‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સમતોલન સાધવું જોઈએ : વિનાયક રાવળ
વિનાયક રાવળ
સમતોલન સાધવું જોઈએ
‘પ્રત્યક્ષ’માં વૈયક્તિક રીતે મને જે ગમ્યું છે એમાં તમારા દ્વારા લખાતાં ‘ટૂંકાં અવલોકનો’ અને ‘પ્રત્યક્ષીય’ પણ છે. તમે સૂઝથી, ગંભીરતાથી અને અત્યંત પરિશ્રમ લઈને આ કામ કરો છો એ માટે સલામ. પણ ‘પ્રત્યક્ષ’ (ઑક્ટો.-ડિસે. ’૯૪)માં કેટલીક સમીક્ષાઓ ઉભડક રહી ગઈ છે. કૃતિની મર્યાદા કે દોષને લેખના અંત ભાગમાં રજૂ કરવામાં આવે અને કૃતિની વિશિષ્ટતા કે લાક્ષણિકતાને આરંભે રજૂ કરવામાં આવે એવું ન બની શકે?૧ બીજું ‘રાતવાસો’ (મણિલાલ પટેલ) વિશેની સમીક્ષામાં જે રીતે મર્યાદાઓ વિશે વિસ્તારથી વાત થવા પામી છે એ રીતે સારી વાર્તાઓ વિશે વિસ્તારથી વાત થવી જોઈતી હતી. ‘ડમરી’, ‘બાંધી મુઠ્ઠી’, ‘તોફાન’, ‘દોઢીમાં’ જેવી વાર્તાઓની વિશેષતાઓ બતાવવા તરફ સમીક્ષકે કાળજી લીધી નથી. એ જ રીતે ‘સંબંધ વિનાના સેતુ’માં ગુણગ્રાહી દૃષ્ટિનો જેટલો સુખદ પરિચય થાય છે એટલું મર્યાદાઓ તરફ ધ્યાન ગયું નથી. સમીક્ષા જ્યારે ઉભડક કે અસમતોલ થઈ જાય ત્યારે ‘પ્રત્યક્ષ’ના ધોરણને કથળાવનારું બને છે. એ રીતે શ્રી ટોપીવાળાનો લેખ સમતોલ સમીક્ષા છે. પણ ‘રેલવે સ્ટેશન’ના નિબંધો વિશે અસમતોલન થવા પામ્યું છે. ‘ઈશ્વર અલ્લા તેરે નામ’ના નિબંધોની મર્યાદાઓ – એમાંની શૈલી અને એની એકવિધતા વગેરે વિશે વાત થવી જોઈતી હતી. કૃષ્ણવીર દીક્ષિતનાં પુસ્તકો વિશે તમે સમતોલન સાધ્યું છે. ને ‘પ્રત્યક્ષ’માં ‘વાચનવિશેષ’વાળો વિભાગ ગમે છે. તમે મુલાકાતોવાળો વિભાગ કેમ બંધ કર્યો?૨ એકંદરે પણ આવું વ્યાપક અસમતોલન રહી જાય છે. છતાં ‘પ્રત્યક્ષ’ની અંદર તમે જે રીતે ગ્રુપબંધી વિના નવાનવા સમીક્ષકોના ચહેરા આમેજ કરતા જાઓ છો એ સારું છે. નહિતર તો આપણે ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિમાં જબરજસ્ત ગ્રુપબંધી ચાલે છે. તમે એનાથી વાકેફ પણ હશો જ. પરંતુ તમને એવું નથી લાગતું કે તમારી પાસે આવતા સમીક્ષાલેખોમાં તમને જરૂરી લાગે ત્યાં તમે થોડું ‘એડિટ્’ કરો?૩
૨-૨-૯૫
– વિનાયક રાવળ
૧. એથી તો એક રૂઢ-યાંત્રિક માળખું ઊભું ન થાય? ને સમીક્ષકોને એવી ફરજ તો પાડી જ ન શકાય ને? ૨. મુલાકાતો હવે ફરી શરૂ કરવી છે – કરવી જ જોઈએ. પહોંચી નથી વળાતું એથી પણ રહી જાય છે. ૩. વીગતલક્ષી લખાવટની રીતે તો દરેક લેખ એડિટિંગ-માંથી પસાર થાય છે. ક્યારેક-લેખક પાસે જ (કે લેખકની સંમતિથી) તથ્યગત ફેરફાર/સંક્ષેપ પણ કરાવાય છે. બધા પ્રેમથી કરી આપે છે. પણ સમીક્ષકનું મૂળ વક્તવ્ય અને અભિપ્રાય ફેરવવા સુધી તો સંપાદકથી ન જવાય ન જ જવું જોઈએ.
– સંપાદક
[રમણ સોની]
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૪, પૃ. ૪૦]