સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/કવિતાનો રસાનંદ

કવિતાનો રસાનંદ

કવિતાના રસાસ્વાદ અંગે ઘણાં પુસ્તકો લખાયાં છે. એમાંનાં કેટલાંક સારાં પણ છે. પરંતુ એ પુસ્તકોમાંથી આ૫ણને કંઈ લાભ થાય તે પહેલાં આપણે કવિતા પ્રત્યેનું આપણું વલણ બરાબર ઠીક કરી લેવું જરૂરી છે. સામાન્ય રીતે લોકોમાં કવિતા પ્રત્યે એક જાતની મહેરબાની ભરેલી કુતૂહલવૃત્તિ હોય છે. લાવો, જોઈએ તો ખરા, આ વળી શું છે? અથવા તો કેટલાક માણસો કવિતાનો વિચાર કરતાં જ તેના પ્રત્યે એક મોટો અહોભાવ ધારણ કરી લે છે. કેટલાકના મનમાં કવિતા વાંચીને ‘વધુ સંસ્કારી’ બનવાની ભાવના હેાય છે, તે કેટલાક લોકો ફેશનેબલ ગણાવા ખાતર જ કવિતા વાંચવા ઇચ્છે છે. આ બધાં વલણો બરાબર નથી. કવિતા પ્રત્યે સાચું વલણ આથી કંઈક જૂદું જ છે. એ વલણ એટલે કે કવિતા સાથે ઉત્સાહભર્યો સહકાર; કવિતાને ઝીલવાનો, સમજવાનો એક ઉમળકાભર્યો મનોભાવ. આવી રીતની સહકારભરી મનોદશામાં પહોંચ્યા પછી કવિતાનો રસ માણી શકવા માટે વાચકે પોતાની જાતને રીતસર તાલીમ આપવાની રહે છે. એ તાલીમનું પહેલું પગથિયું છે કવિતાનાં ત્રણ તત્ત્વોનું પ્રાથમિક જ્ઞાન. આ તત્ત્વત્રયી એટલે કવિતામાં આવતા લય, છંદ અને આવર્તનનું જ્ઞાન. બધી જ કવિતાનો પાયો આ ત્રણ તત્ત્વ ઉપર મંડાયેલો છે. કવિતા પોતાની જે મોહિની ફેલાવે છે તે આ ત્રણ તત્ત્વને આધારે. એ તત્ત્વો તે જાણે મોહિનીકાર-હિપ્નોટિસ્ટ-નાં હલનચલન કે શબ્દોચ્ચાર જેવાં છે. જેવી રીતે હિપ્નોટિસ્ટ અમુક પ્રકારે હલનચલન કરીને કે શબ્દો બોલીને પોતાના પાત્રને આધીન કરી શકે છે તેવી જ રીતે કવિતા પણ આ ત્રણ તત્ત્વો દ્વારા વાચકના મનને પોતાના કાબૂમાં લે છે અને એક રીતે કવિતાને આપણે હિપ્નોટિઝમ સાથે જરૂર સરખાવી શકીએ. હા, કવિતા પણ એક જાતનું હિપ્નોટિઝમ જ છે, એ એક સંમોહન મોહિની છે. તે આપણી અંદરના અમુક ભાગને નિદ્રામાં નાખી દઈને બીજા ભાગને વધુ જાગૃત, વધુ ગ્રહણશીલ અને વધુ સક્રિય કરે છે. હિપ્નોટિસ્ટ પણ એવી જ રીતે પોતાના પાત્રની અન્ય શક્તિઓ જાગૃત કરે છે. અને તે માટે હિપ્નોટિસ્ટે પોતાના પાત્રનો સહકાર મેળવવાનો રહે છે. હિપ્નોટિસ્ટનું પાત્ર જો હિપ્નોટિસ્ટ સામે વિરોધી વલણ લે તો તે કશું જ કરી શકતો નથી. એ જ રીતે કવિતાની અસર સામે પણ જો આપણે આપણામાં એક વિરોધી મોરચો માંડી લઈએ તો કવિતા બિચારી કશું જ નહિ કરે. તે પોતાના કાર્યમાં નિષ્ફળ જશે. કવિતા તો આપણા હૃદય સાથે સીધી વાત કરવા માગે છે. અને એ હૃદયનાં બારણાં આપણે વાસી રાખીએ તો પછી તે કઈ રીતે સફળ થવાની છે? માટે કવિતા પ્રત્યે આપણી અંદર એક સહકારપૂર્ણ મનોદશા રહેવી જોઈએ. કવિતાને પોતાનો હેતુ સફળ રીતે પાર પાડવા દેવા માટે આપણે આવું વલણ રાખીએ એ બહુ જ અગત્યનું છે. આપણું હૃદય કવિતાની સાથે સમાન ભાવે વહેવું જોઈએ, આપણે સહૃદય બની રહેવું જોઈએ. આ સહૃદયતા એક ઘણી સૂક્ષ્મ અને નાજુક વસ્તુ છે. આપણું હૃદય કવિતા સામે એક કરતાં અનેક રીતે વિરોધી મોરચા માંડે છે. કેટલીકવાર એ વિરોધ બહુ જ સાદો સીધો હોય છે. માણસમાં કવિતાની ઇન્દ્રિય જ નથી હોતી! કેટલાક માણસોને જેવી રીતે સંગીતના સૂરની લેશ પણ સમજ નથી હોતી તેવી