સ્વાધ્યાયલોક—૫/આપની યાદી


‘આપની યાદી’

આપની યાદી જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; 
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને 
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, 
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં, 
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની! આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં, 
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની! આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા; 
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની! દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની? 
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની! થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના; 
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની! જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને; 
અહેસાનમાં દિલ ઝૂકતું રહેમત ખડી ત્યાં આપની! પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર, 
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની! રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો? 
આશકોના રાહની જે રાહદારી આપની! જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું 
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની! ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, 
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની! કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી; 
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની! સુરસિંહજી ગોહેલ, ‘કલાપી’ ‘આપની યાદી’ ગઝલ છે. અને ગઝલમાં પ્રાસ(રદીફ, કાફિયા)નું મહત્ત્વ છે. છતાં ‘આપની યાદી’માં પ્રાસ નથી. સામાન્યત : સમગ્ર ગઝલમાં સાદ્યંત એક જ અર્થ કે ભાવ હોતો નથી. એમાં ભિન્ન ભિન્ન અર્થ કે ભાવના અનેક સ્વતંત્ર શેર હોય છે. એથી એ શેરમાંથી એક સળંગ કૃતિ એટલે કે ગઝલ સિદ્ધ કરવાની હોય તો પ્રાસ અનિવાર્ય છે. સમગ્ર ગઝલમાં સાદ્યંત એક જ અર્થ કે ભાવ હોય તોપણ, ગઝલ એ ગીત, સૉનેટ, સ્તોત્ર અને કરુણપ્રશસ્તિની જેમ ઊર્મિકવિતાનો એક પ્રકાર છે એ કારણે પ્રાસ આવશ્યક છે. ‘આપની યાદી’માં સાદ્યંત એક જ અર્થ તથા