– અને ભૌમિતિકા/ગામને પાદર
ગામને પાદર
ગામને પાદર વાડની કને ભાઈભેરુજન સહુએ મળી લાગતાં શિશુ રમવા,
ખેલના એવા બોલ ‘રે રાણી રોટલી કરે, મોરલો આવી બેસતો હવે જમવા.
થોરનું તોડે પાન તે છૂટે, વેગળું થયે
આંચળથી કોઈ વાછડું જાણે, દૂધની ધારા,
બેવડ વાળ્યા પાનમાં એકલ દૂધના ટીપે
એમ ફેલાવે આભ કે તરે રંગફુવારા.
રંગમાં રાણી, મો૨... ને નિજી ખેલમાં મગન એમ
કે આવી દંન ઊભો આથમવા... ...ગામને પાદર.
દૂરના કોઈ દેશથી રાણી-ક્હેણને દેતો વ્હેણ
હવે કલકલિયો થુવેર ટોચથી ગાતો;
કોઈ ન ઊભું બાળ ગયાં સહુ ઘેર
ને વહી વેળનો મોઘમ આભમાં ચોગમ રંગે રે રાતો.
સપને ભીની આંખ તે પરીપાંખને સવાર
સાત સમદર પારના દેશે ભમવા... ગામને પાદર.
૨-૨-૧૯૬૯