જ રીતે કેટલાકને કવિતાની સાદામાં સાદી અસર પણ પહોંચી શકતી નથી. અને આ અશક્તિ એટલી બધી પાયાની છે કે તેની સામે ભાગ્યે જ કોઈ ઇલાજ કામ આવી શકે તેમ છે. એવા માણસ માટે કવિતાનું અસ્તિત્વ હોય કે ન હોય તે સરખું જ છે. કવિતા સામે આ સિવાય એક બીજી રીતનો પણ વિરોધી ભાવ હોય છે. એવા માણસો કવિતાને સમજી શકે છે છતાં તેમાં તેમને કશો જ સાર દેખાતો નથી. આ શું? આ વસ્તુ મારે કશા ખપની નથી! આનાથી જીવનમાં શો લાભ થવાનો? આવા લોકો કવિતાને એક તદ્દન નપુંસક જેવી ચીજ, સાવ નિરર્થક જેવી, જીવનની વાસ્તવિકતા સાથે કશા સંબંધ વિનાની વસ્તુ માને છે. પરંતુ આ પ્રકારની બીમારી ઘણી ગંભીર હોવા છતાં તે મટાડી શકાય તેવી છે. કેમકે આ રોગ એ નર્યો શારીરિક રોગ નથી. આ માનસિક, ભાવનાત્મક વિકૃતિ છે અને તેનામાં સંસ્કાર દાખલ કરી તેને હઠાવી શકાય તેમ છે. પણ આ ઉપરાંત એક ત્રીજા પ્રકારનો વિરોધ પણ વાચકની અંદર રહેલો હોય છે. અને એ તો કવિતાના જે મહાપ્રેમીઓ હોય છે. તેમની અંદર પણ રહેલો હોય છે. આ વાત જાણીને ઘણાને આશ્ચર્ય પણ થશે. પણ એ વાત સાચી છે. કવિતાને ઘણી રીતે ખૂબ ખૂબ ચાહનારાઓ પણ આ વસ્તુનો વિચાર કરશે ત્યારે તેમને જણાઈ આવશે કે તેઓ ખરેખર કવિતાને ભાગ્યે જ ચાહતા હોય છે! ખરેખર? હા, તેઓ પોતાની મનોદશાનું પૃથક્કરણ કરી જોશે તો તેમને સમજાશે કે તેમને કવિતામાં જે રસ હોય છે તે કવિતાને કારણે નહિ, પણ કોઈક બીજી ભળતી વસ્તુને ખાતર જ હોય છે. એ લોકો કવિતામાંથી કંઈક ગદ્યરૂપે તારવી શકાય તેવા અર્થની શોધમાં નીકળ્યા હોય છે, તેમને કવિતામાંથી ‘કોઈ સંદેશ’ મળતો હોય છે, કવિતા તેમને કોઈક ભાવના કે પ્રેરણા આપતી હોય છે અને માટે તે કવિતા તેમને પ્રિય હોય છે. આપણા ગઈ સદીની કવિતાના ઘણા વાચકો અને કવિઓ પોતે પણ કવિતામાંથી કંઈક સાર હંમેશાં તારવતા. અને આજના વધારે સંસ્કારી વાચકો પણ કવિતામાં ‘નવજીવનના મંત્રો’ શોધી રહ્યા છે, અને કેટલાક મહાન કવિઓ એવા મંત્રો કવિતામાં પૂરી પણ રહ્યા છે. આપણા સામાજિક, રાજકીય કે ક્રાંતિવાદી કાર્યકર્તાઓ, નેતાઓ પ્રજાના પ્રાણને જગાડે તેવું કાવ્ય માગતા આવ્યા છે. તેમને જીવનમાં એક નવી શ્રદ્ધા, નવું બળ જોઈએ છે, ક્રાંતિવાદીઓ આમ જનતાના આત્માને ઢંઢોળી નાખે તેવા બુલંદ સિંધુડા માગે છે. બેશક, કવિતા આ બધું જ કરી શકે છે. એમ કરીને પણ તે કવિતા રહી શકે છે. છતાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ વસ્તુઓ એ કવિતાનું મુખ્ય કાર્ય નથી. એ બધી એની માત્ર એક આડકતરી નીપજ છે. અને એ નીપજને ખાતર જ કવિતા વાંચવી તે એક ઘણી જ સૂક્ષ્મ પ્રકારની કાવ્ય વિરોધી મનોવૃત્તિ છે. એ વૃત્તિ સૂક્ષ્મ હોવાને લીધે તેને પકડી પાડવી અને તેમાંથી મુક્ત થવું એ પણ એટલું જ વિકટ છે. પરંતુ કવિતાનો ઉત્તમોત્તમ હેતુ સફળ કરવો હશે, તેમાંથી આપણે તેનું ઉત્તમોત્તમ પરિણામ મેળવવું હશે તો આવી મનોદશાને પણ આપણે સુધારી લેવી પડશે. તો કવિતાનો આ ઉત્તમોત્તમ હેતુ, તેનું ઉત્તમોત્તમ ફલ તે શું? એ છે કેવલ શુદ્ધ આનંદ, કવિતાને આપણે તેમાંથી નીપજતા એક શુદ્ધ આનંદને ખાતર જ સેવવાની રહે છે. કવિતામાંથી આ આનંદ મેળવવાની કળા આપણે કેળવવાની રહે છે. પણ એ કળા વિવેચનનાં પુસ્તકો વાંચવાથી નહિ મળે. સૂર્યનાં કિરણોની અસર વિષેનો કોઈ ગ્રંથ વાંચીને આપણે સૂર્યાસ્તનો આનંદ લેવાની શક્તિ મેળવી શકતા નથી. એના જેવું જ આ છે. તો પણ કવિતા વિષેનાં પુસ્તકો આપણને કંઈક મદદ તો આપે જ છે. ભલે એ પુસ્તકો આપણામાં રસાસ્વાદની શક્તિ ન જન્માવી શકે, તો પણ તેમના વાચન દ્વારા આપણામાં રહેલી એ શક્તિ વધારે ઊંડી, વધારે વિશાળ અને વિશુદ્ધ બની શકે છે. કાવ્ય વિવેચનના ગ્રંથોમાંથી આ૫ણને કવિતા અંગેની તત્ત્વત્રયીનું–લય, છંદ અને આવર્તનનું જ્ઞાન મેળવવામાં મદદ મળી શકે છે. પણ આપણે યાદ રાખીએ કે કવિતા સમજવા માટે આપણો સાચો શિક્ષક તો કવિતા પોતે જ છે. કવિતા એટલે કે સારી કવિતા, અને સારી એટલે કે આપણને આનંદ આપી શકતી હોય તેવી કવિતા. આપણને જ્યારે કોઈ કાવ્ય ખરેખર રસ આપે, ત્યાર પછી જ આપણે એ કાવ્યની અસર વિષે વિચાર કરી શકીએ. કાવ્યમાં એવો રસ જ્યાં લગી ન પડે ત્યાં લગી કવિતાને સમજવા પ્રયત્ન કરવો તદ્દન નિરર્થક છે. પણ જો કોઈ કાવ્ય આપણને ખરેખર રસ આપતું હોય તો પછી આપણે તેનાં કારણોની શોધ આદરી શકીએ છીએ. એ શોધ કરતાં કરતાં આપણને રસનાં કારણો જડવા લાગશે. આપણે પ્રથમ તો એ જોઈશું કે કાવ્યનો રસ તેમાં રહેલા અમુક લયમાંથી જન્મે છે. એ લય તે કાવ્યમાં વપરાયેલા શુદ્ધ છંદનો લય હોય અથવા તો એમાં વપરાયેલા કોઈ અપદ્યાગદ્ય જેવા અર્ધાપર્ધા છંદનો લય પણ હોય. આપણે જોઈશું કે એ લય કાવ્યની અંદર અમુક રીતે જુદાં જુદાં રૂપો લે છે. એ લયની વિવિધતાને આપણે અભ્યાસ કરીએ, એ લયમાંથી કેવી રીતે સંગીત જન્મે છે તેની આપણે શોધ આદરીએ. હા, કાવ્યના એ લયમાંથી એક પ્રકારનું સંગીત જન્મે જ છે, કેમ કે લયની આ વિવિધતા શબ્દોને ગુંજતા કરી મૂકવા માટે જ પ્રથમ તો યોજાય છે. લયની એ વિવિધતા દ્વારા આપણે જોઈશું કે કવિ પોતાના રસાનુભવને, તેના નવા નવા પલટાઓને અમુક અમુક રીતે રજૂ કરે છે. આપણે હવે જોઈશું કે આ લય-કાવ્યમાં રહેલું છંદતત્ત્વ એ કેવળ પિંગળના ચોક્કસ છંદમાં કે પ્રાસાનુપ્રાસમાં જ માત્ર રહેલું નથી. એ છાંદસતા તો કાવ્યના શબ્દોની અંદર જે રવમાધુર્ય હોય છે, એમાં જે આંતર યમક અને શબ્દના અવાજનું અનુરણન હોય છે તેમાં પણ આવેલું છે. કવિ કાનને આનંદ આપવા માટે વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા સ્વરો અને વ્યંજનોનું પુનરાવર્તન સાધે છે. એ સ્વરો અને વ્યંજનોની અંદર એક સૂક્ષ્મ પ્રકારની વિવિધતા લાવે છે. છાંદસતા આ બધાની અંદર રહેલી છે. આ૫ણને કાવ્યમાં ‘અસમાનની અંદર એક સમાનતા’નાં દર્શન થાય છે. સમાનતાનું આ તત્ત્વ પેલી તત્ત્વત્રયીનું જે ત્રીજું તત્ત્વ આવર્તન છે તેની પાછળ પણ રહેલું છે. કાવ્યનાં પહેલાં બે તત્ત્વો, છંદ અને લયમાં તો આ આવર્તન આપણને બહુ જ સ્પષ્ટ દેખાય છે. કાવ્યના ધ્રુવપદમાં, કોરસ (વૃંદગાન)માં તો આપણે શબ્દોનું સીધેસીધું આવર્તન થતું જોઈએ જ છીએ. પરંતુ હરકોઈ સારા કાવ્યની અંદર આથી પણ ભિન્ન પ્રકારનું, એક વધુ સૂક્ષ્મ અને સંકુલ પ્રકારનું આવર્તન પણ રહેલું હોય છે. આ આવર્તન તે કાવ્યમાં રહેલા ચિત્રનું-પ્રતીકનું આવર્તન હોય છે. આપણે જોઈશું કે એ કાવ્યમાં એકનું એક ચિત્ર, એકનું એક પ્રતીક