ભાવ છે છતાં ‘આપની યાદી’માં પ્રાસ નથી. એમાં રદીફ છે ‘આપની’, કાફિયા નથી. એટલે કે એમાં પુનરાવર્તન છે પણ પ્રાસ નથી. આમ, ‘આપની યાદી’માં પ્રાસની અનુપસ્થિતિ છે. તોપણ એમાં જેમ અર્થ અને ભાવના સંદર્ભમાં એકતાનો અનુભવ થાય છે તેમ જ સ્વર અને વર્ણના સંદર્ભમાં પણ એકતાનો અનુભવ થાય છે. ‘આપની યાદી’ પ્રાસના વિકલ્પોથી સભર અને સમૃદ્ધ છે. પ્રથમ કડી(શેર)માં જ અન્ત્ય પ્રાસને વિકલ્પે આંતરપ્રાસ છે. પંક્તિ ૧માં ‘ઠરે’નો પંક્તિ ૨માં ‘ઝરે’ સાથે પ્રાસ છે. પંક્તિ ૧માં ‘ઠરે’ને સ્થાને ‘ઠરી’ દ્વારા એ જ પંક્તિમાં ‘ભરી’ સાથે પ્રાસ શક્ય હતો. વળી ‘ઠરી’ શબ્દ પંક્તિના વ્યાકરણને માન્ય પણ છે. છતાં કવિએ આવો પ્રાસ પ્રયોજ્યો નથી. એથી એક તો પ્રાસના શબ્દો એકમેકની અતિનિકટ હોત, બીજું ‘ભરી’માં તો ‘ભરી છે’ એવું વર્તમાનકાળનું રૂપ છે પણ ‘ઠરી’માં ભૂતકાળનું રૂપ હોત એથી, હવે પછી જોઈશું તેમ, ‘ઠરે’ દ્વારા ત્રિકાલનો જે અર્થ સિદ્ધ થાય છે તેને સ્થાને સમગ્ર કાવ્યનો અર્થ ભૂતકાળમાં સીમિત હોત. પણ કવિને આ પ્રાસ સૂઝ્યો નહિ એમાં એમની લયસૂઝ અને અર્થસૂઝ પ્રગટ થાય છે. પંક્તિ ૧માં ‘આ’ દીર્ધ સ્વરનાં છ આવર્તનો, ‘ઈ’ દીર્ઘ સ્વરનાં ચાર આવર્તનો, ‘જ’ વ્યંજનનાં ત્રણ આવર્તનો તથા ‘૨’ વ્યંજનનાં ચાર આવર્તનો છે. વળી ‘નઝર મારી’ તથા ‘યાદી… આપની’માં વ્યુત્ક્રમ છે અને વ્યુત્ક્રમનું પુનરાવર્તન છે. પંક્તિ ૨માં ‘આ’ દીર્ઘ સ્વરનાં ચાર આવર્તનો છે. પંક્તિ ૩માં ‘મ’ વ્યંજનનાં બે આવર્તનો તથા ‘લ’ વ્યંજનનાં પાંચ આવર્તનો છે. પંક્તિ ૪માં ‘ન’ વ્યંજનનાં ચાર આવર્તનો તથા ‘જ્યાં’ અને ‘ત્યાં’નાં અનુક્રમે ચાર અને બે પુનરાવર્તનો છે. પંક્તિ ૫માં ‘ઈ’ દીર્ઘ સ્વરનાં પાંચ આવર્તનો છે. પંક્તિ ૬માં ‘ઈ’ દીર્ઘ સ્વરનાં ચાર આવર્તનો છે તથા ‘ર’ વ્યંજનનાં ત્રણ આવર્તનો છે. પંક્તિ ૭માં ‘ર’ વ્યંજનનાં ચાર આવર્તનો, ‘ત’ વ્યંજનનાં ત્રણ આવર્તનો તથા ‘ઝ’ વ્યંજનનાં બે આવર્તનો છે. પંક્તિ ૮માં ‘એ’ દીર્ઘ સ્વરનાં ચાર આવર્તનો છે. પંક્તિ ૯માં ‘એ’ દીર્ઘ સ્વરનાં પાંચ આવર્તનો છે. પંક્તિ ૧૦માં ‘ઈ’ દીર્ઘ સ્વરનાં છ આવર્તનો છે. વળી પંક્તિ ૧૩-૧૪માં તો ‘પાપની’ તથા ‘આપની’નો વિરલ પ્રાસ પણ છે. પંક્તિ ૧૪માં ‘ધ’ અને ‘બ’ વ્યંજનોના બબ્બે આવર્તનો છે. આમ, કાવ્યના પૂર્વાર્ધમાં સ્વરવ્યંજનની જે સંકલના છે, લયનો જે આરોહઅવરોહ છે, શબ્દોની જે સમતુલા છે, જે પ્રાસાનુપ્રાસ છે તેમાં પ્રાસના