હયાતી/૪૩. થવાની વાત


થવાની વાત

અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત,
બંને છે છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું,
વરસે છે આસમાઁથી ઇનાયત થવાની વાત.

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર,
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.

પાસે રહું તો ભય કે વિખૂટા પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.

૨૪–૭–૧૯૭૧