ફરી ફરીને રૂપાંતરે આવતું રહે છે. પહેલું ચિત્ર હળવું થઈને બીજા ચિત્રની અંદર ભળી જાય છે અને તેને વધારે પુષ્ટ કરી આપે છે, ત્યાંથી આગળ વધી તે કોઈ નવા ત્રીજા ચિત્ર માટે કલ્પનાને તૈયાર કરી આપે છે. અને એમ ચિત્રની ગતિ થતી રહે છે. આમ આ ત્રણ તત્ત્વોના પરિચય દ્વારા આપણે જોઈશું કે કવિ કેવી રીતે એકએક પગલે ક્રમેક્રમે પોતાના અનુભવના હાર્દની અંદર પહોંચે છે, કેવી રીતે એ અનુભવના રહસ્યની અંદર, એ અનુભવમાં રહેલા કાવ્યમય સત્યની દિશામાં ગતિ કરે છે. આપણે જોઈશું કે કવિ લય, છંદ અને આવર્તન એ ત્રણ કરણોની મારફતે પોતાના સત્યની શોધ આદરે છે, એટલું જ નહિ પણ એ કરણો દ્વારા તે સત્ય આપણી આગળ રજૂ પણ કરે છે. હવે આપણે એ જોવાનું છે કે કવિને તેના આ બેવડા કાર્યમાં, સત્યને શોધવામાં તેમ જ નિરૂપવામાં કેટલી સફળતા મળી છે. એ સફળતાનું માપ આપણને એક ચોથા તત્ત્વમાંથી મળે છે. એ તત્ત્વ છે પ્રતીતિ. કવિને પોતાની રચનાને અંતે જતાં એમ થાય છે કે હા, જે સત્યને શોધવા અને નિરૂપવા હું મથી રહ્યો છું, તે બરાબર આ જ છે. અને આપણને પણ એ રચાયેલી કૃતિની અંદર એ સત્યનું દર્શન થાય છે. આપણને પ્રતીતિ થાય છે અને આપણે બોલી ઊઠીએ છીએ, ખરેખર, આ સાચું જ છે. મારું આખુંયે અંતર કહે છે કે આ સત્ય છે. આ સત્ય તે કયું હશે? કવિતા અંગે એ એક ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે. એનો જવાબ એ છે કે એ સત્ય તે વૈજ્ઞાનિકનું કે તર્કશાસ્ત્રીનું સત્ય નથી. સાયન્સ કે તર્કશાસ્ત્ર જે રીતનું સત્ય આપણી આગળ રજૂ કરે છે તેના કરતાં આ એક જુદી જ રીતનું સત્ય છે. એ સત્ય છે આપણા પ્રત્યક્ષ ઇન્દ્રિયાનુભવનું સત્ય, આપણી ઊર્મિનું-લાગણીનું સત્ય, એક પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિનું સત્ય. ઘણા જણ કવિતાનો ‘અર્થ’ શોધવા નીકળી પડે છે. પણ એ અર્થ તે કવિતાનો ગદ્યમાં અન્વય કરવાથી નથી મળવાનો. કવિતાનો ખરો અર્થ તો પ્રત્યેક વાચકના હૃદયમાં થાય છે. હરેક વાચકના હૃદયમાં કવિતા એક આંતરિક, આધ્યાત્મિક અનુભવ બનીને વસી જાય છે. કવિતાનો ખરો અર્થ તે આ છે. વાચકનું હૃદય કવિતાને આ રીતે જે ઘટાવે છે તે જ કવિતાને અર્થ છે. આપણે જોઈએ છીએ કે કવિતા એ આખરે તો અમુક વસ્તુને શબ્દ દ્વારા કહેવાની એક વિશિષ્ટ પદ્ધતિ જ છે. પણ એ વસ્તુ એવી છે કે જે કવિ કહે છે તે સિવાય કદાચ બીજી કોઈ પણ રીતે કહી શકાય તેવી નથી. અને ખરી વાત પણ એ જ છે. એ વસ્તુ એવી છે કે જ્યાં સુધી તે કવિતારૂપે જન્મ (અથવા તો પુનર્જન્મ) લેતી નથી ત્યાં સુધી તે અમુક અર્થમાં તો હસ્તીમાં જ હોતી નથી. એક વિવેચકે કહ્યું છે કે મહાન કવિઓ એવા પુરુષ છે કે જેમને મુખેથી ગહન સત્યો ઉચ્ચારાતાં હોય છે, પણ એ સત્ય એવું હોય છે કે તેને ઉચ્ચારવા માટે કવિ જે વાણી વાપરે છે તે વાણીથી તેને લેશ પણ અલગ કરી શકાય તેમ નથી હોતું. એટલે જે લોકો પહેલી વાર જ કવિતા વાંચવાનું શરૂ કરતા હોય, એટલું જ નહિ, પણ જેઓ હંમેશાં કવિતા વાંચતા હોય તે સૌ કોઈને હું તો આ ભલામણ કરું છું : તમે જે કવિતા વાંચો તે મોટેથી વાંચો, એથીયે વધુ સારું તો એ કે તમે કોઈ પાસેથી તેનું શ્રવણ કરો, કવિતાને સાંભળો. એવી