામાવાળા?’ તો કહે, ‘હા’. ‘અરે’ પેલા પોલીસને બોલાવવા જતા હતા તેને કહે, ‘પાછા ફરો. પાછા ફરો, આ તો નર્મદાશંકરભાઈ છે, એમને ઘેર તો આપણે ઊતરવાનું છે!’ નર્મદાશંકર ઉપર જ ભલામણચિઠ્ઠી લઈ કેશવલાલ જતા હતા. આ વાત એક વાર મેં ટુચકાના દાખલા તરીકે કહી, તો એ સાંભળનાર મિત્રે બીજો સામો ટુચકો કહ્યો; તે પણ જોવા જેવો છે : સેકન્ડ ક્લાસના ડબામાં હું ઉપરની બેઠક ઉપર સૂતો હતો. નીચે બે માણસો લડતા હતા. બોલાચાલી ઉપરથી હું સમજી શક્યો કે બંને વચ્ચે તકરાર એ હતી કે એકને બારી ઉઘાડી રાખવી હતી ને બીજાને બંધ રાખવી હતી. તે એક ઉઘાડતો’તો ને બીજો બંધ કરતો’તો. તેમાંથી એકાએક એક માણસ હસી પડ્યો. મેં નીચે ઊતરી જોયું, તો જે બારીને માટે બંને લડતા હતા તેને કાચ જ નહોતો, એટલે એ ઉઘાડી વાસી બંને સરખી હતી. લડાઈની ગરમાગરમીમાં બારી કેવી છે એ કોઈએ જોયેલું નહિ! નાનપણમાં વાંચેલો હજી એક ટુચકો કહું. વાત ઇંગ્લૅન્ડમાં બનેલી છે : એક બાઈએ પોતાના નોકર સાથે કોઈને વીંટી મોકલાવી. રસ્તામાં કોઈ વહેળામાં ઊતરવા જતાં કે કંઈ કરતાં વીંટી વહેળામાં પડી ગઈ. ઘણી શોધી પણ જડી નહિ. નોકર એટલો શરમાઈ ગયો કે ત્યાંથી પરભાર્યો જ અમેરિકા ચાલ્યો ગયો. ત્યાં ખૂબ કમાયો ને ઝાઝે દિવસે ઇંગ્લૅન્ડ પાછો આવ્યો. પોતાની મૂળ શેઠાણીને મળવા ગયો અને ત્યારે તેણે વીંટીની વાત કહી. બધા ફરવા નીકળ્યાં. ફરતાં ફરતાં એ જ વહેળા પાસે આવી ચડ્યાં. પેલા નોકરે વહેળાને કાંઠે ઊભાં ઊભાં જુઓ ‘અહીં વીંટી પડી ગઈ હતી’ એમ કહી ત્યાં લાકડી ખોસી. બહાર કાઢી ત્યાં એ જ વીંટી એટલાં વરસ ઉપર પડેલી લાકડીમાં પરોવાઈ બહાર નીકળી આવી! હવે આ ટુચકામાં ચમત્કાર ક્યાં રહ્યો છે તે જોઈએ. પહેલા રેલવેના ટુચકામાં એક જ જગા માટે બે મુસાફરો લડે તે બનાવમાં વાર્તાનો ચમત્કાર નથી. તેમાં કશું કહેવા-સાંભળવા જેવું નથી. પણ એ જેની સાથે લડતો હતો તે માણસ તો તેનો યજમાન નીકળ્યો એ અકસ્માતમાં ચમત્કાર છે. એટલે એ બનાવની વિલક્ષણતા બતાવવા તે ટુચકો કહેવાય છે. છેલ્લા વીંટીના ટુચકામાં, નોકર કેવો શરમાળ હતો, કે માણસ ઉપર કેવાં ખોટાં આળ આવી ચડે છે કે એવું કોઈ રહસ્ય ટુચકાનો પ્રાણ નથી. તેમ જ નોકર સાચો હતો તો જુઓ આટલે વરસે તેનું સાચ જણાઈ આવ્યું એ પણ ટુચકાનું રહસ્ય નથી. એ રીતે એ કહેવાયો નથી, જોકે એવા રહસ્ય ખાતર પણ એ વાર્તા કહેવાઈ શકે; માત્ર આટલાં વરસે કેવો અકસ્માત બન્યો એ જ બતાવવા, એ કહેવાય છે. એટલે અહીં પણ બનાવની વિલક્ષણતા એ જ ટુચકાનો પ્રાણ છે. વચલી વાર્તામાં પણ બનાવની વિલક્ષણતા ટુચકાનો ચમત્કાર છે, જોકે તે ઉપરાંત એ રહસ્ય પણ છે કે માણસ એટલો કલહપ્રિય અને કલહાંધ છે કે કલહની વ્યગ્રતામાં કલહના પ્રયોજનની અવાસ્તવિકતા જોઈ શકતો નથી! આપણે ત્રણ પ્રકારના ટુચકા જોયા. પહેલામાં વક્તવ્યને સ્ફુટ કરવા દૃષ્ટાંત તરીકે ટુચકો કહેવાય છે. બીજા કેવળ મનોરંજનાર્થે કહેવાય છે અને તે બેવકૂફીના કે ચાતુર્યના હોય છે. ત્રીજા કેવળ બનાવની વિલક્ષણતાને લીધે કહેવાય છે. આ ત્રીજા, કોઈ વાર પ્રસંગને લઈને કહેવાય છે. ધારો કે કોઈ માણસ, કોઈ સ્વજનની ગંભીર માંદગી સાંભળી બને તેટલા પ્રયત્ન કરી તેને મળવા આવે, પણ ભેગો થઈ શકે નહિ. તો તેને સાંત્વન આપવા પાસે બેઠેલા માણસો આવા જ અકસ્માતના બીજા અનેક દાખલા આપશે. ટુચકા આ રીતે જ પ્રસંગોપાત્ત કહેવાતા કહેવાતા પ્રસરે છે. આ ત્રીજા પ્રકારના કહેનારે વાતમાં મીઠું-મરચું ભભરાવ્યું હોય તે ભલે, પણ તે બધા, આટલા વિલક્ષણ કે અસંભવિત છતાં, સાચા છે એવી પ્રતીતિ કરાવવા જ કહેવાય છે. ઉપરના સ્વજનના મૃત્યુના પ્રસંગના દાખલાથી તરત જોઈ શકાશે કે સાંત્વન આપનારા એ પ્રસંગે નહિ બનેલી એવી વાત કહી જ ન શકે! એમ કહે તો સાંત્વનનું પ્રયોજન સિદ્ધ ન થાય. એટલે કે બનાવની વિલક્ષણતાના ટુચકામાં બનાવ અસંભવિત છે અને છતાં ખરેખર અનુભવમાં આવેલો છે એ વિરોધ જ એ ટુચકાનો પ્રાણ છે. ભૂતપ્રેતના અને બીજા વહેમોના ટુચકા આવી રીતે સાચા તરીકે કહેવાઈને પ્રસરે છે. અહીં એક બાબત સાથે સાથે કહેવી પ્રસ્તુત છે. ટુચકો માત્ર બનાવની વિલક્ષણતાથી કહેવા યોગ્ય બને છે, તેમ, માત્ર બનાવોના ચમત્કારની જ ટૂંકી વાર્તા કે નવલિકા બની શકે? હું માનું છું કે સામાન્ય રીતે કેવળ બનાવની, અલબત્ત કલ્પિત બનાવની, ટૂંકી વાર્તા ન થઈ શકે, થાય તો તે હલકા પ્રકારની થાય. બનાવોથી પણ એક સુંદર આકૃતિ બને છે, પણ કેવળ બનાવથી સુંદર આકૃતિ રચવાને માટે જેટલો લાંબો પટ જોઈએ તેટલો ટૂંકી વાર્તામાં મળતો નથી. અને જ્યાં બનાવોની આકૃતિ સુંદર હોય છે ત્યાં પણ કોઈ માનવજીવનરહસ્યને લઈને જ એ બનાવોની આકૃતિનું ઔચિત્ય સમજાય છે. ટુચકો અને ટૂંકી વાર્તા બન્ને બને એટલાં ટૂંકાં હોવાં જોઈએ. ટુચકો દૃષ્ટાંત માટે આપ્યો હોય તો ટૂંકો જોઈએ એ તો દેખીતું છે, કારણ કે નહિતર મૂળ વક્તવ્યનો પ્રવાહ ખંડિત થાય.