સોનાની દ્વારિકા/અગિયાર

અગિયાર

સખપરનો દખણાદો છેડો એટલે કુંભારવાડો. કાળુ કુંભાર અને એમનો પરિવાર કડેધડે. મોટો જહમત, નાનો બીજલ. બેયને નાની ઉંમરે પરણાવી દીધેલા એટલે ઘરમાં વસ્તાર પણ વહેલો રમતો થયેલો. કાળુના બાપા વહતાભા કહે કે, ‘છોકરાની વઉઓને જોઈને જ જાવું છે.’ એટલે બેયનાં લગન એક જ માંડવે લીધેલાં. આ બાજુ બે ભાઈઓ અને સામે બે સગી બહેનો. અને સાચે જ એવું બન્યું કે હજી તો લગનનાં તોરણેય સુકાણાં નહોતાં ને વસતાભાએ પોતાનો વસવાટ સંકેલી લીધો! આખુંય ઘર એવું તો કામગરું કે જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ કામમાં હોય. કાળુ કુંભારનું ઘર એટલે, ખુલ્લું ફળિયું. બેઠા ઘાટના, માટીની ભીંતના, દેશી નળિયાંવાળા ચાર ઓરડા. રાતવરત કોઈ સાધુ-સંત, બહુરૂપી કે વટેમાર્ગુ આવી ચડે તો એમને રહેવા માટે નાની નાની બે અલગ ઓરડીઓ. ઓરડીઓની સામે એકઢાળિયું. જમણી બાજુ થોડેક દૂર ગધેડાંને બાંધવાના ખીલાઓ. એનાથી દસેક ડગલાં આઘો એક કૂવો. બહુ ઊંડો નહીં, પણ પાણી બારે મહિના રહે. કૂવાના થાળા ઉપર લાકડાની ગરગડીમાં બારે મહિના રાંઢવું બાંધેલી ડોલ પડી જ હોય. જેને જોઈએ એ પાણી સીંચી લે. ઢાળિયામાં પકવેલાં ઠામની દેગરડીનો પાર નહીં. મોટા ગોળા, એથી નાનાં માટલાં, ચડાઊતરી ગાગર, ગટકૂડી, નાના મોટા મોરિયા, રોટલા ઘડવાની મોટી કથરોટ, નાની-મોટી તાવડી, નાની નાની કુલડીઓ, ખેતરે પીવાનું પાણી લઈ જવાની બતકો, પ્રસંગે ચા-પાણી આપવાનાં રામપાતર, કોડિયાં, નવરાત્રિ નજીક હોય તો છોકરાઓને શેરીએ શેરીએ ફરવા માટે ઘોઘા અને ગરબા. કૂવાની પાછળની બાજુએ તૂટલાંફૂટલાં ઠામ-ઠીંકરાંનો હેયમોટો ઢગલો. ફળિયા વચોવચ ઘેઘૂર લીમડો. લીમડાનું થડ એટલું જાડું કે બાથમાંય ન માય. થડની ફરતે ચોરસ ઓટો. ઓટા ઉપર પથ્થરની એક લાંબી છીપર. કાળુ કુંભારની વહુ જડીમા ઓટા પાસે ઊભાં રહીને છીપર ઉપર માટીના પીંડા બનાવે. ઓટલાની બાજુમાં જ એક ચાકડો. એની બાજુમાં બીજો ચાકડો. ચાકડો ચાલતો ન હોય ત્યારે એનો અર્ધો વળાંક જમીને અડે. ને સામેનો છેડો અદ્ધર હવામાં. બાજુમાં એને ગોળ ગોળ ફેરવવાનો બડિયો. કાળુ કુંભારની સાથે બીજા ચાકડા ઉપર, મકાન ચણવાના કામમાંથી નવરો પડે ત્યારે, એમનો મોટો દીકરો જહમત બેઠો હોય. નાનો બીજલ અને એની વહુ મોટેભાગે ગધેડાં હાંકે. તળાવેથી માટી