રીતે તમે કવિતાનું શ્રવણ કરતા હો ત્યારે કાવ્યનો ‘અર્થ’ શો છે એ જાતની માથાકૂટમાં ન ઊતરતા. કાવ્યના જે શબ્દો છે તે શબ્દોને જ સીધેસીધા ઝીલો. એ શબ્દોને જ તમારા ઉપર સીધેસીધા કામ કરવા દો. તમે એ શબ્દોનું જ શ્રવણ કરો. એ શબ્દોને તમારી જાત સોંપી દો. કવિતાનું વાચન તમે કોઈ કાવ્યસંગ્રહથી શરૂ કરો એ વધુ ઇષ્ટ છે. કોઈ એકાદ કાવ્યસંગ્રહ લઈ એનાં પાનાં ઉથલાવતા જાઓ. એમ કરતાં કરતાં તમને આકર્ષક લાગે એવી કૃતિ જડે ત્યારે અટકો. માત્ર એ જ કાવ્ય ધ્યાનથી વાંચો. તેને ફરી વાર વાંચો. વળી, બીજી વાર વાંચો. અને પોતાને પછી પ્રશ્ન કરો, તમને એ વસ્તુમાંથી કોઈ કાવ્યરસ, કાવ્યાત્મક રસ મળે છે ખરો? એ કાવ્યરસ તમે જોશો કે એક જુદો જ, નવો જ રસ છે. તમને તમારા અભિપ્રાયોને કોઈ તરફથી પુષ્ટિ મળે છે, કાં તો તમારી માન્યતાઓને ક્યાંકથી પડકાર મળે છે ત્યારે એક પ્રકારનો રસ જન્મે છે. તમે કોઈ ઉપદેશ સાંભળો છો, ટોળટપ્પાં મારો છો, યા તો છાપાનો અગ્રલેખ વાંચો છો ત્યારે એક રસ મળે છે. કાવ્યનો રસ તે આવા કોઈ પ્રકારનો રસ નહિ હશે. કાવ્યરસ એ તો એક નર્યો શુદ્ધ રસ છે. તમને કોઈ ચિત્ર જોતાં, કોઈ સંગીત સાંભળતાં જેવો રસ જન્મે છે તેના જેવો એ રસ હોય છે. તમે જોશો કે કાવ્યનો સ્પર્શ થતાં તમારી ચેતનામાં એક પ્રકારનો ઉલ્લાસનો ઝંકાર જાગે છે. તમારી લાગણીઓ એક પ્રકારની તૃપ્તિ અનુભવે છે. હવે જુઓ, તમે જે કાવ્ય વાંચ્યું તેમાંથી તમને આવું કંઈક થાય છે ખરું? એમ થતું હોય તો પછી એ જ લેખકનાં બીજાં થોડાંક કાવ્યો વાંચો. એ કાવ્યોમાં તમારી જાતને તરબોળ કરો. તમારા મન આગળ કાવ્ય સિવાય બીજી કોઈ પણ બાબતની જિજ્ઞાસા કે પ્રશ્ન ઊભો ન થવા દેતા. તમે એમ ન પૂછશો કે આ કવિમહાશયને તો દસ બાળક હતાં ને? તમે એમ ન વિચારશો કે, આ તો પેલો દારૂ પીને મરી ગયો હતો એ માણસ ને? અથવા તો આ કવિશ્રીને ડાર્વિનનો વિકાસક્રમનો સિદ્ધાંત વાંચતાં ખૂબ આઘાત થયો હતો ખરું ને? ના, કાવ્ય વાંચતી વેળાએ તમારે કવિ અંગે કે કવિતા અંગે આવા-તેવા પ્રશ્નો વિચારવાના નથી. યાદ રાખો, તમારે માત્ર કવિતા સાથે જ નિસ્બત રાખવાની છે. કવિતા વિષે તમારે જે કાંઈ જાણવા જેવું, સમજવા-વિચારવા જેવું છે તે તમારે કવિતા વાંચીને જ, કવિતામાંથી જ, મેળવવાનું છે. આ રીતે કાવ્યને વાંચવા-સમજવાનો અભ્યાસ પાડતાં તમને કવિતાનો સાચી રીતનો રસ લેવાની કળા હાથ લાગશે, તમારું અંતઃકરણ કાવ્યના રસને ઝીલવાની શક્તિ મેળવશે. એક વાર આ પ્રથમ વસ્તુ તમારા હાથમાં આવી ગઈ પછી તમે એ રસવૃત્તિને આગળ કેળવી શકશો. આ આગળની તાલીમ માટે હું તમને એક બે સૂચનો કરું : એ માટે પ્રથમ તો તમારે કવિનું માનસ શું હોય છે, કવિનો સ્વભાવ કેવો હોય છે તેનો કંઈક પરિચય મેળવવો જોઈએ. આ માટે તમને કલાપી[1] અને કાન્ત જેવા કવિઓના પત્રોમાંથી ઘણી ઉત્તમ સામગ્રી મળશે. એ વાંચ્યા પછી એ કવિઓ વિષે બળવંતરાય ઠાકોરે, રામનારાયણ પાઠકે, જે લખ્યું છે તે તમે વાંચી જુઓ. એ પછી ન્હાનાલાલનાં કેટલાંક ભાષણો, ઉમરવાડિયાના ‘કમળના પત્રો’ પણ વાંચી શકો. તમે જોશો કે તમે જાણે કવિતાના એક કારખાનામાં ફરી રહ્યા છો. એ પત્રોમાં કવિતાની સામગ્રી ઠેર ઠેર વેરાયેલી પડેલી છે. ઘણાં