સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રામનારાયણ વિ. પાઠક

રામનારાયણ વિ. પાઠક

[આ વાર્તાનાં બે મુખ્ય પાત્રો એક પછી એક પોતાથી કથા કહે છે, અને એમ એક સળંગ વાર્તા બને છે. વાર્તાકથનની આ શૈલી નોંધવા જેવી છે. નવલકથામાં આ રીત ઠીક ઠીક પ્રચલિત છે, પણ ટૂંકી વાર્તામાં કથાનું મંડાણ કોઈ એક મહત્ત્વની ઘટના ઉપર જ હોય છે, એટલે તેમાં આ શૈલીનો ઉપયોગ કરવા જતાં વધારે પડતી અને અસંબદ્ધ વિગતો આવી જાય એવું ભયસ્થાન રહે છે. એ ભયસ્થાનમાંથી ‘જક્ષણી’ મુક્ત છે કે કેમ તે નોંધજો આ વાર્તા ત્રણ કટકે પૂરી થાય છે. એ દરેક કટકામાં એક એક પ્રસંગ છે. એમાં ગૌણ પ્રસંગો કયા છે, અને મુખ્ય પ્રસંગ કયો છે એ જો સમજાય તો ટૂંકી વાર્તાના સ્વરૂપનો ખ્યાલ આવશે. આ વાર્તાનાં પાત્રો પણ નોંધવા જેવાં છે. દરેકને પોતપોતાની વિશિષ્ટતા છે. કથા કહેનાર નાયક અને નાયિકાનું સંસ્કારિત્વ મનમાં રમી રહે એવું છે. પતિપત્ની વચ્ચેનો મનનો મેળ, અને તેમાંથી જન્મતો મીઠો વિનોદ વાર્તાને એક જાતની પ્રસન્નતા અર્પે છે. પતિ પોતાની જાતને ભોગે પણ કેવો મજાનો વિનોદ કરી શકે છે! શ્રી. પાઠકના હાસ્યકટાક્ષયુક્ત ‘સ્વૈર વિહાર’ જાણીતા છે. તેનો એમણે ટૂંકી વાર્તામાં પણ કેવો ઉપયોગ કરી લીધો છે!]