‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/બેત્રણ બાબતે આ અંક વિશિષ્ટ : શરીફા વીજળીવાળા
શરીફા વિજળીવાળા
આ અંક વિશિષ્ટ લાગ્યો
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’નો ગયો અંક બે-ત્રણ બાબતે વિશિષ્ટ લાગ્યો. સૌપ્રથમ તો અરુણાબહેન જાડેજાએ કરાવેલ મરાઠી સામયિક ‘અંતર્નાદ’નો પરિચય બહુ ગમ્યો. ખાસ તો ‘પ્રતિસાદ’ વાળી વાત, પુરસ્કાર તથા વાચકો સાથેની ચર્ચાની વાત વાંચીને લાગે કે શું આવું ખરેખર આપણા જ દેશમાં બનતું હશે ખરું? આપણે ત્યાં તો મળવાનું થાય ત્યારે કે ફોન પર ‘તારું લખાણ ગમ્યું’ એટલું કહીને વાત પૂરી થઈ જાય છે. મોટા ભાગે તો જયંત કોઠારી, ભાયાણીસાહેબ, કનુભાઈ જાની વગેરે ખાસ પત્રો લખીને ખભો થાબડનારા... બાકી તો મોટા ભાગે મૌન જ. હકીકતે ‘તમારું આ ગમ્યું’ એવું સાંભળવા લખનારના કાન તલસતા હોય, અને એવું સાંભળે / વાંચે ત્યારે એને આનંદ થાય જ. (‘અમે આ બધાથી પર છીએ’ એવું કહેનારાને હું તો દંભી કહું) કાશ ‘અંતર્નાદ’ વિશે વાંચીને આપણાં સામયિકો, સંપાદકો, વાચકો, લેખકો... બધા કંઈક ધડો લે! તો કેવું સારું! અરુણાબહેનનો આભાર આટલો સરસ પરિચય કરાવવા બદલ. અમૃત ગંગર સાહિત્યકારો કરતાં વધુ ઝીણી નજરે વાર્તા પણ વાંચે છે એની ખાતરી થઈ ‘કાશીનો દીકરો’ વિશે એમનો લેખ વાંચીને. આપણે ત્યાં ફિલ્મ અને સાહિત્યકૃતિની આટલી ઝીણવટથી અને આટલી ટેક્નિકલ વાતો સાથે કોણ સરખામણી કરે છે? અને છેલ્લે ગુરુ, તમારું ‘પ્રત્યક્ષીય’. તમે જેવા સંશોધકો માગો છો તેવા હવે મળશે ખરા? અમે તો અત્યારે જેમને ભણાવીએ છીએ એ બધાએ એમ.એ. સુધી એક પણ વાર્તા કે નવલકથા નથી વાંચી. બાકીના સાહિત્યપ્રકારોની ને વળી હસ્તપ્રતોની તો ક્યાં વાત કરીશું? ને છતાં રોજેરોજ બે-ચાર એમ.ફિલ., પીએચ.ડી.ના ફોટા તો છાપામાં હોય જ છે! શું કરીશું આનું? સ્તર કથળ્યું છે એવું કહેવાનોય હવે તો કોઈ અર્થ નથી રહ્યો. તમે બધા બહુ સારા સમયમાં અને સારા માહોલમાં રહ્યા. કોશકાર્ય જેવાં મહત્ત્વનાં કાર્યોમાં જોડાયા. મેં તો આ પહેલાંય લખ્યું છે કે તમારા જેવા થોડાક વિદ્વાનો નવી પેઢીના આઠ-દસને આ વિદ્યા નહીં શીખવાડે તો શું થશે? કેમ કોઈ ગંભીરતાથી નથી વિચારતું આ બાબતે?
સુરત,
૨૫-૧૦-૨૦૧૦
– શરીફા વીજળીવાળા
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૦, પૃ. ૫૩-૫૪]