વિદ્વત્તાભર્યા વિવેચનોના તમે અનેક ગ્રંથો વાંચશો તેના કરતાં પણ કંઈક વિશેષ તમને આવા હૃદ્‌ગત ઉદ્‌ગારોમાંથી મળશે. તમે જોશો કે તમને એક વિશિષ્ટ દૃષ્ટિ, કવિતા કઈ રીતે રચાય છે તે જોવાની એક આંતર દૃષ્ટિ મળી રહી છે. એવું વાચન કવિતા વિષે આપણામાં રહેલી નૈસર્ગિક લાગણીને વધુ ઊંડી બનાવી આપે છે. એ વાંચ્યા પછી સમજાશે કે અમુક માણસો કવિતા શા માટે લખે છે. એ જાણ્યા પછી આપણામાં કવિતા તરફ માનની લાગણી જન્મશે. આપણે જોઈ શકીશું કે કવિઓને કુદરતના જગત તરફ, માનવોની દુનિયા તરફ એક ઘણી તીવ્ર, ગહન તેમ જ સ્વાભાવિક એવી સહાનુભૂતિ, સહૃદયતા હોય છે. કવિઓમાં રહેલી એ સહૃદયતાની અંદરથી જ તેમની કવિતાનાં ઝરણ ફૂટતાં હોય છે. એ સહૃદયતા ક્યાં સુધી જઈ શકતી હોય છે, તેમાં કેવું તો ઊંડાણ હોય છે એ વાત કવિઓની આ ચિત્તવૃત્તિને ૫રિચય સાધવાથી મળશે. તમારી કાવ્યરુચિનો વિકાસ કરવા માટે તમે હવે એક બીજું પગલું આગળ જઈ શકો છો. તમે હવે કાવ્યના તત્ત્વની સમજ મેળવવાનો પ્રયત્ન આદરો. આ બાબતમાં પણ તમે પ્રથમ તો કવિઓએ લખેલાં પુસ્તકો વાંચો એ વધુ ઇષ્ટ રહેશે. હા, એવું બને છે ખરું કે ઘણાખરા કવિઓ પોતે જે રીતની કવિતા લખતા હોય છે તેમાંથી જ અથવા તો તે મુજબ જ પોતાના સિદ્ધાંતો તારવતા હોય છે. તોપણ એ વાત પણ આપણે ધ્યાન રાખવાની છે કે કવિતા વિષે જે ઉત્તમ વિવેચનો લખાયાં છે તેનો મોટો ભાગ કવિઓને હાથે જ, જેઓ પોતે કાવ્યકળાના કસબીઓ રહેલા છે તેમને હાથે જ લખાયેલો છે. આપણે ત્યાં સારી ઉત્તમ તેમ જ મધ્યમ કોટિની કવિતા લખવા સાથે સારાં વિવેચન તથા કાવ્યચર્ચા કરનારા કવિઓમાં આ૫ણને નર્મદ, નવલરામ, મણિલાલ નભુભાઈ, રમણભાઈ, કાન્ત, નરસિંહરાવ, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક ઇ. જોવા મળે છે. પોતે કવિતા ન લખી હોય છતાં ઉત્તમ રસદૃષ્ટિ બતાવીને પ્રૌઢ વિવેચન અને માર્ગદર્શન આપ્યું હોય તેવા લેખકોમાં આનંદશંકર ધ્રુવ, કનૈયાલાલ મુનશી, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી છે. ખબરદાર અને વિજયરાય જેવા લેખકોનાં ઠક્કર વસનજી સ્મારક વ્યાખ્યાનો પણ આમાં નોંધપાત્ર છે. આપણી પ્રાચીન કવિતાના રસની સમજ માટે નવલરામ અને રામનારાયણ પાઠકના લેખો ખૂબ મદદરૂપ નીવડે તેવા છે. અર્વાચીન કવિતાની ‘સાંપ્રત રસમય ઋતુ’ની કદર કરનારાઓનો આરંભ રમણભાઈથી થાય છે. કાન્ત પાસે ઘણી ઊંડી અને નક્કર રસદૃષ્ટિ હતી. નરસિંહરાવની ‘કુસુમમાળા’ અંગે તેમની હજી અપ્રસિદ્ધ એવી વિવેચનનોંધ કાવ્યના અભ્યાસીઓને ઘણી જ મદદરૂપ થાય તેવી છે. ‘પૂર્વાલાપ’ની નવી આવૃત્તિમાંનો પ્રવેશક પણ કાન્તની દૃષ્ટિ સમજવામાં ઉપયોગી નીવડશે. આપણે ત્યાં કાવ્યના ખરા રસતત્ત્વની કદર મણિલાલ નભુભાઈથી શરૂ થાય છે. તેમનાં અવલોકનો કાવ્યની રસાત્મક દૃષ્ટિ ખીલવવામાં ખૂબ મદદરૂપ થશે. અર્વાચીન કવિતાના ઊગતા નવા તારકોના પ્રકાશની ખૂબ વિગતે કદર કરતાં વિવેચનો નરસિંહરાવનાં છે. એમના ‘મનોમુકુર’ના ગ્રંથો નવા અભ્યાસીને બહુ મદદરૂપ નીવડશે. ન્હાનાલાલનાં વ્યાખ્યાનો એ એક ખરા કવિનાં કીમતી આત્મનિવેદનો જેવાં છે. કાવ્યની તટસ્થ અને વ્યાપક તેમ જ તલસ્પર્શી ગવેષણા