હયાતી/૪. હોવી જોઈએ


૪. હોવી જોઈએ

મારા કવનમાં ભિન્ન કલા હોવી જોઈએ,
મારા નશામાં નોખી સુરા હોવી જોઈએ.

લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ,
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઈએ.

આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફક્ત,
બાકી હજીયે મારી કથા હોવી જેઈએ.

એ શર્ત પર કબૂલ છે કાનૂન સૃષ્ટિના,
હું બંડ પણ કરું તો રજા હોવી જોઈએ.

ફૂલો ઉદાસ છે અને કંટક ખીલી રહ્યા;
રણમાં વસંત કેરી હવા હોવી જોઈએ.

તારા ખરીખરીને નિમંત્રણ દઈ રહ્યા,
મારી યે એક ખાલી જગા હોવી જોઈએ.

અટકી રહ્યો’તો શ્વાસ તે પાછો ફરી ગયો,
વાતાવરણમાં એની હવા હોવી જોઈએ.

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ.

સચવાઈ જાય કોઈની શરમિન્દગીની લાજ,
મિત્રો, શમા વિનાની સભા હોવી જોઈએ.