સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’

ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’

[શ્રી. પૂજાલાલે આપણને વસન્તનું એક દર્શન કરાવ્યું. શ્રી. સુન્દરમ્ પણ સાઇકલ ઉપર બેસીને જતાં પોતાના રોજના શહેર બહારના રસ્તા પર વસન્ત જોવા મથે છે. એ રસ્તા પર શિરીષ ને ગુલમોર, આંબો ને કોકિલા જોવાનાં મળે ખરાં? ત્યાં તો ડામરની સડક, મકાનો, દુકાન અને ખદબદતી ગટરોની સાહ્યબી છે! વળી એ રસ્તા પર ગંદા નાખી દીધેલા કાગળો, તડબૂચનાં છોડાં, ધૂળ, પથ્થર, રોડાં અને કદી કદી ગધેડાં કે બોડાં ઘેટાં જોવાનાં મળે. પણ તે ‘મધુર મલપતી’ વસન્ત ક્યાં? કવિ એ રસ્તે આગળ ને આગળ જાય છે. એમની નજરે ચડતી ત્રાસજનક વસ્તુઓ વધતી જ જાય છે. તેમની આંખ થાકી જાય છે. દિલમાં છાનું દર્દ ઊછળી રહે છે. પગ લોથપોથ થઈ જાય છે. પણ વસન્ત ક્યાં? છેવટે ગરીબોની એક હોટેલ એ ધૂળિયા રસ્તે કવિની નજરે પડી, અને તે હોટેલની બાજુમાં કડવા લીમડા લહેરાઈ રહેલા કવિએ જોયા. તે જોતાં કવિની આંખ આનંદથી ચમકી અને તેમના મુખમાંથી સરી પડ્યું: ‘અહો! લીમડે જગ શું રંગ્યું!’ વસન્તનું કવિને આવું દર્શન થયું. ક્યાં વનવનને આનન્દમાં તરબોળ કરતી મધમધતી વસન્ત અને ક્યાં આ શહેરની ‘અધૂરી અકારી’ વસન્ત! કુદરત આખી જ્યારે વસન્તથી ખીલી ઊઠે ત્યારે શહેરનાં આ માનવીઓ ઉપર વસન્તની શી અસર હોય છે? એ માનવ-તરુ વિકસે છે ખરાં? શહેરની એ ગંદકી, ગરીબાઈ, અને એની વિવિધ સમાજરચનામાં વસન્તની વાત પણ કેમ સંભવી શકે? — એવો કાવ્યની પાછળ ધ્વનિ છે. ૪૬-૪૭. આ પંક્તિઓ બરોબર સમજજો. કવિ કહે છે કે વસન્તમાં ઝાડપાન, લતા, વેલી, ફૂલ – આખી કુદરત ખીલે. માનવી પણ કુદરતનું જ એક અંગ છે. એ પણ જાણે કે એક વૃક્ષ છે. શહેરમાંનું એ માનવતરુ વસન્ત આવતાં કેમ નથી ખીલતું? ક્યાં છે તે વસન્ત જે આખા વિશ્વમાં વિહાર કરી માનવી, પશુ, પંખી, વૃક્ષ, લતા, ફૂલ આદિ સહુને જ ખીલવે?]