ખોદીને લાવવાનું કામ એમનું. જડીમા માટીને ધોકયણેથી ધોકાવે પછી નાનામોટા શેરવાળા બે ચાયણે ચાળે. પાણી ઉમેરતાં જાય ને ધીમે ધીમે, ભલે ને રાઈના દાણાથીય નાની હોય પણ કાંકરી હોય તો કાઢી નાંખે. બે દિવસ સુધી બરોબર પલાળે. પગથી ખૂંદે પછી રોટલીના લોટ જેમ રેશમ જેવી માટી ચિકવે. ચાકડે બેઠેલા કુંભારની બાજુમાં પાથરેલા કોથળા ઉપર પિંડા કરી કરીને મૂકે. કાળુભા એક પછી એક પિંડો લેતા જાય ને ચાકડે ચડાવતા જાય. જોરદાર ગતિએ ગોળ ફરતા ચાક ઉપર મૂકાયેલા પીંડા પર પાણીવાળો હાથ કરીને બેય હાથના અંગૂઠાથી દાબ આપે અને કશોક આકાર ઉપસવા માંડે. અચરજથી જોતા છોકરાઓને પૂછે પણ ખરા, ‘બોલ! શું બનાવું? ગટકૂડી કે ગાગર?’ પછી તો કેળવાયેલી માટી અને કાળુ કુંભારની આંગળીઓ જાણે જાદુ કરવાની હોડ માંડે. વાસણનો આકાર બરાબર થઈ જાય પછી નાનકડી કપડાની પટ્ટી મૂકીને પાલીસ કરે. એ જ રીતે કાંઠા ઉપર જૂના પોસ્ટકાર્ડનો કકડો મૂકીને આકાર સરખો કરે અને પછી પાતળી દોરી ફેરવીને પિંડાથી અલગ કરે! તાજા જન્મેલા બાળકને દાયણ ઊંચકે એમ બે હાથમાં સિફતપૂર્વક લઈ લે અને બાજુમાં પાથરેલા લાંબા કંતાન ઉપર એક પછી એક એમ હારબંધ ભીનાં વાસણ ગોઠવતા જાય. પાછા કાળજી પણ લે કે નીચે મૂકવામાં ક્યાંક એનો આકાર વાંકોચૂંકો ન થઈ જાય. છ-સાત કલાક પછી, એકેક વાસણ ખોળામાં લેતા જાય ને જ્યાં વાસણ ભીનું લાગે ત્યાં, એને રાખ ચોપડતા જાય અને ટપલાં મારી મારીને ઘડે! ટેબલટેનિસના બેટ જેવા આકારનું નાનું એવું ટપલું હોય એનાથી ટીપે. પણ અંદરની બાજુએ બીજા હાથમાં આરસ કે લાકડાની પિંડી અથવા પિંડો અચૂક હોય, જો પિંડીનો આધાર ન હોય તો વાસણમાં સીધું કાણું જ પડે! જેમ કોઈ ગુરુ પોતાના શિષ્યને વહાલથી માથે ટપલાં મારી મારીને ઘડે એવી જ આ પ્રક્રિયા! અમસ્થો તો બ્રહ્માને પ્રજાપતિ નહીં કહ્યો હોય? કાળુ કુંભાર દરેક વાસણને ટીપી ટીપીને એની સપાટી સરખી કરે. એમ બધાં ઠામ ઘડાઈ જાય પછી, જડીમાનું કામ શરૂ થાય, રંગરોગાનનું! વાસણ પર કપડાથી પોતું કરે એમ ગેરુઆ માટીનો લાલ રંગ લગાડે. બીજા કૂંડામાં ચૂનો પલાળ્યો હોય એનો સફેદ રંગ બાજરીના કે જુવારના ડૂંડાથી ભાત પાડતો આવે. ચૂનો લગાડે ત્યારે તો સાવ પાણી જેવો જ લાગે, પણ પછી ઊઘડે ત્યારે જ ગેરુઆ પર એનું સફેદ સૌન્દર્ય કળાય. કૉફી જેવો બીજો કાળો રંગ કૂંડામાં