સોરઠી સંતવાણી/ચક્ષુ બદલાઈ
ચક્ષુ બદલાઈ
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી ને
ફળી ગઈ પૂરવની એને પ્રીત રે,
ટળી ગઈ અંતરની આપદા ને
પાળી સાંગોપાંગ રૂડી રીત રે —
ભાઈ રે! નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો ને
ગયો પશ્ચિમ દિશ માંય રે
સુરતા ચડી ગઈ સૂનમાં ને રે
ચિત્ત માંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે. — ચક્ષુ.
ભાઈ રે! અવિગત અલખ અખંડ અનાશ ને
અવ્યક્ત પુરુષ અવિનાશ રે,
ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ ને હવે
મટી ગયો જનમનો ભાસ રે. — ચક્ષુ.
ભાઈ રે! ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા ને
કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે
ગંગાસતી એમ બોલિયાં ને
આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે. — ચક્ષુ.