‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘અમર ગીતો’ વિશે : કિરીટ દૂધાત

૧૨
કિરીટ દૂધાત

[‘અમર ગીતો’ વિશે]

પ્રિય રમણભાઈ ‘પ્રત્યક્ષ’ દ્વારા વાચકો અને વિદ્વાનોનું ધ્યાન એક મહત્ત્વની બાબત પ્રત્યે દોરવા માંગું છું. હાલમાં, ‘અમર ગીતો’ પુસ્તક મારા જોવામાં આવ્યું (‘અમર ગીતો’, સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, પ્રકાશક : આર. આર. શેઠ. અમદાવાદ, ૨૦૦૦). તેમાં પૃષ્ઠ ૯ ઉપર આદિલ મન્સુરીની ‘મળે ન મળે’ ગઝલને ગીત તરીકે રજૂ કરવામાં આવી છે જેનો ઉપાડ આ રીતે થાય છે,

‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.’

એ જ રીતે એ પુસ્તકમાં પાન ૨૫ ઉપર કવિ ‘કલાપી’ની ‘આપની યાદી’ રચના પણ ગીત ગણીને સમાવવામાં આવી છે :

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની!’

તેમ જ પાના નંબર ૯૨ ઉપર નયન હ. દેસાઈની ‘માણસ ઉર્ફે...’ રચના પણ ગીત તરીકે પસંદ થઈ છે :

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે;....

અને ૧૫૯ ઉપર બાલાશંકર કંથારિયાની રચના ‘ગુજારે જે શિરે તારે’ પણ ગીત તરીકે સ્થાન પામી છે.

‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.’

વળી, પાના ૧૭૮ ઉપર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું કાવ્ય ‘અમર આશા’ પણ અહીં ગીત તરીકે પસંદ થયેલું છે ;

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.’

આમ અહીં કોઈ એકાદ ગઝલ ગીત તરીકે ગણીને લેવાઈ હોય તેવું બન્યું નથી. ગુજરાતી કવિતાના એક સામાન્ય ભાવક તરીકે અત્યાર સુધી આ બધી રચનાઓ ગઝલો છે એવું હું સાંભળતો આવ્યો છું. અને આદિલ, બાલાશંકર અને મ. ન. દ્વિવેદીની આ રચનાઓ મને શાળાના અભ્યાસક્રમમાં ગઝલ સ્વરૂપ તરીકે ભણાવવામાં આવી છે. આજે પણ એ સ્વરૂપ તરીકે ભણાવવામાં આવતી હશે એમ ધારું છું. માનનીય શ્રી ચંદ્રકાંત શેઠસાહેબની વિદ્વતા, અભ્યાસનિષ્ઠા અને ખંત વિષે મારા મનમાં પૂરો આદર છે પરંતુ ઉપરની બધી રચનાઓ ગીત છે એવું મારી સામાન્ય સમજણ સ્વીકારી શકતી નથી. વળી આર. આર. શેઠ ઍન્ડ કં. પ્રા.લિ. દ્વારા પ્રકાશિત અને ડૉ. એસ. એસ. રાહી અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સંપાદિત ‘અમર ગઝલો’ પુસ્તકમાં અનુક્રમે પાના ક્રમાંક ૬, ૧૭, ૧૯, ૧૫૨ અને ૨૭૦ ઉપર તો આ બધી રચનાઓ ગઝલ તરીકે બંને સંપાદકોએ સમાવી છે. કોઈ એક રચના ગીતનુમા ગઝલ હોઈ શકે, પરંતુ પાંચ-પાંચ રચનાઓમાં ગીત પણ હોય અને ગઝલ પણ હોય તેવું કઈ રીતે બને? ’અમર ગઝલો’ની આવૃત્તિઓ ઈ.સ. ૨૦૦૭ અને પુ.મુ. ૨૦૦૯માં થઈ ચૂકી છે તો ‘અમર ગીતો’ની આવૃત્તિઓ ઈ.સ. ૨૦૦૦, પુ.મુ. ૨૦૦૭ અને સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૦માં થયેલી છે. આમ એક જ પ્રકાશન-ગૃહની એક જ શ્રેણીમાં ગીત અને ગઝલ એમ બે જુદાં સ્વરૂપોમાં આ પાંચ રચનાઓ ઈ.સ. ૨૦૦૦થી છપાતી રહી છે. જે ગઝલ કોઈ ગાયક દ્વારા ગવાયેલ હોય તે ગીત ગણાય એવી ઉદાર વ્યાખ્યા લઈએ તો પણ બીજી મુશ્કેલી ઊભી થશે દા.ત. આદિલ મન્સુરીની રચના ’મળે ન મળે’ છપાઈ ત્યારે ગઝલ તરીકે જ છપાઈ હશે. ત્યાર બાદ સાત-આઠ વરસે કોઈ ગાયક કે સંગીતકારના ધ્યાને આવતાં તે સંગીતબદ્ધ થઈ હોય તો પ્રથમ સાત-આઠ વરસ તેનું સાહિત્યસ્વરૂપ ગઝલનું અને ત્યાર પછી એનું સ્વરૂપ ગીતનું ગણવાનું રહે? આજની તારીખે શાળા-મહાશાળાઓમાં એને કયા સ્વરૂપે ભણાવવાની થાય? એ રીતે ઘણીવાર ગઝલ ગાતાં પહેલાં કેટલાંક ગાયકો એક બે મુક્તક પણ ગાતાં હોય છે તો તે આવી વ્યાખ્યા પ્રમાણે મુક્તક ગણાય કે ગીત? એ રીતે ભવિષ્યમાં કોઈ સંગીતકાર બ.ક.ઠા.નું સૉનેટ ‘જૂનું પિયરઘર’ કે ‘ઉશનસ્‌’નું સૉનેટ ‘વળાવી બા આવી’ને પણ સ્વરબદ્ધ કરીને ગાય કે ગવરાવે તો તે ગવાયા તારીખથી સાહિત્યસ્વરૂપ તરીકે સૉનેટમાંથી તબદીલ થઈને ગીત તરીકે વર્ગીકૃત કરવાની થાય? અને શાળા-મહાશાળાઓમાં એને કયા સ્વરૂપે ભણાવવાની રહે? સંગીતના આધારે બતાવેલી આવી ઉદારતા સાહિત્યના ક્ષેત્રમાં અભ્યાસકીય કે સ્વરૂપગત અરાજકતા ન સર્જે? કોઈ કૃતિ કયા સાહિત્યસ્વરૂપની છે તેને નક્કી કરવાનો પાયો સાહિત્યના સિદ્ધાંતોથી નક્કી થાય કે સંગીતનાં ધોરણોથી? આશા રાખું છું કે આ અંગે સ્વરૂપના વિશેષ જાણકારો અને વિદ્વાનો ચર્ચા કરી ચોક્કસ માર્ગદર્શન આપશે.

અમદાવાદ

– કિરીટ દૂધાત

[જુલાઈ-સપ્ટે-ડિસે. ૨૦૧૪, પૃ. ૩૪-૩૫]