– અને ભૌમિતિકા/તારા ગામનાં તળાવ


તારા ગામનાં તળાવ

છલ્લક તારા ગામનાં તળાવ છલક્યાં હશે;
આભલાં તારા કમખે આવી વરસ્યાં હશે.
હે...ઈ...’લી, દરિયા!
બાવળબૂઠા દંન ઉનાળે ઝૂરતા તળાવ-પાળે
ખોડી છમલીલાછમ પાય ને હવે જળમાં
તારા લચક્યા જેવું લચકીને બહુ હરખ્યા હશે...
છેલ-છકેલું વાછડું ઝાલી રાશમાં અલ્લડ
કાછડો ભીડી ઠેકતી પાદર-સીમની વચાળ
આંતરી લેવા લ્હાવ મળ્યો હોત, દરિયારાણી!
કંકાવટી કરમાં ઝાલી ઘૂઘરિયાળી ઘેરમાં ઘમ્મક
ફળિયું ચીતરી ગાયને પૂજન ચાલતી લ્હોવા
લ્હાવ મળ્યો હોત, દરિયારાણી!
દરિયારાણી!
સૈયર તારી કોઈ મળે તો લાવ પૂછી લઉં :
કેટલુ હસ્યાં, કેટલું હઠ્યાં, કેટલાં ચાર્યાં વન
...કે વને ઘરઘર રમી લાજ કાઢીને મલક્યાં વિષે...
એક શિયાળુ સાંજ રે ઊભી વેલ્ય ને ઝાંપે
ઊમટી સૈયર-છોડીએ વ્હેંચી ડૂસકાં, રામણ-દીવડે
બાંધ્યાં મન ને નીસર્યાં દરિયારાણી,
પાદર મેલ્યાં, પાળિયા-આંબાવાડિયાં મેલ્યાં,
સીમ છેવાડું તળાવ ભરી આંખમાં ભીની નજરે
ઝાંખું મનેખ ભાળી સૌએ વીસર્યાં દરિયારાણી!
દરિયારાણી!
સપનું તને કોઈ આવ્યાનું લાવ કહી દઉં :
વનમાં સોનલ મોજડી પહેરી, ચાંદનું મેલી છોગલું
આવી કો’ક અડ્યું ને–
ઊઘડી ફટાક આંખ ને પાંપણ પલક્યાં વિષે... છલ્લક તારા.