બે હજાર ચોવીસ સમક્ષ/સજાનો સમય – મણિલાલ હ. પટેલ

From Ekatra Foundation
Revision as of 02:51, 12 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિતા

‘સજાનો સમય’ : મણિલાલ હ. પટેલ

યોગેશ વૈદ્ય

ભીતરી રંગોને ઘૂંટવાની કવિ-મથામણ

મણિલાલ હ. પટેલ એક મહત્ત્વના અનુઆધુનિક સર્જક છે. ‘સજાનો સમય’ એ, સતત જમીન સાથે જોડાયેલા રહેતા આ કૃષક કવિનો સાતમો કાવ્યસંગ્રહ છે. ૬૯ રચનાઓને સમાવતા આ સંગ્રહમાં અછાંદસ કાવ્યોનું બાહુલ્ય છે. સાથેસાથે થોડી ગઝલો, થોડાં ગીતો અને ચાર સૉનેટ પણ આપણને મળે છે. દરેક સર્જક માટે તેનું સર્જનકાર્ય એ એક યાત્રા હોય છે. ૧૯૮૩માં પ્રગટ થયેલ કવિના કાવ્યસંગ્રહ ‘પદ્મા વિનાના દેશમાં’-માં નવોન્મેષ ભરી કવિતા ‘પ્રેયસી – એક અરણ્યાનુભૂતિ’થી શરૂ થયેલો કવિનો કાવ્યપ્રવાસ આ સાતમા સંગ્રહે પહોંચતાં ‘સજાનો સમય શરૂ થયો છે/ વિદાય કરી દે કાળા પહેરાઓને/ કોઈ કોઈને બચાવી શકતું નથી’ (૯) જેવી વિરતિજનક કાવ્યપંક્તિઓ પાસે આવીને ઊભેલો મળે છે. સંગ્રહમાં શરૂઆતનાં થોડાં કાવ્યોમાં કવિએ બદલાતાં જીવનમૂલ્યો સામે અવાજ ઉઠાવ્યો છે – ‘મકાઈના મોલ વાઢીને/ ઈંટોના ભઠ્ઠાઓ ખડકી દે છે/ ઘઉં કરતાં ઈંટોના ભાવ વધુ મળે છે/ બળતી માટીની ગંધ સીમમાં/ સામ્રાજ્ય જમાવી રહી છે’ (૨૧). કવિના થયેલા મોહભંગને વાચા મળી છે – ‘સમ્બન્ધોને સુવર્ણફળ સમજી બેઠેલો-/ હું મૂળમાં પેઠેલી ઉધઈને અવગણતો રહ્યો’ (૧૭). આ મોહભંગનો નિર્વેદ પણ પ્રગટ થયો છે – ‘હું અને આંસુ બંને બેઠાં છીએ-/ એક બીજાને ટેકે ટકવાની રમત રમતાં.’ (૧૭). તો વળી ‘હું યે ‘રીટર્ન ટિકિટ’ લઈને જ આવ્યો હતો/ દયાવાન કમ્પ્યુટર તારીખ લખશે ટિકિટ પર’ (૧૭). અને ‘હવે આપણે નહિ મળીએ/ સમજણની ડાળે કળીઓ બેઠી છે/ ને કેડીએ કેડીએ દીવા બળે છે.’ (૧૮).માં કવિ પોતાના નિર્વાણની તૈયારી કરતા પણ જોવા મળે છે. જો કે આ જીવનદત્ત વિરતિ, આ જીવનમૂલ્યો પ્રત્યેના મોહભંગનો નિર્વેદ, આ આક્રોશ, આ સંગ્રહમાં આગળ જતાં વધુ વિસ્તરતા નથી અને તેમની પોતીકી ગ્રામ્યચેતનામાં રમમાણ રહેતા, જીવનનાં ધબકાર સાથે પોતાના જીવનના કડવા-મીઠા અનુભવના પક્વ ફળને પોતાના કરચલીયાળા બે હાથોમાં લઈને ઊભેલા કવિ મણિલાલ જ આપણને મળતા રહે છે. કવિએ ઘડેલી ‘માટી સત્ય છે’-ની વિભાવના જ કાવ્યસૂત્ર બની રહે છે જે હકીકતે કવિ માટે, કવિતા માટે અને આપણા સહુ માટે શ્રેયસ્કર થયું છે. કોઈ પણ સર્જકના જીવન દરમ્યાન કાળક્રમે થયેલાં ચૈતસિક પરિવર્તનો તેના સર્જનમાં જાણ્યે-અજાણ્યે, સીધી કે આડકતરી રીતે ક્યાંક ઝિલાતાં હોય છે. તેની તપાસ એ પણ એક અલાયદો અને ઘણો રસપ્રદ અભ્યાસનો વિષય છે. ચિત્રાત્મકતા એ મણિલાલ પટેલની કવિતાનો ઊડીને આંખે(હૈયે!) વળગતો ગુણવિશેષ છે. ‘ખોબા-ના પહાડોમાં વર્ષા : એક અનુભૂતિ’ કવિતામાં ‘તળેટીનાં ઘાસ છેક પર્વતશૃંગ જઈ પૂગ્યાં છે/ ઊગ્યાં છે અગોચરમાં વૃત્તિ થઈને જળ-તરુ/ આંખોમાં અચરજભરી માળામાં પાંખ બીડીને/ બેઠેલાં વિતાનપ્રેમી વિહગોના શ્વાસ સંભળાય છે/ નતમસ્તક નેહધારાને ઝીલતાં-નીતરતાં/ વિનમ્ર વૃક્ષોની પ્રદક્ષિણા કરે છે અગિયાઓ અહોરાત...’(૨૮)-ની ચિત્રાત્મકતા આવા સુંદર કાવ્યાત્મક અંત સુધી આપણને લઈ જાય છે : ‘વર્ષા વસ્તીની નહીં, વર્ષા તો પહાડોની-તરુવરોની..!/ હે વરુણ દેવતા!/ અમને અપરાધીઓને ક્ષમા કરો.. ક્ષમસ્વ..!!’ (૨૮). ‘પંખી’ કાવ્યમાં એક પંખી ડાળ પર આવી બેસે, જરા ઝૂલે અને ઊડી જાય તે દરમ્યાનમાં આખો વનવગડો આપણી અંદર-બહારમાં વિસ્તરી જાય છે અને એક સહજ કાવ્યછાયા લઈને ખાલી ડાળખી ઝૂર્યા કરે છે. ‘રાત્રીદર્શન’ અને ‘હું રાહ જોઉં છું’ કાવ્યો પણ એક આવાં જ આસ્વાદ્ય થયાં છે. ‘વળી વતનમાં’ કાવ્યનું આ દૃશ્ય જુઓ : ‘માથાબોળ નાહેલી સાંજનાં/ સૂનાં અંધારાં મને ઘેરી વળ્યાં/ તરસ્યાં ખેતરો તડપી ઊઠ્યાં રોમેરોમ.../ ખેડેલાં ખેતરમાં તરફેણો ફરે એમ/ ઋતુઓ ફરી વળી લોહીમાં.’ (૫૧) તો “એક બપોર પછી’ કવિતામાં ઊભરી આવેલી ચિત્રાત્મકતા ‘આગિયાઓ બત્તીઓ લઈને/ રાતને પરણાવવા નીકળી પડ્યા છે/ છાણામાં ભારેલો અગ્નિ/ હજી ઓલવાયો નથી.’(૬૨) દ્વારા કાવ્યસિદ્ધિ પામે છે. આ કવિ જે રીતે પોતાની પાંચેય ઇન્દ્રિયો દ્વારા પ્રકૃતિને પામે છે. પ્રમાણે છે અને નિરૂપે છે એટલી જ નિસબતથી પોતાના કુટુંબને, માને, પિતાને, જૂના ઘરને અને ગામને ચાહે છે. તેમના વિયોગમાં સતત વલોવાય છે. તેમના એ ઊંડા અનુરાગની, તેમની સાથેના કવિના સંબંધોની કડવી-મીઠી બાબતોનું બહુ પ્રામાણિક આલેખન કેટલીક કવિતાઓને ખરી ઊંચાઈ આપે છે. ‘શું હોય છે પિતાજી...?’ એ કાવ્ય આ સંગ્રહનું એક ઉત્કૃષ્ટ કાવ્ય છે. આખું જ અહીં ઉતારવાનું મન થાય તેવું! તેનો અંત જુઓ : ‘પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં/ ઝળઝળિયાં થઈને વહી ગયેલાં વર્ષો જોયાં/ હતાં../ મા શું હોય છે?- / એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે../ પરંતુ/ પિતાજી શું હોય છે?- / એ તો એમના ગયા પછી જ/ સમજાય તો સમજાય કોઈકને !!’ (૭૨). ‘પિતાજીને : ચાર સૉનેટ’માંનાં ચારેય સૉનેટ પણ એટલાં જ નોંધપાત્ર થયાં છે. શિખરિણીમાં વહેતો કાવ્યપ્રવાહ કાવ્યોના ભાવને બરાબર ઘેરો બનાવતો જાય છે. પિતાના પોતા સાથેના સંબંધને, સંસ્મરણને ઘૂંટતાંઘૂંટતાં કવિ અંગત જીવનની કેટલીક એવી કઠોર હકીકતોને ઉજાગર કરે છે જે ખરેખર તો અંગત ન રહેતાં આપણા સહુની બની જતી પમાય છે : ‘તમારી વાતો મેં અવગણી ઘણી, એ ખટકતું/ રિવાજો પાળ્યા ના; અવનવું કરું એ ય કઠતું.’ (૭૫) આ ચારે ય સૉનેટોમાં અનુભૂતિની સચ્ચાઈ અને કવિની સંબંધો પ્રત્યેની પ્રામાણિકતા ખૂબ જ ભાવપૂર્ણ રીતે ઊતરી આવ્યાં છે. નિઃશંકપણે આ સૉનેટા કાવ્યસંગ્રહનાં ઉત્તમ કાવ્યો છે અને તેના વિષય અને ભાવ-નિરૂપણને લઈને આપણી કાવ્યસંપદામાં થયેલાં વિશિષ્ટ ઉમેરણો પણ છે. પહેલા સૉનેટનો ખૂબ જ હૃદયસ્પર્શી ત્રીજો બંધ મારી વાતના સમર્થન માટે અહીં મૂકું છું : ‘પખાળી કાયાને સરિત જળથી, શાંત કરવા/ ઘણા સંતાપોથી હૃદય બળતું, આજ ઠરવા.../ કપોલે ભાલે ને ઉર ઉપર અંઘોળ કરતાં/ નર્યાં ઘીનો! અંતે શબ અગન મૂકી કગરતા.../ ઉરે ઊઠે આંધી : ઘણું ય પજવ્યા માફ કરજો/ તમારી પેઢી તો શુભ શિવ પથે! શાંતિ ધરજો.’ (૭૩) કવિએ આ સંગ્રહમાં થોડી ગઝલો અને થોડાં ગીતો પણ આપ્યાં છે પણ અહીં ગઝલ અને ગીતો કવિની તાસીરને માફક આવતાં જણાતાં નથી. ‘ઘર’ કાવ્ય એક રમણીય વિશ્વ ઊભું કરી આપે છે. ‘માણસ ખૂટે છે’ કાવ્યમાં નિતાંત, નર્યા પૃથ્વીતત્ત્વને કવિએ આલેખ્યું છે જે આગળ જતાં ‘સજા ઝંખતા પ્રેમનું કાવ્ય’માં સુપેરે વધુ વિસ્તર્યું છે. ‘માટી-મિલાપ’માં વતન-પ્રવેશ સંતર્પક રીતે આલેખાયો છે તો ‘દેશ-વિદેશ’માં પણ ગામઝુરાપો વ્યક્ત થયો છે. અહીં કોરોનાકાળની કવિતાઓ છે તો આપણને ‘DP-માં ઊભેલી પ્રેયસી’નો મોં-મેળાપ પણ થાય છે. આંખના ઑપરેશનની ઘટના કવિને (અને આપણને) ‘આંખો શું કામની હોય છે?’ અને ‘જાત સાથે-’ જેવાં બે, જાતમાં ડૂબકી લગાવતાં કાવ્યો આપે છે. તો ‘હોવા-ન-હોવા વિશેનાં કાવ્યો’માં કવિ ભીતર-બહારને પામવાની મથામણ કરતા, તેને આટોપવાની તૈયારી કરતા પમાય છે. પ્રગટ થઈ રહેલા અન્ય કાવ્યસંગ્રહોની જેમ અહીં પણ થોડાં કાવ્યોની જાતરા તેના ગંતવ્ય સુધી પહોંચી શકતી નથી. આ કવિ જ્યારે પોતાના સ્વાભાવિક ભાવપ્રદેશની બહાર જઈને કવિતા કરવા મથે છે ત્યારે થોડા બોલકા બની જતા પમાય છે. કવિના હાથથી છટકી જતાં થોડાં કાવ્ય-મત્સ્ય અહીં પણ છે. ‘તમારા માટે લખેલાં કાવ્યો’માં ‘તમને ‘આવજો’ કહેવા/ ઊંચકાયેલો હાથ/ હવે સાવ જ/ એ ક લો / પ ડી ગ યો છે’ (૪૨) જેવી સબળ કાવ્ય-પંક્તિઓ પછી ‘એ એકલો! ને હું પણ...’નું ઉમેરણ બિનજરૂરી લાગે છે. છતાં મારી ટાંચણપોથીમાં ટંકાયેલી આ સંગ્રહની આ અને આવી અનેક પંક્તિઓ મને આ કવિમાં અને તેમની કવિતામાં પ્રગટેલી શ્રદ્ધાને અકબંધ રાખવા માટેનું પૂરેપૂરું બળ આપે છે : ‘ઋતુઓ રાયણ, જાંબું, શિંગોડાં, કોઠમડાં થઈને/ ઓરડે ઓરડે ફરી વળતી- એય જાણે/ સાસરેથી સુવાવડ કરવા આવેલી બહેન જેવી’ (૨૪) ‘ધુમ્મસ તો મારી બા-ની ઉદાસી’ (૧૮), ‘પારકી સ્ત્રીના પ્રેમ જેવો ઉભડક-/ દિવસ ચાલ્યો જાય છે પાછું જોયા વગર.’ (૪૬), ‘સોનાની બંગડી જેવું અમારું ઘર/ ડૂબેલું છે સૂનમૂન સન્નાટામાં’(૪૬). અનુઆધુનિક કવિઓમાં મણિલાલ હ. પટેલનો એક અલગ અને અગ્રિમ અવાજ રહ્યો છે. ‘પદ્મા વિનાના દેશમાં’ની પ્રકૃતિ, અરણ્ય અને રતિના ઇન્દ્રિયસંતર્પક કલ્પનમઢી કવિતાઓથી શરૂ થયેલી તેમની કાવ્યયાત્રા આગળ જતાં આધુનિક સાહિત્યે પ્રયોગશીલતાના નામે ફેલાવેલી દુર્બોધતાની વચ્ચે કવિ મણિલાલે જનસામાન્ય સાથે અનુસંધાન સાધતી, તેમને માટી અને મૂળ સાથે જોડી આપતી ગ્રામચેતનાની કવિતાનાં મંડાણ કરેલાં અને આગળ જતાં તેઓ આ જ ગ્રામચેતનાને આલેખતા આપણા એક મહત્ત્વના અનુઆધુનિક કવિ-અવાજ તરીકે સ્થપાયા અને બન્યા રહ્યા છે. પોતાના જીવનની પોણી સદીના સંવેદનસભર વળાંક પર આવીને ઊભેલા આ કવિના સાંપ્રત અનુભૂતિઓની આડકતરી છાપ ઉપસાવતા આ સાતમા કાવ્યસંગ્રહને આપણે હૃદયપૂર્વક આવકારીએ.

[રન્નાદે પ્રકાશન, અમદાવાદ]