[1] હાસ્યનો ટુચકો તો ટૂંકો જોઈએ જ. અંગ્રેજીમાં કહેવત છે કે ‘ટૂંકાણ એ હાસ્યનો પ્રાણ છે.’ સદ્‌ગત રમણભાઈ કહે છે કે હાસ્યમાં બે વિરુદ્ધ પ્રકારની પરિસ્થિતિની અથડાઅથડી હોય છે. અને અથડાઅથડી જોરથી થાય માટે વેગની જરૂર છે જ. છેવટના, પ્રસંગોપાત્ત કહેવાતા કેવળ વિલક્ષણ બનાવના ટુચકા પણ ટૂંકાણમાં જ કહેવા જોઈએ. અને એ જાતના બનાવોનું આશ્ચર્ય ઉપજાવવા પણ કથનમાં વસ્તુના વેગની જરૂર છે. લોકો કહે છે કે વાઘ નદી ઊતરે ત્યારે જરા પણ વહેણમાં તણાયા વિના સીધો સામે કિનારે જ પહોંચે. જરા પણ તણાય તો પાછો હતો તે જગાએ આવી ફરી સીધો પાણી કાપવા માંડે! તેમ વાર્તાકારે પણ સીધાં જવું જોઈએ. પોતાના વહેણમાં પણ, પોતાની લાગણીમાં પણ તણાવું નહિ જોઈએ. તણાઈ જવાય તો વાઘની પેઠે પાછાં મૂળ જગ્યાએ આવીને સીધી ગતિ કરવી જોઈએ. હું તો બધી કલા આવી હોવી જોઈએ એમ માનું છું. પણ ટૂંકી વાર્તા માટે તો એ અપરિહાર્ય છે. તેમાં લાંબાં વર્ણનો કે વિવેચનો કે ચિંતનો અસ્થાને છે. વળી સુઘડતાને માટે પણ ટૂંકાણ ઇષ્ટ છે. સાહિત્યનું સ્વરૂપ જેમ નાનું તેમ તેની રચનામાં વધારે ઝીણવટ અને સુઘડતા જોઈએ. જરા પણ શિથિલતા તેમાં ચાલી શકે નહિ. જેમ મોટા મકાનની બાજુઓ કરતાં નાના હીરા કે માણેકની બાજુઓ વધારે સફાઈદાર જોઈએ તેમ. ટુચકો જેમ અમુક વૃત્તાંતનો બનેલો હોય છે તેમ ટૂંકી વાર્તામાં પણ વૃત્તાંત જોઈએ. બેની વચ્ચેના એક તફાવતની વાત તો હું પહેલાં કરી ગયો કે ટુચકો કેવળ સાચી બનેલી હકીકતનો હોઈ શકે, કોઈ કોઈ પ્રસંગે તો અમુક બનાવ ખરેખર બનેલો હતો એ જ એ ટુચકામાં વક્તવ્ય હોય છે, પણ ટૂંકી વાર્તામાં સાચી બનેલી હકીકત ગમે તેટલી મનોહર શૈલીમાં કહેલી હોય તોપણ તેમાં કલ્પિત અંશ હોવો જ જોઈએ. કેવળ બનેલી હકીકત ગમે તેટલી મનોહર શૈલીમાં કહેલી હોય તોપણ તે વાર્તા ન ગણાય, જોકે વાર્તામાં થોડી બનેલી હકીકત આવે તે દોષ નથી. ઘણી વાર્તામાં એવા બનાવો આવે પણ છે. પણ ઘણે ભાગે તો બનેલા બનાવો વાર્તાલેખકની કલ્પનાને ઉત્તેજે છે, અમુક બનાવથી અમુક જીવનરહસ્યનું સૂચન તેને થાય છે, અને તેથી તે પોતાના વક્તવ્યને અનુકૂળ રીતે વાર્તાના બનાવો ઉપજાવે છે. આ બાબતને આથી વધારે સ્ફુટ કરવાની હું જરૂર જોતો નથી. આપણે જોયું કે ટુચકો અને ટૂંકી વાર્તા બંનેમાં વૃત્તાંત કે બનાવ આવે જ. કેટલા બનાવો આવે તો જ વાર્તા કહેવાય તેનો કોઈ નિયમ કરી શકાય નહિ; કોઈમાં વધારે આવે, કોઈમાં થોડા આવે. અત્યારે ટૂંકી વાર્તાસાહિત્યમાં પૂર્વ-પશ્ચિમમાં અનેક અખતરા થાય છે, તેમાં કેટલીકમાં ઘણા જ બનાવો હોય છે, કેટલીકમાં ઘણા ઓછા બનાવો હોય છે. તેને માટે કોઈ નિયમ હોય તો તે કલામાત્રનો સામાન્ય નિયમ, એટલે ઔચિત્યનો નિયમ. વક્તવ્યને અનુકૂળ અને ઉચિત બનાવો જોઈએ એટલું જ કહી શકાય. પણ એક વાત અહીં સ્ફુટ કરી શકાશે. વાર્તામાં જોઈએ તેટલા બનાવો ન હોય તો વાર્તા શિથિલ લાગે, હાડકાં વિનાના દેહ જેવી! કેટલાક લેખકો એક જ નાનો પ્રસંગ લઈ તેને અવલંબી અમુક વિચાર કે ચિંતન કે લાગણીનું નિરૂપણ કરે છે. કહો કે એ પ્રસંગને એ વિચાર-ચિંતન-લાગણી લટકાવવાની ખીંટી બનાવે છે. તેવે પ્રસંગે એ ખીંટી એટલો ભાર ખમી શકે એવી હોવી જોઈએ. એટલા વિચાર, ચિંતન કે લાગણી અમુક પાત્રમાં ઉત્પન્ન કરે એવો એ પ્રસંગ સ્વાભાવિક રીતે હોવો જોઈએ. પણ આ પણ ઔચિત્યનો જ પ્રશ્ન કહેવાય. વાર્તાના બનાવો વાર્તાનું વાતાવરણ ઘડવા અને વાર્તાનાં પાત્રોની પરિસ્થિતિ ઘડવા આવે છે. આમાં કેટલાક બનાવો કુદરતી હોય છે. કેટલાક મનુષ્યકૃત હોય છે. મનુષ્યકૃત બનાવો કેટલાક કેવળ કુદરત જેવા જ માત્ર પરિસ્થિતિને ઘડનારા જ હોય છે. કેટલાક તે ઉપરાંત વાર્તાના પાત્રના વર્તનના હોઈ તે પાત્રનો સ્વભાવ પણ બતાવે છે. એક ટુચકાથી આ સ્પષ્ટ થશે. અંગ્રેજી રાજ્યની સ્થાપનાની શરૂઆતમાં ઈડર રાજ્યના પ્રખ્યાત પટાવત સૂરજમલજી બહારવટે નીકળ્યા હતા. તે એક બાણ પકડી, ઘોડા પર નાખી નાઠા. ગામમાંથી ઘોડેસવારોની વહાર ચડી. સૂરજમલજી એક નેળમાં થઈ જતા હતા. આગળ ખૂબ માલ ભરેલું ભારોટિયું જતું હતું. નેળ સાંકડી હતી, પડખે થઈ જવાય એવું નહોતું. સૂરજમલજીએ જે એડી મારી ને, તે ઘોડું બંનેને લઈને આખા ગાડાને ટપી ગયું, ને વહાર પાછળ રહી ગઈ! અહીં સૂરજમલજીની બહાદુરી બતાવવાની પરિસ્થિતિ સાંકડું નેળિયું અને આગળ જતું ગાડું ઘડે છે. બંને મનુષ્યકૃત છે. પણ તે મનુષ્યકૃત હોય કે કુદરતી હોય બંને સરખું છે. વચમાં ગાડું આવ્યું તેને બદલે વાવાઝોડાથી પડી ગયેલું મોટું ઝાડ મારગ રોકીને પડ્યું હોત તોપણ પરિસ્થિતિ એની એ જ હોત. ગાડું હાંકવાનું કાર્ય એ હાંકનાર વ્યક્તિનો સ્વભાવ વ્યક્ત કરવા ત્યાં આવતું નથી, માત્ર પરિસ્થિતિના અંશ તરીકે આવે છે. વાર્તાના બનાવો કુદરતી કે મનુષ્યકૃત, જે હોય તે, સ્વાભાવિક લાગવા જોઈએ. બીજી રીતે કહીએ તો વાર્તાના બનાવો પ્રતીતિકર હોવા જોઈએ. વાંચનાર કે સાંભળનારને વાર્તાના બનાવો બન્યા છે એમ માનવા જતાં ક્લેશ ન થવો જોઈએ. વાર્તાના બનાવો સંભવિત હોય તો પ્રતીતિકર થાય જ. પણ આ વાત જણાય છે તેવી સહેલી નથી. બનાવની સંભવિતતા વાર્તાના વાતાવરણમાંથી જ ઊઠી આવવી જોઈએ. વાર્તા વાંચતાં આપણને લાગે કે અમુક બનાવો સંભવિત નથી, ત્યારે એ બાબત ચર્ચા થતાં વાર્તાલેખક ઘણી વાર બચાવ કરે છે કે એ બનાવ તો પોતે ખરેખરો બનેલો જોયો છે. આ સાચું હોય તોપણ બચાવ સાચો નથી. વ્યવહારમાં બનતા બનાવોની પ્રતીતિ અને વાર્તાના બનાવોની પ્રતીતિ થવામાં એક મહત્ત્વનો ફેર થાય છે. વ્યવહારમાં બનતો બનાવ આપણી બાહ્ય ઇન્દ્રિયો મારફત આપણે જાણીએ છીએ. આપણી ઇચ્છા ન હોય તોપણ ઇન્દ્રિયો પર બાહ્ય બનાવથી થતા આઘાતોથી માણસને અવશ થઈ તે માનવા પડે છે. વાર્તામાં બહારથી એવા કશા આઘાતો આવતા નથી. વાર્તામાં વાચક કે ભાવક વાર્તાલેખકનાં સૂચનો પ્રમાણે પોતે વાર્તાના બનાવો ઘડતો જાય છે. એમ ઘડવાના વ્યાપારમાં તેની પોતાની સંભવાસંભવની બુદ્ધિ કામ કરતી હોય છે. એટલે વાર્તાના બનાવો વાંચનારને સંભવિત લાગવા જોઈએ અથવા એને સંભવિત માનવા તે પ્રેરાય એવી રીતે એ બુદ્ધિ ઉત્તેજાવી જોઈએ. વાર્તાકારે પોતે અમુક બનાવ જોયો એટલા ઉપરથી વાર્તામાં એ સંભવિત બનતો નથી. સાધારણ વાંચનારની બુદ્ધિ તેને સંભવિત માને તેવી રીતે પણ તેને નિરૂપવો જોઈએ. એટલે વાર્તાના બનાવની સંભવિતતા વાર્તાનિરૂપણ ઉપર આધાર રાખે છે. આ દૃષ્ટિએ વાર્તાની સંભવિતતા એક રીતે દુનિયાથી સ્વતંત્ર છે. દુનિયામાં ખરેખરું બને તે વાર્તામાં સંભવિત ન પણ લાગે, અને બીજી તરફથી દુનિયામાં ન જ બને એવા બનાવો પણ વાર્તામાં સંભવિત લાગે. ટુચકા વિશે બોલતાં મેં કહેલું કે કેટલાક ટુચકાનું રહસ્ય જ એ છે કે તેવો બનાવ અસંભવિત કે વિલક્ષણ હોવા છતાં બન્યો હતો, વાર્તામાં એવા અસંભવિત બનાવો ખાસ પ્રયોજન વિના ત્યાજ્ય ગણવા જોઈએ. ઉપર કહેલા ટુચકામાં પેલો ચાકર વહેળા ઉપર ગયો ને તેને તરત વીંટી જડી એ બનેલો બનાવ છે. પણ માણસની સંભવાસંભવની સાધારણ બુદ્ધિ પ્રમાણે એ અસંભવિત છે. વાર્તામાં એ બનાવ એવી રીતે ન આવી શકે. શાકુન્તલમાં શકુન્તલાના અસ્વીકારના પ્રસંગે દુષ્યન્ત તેને શચીતીર્થ પર લઈ જવા કહે, વીંટી ક્યાં પડી હતી એમ પૂછે, ને લાકડી ખોસતાં વીંટી ઉપર આવી જાય તો વાર્તા નિષ્ફળ જાય. કારણ કે વાંચનાર જાણે છે કે એમ વીંટી મળી આવવાનો સંભવ જરા પણ નથી. વાંચનાર વીંટી નીકળે એમ ન માને એટલું જ નહિ, દુષ્યન્ત શકુન્તલાને શચીતીર્થ બતાવવાનું કહે તે શકુન્તલા બતાવવા જાય એ પણ ન માને, કારણ કે દુષ્યન્ત અને શકુન્તલા પણ એટલું સમજતા જ હોય કે અત્યારે જવાથી એમ વીંટી જડવાની નથી. પણ આનો અર્થ એવો નથી કે કોઈ પણ વાર્તામાં અસંભવિત બનાવ આવી જ ન શકે. અસંભવિત બનાવો વાર્તામાં આવે પણ છે. દાખલા તરીકે ‘નૌકાડૂબી’ વાર્તાના બધા બનાવો વાર્તાની શરૂઆતના એક અસંભવિત બનાવથી જ બને છે. પણ ત્યાં એ અસંભવિત બનાવ અસંભવિત તરીકે જ આવેલો છે, અને વાર્તા આખી એક અસંભવિત બનાવનાં પરિણામો તરીકે જ નિરૂપેલી છે. એટલે સિદ્ધાંત તરીકે એમ કહી શકાય કે જ્યાં વ્યવહારજગતની ભૂમિકા જ વાર્તાકારે સ્વીકારેલી હોય ત્યાં અસંભવિત બનાવ અસંભવિત બનાવ તરીકે આવી શકે. સંભવિત બનાવ સંભવિત તરીકે આવે, અને અસંભવિત બનાવ અસંભવિત તરીકે આવે. અકુશળ લેખકને હાથે ગોટાળો થાય છે તે એ છે કે તે ઘણી વાર અસંભવિત બનાવને સંભવિત તરીકે દાખલ કરે છે, અથવા સંભવિત અસંભવિત બધા બનાવો એકસરખા સંભવિત તરીકે વાર્તામાં દાખલ કરે છે. ઉપર શાકુન્તલનો દાખલો આપેલ છે તે મુજબ જો દુષ્યન્ત-શકુન્તલા શચીતીર્થ જાય, અને ત્યાં તેમને વીંટી જડે તો એ અસંભવિત બનાવ સંભવિત તરીકે વાર્તામાં પ્રવેશ પામ્યો ગણાય. અને એમ ન થવું જોઈએ. વળી વાર્તામાં બનાવો પણ પ્રયોજન માટે આવે છે. એટલે અસંભવિત બનાવનું પ્રયોજન હોય તો જ તે અસંભવિત તરીકે આવવો જોઈએ. એવું પ્રયોજન ન હોય ત્યાં અસંભવિત બનાવ દાખલ કરવો એ અકૌશલ છે. છતાં કોઈ વાર્તામાં અસંભવિત બનાવ આવી જાય છે. ત્યાં એ દોષ કે ક્ષતિ જ છે. કુશલ વાર્તાકાર એ દોષ રહી ગયો હોય તો તેને કોઈ ખૂબીથી ઢાંકી દે છે. ઘણી વાર કોઈ બીજી જ વસ્તુ તરફ ધ્યાન દોરવાથી સાધારણ માણસ એ ક્ષતિ જોઈ શકતો નથી, અથવા તેને ક્ષમ્ય ગણે છે. પણ વાર્તાના રસ એ જ ક્ષતિને ક્ષમ્ય કરનાર મોટામાં મોટું બળ છે. રસના જ વેગથી વાચક પોતાના માર્ગમાં આવતું અસંભવિતતાનું ગાબચું સહેજે ટપી જાય છે. અસંભવિત બનાવથી ઊભી થતી સ્થિતિમાંથી પણ જો અત્યંત રસિક કે મનોહર પરિણામ આવતું હોય તો વાચક એ ક્ષતિને સહેજે સહન કરી લે છે. આ રીતે એક જ પ્રકારની ક્ષતિને એક લેખકમાં વાચક માફક કરે, તે બીજામાં ન કરે. મહાન લેખકો ઘણી વાર પ્રમાદ કરવા છતાં પણ પોતાની પ્રતિભાને બળે આ રીતે વાચકને પોતાની સાથે લઈ જાય છે. એટલે ગુણદોષની બધી ચર્ચા છતાં વિવેચકે સમર્થ લેખકનું આ બળ સ્વીકારવું જ જોઈએ, અને તેથી જ સાધારણ વાર્તાલેખકે આવી બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ. વાર્તામાં બનાવોની પરંપરા હોય ત્યાં બનાવ સ્વાભાવિક રીતે એકબીજામાંથી ઊગતો હોય, એવી પ્રતીતિ થવી જોઈએ. વાર્તાલેખકે પોતે, અમુક પરિસ્થિતિ ઊભી કરવા, કે અમુક પરિણામ લાવવા અમુક બનાવ ઉપસ્થિત કર્યો છે એમ ન લાગવું જોઈએ. જેમ ઈશ્વર આ જગત ચલાવે છે છતાં કોઈ જગાએ તેમાં હસ્તક્ષેપ કરતો નથી, જગત એની મેળે ચાલ્યું જતું ભાસે છે, તેમ વાર્તા કર્તા રચે છે છતાં તેના બનાવો એની મેળે ચાલતા જણાવા જોઈએ. તેણે ચલાવ્યાની નિશાની ક્યાંય ન જોઈએ. જેમ શિલ્પી ટાંકણાથી મૂર્તિ ઘડે પણ મૂર્તિ ઉપર ક્યાંય ટાંકણાનું નિશાન ન જોઈએ તેમ વાર્તાકાર વાર્તા ઘડે છે છતાં ક્યાંય પણ તેને અમુક બનાવ બનાવરાવ્યો એવું જણાવું ન જોઈએ. એને હું વાર્તાકલાનો વિરોધાભાસ (paradox) કહું છું. વાર્તા પોતાની મેળે આગળ ચાલવી જોઈએ, એટલે એ જીવંત જોઈએ. વાર્તાનું પાત્ર મરતું હોય તો એની મેળે મરવું જોઈએ, કર્તાએ કરુણ નિષ્પન્ન કરવા પાત્રને મારી નાખ્યું એમ પ્રતીત થવું ન જોઈએ, અમુક પરિણામ ખાતર જાણે બનાવ બન્યો છે એમ ન લાગવું જોઈએ, પણ એ બનાવ ને એ પરિણામ એક જ નિર્માણથી બન્યાં છે એમ લાગવું જોઈએ. કલામાં સાધન અને સાધ્યનો ભેદ આ દૃષ્ટિએ નથી હોતો. મેં ઉપર કહ્યું કે વ્યવહારિક જગતના બધા બનાવો વાર્તામાં સંભવિત ગણાય નહિ. એ રીતે વાર્તાની સંભવિતતા બનાવો કરતાં વધારે મર્યાદિત છે અને સંકુચિત છે. તો બીજી રીતે જગતમાં કદી ન બનતા બનાવો વાર્તાર્માં સંભવિત તરીકે આવી પણ શકે છે. અરેબિયન નાઇટ્‌સ, કથાસરિત્સાગર વગેરે અનેક વાર્તાઓમાં કેવળ અસંભવિત, અશક્ય બનાવો પાર વિનાના આવે છે. આ બનાવો વાર્તામાં સંભવિત બને છે તેનું કારણ લેખક વાચકની બુદ્ધિને એ સ્વીકારવા તરફ ઉત્તેજે છે તે છે. લેખક આપણા જગતથી ભિન્ન નવી સૃષ્ટિમાં વાચકને લઈ જાય છે, જ્યાં તે આ જગતની મર્યાદાઓ સ્વીકારતો નથી અને લેખકની ઉત્તેજના પ્રમાણે, જગતમાં અસંભવિત અશક્ય એવા બનાવો તે ઘડવા માંડે છે. તે એમ કરે છે કે તેનું કારણ એ છે કે ઘડતરપ્રવૃત્તિ વાચકને ઇષ્ટ છે. દાખલા તરીકે, મરજીમાં આવે ત્યાં ઊડીને જઈ શકાય, મરજીમાં આવે ત્યારે તિરોહિત-અદૃશ્ય થઈ શકાય, અદૃશ્ય રહી ગમે તેટલે દૂર ધોકાથી કોઈને મારી શકાય, આ બધી પ્રવૃત્તિઓ કોઈ પણ એક વ્યક્તિને નહિ, પણ આખી માણસજાતને ઇષ્ટ છે. લાખો વરસોથી માણસે આવી શક્તિઓ જ્ઞાત કે અજ્ઞાત રીતે ઇચ્છી છે. જંગલી પ્રાણીઓથી કે શત્રુઓથી બચવા, કે શિકાર કરવા કે શત્રુઓને મારવા, કે ઇષ્ટ જનોને મળવા તેણે આવી શક્તિઓ લાખો વરસોથી ઇચ્છી છે. અને એ ઇચ્છાઓ પૂર્ણ કરવા વાચક પોતાની કલ્પનાશક્તિને, એ દિશામાં જવા દે છે. જગતના સંભવાસંભવની બુદ્ધિને આવું કલ્પતાં ક્લેશ નથી થતો, ઊલટી મજા આવે છે. માટે આવા બનાવો વાર્તામાં આવે છે. આવી ચમત્કાર કે અલૌકિક શક્તિઓ સંપાદન કરવાની રીત પણ મનુષ્યસ્વભાવને પ્રતીતિકર હોવી જોઈએ. જૂના સમયમાં આવી શક્તિઓ મંત્રથી મળી શકતી એમ મનાતું. ભાષા એ ઘણા ગૂઢ સામર્થ્યવાળી છે એ માણસજાતનો ઘણો જૂનો સંસ્કાર છે, અને તેથી એવી શક્તિ જૂના સમયમાં ભાષાથી મળતી જણાવાતી. વળી તપથી પણ એ પ્રાપ્ત થતી, અને તપ ઉપર પણ માણસજાતની શ્રદ્ધા ઘણી પ્રાચીન છે. હાલ એવી વાર્તાઓમાં આવી શક્તિની સિદ્ધિ સાયન્સ – વિજ્ઞાન દ્વારા મેળવેલી નિરૂપાય છે કારણ કે હાલના જમાનામાં સાયન્સ એવું કરી શકે એવું ગણાય છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે માણસજાતના સંસ્કારો સૈકે સૈકે જેમ બદલાય તેમ વાર્તાકારની