‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પ્રત્યક્ષ’નું લવાજમ અને પોષ્ટમેનની સાહિત્યરસિકતા : ચીમન મકવાણા

From Ekatra Foundation
Revision as of 02:25, 15 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ચીમન મકવાણા

[‘પ્રત્યક્ષ’નું લવાજમ અને પોસ્ટમેનની સાહિત્યરસિકતા]

લવાજમ

સ્નેહીશ્રી, ૧૯૯૭નું લવાજમ મેં અધવચ્ચે મોકલ્યું હતું તેય અધૂરું. તે સમયનો, લવાજમ સ્વીકાર્યાનો પત્ર હમણાં હાથ લાગી ગયો. ફરી વંચાઈ ગયો ને તમે પુછાવ્યું છે એના જવાબરૂપે છેક આજે લખું છું : વાંચવાનું મને નાનપણથી ગમી ગયું હતું. પછી એ વાર્તા હોય કે ધર્મ-વિજ્ઞાનની માહિતી, રસ પડે જ. ઘણાંય મૅગેઝિન અહીં પોસ્ટઑફિસમાં રેપર નીકળી જવાથી રખડતાં, અડફેટે ચઢે છે. અમે જો કે એને પ્રકાશન-સંસ્થાને પરત કરીએ છીએ પણ મારે એ ઝાઝા કામનાં નથી હોતાં. ને જે કામનાં હોય તેને પણ મફતમાં વાંચતાં જીવ કેમ ચાલે? એટલે સામયિકો લવાજમ ભરીને મંગાવું છું – આવકની મર્યાદામાં રહીને. બીજું કે હું સાહિત્યનો વિદ્યાર્થી ન હતો. બી.એ.માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર. પૈસા પ્રત્યે પહેલેથી જ કાળજી વગરનો તે અર્થશાસ્ત્ર કેવુંક રુચે? મિત્રો સાથે ટીખળમાં વિષય પસંદ કર્યો ત્યાં સુધી અર્થશાસ્ત્રના અર્થની ખબર નહોતી. કૉલેજનાં ચાર વર્ષો કૉલેજલાયબ્રેરીમાં, ખાસ તો પન્નાલાલને શોધવામાં ગાળ્યાં. વળી કવિતા-વાર્તા કંપતી આંગળીઓએ લખતો, શરમાતો, મિત્રોને ભાગ્યે જ બતાવતો ને ફેંકી દેતો. સાહિત્યના કોઈ વિદ્વાનને બતાવવાનું તો હમણાં સૂઝે છે. તે વખતે એવી સૂઝ નહોતી. કૉલેજ છોડ્યા પછી ઘેર મજૂરીએ જોતરાયો ને બધું વિસરાઈ ગયું. ઊગતી નવી અનુભૂતિઓ સમાર નીચે દબાતાં ઘાસ-રોડાંની જેમ દબાઈ ગઈ. અધૂરામાં પૂરું તીખો ધીકતો તાપ – ને બધું બળી ગયું –રોટલાની ચિંતા એનાથી બળવત્તર નીકળી. પણ વાચન ન છૂટ્યું. કદીક વાર્તા જેવું લખાઈ જાય – ખાસ ઉપયોગી નહિ. લવાજમ મેં ૧૯૯૮નું મોકલ્યું નહોતું. છતાં તમે અંકો મોકલતા રહ્યા. હું સ્વીકારતો રહ્યો! ૧૯૯૮નો છેલ્લો અંક મળ્યો ને ઊંઘ ઊડી. થોડી હિંમત કરીને ૧૯૯૭નું જે બાકી હતું તે ને ૧૯૯૯નું ભેગું લવાજમ ૧૭૫ મોકલી આપ્યું છે (વ્યાજ વગર). મ. ઓ.ની કુપનમાં પાછળ મારું નામ સરનામું લખેલું હતું તેમાંથી મારું નામ મને મળતી રસીદમાં પરત મળી ગયું. તમને જે કુપન મળી હશે એમાં ફક્ત મારું સરનામું હશે. એવા છીએ અમે જાડી બુદ્ધિના ટપાલીઓ કે જેમને મ.ઓ.