પલાળ્યો હોય એમાં કલમ જેવી સાંઠીકડી પર દોરા બાંધીને દેશી કહેવાય એવી પીંછી બનાવી હોય એનાથી જાતભાતનાં આકારો ચીતરે. જડીમા એક કૂંડું ઊંધું મૂકે, એના ઉપર ચિતરવાનું હોય એ ઠામ ફેરવતાં જાય ને ભાત પાડતાં જાય. એમનો હાથ પણ એવો ફરે કે જોતાં જ રહી જવાય. એક પણ રેખા આડીઅવળી કે જાડીપાતળી ન થાય. કૂંડા ઉપર ઠામ ભમયડાની જેમ હૂતર ફરે. ફૂલની વેલ, પોપટ, મોર, પનિહારી, વૃક્ષ, રાધા-કૃષ્ણ જે મનમાં આવે એવી ભાત પાડે! જાણે જીવનનો સાર આપતાં હોય એમ એકાદ બે દિવસ સૂકવીને નિંભાડો ભરે. બધું બરાબર ગોઠવવામાં બેત્રણ દિવસ નીકળી જાય. એવું ગોઠવે કે એકેય વાસણ એકેય કોર્યથી કાચું ન રહે. ચારેબાજુથી અગ્નિ મૂકાય અને એની ગરમીથી ઠામ પાકે... આટલી મહેનત-મજૂરી અને ભાવનાથી તૈયાર કરાયેલા વાસણથી બીજું પવિત્ર શું હોય? એટલે જ તો બહારગામથી આવતા બ્રાહ્મણ-સાધુ વગેરે પ્રજાપતિને ઘેર ઊતરે અને એમને વાસણ-પાણી બધું ચોખામું મળી રહે. જાતે રસોઈ કરી ખાય, કેટલાકને કુંભારના ઘરનો બાધ ન હોય તો કાળુભાને ત્યાં જમે. એક વાર ઉત્તર ગુજરાત બાજુથી બે બહુરૂપી આવ્યા. બંને સગા ભાઈઓ. લાગેય એકસરખા. જાણે જોડિયા ન હોય? નામ? તો કહે- અંબારામ અને ગંગારામ. કલાકાર તો એવા કે વાત મૂકી દો. ભલભલાને માગ મેલાવે! એમના બધા વેશ અદ્દલોઅદ્દલ. જોનારાને ચકરાવામાં નાંખી દે. આવ્યા એવા કોઈને પૂછીને કાળુ કુંભારને ત્યાં ઊતર્યા. બેય ભાઈ સવાર- સાંજનાં ટિક્કડ જાતે ઘડી લે. શાકપાંદડું તો વાડીઓમાંથી જોઈએ એટલું મળી રહે. કાળુ કુંભારને દૂધ-છાસનો તોટો નહીં, ઢાળિયામાં એક ગાય અને એક ભેંશ, એટલે બધાનું નભી રહે. એક દિવસ બંને ભાઈએ પોલીસનો વેશ લીધો. હાથમાં દંડો લઈને નીકળ્યા તો કેટલાયનાં છોકરાંઓ આઘાપાછાં થઈ ગયાં. બેય જણા પોલીસની કડક ચાલે ચાલતા હતા. ત્યાં સામે મળ્યો નટુમા’રાજનો નંદલાલ. પોલીસને જોયા એટલે સલામ કરી ને કહે કે- ‘કુની તપાસમાં આવ્યા છો? દેવા રામજીની? ઈ સે જ ઈ લાગનો! પકડી જાવ તમતમારે!’ અંબારામ કરતાં ગંગારામ જરા તેજ ફોજદાર! મોઢામાંથી ગાળ કાઢીને કહે કે, ‘અભી અભી સાલે કું પકડતા હું, વો ચીનીકોર્ય રે’તા હૈ?’ નંદલાલને તો મજા આવી ગઈ. કહે કે, ‘ચલે જાવ ઊભી પાટીએ ફિર ડાબે હાથે બલી જાના.... હામે જ ડેલા આવેગા!’ અંબારામને થયું કે વાત મજા આવે એવી છે. ચાલો ત્યારે કંઈક નાટક કરીએ. એટલે એકદમ રુઆબ છાંટતા અવાજે કીધું કે ‘વો માનેગા તો ઠીક હૈ અગર નંઈ માનેગા તો છઠી કા ધાવણ નિકલવા દેંગે! .....લેકિન તું બતા સચમેં ઉસકા ગુના ક્યા હૈ?’ ‘વો દેવા રામજી હાળા હલકીના હૈ... ચોરી કા માલ લાતા હૈ ઔર સસ્તે ભાવ મેં બેસતા હૈ. ઔર હળી જ્યેલા ભી હૈ,.... માંડા કોળીની ગવરી હાર્યે ઉસકા હાલતા હૈ...!’ ‘કોઈ બાત નંઈ!’ કહેતાં બેય જણા ખબડખબડ કરતા ઊભી પાટીએ ચાલતા થયા. ડાબા હાથે જરાક વળ્યા કે તરત સામે ડેલો… જઈને પૂછ્યું - ‘દેવા રામજી કા ઘર યે હૈ?’ એક છોકરાએ બીતાંબીતાં હા પાડી કે તરત આ બંને અંદર દાખલ થયા. પોલીસને જોયા કે દેવો હડી કાઢતોકને ખડ ભરવાના ડુરિયામાં જઈ ભરાણો. પોલીસ એની પાછળ ગઈ ને હાંકોટો કર્યો. ‘બહાર નિકલ જા દેવા રામજી! વરનાયે તુમારી સગી નહીં હોગી!’ એમ કરીને કેડ્યે ઝૂલતી રમકડાની પિસ્તોલ કાઢી.... ડુરિયામાં બેઠેલા દેવાએ આ જોયું કે તરત ધ્રૂજતો ધ્રૂજતો બહાર આવ્યો... ‘સ્યાયેબ મેંને કૂછ નહી કિયા! મેં તો નિર્દોષ હું… નકરી બીડી જ પીતા હું!’ ‘અરે બીડી કી બીબી! ચોરી કા માલ કહાં છુપાકે રક્ખા હૈ? બતાતા કે ની?’ એમ કરીને અડબોથ ઉગામી.... ત્યાં તો દેવાનું પાટલૂન પલળી ગયું! ગંગારામ હસી પડે એ પહેલાં અંબારામ કહે, ‘બોલ! બતાતા કે ની?’ દેવો રડવા માંડ્યો... ‘બતાતા... બતાતા...’ કહેતો અંદર ભંડકિયામાં લઈ ગયો. ટેરેલિનના થોડાક પેન્ટપીસ, શર્ટપીસ અને બીજું થોડુંક કાપડ હતું. એ બતાવીને કહે કે, ‘મેંને ચોરા નહીં, મેં તો વેસાતા લાવ્યા હું.. સસ્તે ભાવમેં દેને કે વાસ્તે...’ ‘કહાં સે લાયા?’ ગંગારામ બોલ્યો. ‘સુરેન્દ્રનગર સે... એક સિંધી કી દુકાનેસે...’ અંબારામ કહે, ‘દેવા કો હાથકડી લગા દો...’ ‘વો સિંધી કો ભી ઢૂંઢના પડેગા!’ ગંગારામે અવાજ ભારે કરીને કહ્યું. એટલી વારમાં પંચાયત ઑફિસેથી પટાવાળો જસુ આવ્યો ને કહે કે— ‘ઈનિસ્પેક્ટર સ્યાહેબ તમને ગમ્ભાબાપુ પંચાયતમાં ચાપાણી પીવા હાકરે છે...’ બેય બહુરૂપીનો પારો જરા નીચો આવી ગયો. દેવા રામજીને મેલ પડતો ને આવ્યા પંચાયત ઑફિસે. ગમ્ભાને જોઈને બેય જણે ટોપી કાઢી ને સલામ કરી. બહુરૂપીને જોઈને ગમ્ભા ખડખડાટ હસવા લાગ્યા. પરિચય પૂછ્યો. આખી વાત જાણીને બેયને પૂછ્યું : ‘કંઈ માલ મળ્યો?’ ‘માલ તો ઠીક બાપુ, પણ બાતમી પાકી મળી...!’ ‘કેવી?’ ‘દેવા રામજી ચોરીનો માલ સુરેન્દ્રનગરના એક સિંધી વેપારીને ત્યોંથી લાવ હ અને પસે ગોમમોં વેચ હ… ઝાઝે ભાગે તો ટેરેલિનનોં લૂઘરોં...!’ ‘બીજી કોઈ વાત?’ ‘બીજી વાત આપને કહેવા જેવી નથી...!’ ‘એમ નો હાલે... બધું કે’વું તો પડે ને!’ ગોમમોં કોઈ માંડા કોરીની ગવરી હ? એની હાર્યે ઈનું...’ ‘ઈ તો આખું ગામ જાણે સે પણ, આ લૂગડાંવાળું નવું!’ ગમ્ભાએ હસતાં હસતાં કહ્યું કે, ‘આવી બાતમી આપવા બદલ આજનું સીધું દરબારમાંથી કાળુ કુંભારના ઘરે પોગી જાશે...’ અંબારામ કહે, ‘અમે તો પોલીસપાલટીનો વેહ કાઢેલો, કારણ વન્યાનો આ દેવો આવી ભરોંણો...!’ ‘જો ચોર હોય ઈ આમ જ બીવે… ઈ એવું જોવા નવરો ન હોય કે આ પોલીસ અસલી છે કે નકલી! ઈના મનમાં બેઠેલો ચોર હાચું હૂઝવા જ નો દ્યે ને!’ બાપુએ પૂછ્યું : ‘એલા અંબારામ-ગંગારામ! તમારી હઉથી હારી આઈટમ ચઈ?’ ‘હઉથી… હારી તો અમારી બેતબાજી! આપ ક્યો ઈની ભાષા એકેય ભૂલ વન્યા બોલી દઈએ! સવર્ણ, અવર્ણ, આડજાત, આહીર, ઓરગાણો, ઓસવાળ, કોંકણો, ખારવો, જિપ્સી, જેઠીમલ, ટેભો, પંડિત, પુરબિયો, બારડ, બારૈયો, મીર, રાવળ, રાજપૂત, વણકર, વાણિયો, સોની, સોમપુરો, હજામ, સાળવી, સિંધી, હબશી... બાપુ! એક તમારા શિવાય, તમે નોંમ પાડો ઈનઅ હાજર કરી દેઈ! પાસું ઇંમોંય ઈમ ક ધંધા પરમોંણઅ ભાષા બડલાય...’ ‘ચ્યમ અમને બાદ રાઈખા?’ ‘બાપુ! ગામધણીની મજાક ના કરાય!’ પછી તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે બહુરૂપી આવ્યા છે ને અઠવાડિયું રોકાવાના છે… અંબારામ-ગંગારામ રોજ સવારે અને સાંજે વેશ કાઢે. પણ એની તૈયારી અગાઉથી ચાલુ થઈ જાય. ગામનાં છોકરાંને એ બધું જોવામાં રસ. એટલે બધો જમેલો ત્યાં જ હોય. આ બંને ભાઈઓ અંદર ઓરડીમાં તૈયાર થતા હોય, કંઈક વસ્તુ લેવા કે મોઢું ધોવાને બહાને બહાર આવે ત્યારે થોડીક ઝાંખી મળી જાય. બહુરૂપી અંબારામ અને ગંગારામ પૂરું એક અઠવાડિયું રોકાયા. રોજ સવાર-સાંજ નવો વેશ કાઢે. સ્ત્રીનો વેશ ગંગારામ લે. એક દિવસ ભરવાડ અને ભરવાડણ થઈને આવ્યા. બીજે દિવસે કાશીએ જતા ગુરુચેલા, શિવપાર્વતી, વળી એક દિવસ ડૉક્ટર અને કમ્પાઉન્ડર, બહારવટિયા, સીતાની શોધમાં નીકળેલા રામલખમણ, નગરશેઠ અને મુનિમ, જ્યોતિષી મહારાજ, રાધાકૃષ્ણ અને એવા બધા વેશ ધારણ કરે. આખા ગામને ભવાઈવેશ કરતાં આ જુદી જાતનું