‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સંપાદકની હાજરી પાનેપાને : ભરત મહેતા

૭.૨
સંપાદકની હાજરી પાને પાને – ભરત મહેતા

[‘પ્રત્યક્ષ’ ઑક્ટો.,-ડિસે, ૧૯૯૯ વિશે]

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ ઑક્ટો.-ડિસે. ૧૯૯૯ના અંક વિશે પ્રતિભાવ આપવાનું તમે કહ્યું એ નિમિત્તે અંકમાંથી પુનઃપસાર થવાનો આનંદ થયો. મને આપણાં ગુજરાતી ઉપરાંત ભારતીય ભાષાઓનાં બીજાં સામયિકો કમ-સે-કમ ‘જોવાની’ ટેવ તો છે જ. આવું રૂપકડું, લે-આઉટથી માંડીને ઝીણીઝીણી સંપાદકીય બાબતોનું ધ્યાન રાખનારું સામયિક જવલ્લે જ જોયું છે. સરકારી અને અન્ય સાહિત્ય-સંસ્થાઓને આર્થિક ચિંતા નથી હોતી તેથી પરવડે પણ તમે વ્યક્તિગત સાહસથી, વાચનરસના આ ઓસરાતા દા’ડાઓમાં, કઈ રીતે બધું થાળે પાડો છો તે સમજાતું નથી. અભિનંદન આપવાનું જ મન થાય. આ અંકની સામગ્રીની વાત કરીએ તો, તમે ‘પ્રત્યક્ષીય’માં, કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દાને પ્રચારિત, પ્રસારિત કરી વહેતો મૂકો છો એ પરંપરા આ અંકમાં પણ જળવાઈ છે. અકાદમીની સહાયથી આપણને સહુને થોકબંધ પરિસંવાદો કરવાની તક મળી રહે છે પણ એમાંથી ગ્રંથસ્થ કેટલું થાય છે? ફળ‘શ્રુતિ’ ગ્રંથરૂપે મળવી જોઈએ – એ તમારો તકાદો વાજબી, પ્રસ્તુત છે. ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ વિશેના ‘અક્ષરા’ અને અકાદમી આયોજિત પરિસંવાદની ફલશ્રુતિ ગ્રંથરૂપે આવી રહી છે એ સહજ જાણ સારું. કારણકે એ પરિસંવાદમાં હું આવાહક હતો. ગુજરાતી સાહિત્ય પરિવેશમાં અત્યારે ટૂંકીવાર્તા તેજીમાં છે. આ અંકના અડધોઅડધ લેખો ટૂંકીવાર્તાની સમીક્ષાના છે એ એની પ્રતીતિ કરાવે છે. શરીફા વીજળીવાળાએ ‘નવું ઘર’ અને ‘સુગંધિત પવન’ની સમતોલ સમીક્ષા પૂરી પાડી છે. આ સંગ્રહો વિશેની અન્ય સમીક્ષાઓને પણ (જેમકે, નટવરસિંહ પરમારની સમીક્ષાને ‘ચર્ચામાં તે ટાળતાં નથી એ સારી નિશાની છે. જે વાર્તાઓની માવજત ચર્ચા ખમી શકે એ વાર્તાઓને, વાર્તારસ પૂરી પાડતી વાર્તાઓથી, અલગ પાડી બતાવી એ તો સારું જ કર્યું. પણ જેને કોઈપણ હિસાબે વાર્તા ન કહી શકાય એવા વાર્તાજૂથ વિશે મૌન ન સેવ્યું એ ગમ્યું એથીય વિશેષ, એવી કૃતિઓ વિશે મૌન સેવનારા કે ગોળગોળ વાતો કરનારને ઝપટમાં લીધા એ વધુ ગમ્યું. સમીક્ષક જો કોઈ સ્ટૅન્ડ ન લે તો એનો અર્થ નથી. એમણે લખ્યું – કોઈપણ લેખક [નવો કે જૂનો, ઊગતો કે પ્રસ્થાપિત]ની નબળી કૃતિઓને અઘરી-અઘરી પરિભાષા વાપરી વખાણી આપવાથી સરવાળે સર્જકને નુકસાન થવાનું. બાકી તો જ્યાં સુધી ઉદાર સામયિકો છે ને સક્ષમ(!) વિવેચકો છે ત્યાં સુધી કોઈ સર્જકે લેશમાત્ર મુઝાવાની જરૂર નથી એવું ચોક્કસ કહી શકાય.’ વાર્તાસમીક્ષાનું જે ભયસ્થાન શરીફા વીજળીવાળાએ તાક્યું તેનું તરત જ હાથવગું ઉદાહરણ અડોઅડ બિપિન આશરે પૂરું પાડ્યું. ‘અને... છતાં... પણ’ની નરી ગુણગ્રાહી સમીક્ષા થઈ. એકપણ વાર્તામાં વિવેચકને એકપણ મર્યાદા જણાઈ નથી! ‘ગુજરાતી નવલિકાચયન’નાં સાહિત્ય-પરિષદ પ્રકાશિત બે સંપાદનો(૧૯૯૪-૯૫, ૧૯૯૬)નાં અવલોકનો ઇલાબહેન નાયકે કર્યાં છે. એમાં ’૯૪-’૯૫ના સંપાદનની ઘણી મર્યાદાઓ વિશે એમણે ઉદાર વલણ દાખવ્યું છે. સંપાદકે સંપાદનપ્રક્રિયાની કેફિયત પૂરી પાડી નથી. ને કેટલીક ન સમાવાયેલી પણ ગમેલી વાર્તાઓનો નામોલ્લેખ સુધ્ધાં એમણે ટાળ્યો છે એના વિશે સમીક્ષકને કશું કહેવાનું નથી? ‘વર્ચ્યુલિ રીઅલ સૂટકેસ’ વિશે ‘રચનારીતિની કૃતકતા વાર્તાની આસ્વાદ્યતામાં બાધક નીવડે છે’ તેવો, સમ્મત ન થઈ શકાય તેવો, પણ સ્પષ્ટ અભિપ્રાય ઈલાબહેન આપી શક્યાં છે પણ ‘સુભદ્રા’(રવીન્દ્ર પારેખ) જેવી નબળી વાર્તા એમની નજરમાંથી કેમ બચી ગઈ એવો પ્રશ્ન થાય. એના મુકાબલે ‘૯૬ના વાર્તા-સંપાદનને વિવેચનાત્મક તપાસનો લાભ આપ્યો છે. સંપાદક કિરીટ દૂધાતના ‘લાગણીવેડા’ને એમણે ટપાર્યા છે તે સારું થયું. ‘ડંકો પડે છે ત્યારે’, ‘હું તો ચાલી’ કે ‘સવ્ય-અપસવ્ય’ વિશેનાં એમનાં ઉત્સાહભર્યાં, અતિરેકવાળાં વિધાનો વિવેચનાત્મક નથી એ બરાબર કહેવાયું છે. અહો રૂપમ, અહો ધ્વનિનું વાતાવરણ આવાં વિધાનો ઊભું કરતાં હોય છે એ નોંધવું જોઈએ. કથાસાહિત્ય વિશેના અન્ય લેખમાં અમિતાવ ઘોષની નવલકથા ‘ધ શેડો લાઈન્સ’ના ગુજરાતી અનુવાદ ‘છાયારેખા’ વિશે પ્રસાદ બ્રહ્મભટ્ટનો લેખ સુદીર્ઘ હોવા છતાં નવલકથાની ‘વારતા’ પણ લેખવાચકના હાથમાં પહોંચતી નથી. લેખનો બંધ શિથિલ છે. અનુવાદની ભાષાની તપાસમાં એમણે ઉત્સાહ દાખવ્યો છે તેટલો નવલકથાને ખોલી આપવામાં નથી દાખવ્યો એવું લાગે છે. ‘સાચા’ અવલોકનકારોની અછતના દા’ડામાં કોઈ નવાસવા અવલોકનકારનો અભ્યાસપૂર્ણ લેખ જોઈએ ત્યારે આનંદ થાય. ‘તરંગવતી’ વિશેનો કૌશી ચાવડાનો લેખ આવો અનુભવ કરાવે છે. અવલોકનકારનાં નિરીક્ષણો સ્પષ્ટને સમાજવાળાં છે. પૂર્વે ઈ. ૧૯૭૯માં ભાયાણીસાહેબે જ આ અનુવાદ કર્યો હતો તેમ છતાં આ પુસ્તકમાં ક્યાંય પહેલી આવૃત્તિનો ઉલ્લેખ સુધ્ધાં નથી એવી દસ્તાવેજી સરતચૂક પકડી છે તેમાં, અને કૃતિની કથનપ્રયુક્તિઓની ચર્ચા કરી છે તેમાં સમીક્ષકની અભ્યાસદૃષ્ટિનો પરિચય થાય છે. ચરિત્રસાહિત્યની કૃતિ ‘મોટીબા’ (યોગેશ જોશી) વિશે વિજય શાસ્ત્રી આવી માંડણી કરીને અવલોકન કરવા ધારે છે – ‘નિરૂપણરીતિ જો કલાત્મકતા નિપજાવતી હોય તો ત્યારે, ત્યાં વ્યક્તિત્વનું મૂલ્યાંકન બિનજરૂરી બને છે. વ્યક્તિ તરીકે સામાન્યતા ધરાવતા પાત્રની આલેખનરીતિ જો અસામાન્ય એવા કશાક સર્જકીય ઉન્મેષો ધરાવતી હોય તો પણ વાચક માટે આવકાર્ય બને છે.’ પણ અવલોકનમાં ઝોક ‘વ્યક્તિત્વના મૂલ્યાંકન’ તરફનો જ રહ્યો માંડણી મુજબનું અવલોકન મળ્યું હોત તો વધુ સારું થાત ‘માનવતાના ભેરું’માં ૩૧ રેખાચિત્રો વિશેનું અજય રાવલનું અવલોકન એટલું નાનું છે કે ‘અવલોકન’ કહેતાંય સંકોચ થાય વળી લખાણ સઘન ન હોવાના કારણે કેવળ પરિચયાત્મક સ્તરથી અવલોકન ઉપર ઊઠતું નથી. રેખાચિત્રોમાં આવતી પુનરુક્તિ એમણે પકડી છે પણ આ રેખાચિત્રોની સારી/નરસી બંને બાજુ વિશે ઘણું કહી શકાય એમ છે. નર્મદના ‘ડાંડિયો’ના સમગ્ર અંકોના પુનઃપ્રકાશનની મૂલવણી કરતો કિશોર વ્યાસનો લેખ સુદીર્ઘ પણ પરિચયાત્મક છે. ‘ડાંડિયો’ને સાહિત્યેતર પરિમાણોથી જોવાનો મોકો કિશોર વ્યાસે ઉપાડવો જોઈતો હતો. અલબત્ત, એક અવલોકનમાં એ શી રીતે થાય એવો પ્રશ્ન જાગે પરંતુ થોડાક સંકેતો પણ આપવા જોઈતા હતા. ‘મુલાકાત’ અને ‘પત્રચર્ચા’ના વિભાગોની પરંપરા પણ ‘પ્રત્યક્ષે’ ચાલુ રાખી છે તે આવકાર્ય છે. ‘ગુજરાતી વિશ્વકોશ’ અંગે ધીરુભાઈ ઠાકરની તમે લીધેલી મુલાકાત રસપ્રદ છે. આવી મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક ઘટનાને આવરી લેવાનો ઉપક્રમ અન્ય સામયિકો માટે ઉદાહરણરૂપ બનવો જોઈએ. ‘કોશ’ અંગેના અગાઉના તમારા ‘સંપાદકીય’માં અને ‘ગુજરાતી સાહિત્યકોશ’ના (વર્ષો પહેલાં ‘એતદ્‌’માં કરેલા) અવલોકનમાં કોશપ્રવૃત્તિને તમે કેટલી ગંભીરતાથી લો છો તેનો પરિચય થાય છે. મુલાકાતો ઘણીવાર, પ્રશ્નકર્તા નબળો હોય તો, અનૌપચારિક ને ઊભડક બની જતી હોય છે. અહીં પ્રશ્નકર્તા અને મુલાકાત આપનાર બંને સુસજ્જ હોઈને વાચકને ઘણું જાણવા મળે છે. આવી વિવેચનાત્મક મુલાકાતો ‘પ્રત્યક્ષ’માં વધે એવી અપેક્ષા આ મુલાકાત જગવે છે. પત્ર-ચર્ચાનું મંચ વિરલ થતું જાય છે. પ્રશંસાપત્રો છાપતાં સામયિકો પત્ર-ચર્ચા છાપતાં નથી. પત્રચર્ચા અહીં માર્મિક થઈ છે. ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશેના ચંદ્રકાન્ત ટોપીવાળાના અવલોકન વિશે જયંત ગાડીત, જાગૃત ગાડીતે સબળ ખુલાસાઓ આપ્યા છે. જયંત કોઠારીએ પણ નરોત્તમ પલાણને સમુચિત્ત ઉત્તર ધર્યો છે. ટૂંકમાં, ‘પ્રત્યક્ષ’ના અંકમાં વૈવિધ્યસભર અવલોકનો છે. ભાષામાં હજુ તાજગી નથી. શિથિલ લેખોય છે. સાહિત્યસામયિક પાસે મારી અપેક્ષા એ હોય છે કે એમાં સંપાદકે આંકડો પાડ્યો હોય કે ન પાડ્યો હોય પણ એની હાજરી વરતાવી જોઈએ. આપણે ત્યાં તો સંપાદક અને પ્રકાશક વચ્ચે ઝાઝો ફરક રહેતો નથી. ‘પ્રત્યક્ષ’માં સંપાદકની હાજરી પાનેપાને, પળેપળે વરતાય છે એનો આનંદ છે. થોડુંક આ પ્રતિભાવપ્રવૃત્તિ વિશે પણ કહેવું છે. પોતાના સંપાદનમાંથી પસાર થયેલી સામગ્રીને હજુ ‘બીજી નજરે’ તપાસાવાનો મોકો આપવાનું ક્યાં સુધી તમને પરવડશે? ભલભલાં સામયિકોમાં કાં તો લાગતાવળતાની કાં તો સ્થાપિતોની ઘણી કાચી કૃતિઓ પ્રગટ થઈ જતી હોય છે તેને આવી તપાસ સોંપીને ચકાસી શકાય. એટલે એક રીતે જોતાં તો આ પ્રતિભાવપ્રવૃત્તિ જોખમી પણ છે. સામયિકના વિકાસમાં, સાહિત્યિક પરિવેશના વિકાસમાં આ જોખમ ઉપાડવાનું તમને જ્યાં સુધી પરવડશે ત્યાં સુધી ગુજરાતી ભાષા-સાહિત્યના ઘણા હિતેચ્છુઓને ધરપત રહેશે.

[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૦, પૃ. ૪૫-૪૬]