પદ્ધતિઓ પણ બદલાય. આપણે જોયું કે અલૌકિક શક્તિઓ સંપાદન કરવાની રીત માનવસંસ્કારોને અનુકૂળ હોવી જોઈએ. પણ તેથી પણ વધારે અનુકૂળ એ શક્તિઓનો વિનિયોગ હોવો જોઈએ. મનુષ્યસ્વભાવને વ્યક્ત કરવા જ એ શક્તિઓ આવવી જોઈએ. અરેબિયન નાઇટ્‌સમાં કે ડૉ. જેકિલ અને હાઈડની વાર્તામાં કે એચ. જી. વેલ્સની ‘ઇનવિઝિબલ મૅન’ની વાર્તામાં એ અલૌકિક શક્તિઓનો ઉપયોગ કે વ્યાપાર, માનવમાં રહેલી ગૂઢ વાસનાનુસાર થાય છે; ઊડવાની શક્તિ વાર્તામાં ઇષ્ટજનને મળવા કે ભયથી દૂર રહેવા વપરાય. એક પણ શક્તિ મનુષ્યસ્વભાવથી પ્રતિકૂળ રીતે વપરાય નહિ. જેમ વ્યવહારમાં માનવ માટે અમાનવ બનવું અશક્ય છે તેમ કલામાં પણ તેને માટે અમાનવ બનવું અશક્ય છે. કશી જ અમાનવ વસ્તુમાં માનવને રસ પડી શકે નહિ! મહાભારત, રામાયણ, અરેબિયન નાઇટ્‌સ, બધાંમાં જ્યાં જ્યાં આવી ચમત્કારક શક્તિઓ આવે છે ત્યાં ત્યાં સર્વત્ર તેનો વિનિયોગ માનવસ્વભાવને એ રીતે વ્યક્ત કરવા જ થયેલો હોય છે.[2] વાર્તામાં જડ સૃષ્ટિના નિયમોમાં ગમે તેટલી છૂટ લઈ શકાય, પણ માણસના સાચા સ્વભાવની બાબતમાં લેશ પણ છૂટ ન લઈ શકાય. ઊલટું માણસના સ્વભાવમાં રહેલા ગુપ્ત સ્વાભાવિક વ્યાપારોને વ્યક્ત કરવા એ કલાનું કામ છે. આ ઉપરથી સહેજે ફલિત થાય છે કે જ્યાં ચમત્કારક શક્તિઓ માનવસ્વભાવને વ્યક્ત કરવા ન આવે, પણ વ્યવહારમાં સાધારણ રીતે નહિ મનાતી કોઈ વાત સિદ્ધ કરવા આવે ત્યાં વાર્તા પોતાના પ્રયોજનથી બહાર જાય છે. જેમ કે ભૂત છે એમ સાબિત કરવા ભૂતની વાર્તા લખવી એ વાર્તાના પ્રયોજનની બહારની વાત છે, અલબત્ત ભૂત જેવી સૃષ્ટિમાં માનવચિત્ત કેવો વ્યાપાર કરે તે બતાવવું તે વાર્તાના પ્રયોજનમાં આવી શકે. પણ ભૂતો સાચાં છે એમ સાબિત કરવાનું કામ વાર્તાનું નથી. બીજી રીતે એમ કહી શકાય કે ભૂતોની વાર્તા, જો બનેલા બનાવોની જ હોય તો તે વાર્તા નથી, જો કલ્પિત હોય તો તેથી ભૂતયોનિ સાબિત થવાની નથી. આપણે બનાવો વિશે આગળ વિચાર કરીએ. વાર્તાનાં પાત્રોનું પોતાનું વર્તન એ પણ એક બનાવ જ છે. સાધારણ બનાવમાં અને વર્તનમાં ફરક એ છે કે વાર્તામાં તે પાત્રના સ્વભાવ કે લાગણીના પ્રકટીકરણ માટે આવે છે. અહીં વર્તનમાં પાત્રોની ઉક્તિઓ અને શારીરિક ક્રિયાઓ બંનેનો સમાવેશ થાય છે. બોલવું એ પણ એક બનાવ જ છે. ઉક્તિ અને ક્રિયા બંને માણસનો સ્વભાવ અને તેની વિશિષ્ટ પરિસ્થિતિમાં ઉત્પન્ન થયેલી લાગણી વ્યક્ત કરે છે. અહીં એટલું કહેવું જોઈએ કે ઉક્તિ કે વર્તન બંને પ્રસંગને ઉચિત હોવાં જોઈએ. એ પ્રસંગમાં જે લાગણી થઈ શકે તે લાગણીથી જે ઉક્તિ કે વર્તન થાય તે જ તેવાં જ તેટલાં જ થવાં જોઈએ. અને આપણા અત્યારના વાર્તાકારમાં મને વધારેમાં વધારે ક્ષતિઓ અહીં થતી લાગે છે. અને એનું કારણ સમજી શકાય એવું છે. વાર્તામાં પ્રસંગને લીધે પાત્રમાં લાગણી થાય છે, પણ વાર્તાકારના ખાનગી માનસ-ઇતિહાસમાં પહેલી લાગણી થઈ હોય, અને પછી એ લાગણી વ્યક્ત કરવા તે પ્રસંગ યોજે એમ પણ બને. વાર્તામાં સ્વજનના મરણથી કરુણ નિષ્પન્ન થાય છે, પણ વાર્તાકારમાં ઘણી વાર કરુણની ઇચ્છા પહેલી જાગેલી હોય છે અને પછી તેને માટે તે વાર્તામાં મૃત્યુ ગોઠવે છે. આમાં કરુણમાં સંક્રાંત થવાની અધીરાઈથી, કે પ્રસંગ ઘડવાના અકૌશલથી, તે પાત્રને ગમે ત્યારે મારી બેસે છે. ઘણા તો કેવળ સર્જકબુદ્ધિને અભાવે ગમે તેવા બનાવો યોજી ગમે તેવી લાગણીઓનાં વર્ણન કરે છે. જ્યારે કંઈ ન સૂઝે ત્યારે કોઈકને માંદાં પાડે છે, કોઈને ક્ષય કરે છે, કોઈને મારે છે, કોઈ પાસે આપઘાત કરાવે છે. ‘અરે કર્તામાં કેટલી બધી લાગણી છે?’ ‘તમે કેવા લાગણીહીન છો કે આટલી બધી લાગણી છતાં કલા નથી એમ કહો છો?’ પણ અહીં કલાનો નિયમ તો એ જ છે – ઔચિત્યનો. પ્રસંગને ઉચિત લાગણી, ને લાગણીને ઉચિત ઉક્તિ અને વર્તન. બીજી રીતે કહું તો પ્રસંગ, લાગણી, ઉક્તિ, ક્રિયા સર્વ પ્રતીતિકર થવાં જોઈએ. પ્રસંગ, લાગણી, ઉક્તિ, ક્રિયા નિરૂપ્યા પ્રમાણે પોતાના મનમાં ઘડતાં વાચક કે ભાવકને ક્લેશ ન થવો જોઈએ. એ વ્યાપાર તેના આખા ચિત્તંત્રને અત્યંત અનુકૂળ હોવો જોઈએ. પણ વાર્તામાં બનાવો, ઉક્તિઓ અને પાત્રોનાં વર્તનો સંભવિત હોય એટલું બસ નથી. સંભવિત હોવા સાથે તે ચમત્કારક – લોકોત્તર હોવાં જોઈએ અને આને હું વાર્તાનો બીજો વિરોધ કે વિરોધાભાસ ગણું છું. પહેલો વિરોધાભાસ મેં એ કહેલો કે વાર્તાકાર વાર્તા ઘડે છે છતાં તે ઘડે છે એવી નિશાની ન જોઈએ, વાર્તા એની મેળે ચાલતી હોવી જોઈએ. બીજો વિરોધાભાસ એ કે વાર્તા અત્યંત પ્રતીતિકર સંભવિત હોવી જોઈએ. અને તે છતાં તે ચમત્કારક હોવી જોઈએ. ઘણી