બે હજાર ચોવીસ સમક્ષ/માણ્યું તેનું સ્મરણ – પ્રાગજીભાઈ ભામ્ભી

From Ekatra Foundation
Revision as of 02:31, 10 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નિબંધ

‘માણ્યું તેનું સ્મરણ’ : પ્રાગજીભાઈ ભામ્ભી

દર્શના ધોળકિયા

મખમલી સ્મૃતિઓની નિશ્રામાં

આ નિબંધસંગ્રહ પૂર્વે શ્રી પ્રાગજીભાઈ પાસેથી નવલિકા, નવલકથા, સંસ્મરણ, વિવેચન, સંપાદન આદિ સ્વરૂપોના દશેક જેટલા ગ્રંથો સાંપડે છે. ‘માણ્યું તેનું સ્મરણ’ પુસ્તક દ્વારા તેમણે નિબંધ- લેખનમાં પણ સાધિકાર પ્રવેશ કર્યો. એ લખે છે કે એમનો ઈડરવિષયક નિબંધ પ્રવીણ દરજી અને સુરેશ જોષીએ પ્રશંસ્યો ત્યારથી એમની નિબંધપ્રીતિ મ્હોરી ઊઠી. આ સંગ્રહમાં ૧૬ નિબંધો છે – જેમાં એમનો ઈડર પ્રદેશ, એ પ્રદેશની સંસ્કૃતિ, એના ઉમાશંકર-પન્નાલાલ જેવા સર્જકો વિશેષતઃ આલેખાયા છે. એ ઉપરાંત એમના જીવનમાં આવેલા એમના વિરલ ગુરુજનો પણ અહીં આલેખ્યવિષય બન્યા છે. કૃતિનો પ્રથમ નિબંધ ‘ચિત્રોડી’ લેખકના જીવનમાં વણાઈ ગયેલું ગામ છે. કેવું છે એ ગામ, એના લોકો અને એની પ્રકૃતિ? – ‘અળખાકાકાની છૂટી ચોપાડમાં બારણા પાસે ભીંતે ઊભો કરેલો તાજી ભીંડીના વાણથી ભરેલો સાગી ખાટલો. આંગણા ફરતી કોટ જેવી વાડ, ઝાંપાનું નાનકડું કમાડ. આંગણા આગળ જ લહેરાઈ રહેલાં ઘઉંનાં લીલાં ખેતરો. શેઢેશેઢે પાંચ હાથની ઊંચી રાઈ. ટોચેટોચે પીળાંપીળાં ફૂલ. વોરાજીની દુકાન. ત્યાંથી ઓઢણીની ફાંટમાં શેર બટાકા ને શીશીમાં ચાર આનાનું સરસિયું લઈને ગાતીગાતી આવતી ભૂરીબેન. ફાગણમાં મહોરેલા મહુડા, આંબા, દેશી ચોખાની ખીચડી, મકાઈના રોટા ને હરબા(સરસવ)ની ભાજી, તાજા પાયેલા ખેતરનાં રીંગણના શાકનો વધાર, સીતાફળ, કેરી, પીઠી, ફૂલેકાં, ગાણાં, ઉંબરિયાનો મેળો, ચગડોળના પાવા, ચવાણું ને મમરી. અને આ બધાને રમણીયતાનો પુટ આપતી ચિત્રોડી-વીરપુરની નદી. (ચિઠોડાનીય ખરી જ). એમની ભાષામાં ‘નઈ’ એટલે નદી – ‘સિટુડાની નઈ’ (ચિઠોડાની નદી). તેનો પહોળો પટ, નગોડોના ઝુંડ. તેમના પર સૂકવેલાં રંગબેરંગી લૂગડાં. ઘરમાં રમતી જુવાનડીઓ ને ઝીલણ વેળાની વાતો. થોડાં જ ખેતર છેટે ચિઠોડા ગામ. નદી ઊતરીને ગામના ઝાંપામાં જ ગલાભાઈની બુટપોલીશની દુકાન. ઘરમાં લીંપેલી ભોંય પર પાથર્યા વગર સૂતેલાં તેમનાં પત્ની મોતીબેન ને ચોપાડમાં દુકાન. ગલાભાઈના હાથનો ઝપાટો, વાતોનો સપાટો. પોલીશની ગંધ ને ખાસડાંનો ઢગલો.’ (પૃ. ૧૦) આ ગામ પ્રત્યેની લેખકની માયા મૂકી મુકાય તેમ નથી. એમના હૃદયમાં એ સ્થિર થઈ ગયું છે. લેખકે પોતાની યુવાનીને ભરપૂર માણી છે. એટલે તો અહીં માણ્યું તેનું મધુર સ્મરણ છે. પોતાની સ્મૃતિમંજૂષામાં સચવાયેલી અતીતની લાખેણી જણસને કોમળતાથી પસવારતા લેખકનું ચિત્ત સમીસાંજે નીકળેલા પોતાના લગ્નના ફૂલેકામાં રમમાણ બને છે : ‘વરરાજા તરીકે ઊઘલીને હું એ લીમડાના થડ પાસે, ઊપસેલા મૂળના આસને બિરાજ્યો છું. આઠ રૂપિયાની ઝીણી ધોતલી, નવ રૂપિયાના લાલ બૂટ, બોસ્કીનું ખમીસ, વરવાઘા માટે માગી આણેલો જૂનો જરિયાન જામો, અબરખની છાંટવાળો લાલ ફેંટો, ઉપર છોગું. પીઠી ભરેલા અંગ પર આ વેશ ભલો ભજ્યો હતો. તેમાં આખર-પાખર જાનૈયા-જાનડીઓનાં ઝોલાં : ધીરો ધીરો વાયરો : વૈશાખનો ચડતો તાપ એ વાયરાને લીધે વારુમાં હતો. ગાણાંની તો રંગસેર!’ (૩૨-૩૩) જીવતરના આ મહત્ત્વના લ્હાવામાં આ વરરાજા રમમાણ થઈ ગયા છે. ચિત્રોડી જેવી જ લેખકની બીજી પ્રિય જગ્યા શામળાજી : ‘એ દિવસોની મારી ભરી જુવાનીમાં ફુલેકાની ચમકતી ઘોડી પર સવારી કરી હોય એવું શામળાજીમાં ફરવાનું. ચાલવાનો પગને નશો ને મન બાગ બાગ!..... એમ લાગે છે કે જાણે શામળાજી ગામ પર મંદિરના ચાર હાથ છે.’ (૪૧–૪૨) આ નિબંધોમાં ઈડર પ્રદેશે આપેલા ગુજરાતીના બે મહાન સર્જકો ઉમાશંકર અને પન્નાલાલ પણ લેખકના હૃદયના પટ પર એમનાં પદચિહ્નો અંકિત કરી ગયા છે. અહીં ત્રણ નિબંધો ઉમાશંકરને લક્ષે છે. ‘વળાંક પર’, ‘વાત બામણા ગામની’ અને ‘બામણા : ઉમાશંકર જોશીનું ગામ’. બામણાથી થોડેક દૂર વળાંક નામની જગ્યાએ એમને એકવડા બાંધાના, ચશ્માં, ખાદીનો સફેદ ઝભ્ભો અને ધોતી, ખભે શાલ ને પગમાં ચંપલ પહેરેલા ઉમાશંકરનો અચાનક ભેટો થઈ જાય છે અને તેઓ નોંધે છે : ‘વાતાવરણ હુંશીલું બની રહ્યું.’ કવિની સાથે ચાલેલા મૌન સંવાદની સાથોસાથ કવિ સાથે થયેલો મુખર સંવાદ, અને કવિની વાતો પણ એ વળાંક પર લેખકના ચિત્તમાં કવિને અમીટ છાપ પાડતી ગઈ. કવિ જેટલું જ લેખકે ચાહ્યું છે કવિનું ગામ બામણા. કેવું છે આ ગામ? : ‘દિવાળી ટાણે ને પછી ઉનાળામાં લગનગાળામાં, મુંબઈ ગયેલું બામણા પાછું આવીને મહિનોમાસ મૂળ બામણામાં સમાઈ જાય. ગામમાં રોનક પથરાઈ જાય. ઉમાશંકરે એક કાવ્યમાં ઉનાળાને જોગી કહ્યો છે. ‘વા વૈશાખી પ્રબળ વહેતા’ એમ ખરું પણ બામણાનો ઉનાળો તો જોગી નહીં, ભોગી બની રહેતો. ભલે માથું ફાટે એવો તાપ પડતો. લગનના લ્હાવમાં એય પરસેવો થઈ તણાઈ જાય. રસ ને પૂરી ને કારેલાં. ગણતાં થાકો એટલી