વિકલ્પો છે. વળી કાવ્યના ઉત્તરાર્ધમાં, સવિશેષ તો કાવ્યના અંતભાગમાં જે ભાવાવેશ અને રસોદ્રેક છે અને એને કારણે જે અવાજ છે, સૂર છે, વાણીનો જે મિજાજ છે, જે મરોડ છે એમાં પણ પ્રાસના વિકલ્પો છે. આ વિકલ્પો દ્વારા ‘આપની યાદી’માં સ્વર અને વર્ણના સંદર્ભમાં એકતાનો એવો અનુભવ થાય છે કે એમાં પ્રાસ નથી એવું ક્યારેય ભાન થતું નથી, એટલું જ નહિ પણ એવો ખ્યાલ સુધ્ધાં થતો નથી. ગઝલમાં કલાપીની આ અસાધારણ સિદ્ધિ છે. ટેનિસનનાં ઊર્મિકાવ્યો ‘Tears, idle tears…’, ‘Now sleeps the crimson petal…’ આદિમાં, લૉવેલનાં સૉનેટો — ‘Notebook’ આદિ પાંચ સૉનેટસંચયોમાં, બલવન્તરાયનાં અનેક સૉનેટો — ‘મ્હારાં સૉનેટ’ સંચયમાં, ન્હાનાલાલના ગીત — ‘ફૂલડાંકટોરી’માં, ઉમાશંકરના સ્તોત્ર — ‘નિશીથ’માં, હરિશ્ચન્દ્રની કરુણપ્રશસ્તિ — ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં, પ્રિયકાન્તના ગીત — ‘કૃષ્ણ રાધા’માં પણ આવી જ અસાધારણ સિદ્ધિ છે. ‘આપની યાદી’માં અલંકારો અલ્પસંખ્ય છે, સમાસ તો સમ ખાવા પૂરતોયે એક પણ નથી. શબ્દો સવિશેષ ક્રિયાપદો અને વિશેષણો — સીધા, સાદા અને અલ્પાક્ષરી છે. પંક્તિ ૬, ૮, ૧૦માં અનુક્રમે ‘નાજુક’, ‘ગેબી’, ‘ઝીણી’ વિશેષણો તો તે તે પંક્તિના અર્થ તથા ભાવના સંદર્ભમાં અત્યંત સૂચક છે. ભાષા સહજ, સરલ અને સ્વાભાવિક છે; બોલચાલમાં, પ્રેમીઓના પ્રેમી પરમેશ્વર સાથેની વાતચીતમાં એટલે કે ગઝલમાં હોય એવી અત્યંત આત્મીય છે. ‘આપની યાદી’માં ૧૪ કડી (શેર, બેત) છે, ૨૮ પંક્તિ (તૂક, મિસરા) છે. પ્રત્યેક પંક્તિમાં ગઝલમાં સૌથી વિશેષ પ્રચલિત એવા સપ્તકલ એકમનાં ચાર આવર્તનો છે. સમગ્ર કૃતિમાં અર્થ તથા ભાવની સુશ્લિષ્ટ, સુગ્રથિત એકતા છે. આ એકતાની અંતર્ગત ૧૪-૧૪ પંક્તિનાં બે સમતોલ સ્તબકો છે : પંક્તિ ૧-૧૪, પંક્તિ ૧૫-૨૮. પ્રત્યેક સ્તબકને એની સ્વતંત્ર પરાકાષ્ઠા છે. પ્રથમ સ્તબકની પરાકાષ્ઠા (પંક્તિ ૧૩-૧૪)નું જાણે કે બીજા સ્તબકની પરાકાષ્ઠા (પંક્તિ ૨૭-૨૮)માં પુનરાવર્તન છે — બલકે, હમણાં જ જોઈશું તેમ, બીજા સ્તબકની પરાકાષ્ઠામાં પ્રથમ સ્તબકની પરાકાષ્ઠાની પણ પરાકાષ્ઠા છે. આમ, ‘આપની યાદી’માં સ્વર તથા વર્ણની સમતુલાની જેમ અર્થ તથા ભાવની પણ સમતુલા છે. ‘આપની યાદી’માં પ્રથમ પંક્તિ એ માત્ર કાવ્યપંક્તિ જ નથી, મંત્ર છે. એમાં મંત્રની શક્તિ છે. એક જ વાર એનું પઠન કરવાથી આ સત્યની પ્રતીતિ થાય છે. અને એક વાર પઠન કરવાથી