સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ઇતિહાસપ્રેમી રાજુલા


ઇતિહાસપ્રેમી રાજુલા

આ રાજુલા ગામથી માંડીને જ ઇતિહાસની રસિકતા શરૂ થઈ જાય છે. વાણિયાથી માંડી ગરાસિયા સુધીનાં ઘણાંખરાં માણસો એ આસક્તિનો કંઈક કંઈક પરિચય વાત વાતમાં કરાવે છે. રાજુલા ગામ પોતે જ અનેક ડુંગરાની ઓથે આવી રહ્યું છે. રાજલિયો ડુંગર ગામને ઘસીને જ ઊભો છે. આજે લોકો એને પોતાના પાયખાના તરીકે વાપરે છે, પણ ગઈકાલે એ ધાંખડા શાખાના મૂળ માલિક ગરાસિયાઓના રહેઠાણનો કિલ્લો હતો. એને માથે ઓરડા, ઘોડાહારો, ભોંયરાં, પાણીનાં ટાંકાં વગેરે હતાં, તેનાં નજીવાં ખંડિયેરો હજુ પણ દેખાય છે. ઉપર તાજનશા પીરનું થાનક છે. પીરોની વાતો પર મને પ્રેમ છે. મિત્રો મજાકમાં મને કહે છે કે હવે પછી તું ‘સોરઠી પીરો’, ‘સોરઠી ભૂતો’, ‘સોરઠી ડાકણો’ ઇત્યાદિનો સંગ્રહ પણ જરૂર કરજે! અને હું માનું છું કે આવા આવા ઢગલા ફોલવાથી પણ લોકમાનસનો બહોળો ઇતિહાસ હાથ આવે. એટલે મારા ભાવિ દોસ્ત તાજનશા વિશે તપાસ કરતાં મેં સાંભળ્યું કે ભોળો ધાંખડો ડુંગર ઉપર કિલ્લો ચણાવતો હતો ત્યારે અમુક ભાગનું ચણતર ચણાયા પછીની વળતી રાત્રિએ પડી જતું. ભોળા ધાંખડાના સ્વપ્નામાં કોઈ દેવશક્તિએ આવીને કહ્યું રે હું બુખારી સૈયદ હતો. ડુંગર પર મારું લોહી છંટાયું છે, માટે મારી દરગાહની સ્થાપના કર્યા પછી જો ગઢ ચણીશ તો જ ટકી શકશે વગેરે વગેરે. આ ઉપરાંત ગામની નજીક સિદ્ધરાજના સમયના લેખવાળું એક શિવાલય છે. ડુંગરાઓ વચ્ચે સુંદર ગાળીઓ છે, અને એવાં દૃશ્યો જોઈ સ્વતઃ કવિતા સાંભરે છે કે

ડુંગર વંકો ગાળીએ, ને વંકી સરણ્યે,
રાજા વંકો રાવતે, ધણ્ય વંકી નેણે.

[વાંકી ખીણવાળો ડુંગર : વાંકમાં વહેતી સરણીવાળી નદી : બંકો રાવત વાળો રાજા : અને વાંકાં ભમ્મરવાળી સ્ત્રી : એ ચારેય તો વાંકાં જ સારાં લાગે છે.]

ચોફરતા કુદરતી કાંઠા જેવા બની રહેલા એ ડુંગરાઓની વચ્ચે, થોડુંક જ ચણતરકામ કરવાથી અખૂટ પાણીનું સરોવર નીપજાવી શકાય એવી રચના જોઈ મને લાગ્યું કે રાજ્યનું લક્ષ એ વાત તરફ કોઈ ખેંચે તો સારું થાય.