વાનગીઓ. બંધ મકાનોનાં તાળાં ખૂલી જતાં ને અંદર મુંબઈનું મનેખ ટહૂકા કરી ઊઠતું. ચૈત્ર-વૈશાખના ગાળામાં તો લગ્નો જ લગ્નો. બામણાની સિમેન્ટ મઢી શેરીઓમાં મારુતિ જતી દેખો તો ઇન્ડિકા આવતી, માર્શલ ને ટાટા સૂમોય ફરતી નજરે પડે. મોટરસાઈકલો ને સ્કૂટરોનો તો પાર નહીં. અને ઢળતી સાંજે મુંબઈવાસી બ્રાહ્મણ તરુણીઓને હાથમતી જલાગારની પાળેપાળે ટહેલતી જુઓ. ઈડરિયા મિશ્રિત એવી બમ્બઈની જબાન સાંભળો. મુંબઈથી આવેલા ગલગોટાના ફૂલ સમા બાલચહેરાઓ. આંબે ઝૂલતી શાખો ને બ્રાહ્મણો જેને ઇતરકોમમાં ગણે છે તે મહેનતિયા વસતીના ફળિયાઓમાંથી આવતા લગ્નગીતોના સૂરો. અને તેમનાં સૂકાં ભઠ્ઠ, તરડેલાં ખોળિયાં.’ (પૃ. ૯૩) બામણા સાથે લેખકનાં લટિયાં ગૂંથાયેલાં રહ્યાં છે. એટલે જ બામણા વિશેના ત્રીજા નિબંધમાં લેખક નોંધે છે : ‘બ્રાહ્મણ ફળીમાં મીઠા પાણીનો કૂવો પણ હોય. મોળા પાણીમાં કંઈ ઉમાશંકર પાકે?’ (એજન, પૃ. ૧૦૧) સર્જકને વિષાદ એ વાતનો છે કે ઉમાશંકર તો સો ટકા બામણાના હતા પણ બામણા એમનું કેટલું થયું? ઉમાશંકર જેટલો જ આદર લેખકને પન્નાલાલ પ્રતિ પણ છે. એમના વતન માંડલીમાં લેખક જઈ ચડ્યા છે. ને પન્નાલાલના કુટુંબમાં થતાં લગ્નમાં ભાગ લીધો છે. આ માંડલી લેખકના ચિત્તમાં કેવું તો ઘર કરી ગયું! : ‘માંડલી છોડ્યું ત્યારે મને તો ચગડોળમાંથી ઊતરી પડ્યા કે ઉતારી દીધા જેવું જ લાગ્યું! તે દિવસે અમે કંઈ એકલું માંડલી નહોતું જોયું. પન્નાલાલ પટેલનો સમગ્ર પિયર પ્રદેશ જોયો હતો. માંડલી જેના મર્મ ભાગમાં વસેલું છે તે ઈશાનિયો દેશ જોયો હતો. તેના વગડા ને મગરા, ખેતર ને પાદર, ઝાડ ને વાડ, નળિયાં ને વાડ્યો! અને ત્યાંનું મનેખ! એ મનેખમાં હજી પન્નાલાલ ધબકે છે.’ (પૃ. ૩૧) લેખકે મોડાસા કૉલેજમાં ઘડાયેલા ને ધબકેલા પ્રતિબદ્ધ અધ્યાપકોને પણ અહીં સ્મર્યા છે; જેમાં મહેન્દ્ર અમીન અને દિગીશ મહેતા મુખ્ય છે. આ સૌને સ્મરતાં લેખકનું મન ભીનું થઈ જાય છે. પગ વિશે વાત કરતાં માનવીનું મહત્ત્વનું અંગ પગ મનુષ્યજીવનમાં કેવીકેવી રીતે વિસ્તર્યા છે એની વાત માંડે છે : ‘શગ-મોતીડે ભરેલા થાળને પાલવ વડે ઢાંકી રૂમઝૂમ નાદે મંદિરના પગથિયે ચડતા પગ, નવરાત્રિએ પગના ઠેકાને હાથની તાળીઓ વડે ગરબે ઘૂમતી ગોરીઓના પગ. પ્રિયતમ જાગે નહીં તે રીતે તેના મુખસૌંદર્યને નીરખવા પગનાં ઝાંઝર ઊંચાં ચડાવી ચોરી ચોરી ચૂપકે ચૂપકે ચાલી રહેલા મદનસુતા વિષયાનાય પગ. ...