સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જુગતરામ દવે

જુગતરામ દવે

[અપાર વિરહવ્યથાનું આ ગીત છે. જાણે મીરાં કનેથી અત્યારના કવિના કંઠમાં ભૂલું પડ્યું ન હોય એટલું હૃદયની સચ્ચાઈ અને આરત ભર્યું એ છે. પણ આજના કવિનો એ ભાવને લાભ પણ મળ્યો જ છે. સામાન્ય રીતે પ્રિયવિરહનાં–પ્રભુવિરહનાં ગીતોમાં આપણને જ જાણે વિરહ નડતો હોય એવું વર્ણન હોય છે. આ કવિના કાવ્ય પ્રમાણે તો સામાને પણ આપણા જેટલો જ વિરહ નડે છે એમ બતાવ્યું છે. ‘અહીં મેં માંડી, તહીં તેં માંડી,’ ‘તું મારાં-હું તારાં ઝીલું,’ ‘આ પા ઊછળે, તે પા ઊછળે,’ વગેરે પંક્તિઓથી સમાનતાનું વાતાવરણ જામે છે. અંતરપટ ‘ઝાકળઝીણું’ છે, એક વાર તો સહેજ ઊપડી પણ ગયું હતું, પણ પાછું વચ્ચે ઊતરી આવ્યું. એ બહુ ખરાબ થયું, કેમકે એથી તો ઊલટી સામાને માટે ઉત્કંઠા વધારે તીવ્ર બની. સામાને ક્ષણાર્ધ માટે પણ જે જોવાનું બની આવ્યું તે પછી તેના આકર્ષણમાંથી છૂટવાની આશા કેવી? વળી અંતરપટની પેલી પારથી અણસારો પણ સતત આવ્યાં કરે છે. ‘રાગ’ સંભળાય છે, પણ પૂરેપૂરો મિલનનો જોગ ખાતો નથી, રંગ જામતો નથી. અત્યંત આરજૂપૂર્વક તેમ જ ભારોભાર ઋજુતાથી અને સરળતાથી હૃદયની એક સૂક્ષ્મ અને મસ્ત લાગણી આ ગીતમાં રજૂ થઈ છે. અંતરપટ તે પટ હોય તો દેખાવું જોઈએ. દેખ્યા વગર તેને ‘અંતરપટ’ તરીકે ઓળખાવ્યું શી રીતે? તો પછી તે ‘અદીઠ’ કેવું વળી? - આને અવળવાણી કહે છે. ‘ચાર હાથની દૂધી રે જી, પાંચ હાથનું બી રેજી’ તેમ જ આપણા કવિ નાનાલાલનું ‘લહરિયાં સાગરમાં ન સમાય’ (લહરી-મોજું સાગરમાં માતું નથી એ કેવું? લહરી ઊઠી છે તે સાગરમાંથી જ ને?)— એ અવળવાણીના દાખલા છે.]