વાર્તામાં બધું સંભવિત હોય છે અને છતાં કશું જ ચમત્કાર નથી હોતું. એ વાર્તા જ નથી. સર્વ રસમાં અદ્‌ભુત રસને ઇષ્ટ કહ્યો છે તે આને લીધે. હવે હું વાર્તાની વ્યક્તિઓ વિશે કહેવા ઇચ્છું છું. તેને માટે મેં પહેલાં કહેલો સૂરજમલજીનો ટુચકો ફરી યાદ કરશો. ત્યાં મેં કહ્યું કે વાર્તાના બનાવો કેટલાક કુદરતનાં બળોથી બનેલા, અને કેટલાક મનુષ્યથી બનેલા છતાં કુદરત જેવા જ કેવળ જડ પરિસ્થિતિના અંશરૂપ હોય છે. એ ટુચકામાં મેં કહ્યું કે સાંકડી નેળ એ મનુષ્યકૃત છતાં જડ પ્રકૃતિનો અંશ હતી, તેમ જ નેળમાં આગળ જતું ગાડું એ, પણ જડ પ્રકૃતિનો અંશ હતું. પણ, આપણે આગળ પૂછીએ, કે સૂરજમલજીને પકડી પાડવા તેની પાછળ પડેલી ઘોડેસવારની વહાર એ શું હતી? એ જડ પ્રકૃતિનો અંશ હતી? ના, નહિ જ. પણ તે સાથે તે કોઈના સ્વભાવને વ્યક્ત કરતું વર્તન પણ નથી. એ ઘોડેસવારોના સ્વભાવ વિશે આપણે અહીં કશું જ જાણવા પામતા નથી. ત્યારે એને શું કહીશું? આપણે એને વ્યક્તિનું વર્તન કહેવાને બદલે આખા સમાજનું વર્તન કહીશું. એ વખતનો સમાજ એવો હતો કે કોઈ બહારવટિયો બાણ પકડીને નાસે ત્યારે રાજ્યના અસવારો તેની પાછળ વહારે ચડે. ત્યારે ફરી પ્રશ્ન કરીશું, શું સૂરજમલજી પોતે પણ એ રીતે સમાજનું જ વર્તન ન કહેવાય? એક રીતે કહી શકાય. તે વખતનો સમાજ એવો હતો કે કોઈને અન્યાય થાય ત્યારે તે માણસ બહારવટે ચડે, એમ બહારવટે ઘણા ચડતા. સૂરજમલજીનું વ્યક્તિત્વ એ, કે તેઓ સાંકડા નેળિયામાં ઘેરાઈ જતાં ભરેલું ગાડું ઠેકીને નાસી ગયા. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે વાર્તા મુખ્ય પાત્રનું પૂરેપૂરું વ્યક્તિત્વ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેની પાછળની ભોંયમાં આખો સમાજ, સમાજના વર્ગો કે વ્યક્તિઓ અને તેની પણ પાછળ અત્યંત ઝાંખી રીતે આખું જગત રહેલું હોય છે. જેમ આપણે હાથમાં પુસ્તક લઈ વાંચતાં આંખ અમુક પંક્તિ ઉપર હોય, ત્યારે તે પંક્તિ જ બરાબર વંચાય છે, પણ તેની આસપાસની પંક્તિઓ પણ નજરમાં હોય છે, તેની પાછળ પુસ્તક નીચેનું ટેબલ પર નજરમાં હોય છે, પણ તે વધારે વધારે આછાં દેખાય છે, અને તેની આસપાસનાં પાત્રો ઓછાં વિશિષ્ટ, અને સર્વની પછવાડે આખું જગત હોય છે, જોકે, વાર્તામાં તેનો ઉલ્લેખ પણ ન હોય. અને તેથી જ વાર્તા વ્યક્તિ ઉપર, સમાજ ઉપર અને આખા જગત ઉપર પ્રકાશ નાખી શકે છે. સાહિત્યમાં એવો એક મત છે કે વાર્તાનાં પાત્રો વ્યક્તિ જ હોવાં જોઈએ, નમૂના (types) ન હોવાં જોઈએ. અહીં આ આખા મતની ચર્ચા શક્ય નથી, પણ ઉપરના નિરૂપણથી આપ જોઈ શક્યા હશો કે વાર્તાનાં બધાં પાત્રોનું વ્યક્તિત્વ એકસરખું ન જ બતાવી શકાય. નાટકમાં અનેક પાત્રો આવે, તેમાં નાયિકાને ટપાલી કાગળ આપી જાય તેનું વ્યક્તિત્વ આવી શકે નહિ. એ તો માત્ર કાગળ આપીને ચાલ્યો જાય. (અલબત્ત, સિવાય કે એ ટપાલી પણ મુખ્ય પાત્ર હોય, અને એ હોઈ શકે.) વાર્તામાં આવતા દરેક પાત્રનું વ્યક્તિત્વ આપવા બેસાય પણ નહિ, તેમાં મુખ્ય અમુખ્યતનું તારતમ્ય રાખવું જ જોઈએ. એટલે આ વ્યક્તિત્વ એ તત્ત્વતઃ તો ઓછાવત્તાનો પ્રશ્ન થઈ રહે છે. પણ આ વ્યક્તિત્વનો નિયમ એક બીજી રીતે પણ ખોટો છે. સદ્‌ગત રમણભાઈએ હાસ્ય ઉપરના લેખમાં જણાવ્યું છે તેમ, હાસ્ય માટે તો હંમેશા નમૂનો (types) જ જોઈએ. અકબર-બીરબલ, અડવો, ભદ્રંભદ્ર, એ બધા નમૂના (types) જ છે. સાહિત્યને માટે એટલું જ કહી શકાય કે જે કોઈ પાત્ર આવે તે જીવંત હોવું જોઈએ, એ એની મેળે બધું કરતું પ્રતીત થવું જોઈએ. જાણે કે વાર્તાકાર તેને ધક્કો મારી મારીને ચલાવે છે એમ ન દેખાવું જોઈએ. એટલે વાર્તામાં જે ખરેખર જરૂરનું છે તે વાર્તાની જીવંતતા, નહિ કે વ્યક્તિત્વ. એ જીવંતતામાં વ્યક્તિત્વ પણ આવતું હોય તેટલું આવે. વ્યક્તિત્વ કેટલું આવવું કેટલું નહિ એ વાર્તાના સ્વરૂપ ઉપર અને રહસ્યભૂત વક્તવ્ય ઉપર આધાર રાખે છે. એ વ્યક્તિત્વને પણ વાર્તાકલાની બલાબલની મર્યાદા રહેવાની જ. મેં આગળ કહ્યું કે ટુચકામાં માત્ર બનાવનો ચમત્કાર હોય તો બસ થાય. વાર્તામાં મેં કહ્યું કે માત્ર બનાવનો ચમત્કાર બસ નથી. એમાં જે વિશેષ જોઈએ તે માનવજીવનનું રહસ્ય છે. એ રહસ્ય એ જ કથાસાહિત્યનો પ્રાણ છે. આ બાબત સમજાવવી મુશ્કેલ છે. પણ આગળ આપેલા બે રેલવેમાં બનેલા બનાવનાં ટુચકાથી કંઈક સમજાવી શકીશ. રેલવેમાં બેસવાની જગા માટે બે માણસ વચ્ચે તકરાર થઈ તે બંને મહેમાન અને યજમાન નીકળ્યા, એમાં માત્ર બનાવની વિલક્ષણતા છે. પણ રેલવેની કાચ વિનાની બારી ઉઘાડી રાખવા કે બંધ રાખવા બે ઉતારુઓ લડતા હતા. તેમાં