આનંદશંકર, બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકથી થયેલી છે. આનંદશંકરનું ‘કાવ્યતત્ત્વવિચાર’ એ એક પુસ્તક પણ નવા અભ્યાસીને કવિતા વિષે જાણવા જેવી વસ્તુઓમાંથી ૭૦-૮૦ ટકા જણાવી દે છે. બળવંતરાયનાં વિવેચનો, તેમનું ‘કવિતા શિક્ષણ’ એ તો એક કુશળ કાબેલ શિક્ષકના વિગતે અને દૃષ્ટાંતે સભર કાવ્ય પાઠ જેવું છે. એમનું ‘આપણી કવિતા સમૃદ્ધિ’ એ આ જ દિશાનો વધુ વ્યાપક અને વિશેષ માર્ગદર્શક પ્રયત્ન છે. રામનારાયણ પાઠકનું ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’ તથા ‘કાવ્યની શક્તિ’માંના લેખો અને અવલોકનો આ વિષયના ઊંડા પર્યેષણમાં લઈ જશે. પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું ‘વિવેચના’ એક ઘણા સહૃદય સુજ્ઞ કાવ્યમર્મજ્ઞની દૃષ્ટિ તમને આપશે. સુન્દરમ્‌ અને ઉમાશંકરના લેખો તથા વિવેચન-પુસ્તકો અર્વાચીન કવિતાના અદ્યતન પ્રવાહની તમને ઝાંખી કરાવશે. ગુજરાતી કવિતાના લોકસાહિત્યના પ્રવાહની રસવત્તાની પિછાણ તો મેઘાણીના સુવિદિત ગ્રંથોમાંથી મળશે. છેવટે બે અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાની છે. આપણી કવિતાની તાત્ત્વિક દૃષ્ટિ સંસ્કૃત અને અંગ્રેજી કવિતાના ઉપર વિકસેલી છે. એટલે સંસ્કૃત રસશાસ્ત્રનો કાંઈક રેખાત્મક પરિચય પણ મેળવવો જોઈએ. એ માટે મમ્મટનું ‘કાવ્ય પ્રકાશ’ અને આનંદવર્ધનનું ‘ધ્વન્યાલોક’ એ યથાશક્ય વાંચવાં જોઈએ. એ બંને ગ્રંથો ગુજરાતીમાં થોડાઘણા ઉપલભ્ય છે. ડોલરરાય માંકડ અને આનંદશંકરના લેખોમાંથી આ દૃષ્ટિનો પૂરતો પરિચય મળી રહેશે. પશ્ચિમની કવિતાદૃષ્ટિનું ઉત્તમ દોહન બળવંતરાય ઠાકોરના લેખોમાંથી, ખાસ તો તેમના ‘લિરિક’માંથી મળશે. બીજી મુદ્દાની વાત એ કે વિવેચકોના વિવેચનની સાથે સાથે તેમની પોતાની કવિતા પણ વાંચવી જરૂરની છે. આ ઘણો લાંબો ઊંડો અને શ્રમપૂર્ણ પદાર્થપાઠ છે, પણ તેમાંથી સારરૂપ અમુક ભાગ તો વાંચવો જ જોઈએ. એ માટે જો ઓછામાં ઓછાં વાંચવા જેવાં પુસ્તકો કોઈ માગે તો હું આ સૂચવું : ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘આપણી કવિતાસમૃદ્ધિ’, ‘કાવ્યની શક્તિ’. આટલું તો હરેક કાવ્યપ્રેમીએ વાંચવું જોઈએ. અને છેવટે એક ચેતવણીનો શબ્દ, જોકે હવે તે બહુ જરૂરી નથી. છતાં તે યાદ રાખવા જેવો છે. થોડા વખત ઉપર આજની છેલ્લાં વીસ પચીસ વર્ષથી લખાતી કવિતા સામે એક વિરોધી માનસ આપણે ત્યાં હતું. પણ એમ છતાં આજના કવિઓની સાચી કળાનો યોગ્ય સ્વીકાર સર્વત્ર થયો છે. કેટલાક વાચકોને જેવો રસ પ્રાચીન કવિતામાં પડતો, તેવો રસ નવીન કવિતામાં નથી પડતો. તેમને એમ લાગે છે કે આ કવિતા તદ્દન નવે ચીલે અને ખોટે ચીલે પણ ચડી ગયેલી છે. જૂની કવિતામાં જે નિયમો આદિનું પાલન થતું હતું તે હવે થતું નથી, અને આવી બધી નિયમોની ભાંગતોડ કરતી કવિતામાં તેમને રસનો નાશ થતો દેખાય છે. પણ આ વાત તદ્દન આવી જ છે એમ નથી. નિયમોનો ગમે તેટલો ભંગ કરવા છતાં તે કવિની કવિતા જૂની પરંપરા સાથે સંધાન જાળવતી હોય છે એ વાત યાદ રાખવાની છે. અને જેને જૂની પરંપરા કહી એકદમ વધાવી લેવામાં આવે છે તે પણ એક કાળે તેના જમાનામાં તો નવીન હતી જ અને તે વખતે તેણે જે જે નવાં પ્રસ્થાન કરેલાં તે બધાં તેની