‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/`રૂપાંતર’ વિશે શરીફા વીજળીવાળા
શરીફા વીજળીવાળા
રૂપાન્તર (અમૃત ગંગર) વિશે
પ્રિય રમણભાઈ, છેલ્લાં થોડાંક વર્ષોથી ‘પ્રત્યક્ષ’માં અમૃત ગંગરની કલમની પ્રસાદી મળતી રહે છે. ગુરુ, આપણે ત્યાં ફિલ્મો વિશે ફ્ટકળ, લોકપ્રિય લખાણો લખનારા તો અનેક છે પણ આ રીતે અભ્યાસપૂર્ણ લખાણો લખનાર તો અમૃતભાઈ એક જ છે. વળી મૂળ કૃતિની સાથે સરખાવતા જઈ, ફિલ્મકૃતિની વાત કરવાની એમની રીત, ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલી પરિભાષાઓની સરળ સમજૂતી... આ બધું ક્યાં મળે? સારું છે કે ‘પ્રત્યક્ષ’ આવી જગ્યા ફાળવે છે ને પરિણામે આ સરસ રીતે લખાયેલી વાત અમારા સુધી પહોંચે છે. ગુજરાતી સાહિત્યજગતે કદાચ અમૃતભાઈની જે રીતે લેવી જોઈએ તે રીતે નોંધ નથી લીધી... પણ આ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો માણસ આપણા સૌ માટે માતૃભાષામાં આ બધું કરી આપે છે એની કદર આજે નહીં તો કાલે થશે તો ખરી. મને મજા પડી ‘દેવદાસ’વાળા લેખમાં... વધુ મજા બે તારણથી પડી કારણ મારા તારણ સાથે એકદમ જ મેળ ખાય... (૧) સાહિત્યકૃતિ તરીકે ‘દેવદાસ’ નબળી (૨) સંજય લીલા ભણશાલીની ‘દેવદાસ’નો ભભકો ભારી પણ માંયથી ખાલી... વાહ... ગુરુ, લખાવો હજી અમૃતભાઈ પાસે વધુ ને વધુ... આ વખતે બીજી મજા આવી નરોત્તમ પલાણના લેખમાં... આવી સાચી / કડક થોડીક વધુ સમીક્ષાઓની તાતી જરૂર છે... આ સમયે પલાણદાદા માટે આમ પણ અપાર આદર... થોડો વધ્યો.
સુરત; ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦
– શરીફા વીજળીવાળા
- આ લેખમાળા ચાલુ જ રહેવાની છે. આ અંકમાં, સંયોગોવશાત્ એમનો લેખ નથી – અમૃતભાઈ પરદેશમાં વ્યસ્ત હતા.
– સંપાદક [જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૦, પૃ. ૪૮]