હયાતી/૪૫. માફક હવા નથી


૪૫. માફક હવા નથી

નિર્મળ નયન નથી ને નરી વાસના નથી,
જેનો નજીક અંત હો એવી કથા નથી.

દિલ ખોલ આ મુકામે ભલે સંકલન ન હો,
તાજુબ બધા થયા છે, છતાં વાહવા નથી.

શરણાગતિનો અર્થ ન જાણું – સ્વીકાર કર,
મારી હયાતી છે, આ કોઈ હા કે ના નથી.

આ મારા હાસ્ય પર હું રડું નૈં તો શું કરું?
એ પણ હવે કહે છે મને કૈં વ્યથા નથી.

મોકો છે, લ્યો નિશાન બરાબરનું મર્મ પર,
થોડો ઉદાસ છું અને માફક હવા નથી.

૨૭–૧૨–૧૯૭૧