તો પછી જીવનભર એનું રટન કરવાનું થાય એવું એનું અદ્ભુત આકર્ષણ છે. એમાં આરંભે જ ‘જ્યાં જ્યાં’ એટલા બે સીધા, સાદા, એકાક્ષરી શબ્દોમાં સર્વત્ર, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એવું સૂચન છે. ‘નજર મારી ઠરે’માં આ મંત્રનું રહસ્ય છે. ‘નજર મારી’ અને ‘યાદી… આપની’માં અર્થ તથા ભાવની જે સમતુલા છે એનો આધાર ‘ઠરે’ શબ્દમાં છે. ‘ઠરે’ શબ્દ ૯ શબ્દોની પંક્તિમાં પમે સ્થાને એટલે કે પંક્તિની બરોબર મધ્યમાં છે. ‘ઠરે’માં સર્વદા, ત્રિકાલમાં, શાશ્વતમાં એવું સૂચન છે. સર્વત્ર પરમેશ્વરનું દર્શન થાય છે. કારણ કે દૃષ્ટિ ઠરે છે, સ્થિર છે, એકાગ્ર છે, એકધ્યાન છે. આ ચર્મચક્ષુ નહિ પણ દિવ્યચક્ષુની દૃષ્ટિ છે. ‘ઠરે’ને સ્થાને ‘ફરે’ શબ્દ યોજ્યો હોય તો બીજી પંક્તિમાં ‘ઝરે’ સાથે પ્રાસ તો થાય પણ દૃષ્ટિ ફર્યા કરે તો પરમેશ્વર સાથે પ્રાસ ન થાય, એવી દૃષ્ટિને પરમેશ્વરનું દર્શન ન થાય. વળી ‘ઠરે’ને સ્થાને પ્રથમ પંક્તિમાં જ ‘ભરી’ સાથે પ્રાસમાં ‘ઠરી’ શબ્દ યોજ્યો હોય તો એમાં માત્ર એક જ કાળનું, ભૂતકાળનું સૂચન થાય, એટલે કે એક જ કાળમાં, ભૂતકાળમાં, એકાદ ક્ષણ જ પરમેશ્વરનું દર્શન થયું હતું એટલું જ સૂચન થાય. પણ ‘ઠરે’ શબ્દને કારણે જ્યારે, જે જે ક્ષણે આ મંત્રનું પઠન કે રટન થાય ત્યારે ત્યારે, તે તે ક્ષણે એટલે કે સર્વદા પરમેશ્વરનું દર્શન થાય એવું સૂચન છે. આમ, એક ‘ઠરે’ શબ્દ દ્વારા દૃષ્ટિને ત્રિલોકમાં અને ત્રિકાલમાં, અણુ અણુમાં. ક્ષણ ક્ષણમાં પરમેશ્વરનું દર્શન થાય છે. પ્રથમ કડીની બન્ને પંક્તિને અંતે ‘આપની’ શબ્દ છે અને એનું તે પછીના પ્રત્યેક કડીને અંતે રદીફ રૂપે પુનરાવર્તન થાય છે એમાં પણ આ જ સૂચન છે. વળી ‘ભરી’ શબ્દમાં ‘ભરી છે’નો અધ્યાહારાર્થ છે. એથી એમાં પણ માત્ર એક જ કાળનું, ભૂતકાળનું સૂચન નથી; ‘ઠરે’માં છે તેમ સર્વદા, ત્રિકાલમાં, શાશ્વતમાં એવું સૂચન છે. ‘ભરી’ શબ્દ સીધો, સાદો છે પણ એમાં ‘આવાસ્યમ્’નું ગહનગભીર સૂચન છે. આ પ્રથમ પંક્તિનું પઠન કરતાંવેંત પ્રાચીન યુગના કવિમનીષીએ દશે દિશામાં હાથ પ્રસારીને જે ઉદ્ઘોષ કર્યો હશે તે ‘ઈશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’નું, ગીતાકારે અર્જુનને જે ઉદ્બોધન દ્વારા વિશ્વરૂપદર્શન કરાવ્યું હશે તે ‘દિવ્યમ્ દદામિ તે ચક્ષુ :’નું તથા મધ્યકાલીન યુગમાં નરસિંહે કોઈ ધન્ય પ્રભાતે જે ઉદ્ગાર કર્યો હશે