મનોરંજન થાય. ભવાઈમાં તો પ્રેક્ષકોએ ચોકમાં જવું પડે. જ્યારે આ તો આખો ખેલ જ શેરીએ શેરીએ ને ઘરે ઘરે જાય. ગામમાં બેનુંદીકરિયુંનો તો પાર નહીં, પણ આ બહુરૂપીની પરંપરા એવી કે ક્યારેય કોઈ વાતનો ભય નહીં. કોઈ ચીજવસ્તુ આડીઅવળી થાય નહીં કે કોઈની સામે ખોટી નજરે જોવાય નહીં. દિવસનો ખેલ પતી ગયા પછી રાત્રે, બધાં બેઠાં હતાં. વન્ય વન્યની વાતો ચાલતી હતી, ત્યાં જહમતે વાત કાઢી લવજી લુહારની. લવજી લુહાર અને એની વહુ જમનીકાકી. બેય મોટી ઉંમરનાં. અને અત્યારે તો જમનીકાકીની હાલત જ એવી કે બધાં ભગવાનને આજીજી કરે કે છૂટે તો સારું! છેલ્લાં આઠેક વરહથી ખાટલો પકડ્યો એ પકડ્યો. રોગ તો કંઈ કળાય નહીં, પણ બધું માનસિક થઈ ગયેલું તે સાવ મૂંગાંમંતર! કોઈનીય હાર્યે નજર ન મેળવે કે ન કરે કોઈ વાત. લવજી લુહારને તો દીઠા ન મૂકે! એક જ માંગણી કે, ‘મારા અસોકિયાને લિયાવો. જેવો હોય એવો લિયાવો! ઈના વન્યા મારો જલમારો નહીં જાય!’ કાકીને તો નહીં રાંધવું નહીં શીંધવું, નહીં કોઈ બીજું કામ. પડ્યા પડ્યા શરીરેય લાકડા જેવું થઈ ગયેલું! દિવસરાત બસ એક જ રઢ કે મારા અસોકિયાને લિયાવો ગમ્મે ન્યાંથી! જમનીકાકીને સાળિંગપુરના હનુમાનજીએ બે-ત્રણ વખત લઈ ગયેલા. એક વખત તો મીરાદાતારેય લઈ ગયા. પણ કંઈ ફેર ન પડ્યો. થોડાક દિવસ સારું લાગે પણ પાછાં હતાં ઈના ઈ! લવજી-જમનીને પેલ્લેથી જ કંઈ સંતાન નહીં. લગ્ન પછીના જુવાનીના સમયમાં બે-ત્રણ વખત સંતાન થાય એવી શક્યતા ઊભી થયેલી, પણ કોઈ ને કોઈ કારણસર એમની કૂખે બાળક ન જન્મ્યું તે ન જ જન્મ્યું! જમનીકાકી પોતાની બહેનના દીકરા અશોકને ખોળે લઈ આવ્યાં. લવજી લુહારેય રાજી ને જમનીકાકીને તો એમ કે જાણે સાક્ષાત વિશ્વકર્મા જ ઘરે આવ્યા! અશોકને પાંચ ધોરણ ભણાવ્યો પણ પછી આગળ ભણાવવાની હિંમત નો કરી. પાધરો જ બેહાડી દીધો ધમણ ઉપર. એ બંનેને એમ કે રહેતાં રહેતાં શીખી જાશે બધું કામકાજ ને આપડે તો આ લોઢાલક્કડ જ સારાં. પણ કુદરતે કંઈક જુદું જ નિર્માણ કરેલું તે અશોકને લુહારીકામનો ઊજમ તો ન ચડ્યો પણ, જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એનાં લખ્ખણ દેખાવા લાગ્યાં. અશોક બોલે, ચાલે, બેસે કે ઊઠે; બધાંને એમ લાગે કે બેચરાજીના ચારેય હાથ છે એના ઉપર! કમર તો એવી લચકાવે કે ભલભલાને ભરમાવી દે! ધીરે ધીરે