સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મારે ઘેર આવજે બેની

મારે ઘેર આવજે બેની!

મારે ઘેર આવજે બેની!
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો‘તા વાળ. –મારે૰
બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; ૫
મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. –મારે૰
રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ!
આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. –મારે૰
ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર;
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. –મારે૰
પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. –મારે૰
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. –મારે૰
સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ૧૫
ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે ઝૂંટાઝૂંટ. –મારે૰
મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં‘તાં અણમૂલ. –મારે૰
શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત;
તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. –મારે૰
ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! –મારે૰
મારે ઘેર આવજે બેની,
લાંબી તારી ગૂંથવા વેણી
[વેણીનાં ફૂલમાંથી]

સ્વાધ્યાય

૧. કવિ પાસે ક્યાં ક્યાં ફૂલ છે અને ક્યાં ક્યાં નથી?
૨. છેવટે ‘થોડી ઘડી પહેરી રાખજે’ એમ શા માટે કહ્યું છે?
૩. આ ગીતમાં આવેલા કાઠિયાવાડ તરફના શબ્દ-પ્રયોગની નોંધ કરો.
૪. આ કાવ્યમાં એક પછી એક આવતાં ચિત્રો તપાસો. તમને કયું ચિત્ર સૌથી વધારે ગમ્યું? શા માટે?