પહેલાંની કવિતાથી જુદાં પડતાં હતાં, અને આજની કવિતાના જેવાં જ તે પણ નિયમભંગ કરનારાં હતાં. એ ‘નિયમભંગ’માંથી નવા નિયમોનું સર્જન થતું હતું. એટલે જ્યારે જ્યારે કોઈ પણ સમર્થ કવિના હાથે કંઈક જુદું ભિન્ન પ્રકારનું સર્જન થાય છે ત્યારે સાથેસાથે તે એક નવી નિયમાવલિ અને નવું રસશાસ્ત્ર પણ નિપજાવે છે. આ નિયમો જૂના હો કે નવા, આપણે મુખ્ય નજર તો કવિતા ઉપર જ માંડવાની છે. નિયમ જળવાયો છે કે નહિ, આ અપદ્યાગદ્ય છે, અગેય પદ્ય છે કે પ્રવાહી છંદ છે એની ઝાઝી ખટપટમાં ન જતાં એમાં કવિતા છે કે નહિ, રસાત્મકતા છે કે નહિ, શબ્દની, અર્થની, ધ્વનિની ચમત્કૃતિ, સૌન્દર્યાત્મકતા છે કે નહિ તે જ માત્ર જોઈએ. નિયમ જાળવીને લખેલી કૃતિ પણ નિષ્ફળ હોઈ શકે છે અને નવી ક્રાંતિકારક દૃષ્ટિ હેઠળ નિયમોનો ભંગ કરીને લખેલી કૃતિ પણ નિષ્ફળ હોઈ શકે છે. બદ્ધ પ્રવાહવાળી રચના કે મુક્ત પ્રવાહી પદ્યની રચના પણ એકસરખા ગુણો કે દોષો ધરાવી શકે છે. એટલે કવિતાના આમ આ બાહ્ય લેબાસથી અતિ પ્રસન્ન કે અતિ નાખુશ થયા વિના કેવળ કવિતા ઉપર જ ધ્યાન આપો. નવીન કે પ્રાચીન કે અર્વાચીન એવા ભેદો પણ ન પાડો. જ્યારથી કવિતા રચાવી શરૂ થઈ છે ત્યારથી કવિતા સદાય કવિતા રહેલી છે. અને તે બધી જ એક સરખા ભાવથી, ભક્તિથી અને રસથી વાંચવા જેવી છે. નરસિંહ મહેતાથી માંડીને શામળ, પ્રેમાનંદ, દયારામ, દલપતરામ ન્હાનાલાલ ઇ. બધા જ પોતપોતાના કાળમાં એક વખતે ઊગેલા ‘અમીવર્ષણ ચંદ્રરાજ’ જેવા હતા. તેમની ઉત્તમ કવિતા સદાયને માટેની જીવતી જાગતી કવિતા છે. આ ધ્યાનમાં રાખીને ઉપર કહ્યું તે મુજબ કવિતા વાંચો. એકલા હો તો તેનો મોટેથી પાઠ કરો, કવિતાને ગુંજો, ગાઓ, કવિતાના શબ્દોને તમારી અંદર ઊંડે ઊંડે ઊતરવા દો. એ શબ્દોના પ્રભાવને તમારામાં પ્રવેશવા દો. એ શબ્દોના અર્થ ઢૂંઢવા માટેની ખટપટમાં ફસાઓ નહિ. એક મહાન ફ્રેંચ કવિએ તો કહ્યું છે કે કવિતા તો શબ્દોમાંથી બને છે, વિચારોમાંથી નહિ. કવિને મુખેથી જે શબ્દ ઝરે છે તેમાં જ કવિતા છે. અને એ વાણીની પાછળ અર્થ તો આપોઆપ આવતો જ હોય છે! ‘વાચમર્થોઽનુધાવતિ’-એ વાક્‌ની શક્તિનો, એ વાક્‌ના સૌન્દર્યનો સ્વીકાર કરો. તમે જોશો કે કાવ્યની એકાદ પંક્તિ, એમાં આવતો એકાદ શબ્દ, એકાદ ચિત્ર તમારી કલ્પનાને અડી જાય છે. એ પંક્તિ ઉપર, એ ચિત્ર ઉપર તમારા ચિત્તને એકાગ્ર કરો. તમને એમાંથી આખાયે કાવ્યની ચાવી મળી રહેશે. એના આધારે આખાયે કાવ્યના નૂતન સૌન્દર્યનો પટ તમારી આગળ ખૂલવા લાગશે. એ કાવ્યનું જે સૌન્દર્ય તમે પીધું હશે તેમાંથી તમારી આગળ નવાં સંવેદનોની સૃષ્ટિ ખુલ્લી થશે. એ સૃષ્ટિમાં પ્રવેશ કરીને તમે એક નવા રસની સૃષ્ટિમાં દાખલ થશો. તમારી સમક્ષ એક નવી સહાનુભૂતિવાળી, નવા રસવાળી દુનિયા પ્રગટ થશે, એક નવા જીવંત રસોનું નવું જીવંત જગત તમને પ્રાપ્ત થશે.

પાદનોંધ :

  1. મૂળ લેખકે હવેના ભાગમાં અહીં અંગ્રેજી કવિઓ અને પુસ્તકોનો ઉલ્લેખ કરેલો છે, એને બદલે મેં આપણા સાહિત્યમાંથી કેટલાંક નામો સૂચવ્યાં છે. આ વિષયના વધુ અભ્યાસીઓ પાસેથી આ ઉપરાંત બીજાં માર્ગદર્શક સૂચનો પણ મળી શકે.—સુન્દરમ્‌

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.