ની કુપન કાપતાં પણ નથી આવડતું. હું પણ એ પોસ્ટમેનનો ભાઈ જ. કારણકે મને એટલી તો ખબર હોવી જોઈએ કે નામ સરનામું એવી રીતે લખવું કે જેથી તમને કુપન આપતી વખતે પાછળનું લખાણ કપાઈ ન જાય. છેલ્લે એક વાત જે મારા મનને કોર્યા કરે છે તે અહીં લખી જ દઉં. વર્ષ અગાઉ અહીં સૂરતમાં એમ. ટી. બી. કૉલેજમાં પુસ્તકમેળો હતો ત્યાંથી ત્રણ પુસ્તકો ખરીદ્યાં હતાં. મધૂસુદન બક્ષીનું ‘સાર્ત્રનું તત્ત્વજ્ઞાન’(પ્ર. ગ્રંથનિર્માણ બોર્ડ), ડૉ. હિમાંશી શેલતની એક પુસ્તિકા ‘પરાવાસ્તવવાદ’ ને બીજી અબ્દુલકરીમ શેખની ‘એબ્સર્ડ એટલે...’ નવું જાણવાની મઝા આવી પણ શેખસાહેબની પુસ્તિકાએ નિરાશ કર્યો. હિમાંશીબેનની પુસ્તિકા આનંદ અને સંતોષ આપી ગઈ ને બક્ષીસાહેબે તો મને નાચતો કરી દીધો. વિદ્વતાપૂર્ણ છતાં સરળ ને રસાળ શૈલી ગમી ગઈ. સાહિત્ય અને જે તે વિષય પ્રત્યેની નિષ્ઠા શીખવા માટે બક્ષીસાહેબ પાસે ગયા વગર ન ચાલે. મારામાં વિવેચનશક્તિ હોત તો એ પુસ્તિકા વિશે તમને લખી મોકલવામાં આનંદ આવત. અને કેટલો હોંશભર્યો ‘એબ્સર્ડ એટલે...’ પુસ્તિકા તરફ પણ હું ખેંચાયો હતો! કદાચ વધારે પડતી હોંશ મારી ભૂલ હતી. એબ્સર્ડની વ્યાખ્યા આપી વિસ્તૃત રીતે એની વિભાવનાને સમજાવે એવી અપેક્ષા હતી. પણ લેખક અતિ આક્રોશની કક્ષાએ વ્યક્ત કરતા હોય એવી છાપ પડી. ‘એબ્સર્ડ’ સારું કે ખોટું એની લાહ્યમાં લેખક પડ્યા. ‘એબ્સર્ડ’ના સાહિત્યના લેખકોનાં પુસ્તકો વિશે લખ્યું છે તેમાં પણ એ સંજ્ઞાને નજર સામે રાખીને સમજૂતી આપી હોત તો કંઈ સમજાત. કોઈ પાસે સમીક્ષા કરાવો તો? જોકે આવું સૂચન મારાથી થઈ શકે? ચિંતા એ વાતની છે કે કૉલેજના વિદ્યાર્થીઓ એમાંથી શું શીખશે? કદાચ મારી અણસમજમાં મેં લેખકને અન્યાય પણ કર્યો હોય. નાના માણસને માફ કરવામાં તમારું બધાનું દિલ ઉદાર હશે એમ માનીને આ લખ્યું છે. સર્જાતા ગુજરાતી સાહિત્યની સમીક્ષાની તરસવાળા મારા જેવાને તમારી આ ‘ધર્મની કૂઈ’ શાતા આપી જાય છે. ધન્યવાદ.

સુરત, ૨૧-૧-૧૯૯૯.

ચીમન મકવાણાનાં સસ્નેહ વંદન

[આ મિત્ર સુરતમાં પોસ્ટમૅન છે. યાદ આવે ત્યારે લવાજમ મોકલે પણ પહેલા જ મ.ઓ.ની પહોંચમાંની નાનકડી નોંધે એમની સાહિત્યરસિકતા ને નિષ્ઠા પ્રત્યે ધ્યાન ખેંચાયેલું. મેં વધુ જાણવા ઇચ્છેલું. એનો આ જવાબ. જે કંઈ વાંચ્યું હશે એનો પ્રભાવ એમની લખાવટની શૈલીનેય વળગેલો જણાશે. પણ ભાવના ને સમજ ચોખ્ખાં છે. રસિક અને વિચારનારા વાચકો કોઈપણ ક્ષેત્રમાં પડેલા હોય છે એ દર્શાવવા, વરસ પછી એકાએક હાથ લાગેલો આ પત્ર પ્રગટ કર્યો છે. – સં]

[એપ્રિલ-જૂન, ૨૦૦૦, પૃ. ૩૪-૩૫]