‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/લેખનની સમૃદ્ધ પરંપરાની ઝલક : હેમન્ત દવે

૧૯ ઘ
હેમન્ત દવે

[લેખનની સમૃદ્ધ પરંપરાની ઝલક]

પ્રિય રમણભાઈ, પ્રત્યક્ષમાં ચાલી રહેલી મુદ્રણ અંગેની ચર્ચામાં ઉપયોગી થાય એવું કાંઈક છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસના ગ્રંથ દાસબોધમાં મળે છે. ‘દાસબોધ’નો પ્રતિપાદ્ય વિષય અધ્યાત્મનો છે, તથાપિ તેમાં ઠેકઠેકાણે જીવનોપયોગી બાબતોની પણ ચર્ચા છે. આમાંથી એક, હસ્તપ્રતોના લેખનની છે. ‘દાસબોધ’ના ‘શિકવનામા’ નામના ઓગણીસમા દશકના પહેલા જ ‘લેખન-ક્રિયાનિરૂપણ’ નામક સમાસમાં૧ લખાણ કેવી રીતે કરવું જોઈએ તેની ઉત્તમ સમજ આપવામાં આવી છે. મૂળ મરાઠી પાઠ અને તેનો અરુણાબહેન જાડેજાએ કરેલો ગુજરાતી અનુવાદ તેમની પરવાનગીથી સાભાર એની સાથે જ મૂક્યો છે. આ પરથી આપણે ત્યાં લેખનકલાની કેવી સમૃદ્ધ પરંપરા હતી તેની થોડી ઝલક મળશે. શ્લોક ૧૨માં સ્વામીજી કહે છે કે લેખન એવું તો સુંદર કરવું કે જોતાંવેંત જોનારને અસૂયા થાય. ક્લેરન્ડન પ્રેસ કે ઇ. જે. બ્રિલનાં પ્રકાશનો જોતાં જેવી ઈર્ષા ઊપજે છે તેવાં પ્રકાશનો ગુજરાતીમાં આવે તો કાળજે ટાઢક થાય!

૧ સ્વામીજીએ પોતાના ગ્રંથને કુલ વીસ વિભાગમાં વહેંચ્યો છે, એ દરેક વિભાગ ‘દસક’ કહેવાય છે; પુનઃ આ ‘દસક’નું પેટા વિભાજન ‘સમાસ’માં કરવામાં આવ્યું છે.

નડીઆદ,
૩ ડિસેમ્બર, ૨૦૧૦


– હેમન્ત દવેનાં વંદન.

મરાઠી પાઠ

ब्राह्मणे बाळबोध अक्षर। घडसून करावे सुंदर।
जे देखताचि चतुर। समाधान पावती ।।१।।
वाटोळे सरळ मोकळे । मसीचे बोतले काळे ।
कुळकुळीत वोळी चाल्लया ढाळे। मुक्तमाला जैशा ।।२।।
अक्षरमात्र तितुके नीट। नेमस्त पैस काने नीट।
आडव्या मात्र त्याही नीट। आर्कुली वेलांट्या ।। ३ ।।
पहिले अक्षर जे काढिले । ग्रंथ संपेतो पाहात गेले।
येका टाकेंचि लिहिले। ऐसे वाटे ।। ४ ।।
अक्षराचे काळेपण। टाकाचे ठोसरपण ।
तैसेचि वळण वाकण। सारिखेचि । । ५ ।।
वोळीस वोळी लागेना। कार्कुली मात्रा भेदीना।
खालिले वोळीस स्पर्शेना। अथवा लंबाक्षर । । ६।।
पान शिष्याने रेखाटवे । त्यावरी नेमकेचि ल्याहावे ।
दूरी जवळी न व्हावे। अंतर वोळीचे ।। ७ ।।
कोठे शोधासी आडेना। चुकी पाहता सापडेना।
।।८ ।।
ज्याचे वय आहे नूतन। त्याने ल्याहावे जपोन।
जनासी पड मोहन। ऐसे करावे ।।९।।
बहु बारीक तरुणपणी। कामा न ये म्हातारपणी ।
नेमस्त लिहिण्याची करणी। केली पाहिजे ।। १० ।।
भोवते स्थळ सोडून द्यावे। मध्येचि चमचमित ल्याहावे ।
कागद झडताचि झडावे। नलगेचि अक्षर।। ११।।
ऐसा ग्रंथ जपोनि ल्याहावा। प्राणिमात्रांस उपजे हेवा।
ऐसा पुरुष तो पाहावा। म्हणती लोक ।। १२ ।।
काया बहुत कष्टवावी। उत्कट कीर्ति उरवावी।
चटक लाबुनी सोडावी। काही येक ।। १३ ।।

ગુજરાતી અનુવાદ

લખનારે સુગમ અક્ષર, ઘૂંટીને કરવા સુંદર,
દેખે જે કોઈ ચતુર, ઠરે આંખડી.
સીધા, છૂટા, ગોળાકારે, કાળી શાહી કેરે,
કાળી ભમ્મર પંક્તિઓ સરે, જાણે મુક્તાહાર.
અક્ષરે અક્ષર હો બરાબર, કાનોમાત્રા પ્રમાણસર,
ઈ-ઉ-રકારેય બરાબર, આડી માત્રાય.
શરૂથી માંડીને એ, ઠેઠ સુધી એક જે,
એકીઢાળે લખાયેલું એ, એવું લાગે.
અક્ષરનું કાળાપણું, બરુનું ટકાઉપણું,
એવું જ મરોડપણું, એકસરીખું.
લીટીને લીટી અડે ના, રકારને માત્રા છેદે ના,
નીચલી લીટીને નડે ના, એ લંબાક્ષરો.
લીટીઓ દોરેલું પાનું હોવું, અડીને એને જ લખવું,
દૂર-પાસ ન થવા દેવું, અંતર લીટી કેરું.
ઉમેરવા કાંઈ જગ્યા ખૂટે ના, ભૂલો શોધી શોધ્યે જડે ના,
વેઠ કદીયે ઊતરે ના, લખનાર થકી.
ઉમ્મરે નાનાં જે, સાચવીને લખે એ,
ભૂરકે જે લોકોને, એવું લખીએ.
ઝીણા અતિ બાળપણે, નકામા એ ઘડપણે,
મધ્યમ હોય લખાણે, એવું લખીએ.
જગ્યા આસપાસ છોડીએ, વચ્ચે ચમકંતું લખીએ,
કાગળ ભલે ઘસાય, ન અક્ષરો.
ગ્રંથ એવા જતને લખવો, જણ કોઈ થાય અદેખવો,
રે સુજાણ કોણ એવો, પૂછે લોકો.
કાયા ઘણી રે ઘસવી, કીર્તિ પાછ રહેવી,
ઉત્કંઠા રે પ્રેરવી, એવી કંઈ.

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૦, પૃ. ૫૪-૫૫]