તે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ…’નું સ્મરણ થાય છે. જેમ પૂર્વોક્ત ઉપનિષદનું શીર્ષક ‘ઈશાવાસ્યોપનિષદ’ છે, ગીતાના પૂર્વોક્ત અધ્યાયનું શીર્ષક ‘વિશ્વરૂપદર્શનયોગ’ છે તેમ આ ગઝલનું શીર્ષક પણ ‘આપની યાદી’ છે. આ પ્રથમ પંક્તિ જાણે કાવ્યસમગ્રના અર્કરૂપ, સારસર્વસ્વરૂપ છે અથવા બીજરૂપ છે. સમગ્ર કાવ્ય જાણે કે આ પ્રથમ પંક્તિનો જ વિકાસ-વિસ્તાર છે, પ્રસાર છે. પ્રથમ પંક્તિમાં બાહ્યવિશ્વનો ઉલ્લેખ છે તો બીજી પંક્તિમાં આંતરવિશ્વનો ઉલ્લેખ છે. બહાર પરમેશ્વર છે તો અંદર પણ પરમેશ્વર છે. ‘આંખથી યાદી ઝરે છે આપની’ પણ તે ‘આંસુ મહીં.’ ‘આંસુ’માં વેદનાનું, સંવેદનાનું સૂચન છે. ‘ઝરે છે’માં વિગલનનું સૂચન છે. ‘ઠરે’ અને ‘ઝરે’ વચ્ચે માત્ર પ્રાસ જ નથી, અર્થ તથા ભાવની પણ સમતુલા છે. ‘ઠરે’માં ઘનતાનું અને ‘ઝરે’માં પ્રવાહિતાનું સૂચન છે. મનુષ્યમાં કશું પણ જો પરમેશ્વરી હોય તો તે એનું આંસુ છે, એની વેદના-સંવેદના છે. મનુષ્યમાં પરમેશ્વરને અર્ઘ્ય ધરવા જેવું, અર્પણ કરવા જેવું કશુંય હોય તો તે એનું આંસુ છે, એની વેદના- સંવેદના છે. આ દ્વારા જ એને પરમેશ્વરનું સંવેદન, વેદન, જ્ઞાન થાય છે. વળી બીજી પંક્તિમાં ‘આંસુ… ઝરે’ છે, એમાં પ્રથમ પંક્તિમાં ‘નઝર… ઠરે’ છે એના રહસ્યનું પણ સૂચન છે. આ જે આંસુ ઝરે છે એમાં પરમેશ્વર જ ઝરે છે. એથી આ આંસુ એ સ્વયં પરમેશ્વર જ છે. અસૂયા તથા અહમ્‌ને કારણે જ પરમેશ્વરનું વિસ્મરણ થાય છે. અસૂયા તથા અહમ્‌નું વિગલન થાય તો જ પરમેશ્વરનું સ્મરણ થાય, દર્શન થાય. જ્યાં અસૂયા તથા અહમ્‌ ત્યાં પ્રેમ નહિ અને જ્યાં પ્રેમ ત્યાં અસૂયા તથા અહમ્‌ નહિ. અને અસૂયારહિત, અહમ્‌રહિત એવો પ્રેમ એ જ પરમેશ્વર છે. પ્રથમ પંક્તિમાં જે જે દૃષ્ટ છે તે તે પરમેશ્વર છે. બીજી પંક્તિમાં દૃષ્ટિ એટલે કે દ્રષ્ટા સ્વયં પરમેશ્વર છે. આમ પરમેશ્વર પરમેશ્વરનું દર્શન કરે છે, પરમેશ્વર પોતે પોતાનું દર્શન કરે છે. પ્રથમ કડીમાં દ્રષ્ટા અને દૃષ્ટનો અભેદ છે, બાહ્યઆંતરનો અભેદ છે. આ અભેદદર્શન છે. પ્રથમ કડીને અંતે તરત જ નરસિંહના પ્રસિદ્ધ પદમાંની ઊર્જસ્વી ઉક્તિ ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’નું સ્મરણ થાય છે. પંક્તિ ૩-૧૨માં પંક્તિ ૧નો વિકાસ-વિસ્તાર છે, પ્રસાર છે. ‘જ્યાં જ્યાં’ એટલે કે ત્રિલોક — પૃથ્વી, સમુદ્ર અને આકાશમાં, પંચમહાભૂત — પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશમાં, બ્રહ્માંડમાં