આખા ગામને ખબર પડી ગઈ કે આ અસોકિયો તો હાળો કન્યારાશિ છે! કોણ જાણે ક્યાંથી દૂધરેજરોડવાળાઓને ખબર પડી ગઈ, તે એમના આંટાફેરા સખપર બાજુ વધી પડ્યા. ફૈબાઓ ને માશીઓ ગમે ત્યારે આવી ચડે. કોઈના ઘરે સારો પ્રસંગ હોય કે બાળક જન્મ્યું હોય એ બહાને આવ્યા કરે, પણ એમની નજર તો અશોક ઉપર જ! લાગ મળે ત્યારે એને જુદો તારવીને તળાવની પાળે લઈ જાય. બેસાડે અને ‘સત્સંગ’ કરે. ટૂંકમાં હળવે હળવે અશોકના મનમાં એવું ઠસાવી દીધું કે તું તો અમારી જમાતનો છે અને તને માતાજીએ જ આ સ્વરૂપે મોકલ્યો છે. શરૂઆતમાં તો અશોક વિરોધ કરતો હતો, પણ એક તો આ ખાનગીમાં ખાનગી બાબત અને ગામમાંય કોઈ એનો પક્ષ લેનારું નહીં! ઉપરથી આ ફૈબા અને માશીઓએ એવાં એવાં આંબાઆંબલી દેખાડ્યાં કે અશોક ભોળવાઈ ગયો. જમની અને લવજીને કંઈ ખ્યાલ આવે, સમજે-વિચારે એ પહેલાં તો અશોક ઈ ઘાઘરિયાઢિલ્લડમાં ભળી ગયો. એ દિવસથી જમનીકાકીની કમાન છટકી તે હજી ઠેકાણે નથી આવી. ખાય તો પાર નહીં એટલું ખાય, ભૂખ્યાં રહે તો દિવસો સુધી ન ખાય. રોવે તો બસ રોયા જ કરે ને હસે તો એનું પણ માપ નહીં. વળી વળીને એક જ વાત, ‘મારા અસોકિયાને…’ આખી વાત સાંભળી એટલે અંબારામથી ન રહેવાયું. એણે જહમત સાથે નક્કી કર્યું કે કાલે સવારે જમનીકાકીની ખબર જોવા જાવું! થોડી વાર બધાં બેઠાં અને જડીમાએ સહુને સુખરાત કરવાનું કહ્યું એટલે સહુ પોતપોતાની ઓરડીઓમાં ગયાં. અંબારામને આખી રાત ઊંઘ ન આવી. સવારે નવેક વાગ્યે જહમતે અંબારામને કહ્યું, ‘એ હાલો જાદુગર! જમનીકાકીની હુવાણ્ય પૂસતા આવીએ!’ અંબારામ બજારમાં નીકળે તો કોઈ ઓળખી ન શકે કે આ એ બહુરૂપી છે જેણે કાલે ખેલ પાડ્યો હતો. બંને જણા બજારે થઈને સીધા જ ગયા લવજી લુહારની કોડ્યે. લવજીનું ઘર અને કોડ્ય સાવ અડીને જ. હજી તો લવજીઅદા ભઠ્ઠી સાફ જ કરતા હતા ત્યાં આ બે જઈ પહોંચ્યા. લવજીઅદાએ જહમતને તો ઓળખ્યો, પણ હાર્યે કો’ક અજાણ્યા ભાઈને જોયા એટલે પૂછ્યું : ‘કુંણ મેમાન સે?’ ‘મેમાન તો બહુ આઘાના સે... ઠેઠ વિજાપુર કોર્યના સે...’ ‘કુનાં તારા ઘર્યે આઈવા સે?’ જહમતે ફોડ પાડ્યો કે ‘આ તો બહુરૂપી અંબારામ સે...!’ લવજીડોહા કહે, ‘ઈમ બોલ્ય ને તારે! લ્યો તમ્યે બેહો તો હું ચાપાણીનું કરું!’ એકદમ અંબારામ બોલી ઊઠ્યો, ‘લવજીઅદા! ચા નથી પીવો. આંયા બેહો મારે તમારી જોડ્યે વાતો કરવી છે!’ લવજીએ કપાળ ફૂટ્યું! ‘મારી હાર્યે તે શું વાતું હોય!’ ‘જમનીકાકીને ચ્યમ રે સે?’ ‘બધું ખાટલામાં ને ખાટલામાં! ઈ તો ઈમ કયો કે પાડોશ્યમાં ભત્રીજાવઉ સે તે શેવા કરે સે...’ ‘તે ઈમને હું થિયુંહ ઈ તો ક્યો? કંઈ દવાદારુ?’ ‘કંઈ કીધાની વાત નથી... આ જહમત બધું જાણે.... અસોકિયાએ જે દિ’ની ઘાઘરી પહેરી... ઈ દિ’થી ઈની માસીએ ખાટલો ઝાલ્યો સે... ઈને બસ એક જ વાત કે ‘હું મા જેવી માસી હતી ને તોય તેં કોઈનો નંઈ ને પાવૈયાઓનો હાથ ઝાલ્યો? ઈ ને માસી કરી?’ - બસ તારની ઘડી ને આજનો દિ’ છટક્યું ઈ છટક્યું!’ ‘તો હવે ઈનો ઉપાય શું?’ અંબારામે પૂછયું. ‘કંઈ નંઈ એક વાર અસોકિયાનું મોઢું જોવે તોય જીવ સૂટી જાય એવી અવસ્થા સે...’ ‘પણ, જમનીકાકી અસોકિયાને એવા રૂપે જોઈ હકે?’ ‘ગમે ઈ રૂપે ચ્યમ નો હોય! એક વાર જોવે કે ખેલ ખલાસ... પણ શું કરીએ ઈ કો? અમે તપાહ કરાવી પણ ઈને તો મથુરા કોર્ય મોકલી દીધો સે...’ ‘આપડે આજ હોન્ઝે જ ઈનઅ હાજર કરી દઈં તો?’ ‘ઈ ચ્યમ બને?’ ‘ગંગારામ ઈનો વેહ લે… અદ્દલ અસોક… કોઈ તો સું હું ન તમ્યેય ના ઓરખી હકિયે..!’ સાંજે બધાં જોતાં રહી ગયાં ને આખા સખપરની શેરીઓમાં તાબોટા ઉપર તાબોટા સંભળાણા, શેરીએ શેરીએ ગંગારામની ઘાઘરીના ફેર ચડ્યા. લટકાંમટકાં તો વાયરે ઊડ્યા જાય. પાછળ છોકરાઓનું ટોળું ને આગળ ગંગારામના તડાકાફડાકા... આખું ટોળું આવ્યું લવજી લુહારના ઘરે... કાકી તો હબક ખાઈ ગઈ. એકલાં હાડકાં વાંહે ચોંટી રહેલો જીવ જરાક ઊંચો થયો. ઘાઘરી, પોલકું ને ઓઢણીહોંતો આખેઆખો અશોક જમનીકાકીને વળગીને શું રોવે! શું રોવે! ‘ઓહો! મારી મા... મારો તો જલમારો આમ જ જાવાનો હતો. મારા માથે માતાજીનો હાથ અટ્લ્યે હુંય સુ કરું? હવે તો બધું પતીયે જ્યું! માડી! જી થાવાનું હતું ઈ થઈને જ રિયું! લે મા! લે મારી માશી! હું તારા કંઠે પાણીનું ટીપું મેલું! ઈમ કરતાંય જો તારા જીવને ગતે થાતું હોય તો...’ જમનીકાકી મારો અસોક… મારો અસોક... કરતાં રહ્યાં ને અશોકે પાણીની ચમચી ભરીને એમના મોઢામાં મૂકી. એક… બે… ત્રણ... અને જમનીકાકીએ આંખની પૂતળી ઓલવી નાંખી. બીજે દિ’ સવારે સખપરના શ્મશાનમાં ગંગારામે મનમાં દીકરાનો ભાવ ધરીને એ જ વેશે જમનીકાકીને અગ્નિદાહ આપ્યો ત્યારે સૂરજનારાયણ ચેહની જ્વાળાઓ સાથે રંગની રમત કરી રહ્યા હતા!

***