બનાવની વિલક્ષણતા ઉપરાંત રહસ્ય પણ છે, કે માનવ કેવો કલહપ્રિય અને કલહાંધ છે? કોઈ પૂછે છે કે પહેલા દાખલામાં રહસ્ય ન હોય તો રુસ્તમ અને સોરાબ બે અજાણ્યા માણસો તરીકે લડ્યા અને બાપ-દીકરો નીકળ્યા તેમાં વિશેષ રહસ્ય શું આવી ગયું? એમાં વિશેષ રહસ્ય અલબત્ત આવે છે. બાપ-દીકરાના યુદ્ધમાં દીકરો હણાયો, બાપની અત્યંત કરુણ દશા થઈ, વસ્તુસ્થિતિ માણસને કેવો આંધળો કરીને કરુણ અવસ્થામાં લાવી મૂકે છે, અને જીવનમાં કરુણનું શું મહત્ત્વ છે તે એ વાર્તાનું રહસ્ય છે. રેલવેના બનાવમાં આવું કશું રહસ્ય નથી. અને ટૂંકી વાર્તા જીવનમાં કોઈ રહસ્યને ઓછામાં ઓછાં પાત્રોથી, ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોથી નિરૂપિત કરે છે. ધૂમકેતુનો અલી ડોસો, તેની દીકરીનો કાગળ લેવા તે હંમેશા પોસ્ટમાસ્તરને ત્યાં જાય છે, ત્યારે પોસ્ટમાસ્તર તેનું માનસ સમજી શકતો નથી. પણ પોતે જ એકવાર પોતાના ફરજંદના સમાચાર માટે ઉત્સુક થયો ત્યારે તેને અલીનું માનસ સમજાયું. દર્દી જ દર્દીને ઓળખી શકે છે, નહિતર માણસ એટલો જડ છે કે પારકી મનઃસ્થિતિ તે સમજી શકતો નથી, એ એનું રહસ્ય છે. વાર્તાની સમગ્રતા આ રહસ્યથી બને છે. વાર્તામાં રહસ્ય સંપૂર્ણ પ્રતિબિંબિત થવું જોઈએ, વાર્તાના બનાવો અપવચ રહી જાય એ દોષ નથી, પણ રહસ્યપૂર્ણ આવવું જોઈએ. ઇતિહાસમાં બનાવ પૂરો થવો જોઈએ, વાર્તામાં રહસ્ય પૂરું થવું જોઈએ. આ વાત ઘણી સાદી દેખાય છે છતાં મેં અનેક વાર્તાઓ એવી જોઈ છે જેમાં કોઈ રહસ્ય જ ન હોય! અને જો કોઈ આ રહસ્યની આવશ્યક્તા ન સમજતું હોય તો તેને સમજાવવું ઘણું મુશ્કેલ છે એમ મેં મારા અનુભવથી જોયું છે. તેને માટે સારામાં સારો ઉપાય, મહાન વાર્તાકારોની વાર્તાનું વારંવાર પરિશીલન કરવું એ જ છે. દરેક કલા પોતાપોતાની રીતે જીવનનું રહસ્ય પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. દરેક કલા પોતાના ઉપાદાનની શક્યતા અને મર્યાદામાં જે રહસ્ય પ્રકટ કરી શકાય તેને પ્રકટ કરે છે. કલાકાર એ ઉપાદાનના પરિચયથી અને પોતાની પ્રતિભાથી પોતે પસંદ કરેલા સાહિત્યપ્રકારમાં શું પ્રકટ કરી શકાય ને શું નહિ, તે સમજી જાય છે. અથવા બીજી રીતે એમ કહીએ કે રહસ્ય ઉપરથી તેને અનુકૂળ સ્વરૂપ નક્કી કરે છે. એ સિવાય ટૂંકી વાર્તામાં શું કહી શકાય ને શું ન કહી શકાય તે સંબંધી સામાન્ય નિયમ કરી શકાય નહિ. સામાન્ય રીતે એમ લાગે કે જે રહસ્યો આખા જીવનપટને જોવાથી જ સમજી શકાય, તેવાં રહસ્યો ટૂંકી વાર્તામાં બતાવી ન શકાય. પણ સર જેમ્સ બેરી એક નાની જ નાટિકામાં એવું કરી બતાવે છે. એક પરિણીત દંપતી ત્રણ વાર સોલિસિટરને ત્યાં વિલ કરાવવા જાય છે, અને પહેલી વાર જે દંપતી અત્યંત મુગ્ધ અને પરસ્પર આસક્ત હતાં, તે છેવટે કેવાં લાગણી વિનાનાં અને ગણતરીબાજ થઈ ગયાં છે તે બતાવેલું છે. એટલે બધાનો આધાર વાર્તાકારના કૌશલ ઉપર છે. વાર્તાઓ ઘણીખરી ગદ્યમાં લખાય છે અને ગદ્ય છપાય છે તેથી વાર્તાકારનું વક્તવ્ય અસલ સ્વરૂપમાં સચવાઈ રહી શકે છે. આથી સાહિત્યસર્જનમાં વસ્તુ-રીતિ, ભાવ વગેરેની બાબતમાં અવકાશ ઘણો વધી ગયો છે. વાર્તા જ્યારે માત્ર કહી જ શકાતી ત્યારે તેના બનાવો ઘણે ભાગે સમયાનુક્રમમાં જ કહી શકાતા. હવે છપાતી વાર્તામાં વાર્તાના બનાવોને કર્તા ગમે તે ક્રમે મૂકી શકે છે. કહેવાતી વાર્તામાં માનવસ્વભાવ ઉક્તિથી કે સંવાદથી ન બતાવી શકાય, કારણ કે મુખપરંપરામાં ગદ્યની ઉક્તિ બરાબર સચવાઈ શકતી નથી, અને તેથી કર્તાને ઘણે ભાગે બનાવ અને ક્રિયા ઉપર વધારે આધાર રાખવો પડતો. હવે ઉક્તિ સચવાઈ રહે છે તેથી માત્ર ઉક્તિથી પણ તે સ્વભાવ બતાવી શકે. તેથી સ્વભાવના જે અંશો ક્રિયા સુધી ન પહોંચે તે પણ વાતમાં ઊતરી શકે. ટૂંકી વાર્તામાં જીવનના ઘેરા રંગો પણ આવી શકે છે. પણ તેની વિશિષ્ટતા એ છે કે જીવનના આછા રંગો પણ એમાં આવી શકે છે. એકબે દાખલાથી આ સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ. નીચેની વાર્તા ‘માનસી’ના અંકમાં આવેલી. વાર્તાની વિગતો યાદ નથી પણ તેનો વાંધો નથી. (માનો કે) આમસ્ટર્ડામ જતી ટ્રેનમાં બે ઉતારુઓ છે. તેમાં એક અજાણ્યો છે અને બીજો તે જ શહેરનો વતની છે અને ઘણે વરસે પોતાને ઘેર જતો હોય છે. પેલો શહેરનો માણસ અજાણ્યાને બને તો સહાયભૂત થવા આમસ્ટર્ડામ વિશે ઉપયોગી માહિતીઓ આપે છે, અને તેને કહે છે કે આમસ્ટર્ડામમાં એક સરસ હોટલ છે તેમાં ઊતરજો. હોટલના માણસો સારા છે, સામે દૃશ્ય સુંદર છે, વગેરે અનેક વખાણ કરે છે પણ હોટલનું નામ ભૂલી ગયો છે. તે ઘણો પ્રયત્ન કરે છે પણ તેને