પરમેશ્વરની સ્મૃતિ અંકિત છે. બાહ્ય વિશ્વ, સ્થૂલ જગત પરમેશ્વરથી સભરસભર છે. પંક્તિ ૧૩-૧૪માં પ્રથમ સ્તબકની પરાકાષ્ઠા છે. દુરિત પ્રત્યે પણ પરમેશ્વરની કરુણા છે. તો પછી દુરિતની કોઈ ચિંતા નથી. પરમેશ્વરના આ અનુભવ પછી હવે ભૂતકાળના દુરિતની કોઈ ચિંતા નથી. બીજા સ્તબકમાં પંક્તિ ૧૫-૨૬માં પંક્તિ ૨નો વિકાસ-વિસ્તાર છે, પ્રસાર છે. ‘આંસુ મહીંયે આંખથી’ એટલે કે પંડમાં પરમેશ્વરની સ્મૃતિ અંકિત છે. આંતર વિશ્વ, સૂક્ષ્મ જગત પરમેશ્વરથી સભરસભર છે. પરમેશ્વરના આ અનુભવ પછી હવે વૈર-પ્રેમ, પાપ-પુણ્ય, સદ્-અસદ્, મિલન-વિરહ, હાસ્ય-અશ્રુ, પ્રાચીન-નવીન વગેરે દ્વૈતોની, દ્વંદ્વોની કોઈ ચિન્તા નથી. પરમેશ્વરના આ જ્ઞાન અને દર્શન પછી હવે અન્ય જ્ઞાન કે દર્શનની કોઈ ચિન્તા નથી. પંક્તિ ૨૭-૨૮માં બીજા સ્તબકની પરાકાષ્ઠા છે. દોષ પ્રત્યે પણ પરમેશ્વરની કરુણા છે. તો પછી દોષની કોઈ ચિન્તા નથી. પરમેશ્વરના આ અનુભવ પછી હવે ભવિષ્યના દોષની કોઈ ચિન્તા નથી. એમાં પંક્તિ ૧૩-૧૪માંની પ્રથમ સ્તબકની પરાકાષ્ઠાની પણ પરાકાષ્ઠા છે. કારણ કે એમાં પરમેશ્વરની અખૂટ-અતૂટ કરુણાધારાને આધારે ભૂતકાળના દુરિતમાંથી વર્તમાનના સંઘર્ષ-સમાધાન દ્વારા ભવિષ્યના દોષ પ્રતિ ગતિ છે. સર્વવ્યાપી અને સર્વશક્તિમાન પરમેશ્વરમાં તથા એમની અનંત અને અસીમ કરુણામાં શ્રદ્ધાથી કાવ્યની પૂર્ણાહુતિ થાય છે. ‘આપની યાદી’માં આરંભે અને અંતે એક માત્ર પરમેશ્વર જ છે, અન્ય કંઈ જ નથી. વચમાં અન્ય જે કંઈ છે તે પણ પરમેશ્વરમય છે. સમગ્ર કાવ્યમાં, સવિશેષ કાવ્યના અંતભાગમાં પંક્તિ ૨૩-૨૮માં, જે મસ્તી છે તે ઇશ્કેહકીકીની મસ્તી છે, જે મિજાજ છે તે આશકનો મિજાજ છે, જે અવાજ છે તે પ્રભુપીધેલ આદમીનો અવાજ છે. ‘આપની યાદી’માં ધર્મનું કે ઈશ્વરનું કોઈ સિદ્ધાન્તશાસ્ત્ર નથી, એમાં પ્રેમનો અને પરમેશ્વરનો અનુભવ છે. ‘આપની યાદી’ અનુભવનું કાવ્ય છે, ભક્તિનું કાવ્ય છે, આ કાવ્ય આંસુ, આંખ, ગાલ, ચમન, ગુલો, લહર, સવારી, તારા, કચેરી, ચરખો, ગોદ, સિતારી, ખંજરો, ઢાલ, ગંગા, હાથ તથા કિતાબોનાં કલ્પનો દ્વારા સિદ્ધ થયું છે. ‘આપની યાદી’ ગુજરાતી ભાષાનું એક ભવ્યસુન્દર ભક્તિકાવ્ય છે. કલાપીએ ‘યાદી આપની’ અંગે જે આનંદોદ્ગાર કર્યો છે તે ‘આપની યાદી’ અંગે પણ કરી શકાય : ‘ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, 
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!’

૧૯૮૧


*