સરળ અલંકાર-વિવેચન/વિભાવના

(૩) વિભાવના :

આ અલંકાર પણ વિરોધ જ દર્શાવે છે. ગુજરાતીમાં જો ઝાઝું પૃથક્કરણ ન કરવું હોય તો વિભાવના અને વિશેષોક્તિ અલંકારને વિરોધમાં જ ગણી લેવામાં કશો બાધ નથી. વસ્તુતઃ વિરોધાલંકારની પેટા જાતિ જેવો જ આ અલંકાર છે. જ્યારે કારણ વિના કાર્ય થતું હોય અથવા તે કાર્યને માટે કોઈ કારણ જ ન દર્શાવાયું હોય ત્યારે વિભાવના અલંકાર બને છે.

પીછું ખેરવીને ગયું ઉડી ગયું, ના! ગીત મૂકી ગયું:
પોતે ના કંઈ ગાયું કિંતુ મુજને ગાતો કરીને ગયું.

(ઉમાશંકર જોષી)

અહીં પંખીની શાંત રમણીયતા જ એવી છે કે, પંખી ગાતું નથી, આમ કશું જ કરતું નથી, કોઈ એવું કારણ નથી, છતાં પણ પંખી ગીત મૂકી જાય છે. એ કેમ બને? કવિ કહે છે કે એણે એનું જાણે મૂક ગીત એવી રીતે મૂક્યું કે એણે ન ગાયું પણ મને ગાતો કરી ગયું. અહીં કારણ વિના કાર્ય બને છે-કવિના ગાવાનું., એમ જો ઘટાવીએ, તો આ વિભાવનાનું ઉદાહરણ બને. ‘શ્રાવણી મધ્યાહ્ને’માં કવિ ચોગરદમ અદ્દભુત શાંત આનંદદાયી વાતાવરણ પથરાયેલું નિરૂપે છે ને પછી શંભુના સદનની–મંદિરની વાત કરે છે :

ઘંટારવે યદપિ ના રણકાર કીધો,
ને તેય રે અમલ ગુંજનનો શું પીધો !

ઘંટ જરાયે રણકતો નથી છતાં કવિ તેના ગુંજનનો કેફ પૂરેપૂરો અનુભવે છે-ઘંટ રણકે ને કેફ ચઢે તેથી પણ વધુ !

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનલ દીવો;
નેત્ર વિણ નિરખેવો., રૂપ વિણ પરખવો,
 વણ જિહ્વાએ રસ સરસ પીવો

અહીં પણ કારણ વિના કાર્ય થતું બતાવ્યું છે; બત્તી નથી, તેલ નથી, દીવેટ નથી. છતાં પેલો સનાતન દીપ નરસૈયો કહે છે કે અચળ ઝળકે છે! નેત્ર વિના એને નિરખવાનો છે, રૂપ વિનાના અરૂપને પરખવાનો છે ને જિહ્વા વિના એ અદ્ભુત રસ પીવાનો છે. અહીં પણ વિભાવના રહેલી છે. શ્રી. રતિલાલ છાયાના નીચેના કાવ્યમાં પણ એવી જ વિભાવના છે.

કોણ બજાવે, માઝમ રાતે કોણ બજાવે,
અણદીઠ હાથે બીન મારું અનિમેષ !
નેત્ર ના ભાળું, હાથ ના ભાળું,
નાચે નખલી શેષ.

અહીં હાથ વિના, (તેમ જ અણદીઠ) કોઈ બીન બજાવી રહ્યું છે; કારણ વિના કાર્ય થતું હોવાનું આ કવિત્વમય ઉદાહરણ છે. એવું જ ‘કાદંબરી’માંથી આ ઉદાહરણ જુઓ : સર્વ શત્રુઓરૂપી ઈંધનને ખાખ કરી નાખ્યા છતાં પણ તેના પ્રતાપનો અગ્નિ બળ્યાં કરતો હતો. અહીં બળતણરૂપ કારણ ન હોવા છતાં અગ્નિનું બળવાનું કાર્ય ચાલુ હતું માટે આ વિભાવના છે.