‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/માર્ટીન મેકવાનનાં વિધાનો વિશે
સુભાષ દવે, ડંકેશ ઓઝા, રજનીકુમાર પંડ્યા, મધુસૂદન વ્યાસ, કાન્તિ પટેલ
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે., ૨૦૦૪, ‘સાચું કામ’ એટલે બાળવું કે સમજવું?]
માર્ટીન મેકવાનનાં વિધાનો વિશે ’
૫ ક સુભાષ દવે
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષીય’ (વર્ષ-૧૩, અંક-૪, ઑક્ટો.-ડિસે. ૦૪, સળંગ અંક પર)માં વ્યક્ત થયેલી તમારી નિસ્બત સમયોચિત છે. ‘દલિતશક્તિ’ સામયિકના નવે. ૦૪ના અંકમાં શ્રી ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ અંગે શ્રી માર્ટિન મેકવાને કરેલાં વિધાનો વિદ્રોહી મિજાજનાં છે પણ આવો વિદ્રોહ મારી દૃષ્ટિએ તો ‘સૂઝ વિના અંધારું’ જેવો છે. શ્રી મેકવાનના લખાણમાં મૂળ વાર્તાઓમાં આલેખાયેલી પ્રસંગ-પરિસ્થિતિઓની કેવી અવગણના થયેલી છે, તે વિશે એક અભ્યાસીની સૂઝથી તમે ‘પ્રત્યક્ષીય’માં અજવાળું કર્યું છે. ‘પ્રત્યક્ષીય’ની પાદનોંધ પણ સંપાદકીય દૃષ્ટિને ઉજાગર કરનારી છે. સાહિત્યના ઇતિહાસકાર અને સંશોધકનો યુગપત્ ધર્મ તમે દાખવ્યો છે. એથી એક સાહિત્યપ્રેમી તરીકે તમારો આભાર માનું છું. શ્રી મેકવાનના વિદ્રોહી સૂરમાં માનવીય વેદના ઉદ્દીપન વિભાવ હશે જ, એવો વિશ્વાસ રાખીએ. વળી, પાઠ્યપુસ્તકોનાં સંપાદનોમાં સંપાદકો એમના લખાણો લોકશાહીને અભિપ્રેત માનવગરિમાને યોગ્ય પરિમાણોમાં અભિવ્યંજિત કરે છે કે નહિ, તે વિશે સજાગ રહે એવી અપેક્ષા પ્રગટ કરીએ. પરંતુ, શ્રી ગિજુભાઈની દલિતોને નિરૂપતી તમામ બાળવાર્તાઓને બાળી મૂકવાનો શ્રી માર્ટિનનો નારો તેમના આક્રોશની મુદ્રા નહિ, બાલિશતાને જ છતી કરે છે. એમ દુઃખ સાથે કહેવું પડે છે. તેમની આ બાલિશતા લોકશાહીના ધારકપોષક બળ સમા વિચાર-સ્વાતંત્રના મૂળભૂત હક્કોનો સ્વચ્છંદી ખપ નહિ પુરવાર નહીં થાય તો જ નવાઈ. જીવનવિકાસ એ જ સાંસ્કૃતિક માનવની નિસ્બત હોવી જોઈએ; વિદ્રોહી નારા એ સર્વતોભદ્ર મનુષ્યનો સ્વભાવ ન હોય, ન હોવો જોઈએ.
૬-૨-૨૦૦૫, વડોદરા
– સુભાષ દવે
[જાન્યુઆરી-માર્ચ ૨૦૦૫, પૃ. ૪૪]