સાંભરતું નથી. સ્ટેશન આવે છે, પેલો અજાણ્યો માણસ ઊતરતી વખતે હોટલનું નામ પૂછે છે, છતાં નથી સાંભરતું. એ અજાણ્યો માણસ તો પછી જુદો પડીને ચાલ્યો જાય છે. પણ આ માણસને આ ભુલાઈ ગયાનો સંતાપ થાય છે. તે ઘેર જાય છે. કુટુંબનાં માણસો સાથે વાત કરવામાં તેનું ચિત્ત પરોવાતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી, અને છેવટે એટલો બધો વ્યગ્ર થાય છે. કે પથારી છોડી, મધરાતે એ હોટલ જઈને તેનું પાટિયું વાંચી આવે છે. અને નામ ત્યારે નીકળે છે – આમસ્ટર્ડામ હોટલ – એ જ શહેરનું! આમાં રહસ્ય એટલું જ છે કે માણસ કોઈ વાર બહુ જ પરિચિત વાત પણ ભૂલી જાય છે, અને કોઈ વાર એ વાતની વિસ્મૃતિ, ભલે એ વાતનું કંઈ પણ પ્રયોજન ન હોય છતાં એટલી બધી ખટકે છે કે એ સાંભરે નહિ ત્યાં સુધી જંપ ન વળે. આ વાત જો લખાય નહિ તો કહેવાના એક નાના ટુચકા તરીકે પણ સુંદર લાગે તેવી છે. મેં ઉપર સાર આપ્યો છે તેમાં તેનું રૂપ સ્વાભાવિક રીતે કહેવાતા ટુચકા જેવું થઈ પણ જાય છે. એક બીજી વાર્તા, સદ્‌ગત રમણભાઈની, ‘ચિઠ્ઠી’ યાદ કરો. તેમાં રહસ્ય એ છે કે આપણા સમાજમાં માણસો કેવા કેવા મૂર્ખતાવાળા અને અન્યાયવાળા પોતાના સ્વાર્થો સાધવા ચિઠ્ઠીઓ માગે છે. આ ચિઠ્ઠીની વાર્તામાં એક રીતે એમ કહી શકાય કે એ કોઈ પણ વ્યક્તિ કરતાં આખા સમાજની એક ટેવ ઉપર પ્રકાશ નાખે છે. તેમાં કોઈ પણ એક વ્યક્તિના ગુણો ઉપર પ્રકાશ નથી પડતો, માત્ર સમાજનું વ્યક્તિગત સ્વાર્થીપણું લક્ષમાં આવે છે. આ વાર્તાઓનું રહસ્ય એવું છે કે તેને વ્યક્ત કરવા નવલકથા ન લખી શકાય અને ટૂંકી વાર્તાની એ જ વિશિષ્ટતા છે. તેનાથી આવાં નાનાં નાનાં છતાં જાણવા જેવાં રહસ્યોને વાર્તામાં પ્રગટ થવાનો અવકાશ મળે છે. તેનું ભવિષ્ય મોટું છે. હવે એક પ્રશ્ન ચર્ચી આ વિષય પૂરો કરીશ. નવલકથાથી મોટી કથાને આપણે પુરાણ કહી શકીએ. તેમ ટૂંકી વાર્તાથી મોટી અને નવલકથાથી નાની એવી લાંબી વાર્તાનો વર્ગ સ્વીકારવાની જરૂર છે ખરી? મને લાગે છે કે એવો વર્ગ સ્વીકારવો ઠીક છે. શ્રી મુનશીની ‘પૃથિવીવલ્લભ’ અને ‘સ્નેહસંભ્રમ’ વાર્તાને નવલકથા કહેવા કરતાં લાંબી વાર્તા કહીએ તો વધારે સારું. એ વાર્તામાં નવલકથા જેવો વાર્તાનો ઉઠાવ નથી. આ બન્ને વાર્તાનું વસ્તુ નવલકથા જેવું અનેક પાસાવાળું નથી, પણ એકધારું ચાલ્યું આવતું વૃત્તાન્ત છે. સદ્‌ગત શરદબાબુની ‘વિપ્રદાસ’ નવલકથા છે, પણ તેમનું ‘સ્વામી’, ‘દેવદાસ’ અને એ જ દૃષ્ટિએ ‘દત્તા’ સુધ્ધાં લાંબી વાર્તા છે. આ રીતે આપણે વૃત્તાન્તબીજ કથાસાહિત્યનો નીચે પ્રમાણે ક્રમ કરી શકીએ : ટુચકો, ટૂંકી વાર્તા, લાંબી વાર્તા, નવલકથા અને પુરાણ અથવા મહાનવલ.[3] આ સર્વનું વાહન ગદ્ય છે, અને ગદ્યમાં હજી પુષ્કળ વિકાસને સ્થાન છે કારણ કે ગદ્યનો વિસ્તારી વિકાસ મુદ્રણકલા પછીથી થયો છે. આપણા સાહિત્યકારોનો આ દિશાનો પ્રયત્ન બહુ ફળદાયી નીવડવા સંભવ છે.[4]

ચૈત્ર ૧૯૯૪ (‘સાહિત્યવિમર્શ’) પાદટીપ :

  1. મહાભારત જેવામાં આખું ‘નલોપાખ્યાન’ દૃષ્ટાંત તરીકે આવે છે પણ ત્યાં તો એ સાથે સાથે સ્વતંત્ર આખ્યાન પણ છે. અને અનેક લાંબાં-ટૂંકાં આખ્યાનો ગૂંથવાં એ પુરાણની શૈલી છે. વ્યવહારમાં આપણે એવડાં લાંબાં દૃષ્ટાંતો આપતા નથી એવી વાસ્તવિકતાની દૃષ્ટિ ત્યાં અપ્રસ્તુત છે. ત્યાં એ કલાનો સંકેત છે.
  2. કોઈને પ્રશ્ન થાય કે આપણી વાર્તાઓમાં રાક્ષસોનાં બધાં વર્તનો ક્યાં માનવસ્વભાવ પ્રમાણે હોય છે? દાખલા તરીકે રાક્ષસો કેટલુંય તપ કરીને અપ્રતિમ શક્તિ માગે છે અને પછી એક દુશ્મન માગે છે, તેનો શો ખુલાસો? તો ખુલાસો એ છે કે માણસ પશુમાંથી ઉત્ક્રાંત થયો ત્યારથી તેનામાં યુયુત્સા રહેલી છે, જેને આપણે primitive pugnacity તરીકે ઓળખીએ છીએ. અને અત્યારે પણ માણસમાં રહેલી ડંફાસમાં એ શત્રુઓ ઊભા કરવાની વૃત્તિ રહેલી છે. ઘણાને અનુભવ હશે કે રેલવે મુસાફરીમાં કેટલાક માણસો પોતાની સત્તા કે મોટાઈ બતાવવા, વિના પ્રયોજન બીજાની સાથે લડે છે. આ વૃત્તિ રાક્ષસી છે અને રાક્ષસોની વાર્તામાં એ બરાબર વ્યક્ત થાય છે.
  3. સરસ્વતીચંદ્રને પુરાણ કહ્યું છે માટે એ શબ્દ વાપર્યો છે, પણ પુરાણના અર્થમાં પ્રાચીનતા, હિંદુ ધર્મની માન્યતા અને દિવ્ય ચમત્કારો આવે છે એ અહીં ઇષ્ટ નથી. એ દૃષ્ટિએ પ્રો. બ. ક. ઠાકોરે યોજેલ મહાનવલ શબ્દ વધારે સારો ગણાય.
  4. પ્રાચ્યવિદ્યા મંદિર ભાષાન્તર શાખા (વડોદરા રાજ્ય કેળવણી ખાતું) તરફથી યોજાયેલી વ્યાખાનમાલામાં તા. ૧૭-૩-૧૯૩૮ના રોજ આપેલું વ્યાખ્યાન.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.