‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/...દીર્ઘસૂત્રી લખાણ કરવાની આદત નથી : દીપક મહેતા

Revision as of 11:26, 12 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૧ ગ
દીપક મહેતા

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૬, હેમન્ત દવેની પત્રચર્ચા]


પ્રિય રમણભાઈ, ૧. ‘પ્રત્યક્ષ’ના ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાં પ્રગટ થયેલા છાપેલી છેંતાલીસ લીટીના મારા પત્રને નાને માથે આશરે ૨૯૫ છાપેલી લીટીના પત્રની મસમોટી પાઘડી પહેરાવવા બદલ હેમંત દવેનો અને તમારો આભાર. ૨. પાંડિત્ય-પ્રદર્શન ખાતર દીર્ઘસૂત્રી લખાણ કરવાની આદત નથી તેથી શક્ય તેટલા ટૂંકાણમાં મારો પ્રતિભાવ જણાવીશ. ૩. પત્રમાં પાદનોંધ કે પુચ્છનોંધની જરૂર ન હોય તેવી માન્યતાને કારણે અહીં તેમનો ઉપયોગ પણ નહિ કરું. (એક આડ વાત : છેલ્લા કેટલાક વખતથી યુરપ-અમેરિકામાં મોટાભાગનાં વિરામચિહ્નો તેમ જ ફૂટનોટ્‌સ અને એન્ડનોટ્‌સનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવાનું વલણ વધતું જાય છે. પણ આપણા અભ્યાસી-વિદ્વાનો હજુ જૂની બ્રિટિશ પરંપરાને જ વળગી રહેવાનું પસંદ કરે છે.) ૪. હેમંત દવે : ‘હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ.’ જો કારણો હોય તો તે રજૂ કરવાની કોઈ પણ સાચા ‘અભ્યાસી વિદ્વાન’ની ફરજ ન ગણાય? અને તેઓ કારણો રજૂ ન કરે તો પણ બીજા બધાએ વિના-કારણ પણ એમની વાત શિરસાવંદ્ય માની લેવાની? ૫. અભ્યાસી કે વિદ્વાન હોવાનો દાવો ન જાતે કરનાર કે ન કોઈ મિત્ર પાસે કરાવનાર એક નાચીઝ પત્રલેખકે તેના પત્રમાં ચાર-ચાર કારણો આપ્યાં હોય તો તે અંગે થોડોક વિચાર કરવાની અભ્યાસી વિદ્વાનને જરૂર લાગે નહિ? ૬. સંસ્કૃત વ્યાકરણની પરિભાષા કોઈ સ્થાનિક જણ પાસેથી જાણીને કોઈ અંગ્રેજ પોતાના પુસ્તકમાં વાપરી જ ન શકે? પરિભાષા કોઈ પંડિત પાસેથી જાણી હોય તો તેટલા ખાતર ડ્રમન્ડનું વ્યાકરણ ‘મૌલિક’ નહિ, પણ ‘અનુવાદ’ બની જાય? ૭. હિન્દુસ્તાનને અને તેને લગતી બાબતોને સમજવા-શીખવા માટે ઘણા અંગ્રેજો નિષ્ઠાપૂર્વક સ્થાનિક લોકોની મદદ જરૂર લેતા. તે માટે પોતાને પૈસે પગારદાર નોકરો રાખતા (જેમ એલેકઝાન્ડર ફાર્બસે દલપતરામને રાખેલા તેમ.) આ રીતે લીધેલી મદદને ચોરી કે તફડંચી કહેવાય? અને ધારો કે દસ મહેતા કે દસ દવે કે દસ અંગ્રેજ ચોરી કરતાં પકડાયા હોય તો તેથી બધા મહેતા અને બધા દવે અને બધા અંગ્રેજ ચોર હોય છે એમ કહેવાય? ૮. હેમંત દવે : “પરદેશી વિદ્વાનોને નામે ચડેલાં આવાં પુસ્તકો એ વિદ્વાનોએ સ્વતંત્ર રીતે, જાતમહેનતથી જ લખેલાં એવું તો રંગદર્શી મુગ્ધ નવઅભ્યાસી માને.” હકીકતમાં સંસ્થાનવાદનો વિરોધ એટલે અંગ્રેજી વિદ્વાનોનો પણ વિરોધ એવો ભગવારંગી અભિગમ જેનો ન હોય તેમને અંગ્રેજ વિદ્વાનોના પ્રદાનને સ્વીકારવામાં મુશ્કેલી ન પડે. વળી ‘મૌલિક’ અને ‘અનુવાદિત’ અંગેના આજના આપણા ખ્યાલો ૧૯મી સદીના ગ્રંથ અને ગ્રંથકારો વિષે વાત કરતાં લાગુ ન પાડી શકાય, કદાચ. ૯. હેમંત દવે : “ટૂંકમાં, પોતાનું પુસ્તક લખવા માટે ડ્રમન્ડે સ્થાનિક પંડિતોની મદદ નહિ જ લીધી હોય એમ, તત્કાલીન બૌદ્ધિક ઇતિહાસની વિગતો જોતાં, માની શકાતું નથી.” બીજા કોઈની મદદ લેવાથી પુસ્તક ‘મૌલિક’ મટી ‘અનુવાદ’ બની જાય? આજના મહેતા, દવે કે ત્રિવેદી બધાં જ પુસ્તકો બીજા કોઈનીયે રજભાર મદદ લીધા વગર જ લખતા હશે? ૧૦. અગાઉ ડ્રમન્ડ અને તેના પુસ્તક વિષે લખ્યું ત્યારે તેના મલબારી ભાષાના વ્યાકરણનો કે તેની પ્રસ્તાવનામાં ડ્રમન્ડે કરેલા બહેરામજી છાપગર અને તેમણે બનાવેલાં પહેલવહેલાં ગુજરાતી બીબાંનો ઉલ્લેખ કેમ નથી કર્યો એવો ઉધડો પત્રલેખકે લીધો છે. આ અંગે જણાવવાનું કે ઓગણીસમી સદીનાં પુસ્તકો વિષે લખવાનું શરૂ કર્યું ત્યાર બાદ થયેલા એક અનુભવ પછી નક્કી કર્યું હતું કે જ્યાં સુધી કોઈ પુસ્તક જાતે, પંડે, પોતે, જોયું ન હોય ત્યાં સુધી તેને વિષે લખવું નહિ. ૨૦૧૫ની શરૂઆતમાં ડ્રમન્ડનું ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ પુસ્તક હાથમાં આવ્યું તે પછી ‘વિશ્વવિહાર’ માસિકના જુલાઈ ૨૦૧૫ના અંકમાં તેને વિષે લખ્યું હતું. લખવાનું લખનારના હાથમાં હોય, પણ અભ્યાસી વિદ્વાનોને એ વંચાવવાનું તો તેના હાથમાં ન હોય ને! (ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ પુસ્તક જોવા-વાંચવાની ઇચ્છા હોય તેવા અભ્યાસી વિદ્વાનો આ નાચીઝનો સંપર્ક કરી શકે છે.) ૧૧. સંશોધન અને અભ્યાસને ક્ષેત્રે મુંબઈના કોઈ પરાનું નામ વટાવીને બનાવટી નામ હેઠળ જે કામ થાય તેને ઝાઝું મહત્ત્વ આપવાની કે ‘શકવર્તી’ તરીકે ઓળખાવવાની જરૂર આ લખનારને જણાતી નથી. ઓગણીસમી સદી વિષે લખવા અંગે કોઈ ‘વાળા’ કે વગરનાનો ઇજારો ન હોઈ શકે. ૧૨. ડ્રમન્ડના વ્યાકરણને ‘ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ’ કહેતી વખતે એ વિધાન ઓગણીસમી સદીનાં છાપેલાં ગુજરાતી પુસ્તકોના સંદર્ભમાં જ થયું છે એટલી સાદી સીધી વાત સમજવા માટે અભ્યાસી વિદ્વાન હોવાની જરૂર નથી. જરૂર છે થોડી કોમન સેન્સની. એટલે ૧૯મી સદી પહેલાંનાં વ્યાકરણોનાં નામ ગણાવવાથી પાંડિત્ય-પ્રદર્શન થતું હશે, કોમન સેન્સનું પ્રદર્શન થતું નથી. ૧૩. યેનકેન પ્રકારેણ પોતાની અને પોતાના મિત્રોની વાત જ સાચી, બીજા બધા તો જુઠ્ઠાડા, એવા અભિગમને પણ ‘નાદાન મુગ્ધતા’ ન કહેવાય? ૧૪. કોઈ લેખ પહેલાં સામયિકમાં છપાય અને પછી લેખક તેને ગ્રંથસ્થ કરે એવું પાતક આ લખનારે પહેલી વાર કર્યું હોય એવું માનવાને કારણ નથી. હા, સરતચૂકથી એક જ લેખ ૨૦૧૦ અને ૨૦૧૫ના, એમ બે પુસ્તકોમાં છપાયો છે એ ભૂલ કબૂલ. આપણી ભાષાનાં પુસ્તકોના ઇતિહાસમાં આવું પહેલવહેલી વાર નહિ બન્યું હોય, છતાં એ તરફ ધ્યાન દોરવા માટે અભ્યાસી વિદ્વાન હેમંત દવેનો આ નાચીઝ લખનાર આભાર માને છે.

મુંબઈ, ૧૮ જુલાઈ, ૨૦૧૬
ફોન : ૯૮૨૧૮૩૨૨૭૦

– દીપક મહેતા