પગ તો પશુ અને પંખીને પણ હોય છે. પણ પૂજ્યાપાત્ર પગ તો મહાનુભાવ માનવીઓના ગણાયા છે. જુઓ તો એમાં શ્રમની જ ભૂમિકા છે. સંસ્કૃતિનો આધાર માનવી ને તેના આધાર પગ. આપણે પુરાણો લોકપરંપરામાંથી ઉદાહરણો આપ્યાં તે હજારો વરસના સાંસ્કૃતિક ઇતિહાસમાં માનવીની જે ભૂમિકા છે ને એમાં જે શ્રમનો મહિમા રહેલો છે તેની સાખ પૂરે છે. વિકાસની અદ્‌ભુત લાગતી હજારો વરસની પ્રક્રિયા વિજ્ઞાનસંમત છે. મનઘડંત નહીં.’ (૯૦) આ નિબંધોમાં જયંત પાઠકની યાદ અપાવે એવો અતીતરાગ પણ દેખાય છે : ‘વર્તમાન વાસ્તવિકતા, ભવિષ્ય આશા ને અતીત? અતીત સ્મરણોથી સોહે છે. સ્મૃતિના જળમાં ઝબોળાઈને રસભીનો બની જાય છે. આપણા જીવનમાં ઘટેલું જે જે સ્મરણીય તે તે બધું જ રમણીય બની રહે છે. સ્મૃતિનાં જળ જેમ ઊંડાં તેમ રમણીયતા વધુ. પાંત્રીસ વરસ ઊંડા સ્મૃતિજળમાં ડૂબકી લગાવી છેક પહોંચીને આંખ ખોલું છું તો બધું જ રંગીન રંગીન દેખાય છે. નજર-લોભાવણ દૃશ્યો પસાર થતાં જાય છે. એમાંના એક રમણીય દૃશ્ય પર નજર ઠરે છે : ઝાલાનો મેળો. રાતનો સમો છે. અડપોદરાનો ડુંગર ડોલી ઊઠ્યો છે. ઠેરઠેર જુવાનીની મોસમ ને જુવાનીના મોલ. પનનાલાલને કદાચ મેળામાં જ જુવાનીએ ડંખ માર્યો હશે. ઘાયલ જ કહી શકે કે ‘જુવાની વસ્તુ જ ઘેલી છે ને તેમાંય આ તો મેળે આવેલી.’ આવીઆવીને મેળામાં ઠલવાતાં, ઝૂમતી જુવાનીનાં ઝોલાં સાગરછોળ શાં ઊછળે છે! એક એક પે અદકાં રંગબેરંગી મોજાં ઘૂઘવી રહ્યાં છે.’ (એજન, પૃ. ૧૭) ‘વાસ્તવિકતા તો એ છે કે ગયેલો જમાનો પાછો આવતો નથી કે ત્યાં પાછું જવાતુંયે નથી. તેમ છતાં મન તો એમ જ કહે કે સ્મરણો અતીતને સાદ પાડી, પાછો બોલાવીને સજીવન કરી દે છે. વીતી વાતોને અજવાળીને હતી તેથી અધિક સુંદર કરી દે છે. આ દુનિયા તો છે જ પણ સ્મરણોની યે એક વિરલ દુનિયા છે. સ્મરણો દ્વારા અતીતની યાત્રાએ જઈ આવીએ છીએ ત્યારે અણિયાળા વર્તમાનની ભેંકાર વાસ્તવિકતાનો સામનો કરવાની ઊર્જા પણ લઈ આવીએ છીએ.’ (પૃ. ૨૩) સમગ્ર કૃતિમાં વ્યક્ત થયેલી પ્રદેશપ્રીતિ, એ કાલખંડ, એ સમયનાં સરળ, મુગ્ધ લોક, જીવનરસથી રસબસતું નાનકડું ને છતાં વ્યાપકતા ધરાવતું જનજીવન, એ સમયનું શિક્ષણ, એ શિક્ષણને સાચવતા વિદ્યાનિષ્ઠ અધ્યાપકો – આ સઘળું લેખક ઝીલી શક્યા છે. એમની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, ને એમનામાં વહેતી જીવનપ્રીતિને લઈને. એટલે મહિમા જેટલો આ સૌનો છે એની લગોલગ લેખકમાં પડેલી લીલપનો પણ છે.

[ઝૅડકૅડ પ્રકાશન, અમદાવાદ]